Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી

ચોટીલા, તા.૨૬: ૨૨માં જૈન તીર્થંકર નેમિનાથ ભગવાનની નિર્વાણભૂમિ ગિરનારની તીર્થયાત્રા માટે જૂનાગઢ પધારેલા શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. તથા જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.) કાંતાબા જૈન સંકુલ ખાતે બિરાજમાન છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, ઈતિહાસકાર-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચર, રૂપાયતનના સેવાભાવી મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટી, સ્થાનકવાસી જૈન સંદ્યના શિરિષભાઈ પંચમિયા, રાજપૂત સમાજના રાજેન્દ્રસિંહ રાયજાદા, પ્રો. રાજેન્દ્રસિંહ ઝાલા અને નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયાએ પૂ. સાધુ-સાધ્વી-ભગવંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાહિત્ય-પ્રેમી પૂ. યશેશયશ મ.સા. પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈન-કુળમાં જન્મેલાં ઝવેરચંદ મેદ્યાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.     

નિધનના સાત દાયકા પછી આજે પણ ઝવેરચંદ મેદ્યાણીનું જીવન-કવન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં ઝવેરચંદ મેદ્યાણીનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેમ પૂ. જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ લાગણીભેર જણાવ્યુ હતુ. રાષ્ટ્રીય-ભાવના ધરાવતા પરિવારમાં જન્મેલા પૂ. સાધ્વીવર્યા બેન મ.સા.એ શૈશવમાં શાળામાં ઝવેરચંદ મેદ્યાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં. ઝવેરચંદ મેદ્યાણીની સ્મૃતિમાં મેદ્યાણી-ગીતોનાં સ્વરાંજલિ કાર્યક્ર્મોનું ભવ્ય આયોજન અગાઉ પાલીતાણા અને અમદાવાદ ખાતે પૂ. જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. અને પૂ. સાધ્વીવર્યા બેન મ.સા.ની પ્રેરણાથી થયું હતું. જૂનાગઢ સાથે ઝવેરચંદ મેદ્યાણીનાં લાગણીસભર સંભારણાં પિનાકી મેદ્યાણીએ વાગોળ્યા હતા. ગિરનાર અને જૂનાગઢ વિશે ઐતિહાસિક અને રસપ્રદ માહિતી ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચરે આપી હતી. હેમંતભાઈ નાણાવટી અને ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચરે પુસ્તકો ભેટ આપ્યા હતા.

જેનો ઝવેરચંદ મેદ્યાણીએ પોતાનાં સાહિત્યમાં ઉલ્લેખ કર્યો છે, તે કેશોદ પાસે આવેલ માણેકવાડા સ્થિત મેદ્યાણી-પરિવારના સૂરાપૂરા દાદા નાગદેવતા માલબાપાનાં મંદિર ખાતે પણ દર્શન માટે પિનાકી મેદ્યાણીને રાજેન્દ્રસિંહ રાયજાદા લઈ ગયા હતા.   

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીનાં જૂનાગઢ સાથેનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. સંસ્કૃત ઝવેરચંદ મેદ્યાણીનો અતિ પ્રિય વિષય. તે વખતે કાઠિયાવાડમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સંસ્કૃતના અધ્યાપન માટે સુખ્યાત હતી. પ્રો. મહાદેવ મલ્હાર જોશી જેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન તે વખતે અહીં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા.આથી પ્રેરાઈને ૧૯૧૫માં સંસ્કૃતના સદ્યન અભ્યાસ અર્થે એક સત્ર માટે બહાઉદ્દીન કોલેજમાં જોડાયા.'ધૂમકેતુ' એમના સહાધ્યાયી હતા. જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેદ્યાણી કોલેજ-અભ્યાસ દરમિયાન કાળવા ચોક વિસ્તારમાં આવેલ દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનમાં રહ્યાં હતાં. એ હકીકતનો પુરાવો આજ પર્યન્ત કાળજીપૂર્વક સચવાયેલા સંસ્થાના ૧૯૧૫-૧૯૧૬થી અહેવાલમાંથી પ્રાપ્ત થયેલ છે. અહેવાલમાંની એ વરસના છાત્રોની યાદીમાં ઝવેરચંદ મેદ્યાણીનો ક્ર્માંક ૩૩ પર ઉલ્લેખ છે. સંસ્થાએ ઝવેરચંદ મેદ્યાણીને ત્યારે સંપૂર્ણ ફી માફી આપી હતી. 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'રા ગંગાજળિયો', 'સોરઠી સંતો', 'પુરાતન જયોત'જેવાં એમનાં લોકપ્રિય પુસ્તકોમાં આલેખાયેલા અનેક પ્રસંગોની પૃષ્ઠભૂમિ સોરઠ પંથક છે.

(3:57 pm IST)