Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સરકારી મહેમાન

સરકારમાં લાંચ-રૂશ્વતના કિસ્સા વધી રહ્યાં છે પછી ગુજરાત ક્યાંથી કરપ્શન-ફ્રી રાજ્ય બને

વો ભી ક્યા દિન થે હમે દિલ મેં બિઠાયા થા કભી... સૌરભભાઇનો ભવ્ય ભૂતકાળ : કૃષિને આપણે ઉદ્યોગનો દરજ્જો મળ્યો તેમ કહીએ છીએ પણ હકીકત અલગ છે : ભલે ભીડ વધતી જાય, ઓફિસો હાઉસફુલ બને, સ્વર્ણિમનું વિસ્તરણ થવાનું નથી

ગુજરાત સરકારમાં એન્ટી કરપ્શન બ્યુરોના સપાટાના કારણે લાંચ લેવાના કિસ્સા પકડાઇ રહ્યાં છે ત્યારે કરપ્શન ફ્રી સ્ટેટના સ્વપ્ન સિદ્ધ થાય તેમ નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વહીવટી વડા ડો. જે.એન.સિંઘ માટે આ સૌથી મોટો પડકાર છે. તલાટી થી લઇને ઉચ્ચ અધિકારીઓ, સચિવાલય થી લઇને ગ્રામ્યસ્તરની સરકારી કચેરીઓ સુધી અંડર ટેબલ વ્યવહારો થાય છે. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએલડીસીએ તો ભ્રષ્ટાચારના તમામ દરવાજા ખોલી નાંખ્યા હતા. આટલું મોટું કૌભાંડ પકડાયા પછી વિભાગોની નાની કચેરીઓમાં ચાલતા અંડર ટેબલ વ્યવહારોની કોઇ વિસાત નથી. રાજ્યમાં સૌથી વધુ કરપ્ટ મહેસૂલ વિભાગ છે એવું તપાસ કરતી સંસ્થાઓનું કહેવું છે. પહેલાં લોકાયુક્તના રિપોર્ટમાં આવો ઘટસ્ફોટ થતો હતો અને હવે તકેદારી આયુક્તના રિપોર્ટમાં આવો ઘટસ્ફોટ થાય છે. હાલની સ્થિતિ એવી છે કે સરકારી કામકાજના પાંચ દિવસ પૈકી બે દિવસે લાંચ લેવાનો એક કિસ્સો ગુજરાતમાં પકડાય છે. આ પ્રમાણને આપણે કરપ્શન ફ્રી કહેવું કે કરપ્શન યુક્ત કહેવું તે અઘરૂં છે. મહેસૂલ પછી શહેરી વિકાસ વિભાગ, ગૃહ, આરોગ્ય અને શિક્ષણ વિભાગ કરપ્શનમાં અવ્વલ છે. રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ તેમજ રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કરપ્શન ફ્રી વિભાગો બનાવવા માટે વિભાગીય વડાને સૂચનાઓ આપવી પડી છે. આ બન્ને ઓફિસરોએ જિલ્લા કલેક્ટરો તેમજ ડીડીઓને સૂચના આપી છે કે ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓને દૂર કરી તેમની સામે કડક હાથે પગલાં લો. આવી સૂચના આપવી પડે તે સ્થિતિ બતાવે છે કે કરપ્શનની બાબતમાં સરકાર ખૂભ ચિંતિત બનેલી છે.

RC ફળદુ- કોઇને નિરાશ કરવા નથી, કામ કરો...

કોણ કહે છે કે ભાજપની સરકાર સંવેદનશીલ નથી, ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટલા સંવેદનશીલ છે તેટલા તેમના વિભાગના કેટલાક મંત્રીઓ પણ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વાત ન્યારી છે. અલગ છે. તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઇ સાચો અને ન્યાયની વાત કરતો મુલાકાતી નારાજ થતો નથી. ગુજરાત સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફલદુની કામ કરવાની પદ્ધતિ પણ કાબિલેદાદ છે. તેઓ ઓફિસમાં હોય ત્યારે ક્રમશ: મુલાકાતીને મળે છે. તેમની સમક્ષ રજૂઆત કરવા આવેલો અરજદાર નિરાશ થઇને જતો નથી, કારણ કે તેઓ તે મુલાકાતીની હાજરીમાં જ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને વિષયને પરિણામલક્ષી પૂર્ણ કરવાની સીધી સૂચના આપે છે. તેઓ કહે છે કે, હું અરજદાર ભાઇને આપની પાસે મોકલું છું, તેમને ન્યાય આપજો, નિરાશ કરશો નહીં. વ્યવસાયે ખેડૂત હોવાથી ફળદુ ખેડૂતોની વ્યથા જાણે છે. એક કેસમાં તો તેમણે વિભાગના અધિકારીને ત્યાં સુધી કહ્યું હતું કે- આવા બકવાસ આદેશો મહેરબાની કરીને બહાર પાડશો નહીં. આપણે લોકોની સેવા કરવા માટે બેઠાં છીએ. દૂર અંતરથી આવેલો મુલાકાતી નિરાશ થઇને પાછો જાય તો તેમાં સરકારનું નુકશાન છે. તમે તઘલખી નિર્ણયો લઇ શકો નહીં...

વધતી ભીડ વચ્ચે સ્વર્ણિમ સંકુલનું કદ નહીં વધે...

સોમવારે જનતાના દિવસે તેમજ મંગળવારે ધારાસભ્ય અને સંસદસભ્યના અનામત દિવસે સચિવાલયમાં એટલી મોટી સંખ્યામાં ટોળાં આવે છે કે સ્વર્ણિમ સંકુલના તમામ મજલા સબ્જી માર્કેટ જેવા બની જાય છે. કેટલીક વખત સલામતી રક્ષકોને ટ્રાફિક કન્ટ્રોલ કરવો અઘરો પડે છે. સચિવાલયમાં કામો થાય છે તેવી છાપ લઇને જતાં મુલાકાતીઓને ક્યાંય સારો તો ક્યાંક ખરાબ અનુભવ થાય છે. સરકારમાં ત્રણ થી ચાર મંત્રીઓ એવાં છે કે તેમના મળતિયા વચ્ચે ઘેરાયેલા રહે છે પરંતુ દૂરથી આવેલા મુલાકાતીને મળવાનો તેમની પાસે સમય હોતો નથી. ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ આ બન્ને દિવસોએ હાઉસફુલ હોવાનું મુખ્ય કારણ એ છે કે એક ધારાસભ્ય સચિવાલયમાં એન્ટ્રી લેતા હોય છે ત્યારે તેમની પાસે 15 થી 20 સમર્થકોનું મોટું ટોળું જોવા મળે છે. એક કામ માટે આટલી મોટી સંખ્યામાં સમર્થકો લાવવાનું કારણ મંત્રીઓના અગત સ્ટાફને સમજાતું નથી. સ્વર્ણિમમાં જેવી ભીડ હોય છે તેવી ભીડ સચિવાલયના પાર્કિંગ પ્લોટ્સમાં પણ જોવા મળે છે. આ બન્ને દિવસોએ વધારાના વાહનો સચિવાલયના ઇન્ટરનલ માર્ગોની સાઇડે પાર્ક કરવા પડે છે. મુલાકાતીઓ વધતા સંકુલ નાનું પડે છે, પરંતુ માર્ગ-મકાનના ઇજનેરો કહે છે કે આ સંકુલનું હવે એક્સપાન્શન શક્ય નથી.

હાઇપરલુપ ટ્રેન સામે બુલેટ ટ્રેન શા માટે...

અમદાવાદ થી મુંબઇ જવા માટે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેનનો 1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે પરંતુ જમીન સંપાદનમાં વિધ્ન ઉભાં થતાં આ પ્રોજેક્ટ વિલંબમાં પડે તેવી દહેશત છે. આ પ્રોજેક્ટની આડે કેરી અને ચીકુના ખેતરો આવે છે. બન્ને રાજ્યોના ખેડૂતોએ જમીન આપવા અંગે વિરોધ કર્યો છે. આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સરકારે મુંબઇ થી પૂનાનું અંતર ઘટાડવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયે મુંબઇ થી પૂના માત્ર 20 થી 25 મિનિટમાં પહોંચી શકાશે. મહારાષ્ટ્ર સરકાર જમીન સંપાદનમાં પડ્યા વિના હાઇપરલુપ ટ્રેનનો વિકલ્પ લાવી છે. આ ટ્રેન બંધ ટ્યુબમાં હોય છે અને તે મેગ્નેટીક લેવીટેશનથી ચાલે છે. આ ટ્રેનની એવરેજ સ્પીડ કલાકના 970 કિલોમીટર છે. તેની ટોપ સ્પીડ 1200 કિલોમીટરની છે. આ ટ્રેનમાં કોચ નહીં પણ પોડ હોય છે જેની નીચે મેગ્નેટ હશે કે જેથી હવામાં તરતું હશે. દરેક પોડની આગળ જેટ એન્જીન જેવું કોમ્પ્રેશર હોય છે. દાવો કરવામાં આવે છે કે હાઇપરલુપ ટ્રેનથી અકસ્માતના ચાન્સિસ પણ ઘટી જાય છે. આપણે બુલેટ ટ્રેનની સાથોસાથ હાઇપરલુપ અંગે પણ વિચારવું જોઇએ.

લ્યો હવે, ઘરમાં વાવેલો છોડ પણ પ્રકાશ આપશે...

