Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદમાં વાલ્મિકી સમાજ આયોજીત રામદેવ પીર મહોત્સવમાં ઝવેરચંદ મેઘાણી સંપાદિત પ્રાચીન ભજનો ગુંજયા

લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોના  સંગ્રહ  'સોરઠી સંતવાણી'નું લેખન-કાર્ય પૂર્ણ થયું  ને ૫૦ પાનાંના પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં તેના બીજે દિવસે – ૯ માર્ચ ૧૯૪૭ના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા. આ પ્રવેશકમાં સહુ પ્રથમ બાબા રામદેવ પીરના પટ્ટ-શિષ્ય હરજી ભાટી કૃત 'વાગે ભડાકા ભારી ભજનના'નો ઉલ્લેખ છે. અવસાન પહેલાના છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન ઝવેરચંદ મેઘાણીનું ચિત્ત્। સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા તેઓ સાંભળતા હતા. 'લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે' તેમ તેઓ લાગણીભેર કહેતા.

અમદાવાદ સ્થિત સરદારબ્રીજ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ કવોટર્સ ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા આયોજિત બાબા રામદેવ પીર મહોત્સવમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંપાદિત 'સોરઠી સંતવાણી'નાં પ્રાચીન ભજનો ગુંજયાં. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, અશોકબાપુ, રમેશભાઈ મેર, દશરથભાઈ રાણા, શારદાબેન સોલંકી, દિલીપભાઈ વાઘેલા, કિશોરભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ભગવાનભાઈ પુરબીયા, કિરણભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. યુવાનોની સવિશેષ હાજરી રહી.  

સેવાભાવી ભજનિક ગંગારામ વાઘેલા સાથે પાયલ ગોરીયા અને ધ્વનિ વાઘેલાએ સંતવાણીની રમઝટ બોલાવી. વાગે ભડાકા ભારી ભજનના (હરજી ભાટી), ગુરુ તારો પાર ન પાયો (દેવાયત પંડિત), મેરૂ તો ડગે અને વીજળીને ચમકારે (ગંગાસતી), પાપ તારાં પરકાશ જાડેજા, જેસલ કરી લે વિચાર અને રોઈ રૂઈ કેને સંભળાવું (જેસલ-તોરલ), મેં તો સધ રે જાણીને તમને સેવિયાં (અમરમા), સાધુ તેરો સંગડો ના છોડું (ત્રિકમ સાહેબ), વનમાં તે મૂકી મુંને એકલી રે વણઝારા (કાજી મહમદશા), અજરા કાંઈ જર્યા નહીં જાય જેવાં પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત થઈ. વાદ્ય-વૃંદ વિપુલ સોલંકી (બેન્જો), સચિન ગોરીયા (તબલા), જેકબ ઉસ્તાદ (ઢોલક), કનુભાઈ સોલંકી (મંજીરા)એ પણ બખુબી સાથ આપ્યો હતો.       

ઉપસ્થિત સહુએ બાબા રામદેવ પીરને ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા ૩૫ વર્ષથી અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા સેવાભાવી ભજનિક ગંગારામ વાઘેલાનું અભિવાદન કરાયું. સહુની લાગણી નિહાળીને પિનાકી મેઘાણી ભાવુક થઈ ગયા હતા.

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સંનિષ્ઠ પત્રકાર અને સ્વાતંત્ર-સેનાની ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યમાં વંચિત સમાજના શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે આથી વંચિત સમાજ એમના માટે સવિશેષ આદરભાવ ધરાવે છે. ફાંસીને દિવસે આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈના હાથની બનેલી 'રોટી'ખાવાની અંતિમ ઈચ્છા વ્યકત કરેલી. વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય આ દેશ કયારેય વીસરશે નહિ.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(3:49 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST