Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સરકારી મહેમાન

CMએ ફાઇલમાં એવું નોટીંગ કર્યું કે અધિકારી ઊભા થઇ ગયા અને ફટાફટ ઓર્ડર કરી દીધો

આપણે પણ બીજા રાજયમાં આપણી ટીમને અભ્‍યાસ માટે મોકલી શકીએ છીએ : પ્રભારી મંત્રી હોય છે, પ્રભારી ઓફિસર હોય છે, તો પ્રભારી પોલીસને પણ મૂકો : પ્રજા સાથે સીધા સંકળાયેલા વિભાગોની મોબાઇલ એપ્‍લિકેશન શરૂ કરવી જોઇએ

સચિવાલયમાં એક નિવૃત્ત ઓફિસર મળી ગયા. તેઓ તેમના કોઇ પ્રાઇવેટ કામ માટે એક ઓફિસરને મળવા આવ્‍યા હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ ધક્કા ખાઇ રહ્યાં છે પરંતુ તેમનું કામ પૂર્ણ થતું નથી. તેમણે કહ્યું હતું કે- ચીમનભાઇ પટેલની સરકાર હતી ત્‍યારે જે કામ થતાં હતા તે ભાજપની સરકારમાં થતાં નથી. ચીમનભાઇ એવા મુખ્‍યમંત્રી હતા કે જેઓ ફાઇલમાં લાંબું નોટીંગ લખતા હતા, પછી કોઇ અધિકારીની હિંમત છે કે ના પાડી શકે...!! એક કિસ્‍સામાં ઉર્જા વિભાગના અધિકારીએ ચીમનભાઇને ઘસીને ના પાડી દીધી કે સાહેબ આ કામ નહીં થાય, કેમ કે સરકારી નિયમ નથી. તેણે કારણો આપ્‍યાં... ચીમનભાઇએ કહ્યુંラ ઓકે, તમે ફાઇલ મુકતા જાવ.. પછી ચીમનભાઇએ કારણો સાથે એક પાનાનું નોટીંગ લખ્‍યું અને છેલ્લે ઉમેર્યું કે ગુજરાતની જનતાના હિતમાં આ કારણોથી આ કામ થવું જોઇએ.. એ અધિકારીએ કારણો વાંચી ચીમનભાઇને સોરી બોલીને કહ્યું કે- જી સાહેબ, હવે આ કામ થઇ જશે... આવું જ ઉત્તમ નોટીંગ તત્‍કાલિન મુખ્‍યમંત્રી માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી તેમજ નાણામંત્રી વજુભાઇ વાળા તેમના સમયમાં કરતા હતા.

ગુજરાતમાં લેનસિસ્‍ટમ એકમાત્ર વિકલ્‍પ છે

ગુજરાતનો ટ્રાફિક નિયમન કરવા માટે લેન સિસ્‍ટમ સિવાય કોઇ વિકલ્‍પ નથી. દિલ્‍હી અને મુંબઇની જેમ સિસ્‍તબદ્ધ ટ્રાફિક નિયમન કરવું હોય તો ગુજરાતની પોલીસે વાહનોને લેનમાં રહેતા શિખવવું પડશે. અમદાવાદ વાહનોની ભરમાર વચ્‍ચે દબાયેલું છે. રસ્‍તે ચાલતા રાહદારીને ચાલવાની પણ જગ્‍યા મળતી નથી. માર્ગો પહોળા છે પરંતુ વાહનો આડેધડ ચાલે છે તેથી અકસ્‍માતો વધે છે અને ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાય છે. મુંબઇમાં વસતી વધારે છે, વાહનો વધારે છે છતાં ટ્રાફિક નિયમન જળવાઇ રહે છે તેનું કારણ ફરજીયાત લેનસિસ્‍ટમ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તો લેન સિસ્‍ટમ હોવી જ જોઇએ કે જેથી ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાય નહીં. ગુજરાત સરકાર પાસે ટ્રાફિક પોલીસ ઓછી છે તેથી સ્‍કૂલના બાળકોને વોલિયેન્‍ટરી અમુક સમય સુધી ટ્રાફિક નિયમનની કામગીરી સોંપીને ટ્રાફિક નિયંત્રણમાં લઇ શકાય છે. આ બાળકો માર્ગો પર ઉભા રહી વાહનચાલકોને લેન સિસ્‍ટમની સમજ આપે, પછી જુઓ માર્ગો પર ક્‍યાંય ટ્રાફિક જામ નહીં સર્જાય અને અકસ્‍માતોનું પ્રમાણ પણ ઘટી જશે.

આપણે હવે બીજા રાજયોમાં જવું જોઇએ

ગુજરાત સરકાર ક્‍યા પગલાંમાં પાછળ છે તે જોવા માટે રાજયના મંત્રીઓ અને અધિકારીઓને મહિનામાં ચાર દિવસ પાડોશી રાજયોમાં અભ્‍યાસ અર્થે મોકલવા જોઇએ, કેમ કે તો જ ખ્‍યાલ આવશે કે આપણે ક્‍યા ક્ષેત્રમાં પાછળ છીએ. નરેન્‍દ્ર મોદી કહે છે કે રાજયો વચ્‍ચે તંદુરસ્‍ત હરિફાઇ થવી જોઇએ. જો સાચી હરિફાઇ કરવી હોય તો આપણે પણ પાડોશી રાજયોની મુલાકાત લેવી જોઇએ. દેશના અલગ અલગ રાજયોમાં અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકાતી હોય છે. પહેલાં એવું હતું કે બીજા રાજયના મંત્રીઓ અને ઓફિસરો ગુજરાતની મુલાકાતે આવતા હતા હવે આપણે ઊંઘું કરવાની જરૂર છે. બીજા રાજયમાં સરકારનું ફંક્‍શનિંગ કેવી રીતે થાય છે તે જોવા માટે ગુજરાતે ટીમ બનાવીને મુલાકાત લેવી જોઇએ, કેમ કે ઇન્‍ડસ્‍ટ્રીય ડેવલપમેન્‍ટમાં મહારાષ્ટ્ર, તામિનાડુ, આંધ્રપ્રદેશ આગળ છે. સોલારમાં રાજસ્‍થાન આગળ છે. ઉદ્યોગોને મંજૂરી આપવામાં મધ્‍યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ આગળ છે. આヘર્યની બાબત એવી છે કે ગુજરાત મોડલના ભૂક્કા બોલી ગયા છે. મોદી સરકારે કરેલા કામોની માત્ર વાતો થાય છે, નવું શું આવ્‍યું, નવી કઇ યોજના મંજૂર થઇ તેનો કોઇ હિસાબ નથી. પ્રોજેક્‍ટ મંજૂર કરવામાં હવે તો બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારો ગુજરાત કરતાં વધુ ફાસ્‍ટ અને ડિજીટલ બની ચૂકી છે.

 અબતક ૨૦૪૪, આ છે આપણી પાર્ટીઓ

વિચારભેદ અને મનભેદ થતાં એક નવી પાર્ટીનો ઉદય થાય છે. આપણો દેશ લોકશાહીમાં માને છે. કોઇ નેતાને મનદુખ થાય એટલે નવી પાર્ટીનું ગઠન કરે છે. ભારતમાં એટલી બઘી રાજકીય પાર્ટીઓ અસ્‍તિત્‍વ ધરાવે છે કે જેના કારણે દેશનો મતદાર મૂંઝવણ અનુભવી રહ્યો છે. દેશમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ છે અને તેની સ્‍થાપના ૧૮૮૫માં થઇ હતી. એ પછી ૧૯૨૫માં સીપીઆઇ અને ૧૯૬૪માં સીપીઆઇ-એમનો જન્‍મ થયો હતો. ભાજપનો જન્‍મ ૧૯૮૦માં થયો હતો. એ પછી ૧૯૮૪માં બીએસપી અને ૧૯૯૯માં એનસીપીનો ઉદય થયો હતો. કુલ ૬ પાર્ટીઓને નેશનલ પાર્ટી તરીકેનું બિરૂદ મળેલું છે. ભારતમાં હાલની સ્‍થિતિએ ૨૪ પાર્ટીઓ એવી છે કે જે દેશભરમાં ફેલાયેલી છે અને તેનું રેકગ્નાઇઝેશન સ્‍ટેટ પાર્ટી તરીકે થયેલું છે. બીજી તરફ એનરેકગ્નાઇઝ્‍ડ રજીસ્‍ટર્ડ પરંતુ નોટેબલ કહી શકાય તેવી પાર્ટીઓની સંખ્‍યા ૨૦૪૪ થવા જાય છે. આમ ભારતભરમાં કુલ ૨૦૭૪ પાર્ટીઓ ફેલાયેલી છે. પાર્ટીનો ગ્રોથરેટ ૧૭.૨૯ ટકા થવા જાય છે. આપણા હિન્‍દુસ્‍તાનના વિચારભેદ નેતાઓના ઉભા થયેલા વિચારમાં નવી નવી પાર્ટી બનતી ગઇ છે, જેના કારણે જ્ઞાતિવાદ અને વોટબેન્‍કની રાજનિતીએ જોર પકડ્‍યું છે.

