Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

આવકવેરામાં ધસારો ક્‍યારે અને કઇ રીતે મળે ?

સ્‍થાવર - જંગમ મિલ્‍કત ખરીદતા અથવા વેચાણ કરતા પહેલા ધસારાનું પ્‍લાનીંગ જરૂરી છે

કોઇ પણ ઇન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય કે ધંધામાં આવકવેરા કલમ ૩૨ નીચે સ્‍થાવર તથા જંગમ મિલ્‍કતો ઉપર આવક વેરા દ્વારા નિર્ધારીત નક્કી કરેલ દરે ધસારો બાદ મળે છે. ધસારો લેવા માટે મુખ્‍ય શરતો નીચે મુજબ છે.

(૧) ધસારો બાદ લેવા મિલ્‍કતની માલીકી કરદાતાની હોવી જોઇએ. પછી ભલે તે પોતાની મુડી - બચતમાંથી ખરીદેલ હોય અથવા લોન લઇને ખરીદેલ હોય.

(ર) સ્‍થાવર કે જંગમ મિલ્‍કતનો ઉપયોગ કરદાતાએ જે તે હિસાબી વર્ષમાં કરેલ હોવો જરૂરી છે. આમ મિલ્‍કત ખરીદેલ હોય પરંતુ તેને ઉપયોગ અથવા વપરાશમાં ન લીધેલ હોય તો તેના ઉપર ધસારો ન મળે.

(૩) આવકવેરા કાયદા મુજબ હીસાબી વર્ષના પ્રથમ છ માસમાં એટલે કે એપ્રીલથી સપ્‍ટેમ્‍બર સુધીમાં ખરીદી કરી ઉપયોગમાં હોય તો આખા વર્ષનો ધસારો બાદ મળે- પરંતુ જો મિલ્‍કત ઓકટોબરથી માર્ચ સુધીમાં ખરીદી કરી વપરાશમાં લીધેલ હોય તો આવકવેરા ખાતાએ નિર્ધારીત કરેલ દરનાં ૫૦% (અડધા) લેખે જ ધસારો બાદ મળશે.

(૪) વર્ષના અંત પહેલા એટલે કે ૩૧મી માર્ચ પહેલા જો સ્‍થાવર કે જંગમ મિલ્‍કતનું વેચાણ કરેલ હોય તો તે મીલ્‍કત ઉપર કોઇપણ જાતનો ધસારો બાદ મળવાને પાત્ર નથી.

(પ) કરદાતા પાસે બે પૈડા, ત્રણ પૈડા અથવા ચાર પૈડા (મોટર કાર વગેરે) જો હીસાબી વર્ષમાં ખરીદ કરેલ હોય અને તેની સામે કોઇપણ જુનુ વાહન વેચાણ કરેલ હોય તો નવા ખરીદી કરેલ વાહનની ખરીદ કિંમત, રજીસ્‍ટ્રેશન ખર્ચ એસેસરીઝ વગેરે કુલ ખર્ચમાંથી નવા ખરીદી કરેલ વાહનની કિંમતમાંથી બાદ કરીને બાકીની રકમ ઉપર ધસારો મળે.

દા.ત. : નવી મોટરકાર રૂા. ૧૫ લાખમાં ખરીદેલ હોય અને જુની મોટર કાર રૂા. પાંચ લાખમાં વેચાણ કરે તો નવી મોટરકાર ઉપર રૂા. ૧૫ - રૂા. ૫ = રૂા. ૧૦ લાખ ઉપર જ ધસારો બાદ મળશે. આમા પણ ઉપર જણાવ્‍યા (કલમ ૩ મુજબ) અર્ધવાર્ષિક - વાર્ષિકનો કાયદો લાગુ પડશે. આમ, વાહનો અંગે ગમે ત્‍યારે વેચાણ કરો તો તેનાં બ્‍લોક કુલ કિંમત W.D.V.માંથી વેચાણ કરેલ રકમ બાદ થતાં બાકીની રકમ ઉપર ધસારો મળવાપાત્ર છે.

ધસારાની રકમ કઇ રીતે કાયદેસર બાદ લેવી તે ટેક્ષ પ્‍લાનીંગનો ભાગ છે

આવી જ રીતે સામાન્‍ય રીતે સરવૈયામાં ‘પ્‍લાન્‍ટ અને મશીનરી' એક જ હેડ નીચે સમાવેશ થતો હોય છે પરંતુ ખરેખર પ્‍લાન્‍ટ એટલે જ જમીન તમામ બાંધકામ જે સ્‍થાવર મિલ્‍કત છે અને તેનાં ઉપર ધસારાનો દર ઓછો હોય છે. જમીન અવિનાશી હોવાથી જમીનની કિંમત ઉપર કોઇપણ ધસારાને પાત્ર નથી.

જ્‍યારે ‘મશીનરી' એટલે કે તમામ પ્રકારની મશીનરીનો સમાવેશ થાય છે. કારખાનાઓમાં ઉત્‍પાદન કરવા માટે સી.એન.જી. મશીનરી, લેથો વિવિધ પ્રકારની મશીનરી, ટુલ્‍સ વગેરે જ્‍યારે પ્રોફેશનલ વ્‍યકિતઓ માટે કોમ્‍પ્‍યુટર, પ્રીન્‍ટર, એર કંડીશનરો વગેરે જે તે વ્‍યવસાય કરવા માટે વપરાશમાં આવતી મશીનરીઓનો સમાવેશ થાય છે.

ઘણા કરદાતાઓ વેપારમાં ધંધાકીય નફો ઓછો હોય ત્‍યારે ધસારો નફા - નુકસાન ખાતે ઉધારવાનું નહી તેવું વિચારે છે પરંતુ આવકવેરા કાયદા મુજબ ધસારો ફરજીયાત લેવાનો હોય છે. તેથી ઇન્‍કમ ટેક્ષની ગણત્રી કરતી વખતે (કોમ્‍યુટેશન ઓફ ઇન્‍કમ) કરદાતાના વકીલ / સી.એ. દ્વારા ધસારો આવકવેરા કાયદા મુજબ લેવાનો રહે છે.

હિસાબી વર્ષ ૨૦૨૧-૨૨થી આવકવેરા કલમ ૩૨ હેઠળ અમુક ધંધા (Specified Business) માટે વધારાનો ધસારો અગાઉના વર્ષોમાં મળતો હતો તે બંધ થાય છે. તેવી જ રીતે સ્‍વમાલીકીના ધંધા - વ્‍યવસાયના કેસમાં અગાઉના કોઇપણ સંબંધીત વર્ષોનો Unabsorbed Depreciation રકમ બાદ મળશે નહીં પરંતુ તે રકમ અગાઉના વર્ષોની ઘટતી જતી બાકી એટલે કે Written down Valueમાં ઉમેરાશે અને તેની ઉપર કાયદા અનુસાર ધસારો બાદ મળશે.

આમ, મોટો ધસારો લેતા કરદાતાઓએ ઉપરોકત બાબતો ધ્‍યાનમાં રાખવી જરૂરી છે.

નિતીન કામદાર (CA)

૭/૯ પંચનાથ પ્‍લોટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

info@nitinkamdar.com

(10:36 am IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST