Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રેમ - ૧૧

પ્રિયતમાથી પરમાત્‍મા સુધીની સફર

સપનાંઓને પ્રેમથી અલગ કરો, પ્રેમને પરમાત્‍માના ચરણોમાં ચડાવો- ફૂલ બહુ ચડાવી ચૂકયા, પરમાત્‍માના ચરણોમાં, એ ફૂલ તમારાં નથી. એટલે તમારી પ્રાર્થનાઓ અધૂરી રહી ગઇ છે. તમારું તો એક જ ફૂલ છે, જો કયારેક ચડાવવું છે, તો તે પ્રેમનું ફૂલ છે.

તમે પણ-પુણ્‍યની જૂની પરિભાષા પર અટકી ન રહો. હું તમને નવી પરિભાષા આપું છું, પ્રેમ પુણ્‍ય છેઃ અ-પ્રેમ, પાપ છે. તમે પ્રેમ કરો. જેને કરી શકો, તેને કરો. એટલો ખ્‍યાલ રાખો કે પ્રેમ કયાંય રોકાય નહીં, અટકે નહીં, ધારા વહેતી રહે, ગંગા કયાંય ન અટકે, તો સાગર સુધી પહોંચી જશે.

તમે ભૂલો પરમાત્‍માને પરમાત્‍મા સાથે કાંઇ લેવા-દેવા નથી, પ્રેમ પરમાત્‍મા છે અને ધ્‍યાન આંખ છે, જે એ પરમાત્‍માને જોઇ શકે છે. પ્રેમ કરો, ધ્‍યાન કરો. પ્રેમ થવા દો, ધ્‍યાન થવા દો. અંતતઃ એક એવી ઘડી આવે છે, જયારે ધ્‍યાન અને પ્રેમમાં કોઇ અંતર નથી રહી જતું. ધ્‍યાન પ્રેમપૂર્ણ જાય છે, પ્રેમ ધ્‍યાનપૂર્ણ થઇ જાય છે. પ્રેમ ધ્‍યાનપૂર્ણ થઇ જાય છે. પહોંચી ગયા તમે મંજિલ પર, જેની શોધ હતી.

પોતાના પ્રેમને સડવા નહીં દેતા, તેને કયાંય અટકવા નહીં દેતા. તેની કોઇ સીમા નહીં બનાવતા- ન દેશની, ન જાતિની, ન વર્ણની. તમારો પ્રેમ અબાધ વહેતો રહે. પ્રેમ તમારો ધર્મ હોય. તમે જલ્‍દી પ્રાર્થનાથી પરિચિત થઇ જશો. પ્રેમના વૃક્ષની અંતિમ શાખાઓ પર પ્રાર્થનાં ફૂલ ખીલે છે.

કોઇ પ્રેમી પ્રેમ પછી એજ નથી રહી શકતો, જે પ્રેમની પહેલાં હતો. પ્રેમ આમૂલ બદલી નાખે છ.ે બન્‍નેને બદલી દે છે, જે કોઇ પ્રેમમાં પડે છે.બન્‍નેના અહંકારને નષ્‍ટ કરી દે છે. બન્‍નેના અહંકારને તોડી નાંખે છે. આ  જ તો કલહ છે બધા પ્રેમીઓ વચ્‍ચે. બન્‍ને પોતાના અહંકારને બચાવવા માંગે છે. બધા પ્રેમી એક-બીજા પર આધિપત્‍ય કરવાની કોશિષ કરતા રહેછે. જેવી ગહન રાજનીતિ પ્રેમીઓમાં ચાલે છે. કયાંય નથી ચાલતી.

પ્રેમ માટે કોઇ અડચણ ન સમયની છે, ન કાળની છે. પ્રેમ માટે જો કોઇ અડચણ છે, તો ફકત અહંકારની છે. જો એ અક્કડ છે કે હું કાંઇ છું. તો પ્રેમ નથી હોતો. પછી ચાહે તમારો પ્રેમ તમારી પાસે જ કેમ ન બેઠો હોય. જો અહંકાર છે, તો પ્રેમ નથી હોતોઅને જો અહંકાર નથી, તો પછી કોઇ ફર્ક નથી પડતો.

જે પ્રેમમાં રડયો ન હોય, જેણે પ્રેમનો વિરહ ન જાણ્‍યો હોય, તેને તો પ્રાર્થનાની તરફ ઇશારો પણ નથી કરી શકાતો. એટલે હું પ્રેમનો પક્ષપાતી છું, પ્રેમનો ઉપદ્રષ્‍ટા છું. કહું છું, ખૂબ પ્રેમ કરો. કારણ કે પ્રેમનો જ નિચોડ એક દિવસ પ્રાર્થના બનશે. પ્રેમનાં હજાર ફૂલોને નિચોવશો, ત્‍યારે પ્રાર્થનાની એક બુંદ બનશે.

સવારે જયારે સૂર્યોદય થાય, અને આકાશ સુંદર વાદળાંઓથી છવાઇ જાય, પક્ષી ગીત ગાય, ફૂલ ખીલે, કોઇ વાંસળી પર જયારે ગીત છેડે, અને તમામ પ્રાણ નાચી ઊઠે, તો યાદ રાખજો- આ વાંસળી તેની છે, આ ગીત તેનું પછી જયાં પણ તમારો પ્રેમ હોય- કાવ્‍યમાં હોય, સંગીતમાં હોય, કલામાં હોય,સ્ત્રીમાં હોય, પુરુષમાં હોય, જેમાં પણ તમારો પ્રેમ હોય-એટલું યાદ રહે કે આ પ્રેમ તેની તરફ જ ઇશારો કરે છે.જવાનું તો ત્‍યાં છે.

 સ્‍વામિ સત્‍ય પ્રકાશ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:47 am IST)