ટેકનોલોજીમાં ભારત કરતાં અમેરિકા ખૂબ આગળ છે. ટોચની યુનિવર્સિટી એમઆઇટીના વૈજ્ઞાનિકોએ એક શોધ કરી છે જેની મદદથી ઇલેક્ટ્રિસિટી વિના ઘરમાં લાઇટ આપતા બલ્બની રોશની ફેલાશે. આ રોશની છોડમાંથી આવશે. આગિયાની જેમ ચમકતા છોડ આ વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા છે. આગિયામાં વપરાતી કેમિકલ સંરચનાનો ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવવામાં આવી છે. અમેરિકન વૈજ્ઞાનિક માઇકલ સ્ત્રેનો એ મુખ્ય વૈજ્ઞાનિક છે અને તેમણે નેનો પાર્ટીકલ્સનો સીધો ઉપયોગ છોડમાં કર્યો છે. આ છોડ પ્રકાશ આપે છે પરંતુ હાલ 45 મિનિટ માટે જ આપી શકે છે પરંતુ ભવિષ્યમાં આ છોડનો પ્રકાશ 1000 ગણો વધારી શકાશે. અમેરિકાની આ શોધ પછી ભારતમાં પણ તેના અંગે સંશોધન શરૂ થયું છે. નેનો ટેકનોલોજી પર કામ કરતાં નિષ્ણાંતો આ દિશામાં કામ કરી રહ્યાં છે. આપણે ગુજરાતમાં કૃષિ વૈજ્ઞાનિકોએ એવા આંબા અને રાયણ અને દાડમના છોડ વિકસાવ્યા છે કે જેઓ માત્ર બે વર્ષમાં ફળ આપે છે. તેમને મોટા કુંડામાં પણ વાવી શકાય છે.

કૃષિને ઉદ્યોગનો દરજ્જો પણ સમિટ કેમ નહીં...

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ તે માત્ર કાગળ પર હોય તેમ લાગે છે, કારણ કે જો ઉદ્યોગનો દરજ્જો હોય તો નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે ગુજરાતમાં એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ કેમ થતી નથી. છેલ્લે 2011માં જ્યારે મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ કરી હતી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે હવે ગુજરાતમાં એક વર્ષ એગ્રીકલ્ચર સમિટ થશે અને એક વર્ષ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થશે. 2013માં સપ્ટેમ્બર મહિનામાં મોદીના નેતૃત્વમાં મહાત્મા મંદિરમાં જાયન્ટ એગ્રીકલ્ચર ગ્લોબલ સમિટ થઇ હતી. મોદીએ કહ્યું હતું કે હવે દર બે વર્ષે એગ્રી સમિટ થશે પરંતુ બે વખત થયા પછી આ સમિટ બંધ કરી દેવામાં આવી છે. સરકાર એવો દાવો કરે છે કે અમે દર બે વર્ષે સમિટ કરીએ છીએ પરંતુ તે સમિટ નહીં માત્ર એગ્રી એક્ઝિબિશન હોય છે. આપણે સ્વિકાર્યું છે કે કૃષિ અને પશુપાલન એક વ્યવસાય છે ઉદ્યોગ છે તો તેમાં ખેડૂતોને સમયસર લોન કેમ મળતી નથી. ઉદ્યોગો જેવા પ્રોત્સાહન કેમ આપવામાં આવતા નથી. ખેડવા માટે સરકાર જમીન કેમ આપતી નથી. આપણે અવશ્ય બે વર્ષે એક ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ કરવી જોઇએ કે જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે.

સરકારમાં સૌરભ પટેલની એનર્જી ક્યાં ગઇ...

અગાઉની કેબિનેટમાં પ્રવક્તા મંત્રી તરીકેની ફરજ બજાવતા સૌરભ પટેલ આ સરકારમાં ક્યાં ખોવાઇ ગયા છે તેની ખબર પડતી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણી પછી રૂપાણીએ તેમને ફાયનાન્સ અને એનર્જી વિભાગનો હવાલો આપ્યો હતો પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની નારાજગી ઉભી થતાં છેવટે સૌરભ પટેલ પાસેથી ફાયનાન્સ લઇને નિતીન પટેલને આપી દેવામાં આવ્યું ત્યારથી સૌરભ પટેલ અતડા થઇ ગયા છે. કેબિનેટમાં તેમની ગૂંજ સંભળાતી નથી. તેઓને આ વખતે પ્રવક્તા મંત્રી પણ બનાવાયા નથી. એનર્જીનો વિભાગ સંભાળતા સૌરભભાઇ પાસે પોલિટીકલ એનર્જીનો અભાવ વર્તાઇ રહ્યો છે. જાણે કે સરકારમાં તેમની ગ્લોરી ઝાંખી પડી રહી છે. એક સમય હતો જ્યારે સૌરભ પટેલનો પડ્યો બોલ ઝિલાતો હતો. નંબર ટુ નું સ્થાન તેઓ ધરાવતા હતા. મિડીયા પર્સન તેમની પાસે માહિતી મેળવવા દોડી જતા હતા આજે સ્થિતિ અલગ જોવા મળે છે. તેમની ઓફિસનો અંગત સ્ટાફ આજે ભવ્ય ભૂતકાળને વાગોળી રહ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:53 am IST)