Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સરકારી મહેમાન

જળસંચયમાં પહેલા ક્રમાંકે આવેલું ગુજરાત પાણીનો બગાડ કરવામાં પણ નંબર વન છે

ટ્રાફિક ભંગના દંડની રકમ રૂપાણી લાગુ કરશે, મધ્યપ્રદેશ-રાજસ્થાનનો ઇન્કાર : એડીનું દર્દ સહન કર્યા વિના મીનાબજારના આયુર્વેદ વેપારી ગોપીભાઇને મળો : એક કે બે વર્ષમાં ઇલેક્ટ્રિક કાર બજારમાં આવી જશે એવું માનતો વર્ગ વધ્યો છે

ગુજરાતમાં જળસંચય અને જળ સંવર્ધનના કામમાં છેલ્લા ત્રણ વર્ષથી પહેલા ક્રમાંકે રહેલું ગુજરાત પાણીનો બગાડ કરવામાં પણ નંબર વનનું સ્થાન મેળવી રહ્યું છે. રાજ્યમાં પીવાય છે અથવા સિંચન થાય છે તેના કરતાં બમણું પાણી વેડફવામાં આવે છે. હકીકતમાં પાણીની કિંમત તેમને સમજાય છે કે જેમને 48 કલાકમાં એક વાર એક કલાક સુધી પાણી મળે છે. રાજ્યમાં સૌથી વધુ પાણીનો બગાડ સિંચાઇમાં થાય છે. ધોરિયામાં વહેતા પાણીનો સૌથી વધુ બગાડ થાય છે. પીવાના પાણીના એક  સર્વેમાં આપણે એક ગ્લાસ પાણી પીયે છીએ અને ત્રણ ગ્લાસ પાણી ઢોળી દઇએ છીએ. જળસંચયમાં સરકારે ઉચ્ચકોટીના કામ કર્યા છે પરંતુ તેવા કામ હવે પાણીના બગાડ સામે પણ કરવાની જરૂર એટલા માટે છે કે લોકો માટેના કાયદા અને કાનૂન જ્યાંથી બને છે તે સચિવાલયના વિભાગોમાં પાણીનો બગાડ સૌથી વધુ થઇ રહ્યો છે. આ બગાડ બચીચા કે સુશોભનની આઇટમોમાં નહીં પણ વોશરૂમમાં લિકેજ પાઇપો અને ટપકતાં નળના કારણે થઇ રહ્યો છે. ગાંધીનગરના રહેઠાણ અને સચિવાલયના વિભાગોમાં પાણીના મીટર મૂકવામાં આવે તો આખા શહેરમાં પાણીનો જેટલો બગાડ થાય છે તેટલો બગાડ એક માત્ર સચિવાલયના વિભાગોમાં થાય છે.

ટ્રાફિક ભંગનો નવો દંડ લોકો ભરી શકશે નહીં...

1લી સપ્ટેમ્બરથી ટ્રાફિક ભંગ બદલ દંડની રકમમાં અનેકગણો વધારો થયો છે જે સામાન્ય વ્યક્તિ ભરવા જાય તો તેનો મહિનાનો અડધો પગાર સાફ થઇ જાય તેમ છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ નોટિફિકેશન બહાર પાડીને કેન્દ્ર સરકારે નિયત કરેલી દંડની રકમ ગુજરાતમાં વસૂલ કરવા જઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે અમે ટ્રાફિક ભંગના દરોનો 1લી સપ્ટેમ્બરથી અમલ કરી દીધો છે પરંતુ તેની ગાઇડલાઇન ટૂંક સમયમાં જાહેર કરાશે. બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની સરકારે આ નવા દરો લાગૂ કરવાનો ઇન્કાર કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે આટલી મોટી રકમનો ભારે દંડ અમારા રાજ્યની જનતા ભરી શકે તેમ નથી તેથી અમે જનતા પર બોજ વધારવા માગતા નથી. આવું જ સ્ટેટમેન્ટ રાજસ્થાનની સરકારે પણ આપ્યું છે. કોંગ્રેસ શાસિત આ બન્ને સરકારો ટ્રાફિક નિયમનના ભંગ બદલ તેમના જૂના નિયમોને ચાલુ રાખશે. કેન્દ્રએ સુધારેલી દંડની રકમ આ બન્ને રાજ્યો અમલી નહીં બનાવે. હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેર્યો હોય તો હવે 1000 રૂપિયા, નશો કરીને વાહન ચલાવ્યું હશે તો 10,000 રૂપિયા, ભયનજક રીતે ડ્રાઇવિંગ કરવા બદલ 5000 રૂપિયા, લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા અને ડ્રાઇવિંગ સમયે મોબાઇલ પર વાત કરવા બદલ 5000 રૂપિયાનો દંડ ભરવાનો થાય છે. ગુજરાતના મુખ્યમંત્રીએ આ નવા દરો સ્વિકાર્યા છે તેથી ગુજરાતમાં વાહનચાલકોનું હવે આવી બન્યું, કેમ કે ટ્રાફિક નિયમનના ભંગ બદલ હવે આટલો મોટો દંડ ભરવો પડશે.

તમને એડીનો દુખાવો છે, તો આટલું કરો...

ભેળસેળયુક્ત ખોરાક અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલી શાકભાજી અને અકુરદતી રીતે પકવેલા ફળો આરોગીને લોકોનું આરોગ્ય કથળતું જાય છે. અત્યારે વર્તમાન જીવનશૈલીમાં નાની ઉંમરે પગની એડીનો દુખાવો મુખ્ય દર્દ ગણાય છે. આ દર્દને હળવું કરવા માટે મેડિકેટેડ ચપ્પલ અને મોજડીનું બજાર ખૂલ્યું છે. રોજનો 1000 કરોડ રૂપિયાનો ધંધો કરતા આ ઓર્થો બૂટ ચપ્પલ બજાર પર કેટલો ભરોસો મૂકવો તે નિશ્ચિત નથી, કેમ કે મોંઘાભાવના ચપ્પલ, બૂટ અને મોજડી લાંબા અંતરે થયાવત પરિસ્થિતિ સર્જે છે. ગાંધીનગરના જૂના સચિવાલયના મીનાબજારમાં આવેલા એક પ્રખ્યાત આયુર્વેદિક સ્ટોરના માલિક ગોપીભાઇ પાસે એડીના દુખાવાનો રામબાણ ઇલાજ છે. ગોપીભાઇએ બતાવેલી અકસીક જડીબુટ્ટીથી તમને ઝડપથી રાહત મળી શકે છે. તમે બાબા રામદેવની મોંઘી આયુર્વેદિક દવાઓથી પણ છૂટકારો મેળવી શકો છે. તમારે ગોપીભાઇની દુકાનેથી કંઇ ખરીદવાનું નથી કે કોઇ રૂપિયા આપવાના નથી. તેમણે બતાવેલી જડીબુટ્ટી તમારા ઘરના રસોડામાં છે. તેણે કહ્યું છે કે બે ચમચી મેથી, અડધી ચમચી સુંઠ, એક ચમચી જીરૂ, બે ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો અને અડધી ચમચી સિંધવ (સિંધાલુણ) ને ભેગા કરીને તેનું ચૂર્ણ બનાવીને ભૂખ્યા પેટે સવાર-સાંજ પાણી સાથે બે ટાઇમ લેવાથી એડીના દુખાવાથી એક સપ્તાહની અંદર જ તમને રાહત મળી જશે. ગોપીભાઇના ઘણાં ગ્રાહકોએ આ ઉપચાર શરૂ કર્યા પછી તેઓએ ઓર્થો ચપ્પલ કે બૂટ પહેરવાનું બંધ કરી દીધું છે. તેઓ પેનકિલર દવાઓ પણ લેતા નથી.

લોકોએ નવી ગાડીઓ લેવાનું બંધ કેમ કર્યું છે...

આજકાલ ઓટોમોબાઇલ સેક્ટરમાં સૌથી વધુ મંદી જોવા મળી રહી છે. વિવિધ બ્રાન્ડની ગાડીઓ અને ટુવ્હિલર્સની કંપનીઓના વાહનો શો-રૂમમાં દેખાય છે ખરા પણ વેચાતા નથી. આમ થવાનું મુખ્ય કારણ વાહનોની વધતી જતી કિંમત અને લોકોની ઘટતી જતી ખરીદશક્તિ છે. આજે મોબાઇલ વધુ વેચાય છે અને ગાડીઓ વેચાતી નથી, તેનું મુખ્ય કારણ લોકો પાસે રોકડા રૂપિયા નથી. લોકોની ખરીદશક્તિ ઘટી છે જેની સીધી અસર પહેલા ઓટોમોબાઇલ પર પડી છે અને હવે રિયલ એસ્ટેટ પર પડવાની છે. નવી ગાડીઓ ખરીદવા માગતા વર્ગને પૂછવામાં આવતા તેઓ કહે છે કે હવે એક કે બે વર્ષ પછી બજારમાં ઇલેક્ટ્રિક ગાડીઓ આવી જશે તેથી પેટ્રોલ કે ડીઝલની ગાડીઓ અમે ખરીદતા નથી. ઇલેક્ટ્રિક ગાડી ભલે મોંઘી પડે પરંતુ તેમાં ફ્યુઅલ પુરાવાની કોઇ જફા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોને કારણે પણ લોકોએ વાહનો ખરીદવાનું ઓછું કર્યું છે. નવા વાહનોની સાથે સેકન્ડ યુઝ માર્કેટને પણ મોટો ઘક્કો લાગ્યો છે. આમ પણ નવી ગાડીની સામે સેકન્ડ હેન્ડ ગાડીની કિંમત વચ્ચે માત્ર દોઠ થી બે લાખનો ફરક જોવા મળે છે. સેકન્ડ હેન્ડ બજારમાં ઓટો દલાલોએ તેમના કમિશનની રકમને ચાર ગણી વધારી દીધી છે. પહેલાં એક ગાડી પાછળ 20 હજારનું માર્જીન તેઓ રાખતા હતા પરંતુ હવે એક લાખ રૂપિયા સુધીનું માર્જીન તેઓ રાખે છે.

વિજય રૂપાણી ગુજરાતને PTC મુક્ત બનાવશે...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. અણધાર્યા ઓફિસરોને પ્રાઇમ પોસ્ટીંગ મળ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં થયેલી 79 બદલીઓમાં રાજકોટમાં કામ કરી ચૂકેલા અને કામ કરી રહેલા અધિકારીઓને પ્રાઇમ પોસ્ટીંગ મળ્યા છે. સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના છે અને આ અધિકારીઓની કામ કરવાની પદ્ધતિથી તેઓ વાકેફ હશે. હવે બીજા તબક્કામાં બાકીના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને તેમની નીચેના ક્લાસ વન ઓફિસરોની બદલીઓ તોળાઇ રહી છે. આ સાથે રાજ્યમાં હજી જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પણ થવાની છે. આ સાથે વહીવટી તંત્રમાં હજી પ્રમોશન આપવાના બાકી છે. પહેલી બદલીઓમાં ચર્ચાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કુશાગ્રબુદ્ધિ કામ કરી ગઇ છે. સચિવાલયના એક અધિકારીએ કહ્યું હતું કે કરપ્શન ફ્રી ગુજરાત માટે આ પ્રકારની પહેલા તબક્કાની બદલી ખુબ મોટું કામ કરશે. સરકારી રિપોર્ટ છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ અને પંચાયતમાં સૌથી વધુ કરપ્શન થાય છે. આ વિભાગોમાં રોજનો એક કેસ એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર કહે છે કે ગુજરાતને P.T.C. મુક્ત બનાવવાનું અમરી સરકારનું લક્ષ્ય છે. એટલે કે રાજ્યને પ્લાસ્ટીક, ટોબેકો અને કરપ્શન ફ્રી બનાવવામાં આવશે. હવેની બદલીઓમાં પણ તે ધોરણ રાખવામાં આવી રહ્યું છે.

ગુજરાતીઓ કરતાં મરાઠાઓ ખૂબ આગળ છે...

ગુજરાતને પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી બનાવવાની જાહેરાત સરકારે રાજ્યના સ્થાપના દિન 1લી મે ના રોજ કરી હતી પરંતુ આજદિન સુધી દિવસ આવ્યો નથી. જાહેરાત તો સારી છે પરંતુ તેનો અમલ કરવા માટે સરકાર પાસે મેનપાવર નથી. કોઇ વ્યક્તિ જાહેરમાં સિગારેટ પીવે છે તેને દંડનારની સત્તા વહેંચાયેલી નથી. પોલીસને કામ કરવું નથી, કારણ કે ખુદ પોલીસ ચૂંગાલમાં ફસાયેલી છે. આરોગ્ય વિભાગ પાસે અલગ સ્ટાફ નથી. પ્લાસ્ટીક ફ્રી ની આપણે વાતો કરીએ છીએ પરંતુ સચિવાલયની બહારના બજારને પણ આપણે પ્લાસ્ટીક ફ્રી બનાવી શક્યા નથી. ભલું થજો મરાઠી જનતાનું કે નવા વર્ષ- ગુડી પડવા ના દિવસે આખું મહારાષ્ટ્ર પ્લાસ્ટીક ફ્રી ઝોનમાં ફેરવાઇ ગયું છે. એ અગાઉ મહારાષ્ટ્રની સરકારે ટોબેકો ફ્રી રાજ્યની જાહેરાત કરી હતી. સરકારને તેનો અમલ કરતાં નાકે દમ આવી ગયો છે, કારણ કે પ્લાસ્ટીકના મેન્યુફેક્ચરર્સ અને ટોબેકોના ઉત્પાદકોએ આખા રાજ્યમાં સરકારના નિર્ણયનો વિરોધ કરી પ્રદર્શનો કર્યા હતા. એટલું જ નહીં પોલિટીકલ પ્રેશર પણ લાવવામાં આવ્યું હતું તેમ છતાં મહારાષ્ટ્રની ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકાર મક્કમ છે. ગુજરાતની સરકાર મક્કમ હોવાની વાત તો દૂર રહી, સચિવાલયના પાર્કિંગ અને વોશરૂમમાંથી પણ પ્લાસ્ટીક અને તમાકુનો કચરો દૂર કરાવી શકતી નથી. કહેવાની ઇચ્છા થાય કે નિર્ણય લેવાની આપણામાં કેપેસિટી હોય તો, તેનો કડક અમલ કરાવવાની આપણી પાસે હિંમત હોવી જોઇએ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:10 am IST)