બીજાની લીટી નાની કરો તો જાણો શું થઇ શકે

‘બીજાની લીટી નાની કરવાના ખ્‍વાબ જોતાં લોકો જયારે પોતાની લીટી બીજાના ભોગે મોટી કરે છે ત્‍યારે તે ભૂલે છે કે તેમની લીટી આખરે નાની થતી જાય છે.' આ ઉક્‍તિ એટલા માટે યાદ આવે છે કે ભૂતકાળની સરકારમાં થયેલી પરેશાનીને બદલાની ભાવનાથી જોવામાં આવે ત્‍યારે શાસક પક્ષ માટે તે લીટી મોટી નથી બનતી પરંતુ તેમની લીટી નાની થતી જાય છે. કેન્‍દ્રમાં મોદી સરકાર છે. દેશમાં જયાં જયાં કોંગ્રેસ કે બિન ભાજપની સરકાર છે ત્‍યાં ત્‍યાં મોદી સરકારે પંજો માર્યો છે. સરકારને ડિસ્‍ટર્બ કરવા મોદી બ્રિગેડ કામે લાગી ચૂકી છે. કેરાલા, તામિલનાડુ, પヘમિ બંગાળ, આસામ જેવા રાજયોમાં કેન્‍દ્રનો ચંચુપાત વધી ચૂક્‍યો છે. હવે ઉત્તરાખંડમાં હરિશ રાવતની સરકાર નિશાના પર છે. આ રાજયમાં રાષ્ટ્રપતિશાસન લાદી દેવામાં આવ્‍યું છે ત્‍યારે સવાલ એ થાય છે કે કોંગ્રેસ મુક્‍ત ભારતના ખ્‍વાબ જોવામાં ભાજપ તેની સત્તાની લીટી નાની કરી રહી છે. બદલાની આ ભાવના સ્‍વાભિમાન નહીં પણ અભિમાનની ચરમસીમાએ છે...

ઉદ્યોગ નહીં તો સરકાર તો ગ્રીનરી સર્જન કરે

ઉદ્યોગો હોય ત્‍યાં લીલોતરી હોવી જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટના એક આદેશનું જો પાલન કરવામાં આવે તો ગુજરાતમાં પોલ્‍યુશન ઘટે અને આપણા ઉદ્યોગોને ખૂબસૂરતી પણ મળી શકે. ગુજરાતમાં પર્યાવરણનું જતન કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે ઔદ્યોગિક વિસ્‍તારો કે જીઆઇડીસી એસ્‍ટેટમાં બાગ અને બગીચા માટે ખુલ્લી જગ્‍યા છોડવી જોઇએ. આદેશ ઉત્તમ છે પરંતુ સરકારનો વિલપાવર હોવો જોઇએ. ગુજરાત હાઇકોર્ટે ગ્રીન પ્‍લોટ માટે મહત્‍વનો હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે જે હેતુ માટે પ્‍લોટ રાખવામાં આવ્‍યો હોય તેનું વેચાણ કરશો નહીં. ઔદ્યોગિક વિસ્‍તારોમાં બાગ, બગીચા, હરિયાળી તેમજ ખુલ્લી જગ્‍યા રાખવા તેમજ ચોક્કસ ટકાવારી જાળવવા રાજય સરકારે મજબૂત પોલિસી બનાવવાની આવશ્‍યતા પર અદાલતે ભાર પણ મૂક્‍યો હતો પરંતુ ગુજરાત સરકારે રૂપિયા કમાઇ લેવાના ઉદ્દેશથી ગ્રીન પ્‍લોટ રાખ્‍યા નહીં અને બઘે સિમેન્‍ટ-કોંક્રિટના જંગલો ઉભા કરી દીધા છે. ઉદ્યોગો પણ પોતાનું ઉત્‍પાદન વધારવા માટે ગ્રીનરીનું પ્રમાણ જાળવી રાખતા નથી.

CM સાહેબ, પ્રભારી પોલીસ પણ હોવા જોઇએ...

ગુજરાતના વિકાસ માટે સરકારે પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવની જગ્‍યા શરૂ કરી છે. આ સિસ્‍ટમમાં મંત્રી કે અધિકારીને જે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવે છે તેમણે તેમના જિલ્લાનો પ્રવાસ કરીને સરકારને રિપોર્ટ આપવાનો હોય છે. રાજયના એક સિનિયર આઇપીએસ ઓફિસરે કહ્યું હતું કે મંત્રી અને આઇએએસ ઓફિસરોને પ્રભારી બનાવી શકાતા હોય તો આઇપીએસ ઓફિસરોને કેમ બનાવવામાં આવતા નથી. કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પ્રત્‍યેક જિલ્લા અને તાલુકાને પણ લાગુ પડતી હોય છે. ઘણાં એવા આઇપીએસ ઓફિસરો હોય છે કે જેમની પાસે પુરતું કામ નથી તેમને પ્રભારી આઇપીએસ તરીકે નિયુક્‍ત કરી શકાય છે. પ્રભારી એટલે ડિસ્‍ટ્રીક્‍ટ ઇન્‍ચાર્જ ઓફિસર. પોલીસ ઓફિસરો પણ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવમાં જોડવામાં આવતા હોય છે. પોલીસ ભવનના ઓફિસરોને પણ પ્રભારી બનાવી શકાય છે. જો કે ગુજરાતનો તાલુકા સરકારનો કન્‍સેપ્‍ટ ફેઇલ થયો છે. લોકો હવે તાલુકા કે જિલ્લાના કામો લઇને સીધા ગાંધીનગર આવી રહ્યાં છે, કારણ કે જિલ્લાસ્‍તરના વહીવટી તંત્રમાં કામો નહીં થતાં હોવાની ફરિયાદો વધી છે.

સમસ્‍યાનું સમાધાનラ મોબાઇલ એપ્‍સ

સરકારના વહીવટી તંત્રને શિથિલ થતું બચાવવા માટે પબ્‍લિક ડોમેઇનમાં રહેલા વિભાગોમાં જાહેર જનતા માટે મોબાઇલ એપ્‍લિકેશન શરૂ કરવાની આવશ્‍યકતા છે. આ મોબાઇલ એપ્‍લિકેશન ફરિયાદ લઇને તેનો નિવેડો લાવી શકે છે. રાજયના મંત્રીઓ કે ઓફિસરો તેમના મેઇલ એકાઉન્‍ટમાં કોઇ રિપ્‍લાય આપતા નથી ત્‍યારે આવી એપ્‍સ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે. આ એપ્‍સમાં સરકારે જે તે વિભાગની માહિતી ફીડ કરીને લોકોની સમસ્‍યાઓનું નિરાકરણ કરવા ઓનલાઇન સિસ્‍ટમ શરૂ કરવી જોઇએ. રાજયના ગૃહ, શિક્ષણ, મહેસૂલ, શહેરી વિકાસ, પંચાયત, શ્રમ અને રોજગાર તેમજ ઉદ્યોગ વિભાગમાં એપ્‍સ શરૂ કરીને લોકોને ન્‍યાય આપવો જોઇએ. આમ થશે તો તે ગુજરાતનો પહેલો પ્રયોગ હશે. સરકારે વહીવટ સુધારવા તેમજ ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે અરજદારોને ફાઇલ ટ્રેકિંગ સિસ્‍ટમનો સીધો લાભ આપવો જોઇએ. લોકો તેમની અરજીનો સમયસર નિકાલ થાય છે કે કેમ તે જોઇ શકે. ફાઇલ ક્‍યાં અટકી છે તે અરજદારને ખબર પડવી જોઇએ.

 

 

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:56 am IST)