Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સરકારી મહેમાન

‘માનવ શરીર રોગી હોઇ શકે, ગરીબ હોઇ શકે પણ અપવિત્ર કદી નહીં, તે ઇશ્વરનું મંદિર છે!’

અમેરિકાના ડોક્ટરે હાડકાંનો એક્સ-રે જોઇ કહ્યું કે આ મનુષ્યએ જીવનમાં 350 વર્ષ કામ કર્યું છે: જાપાનમાં પૂછાયું કે ભારતમાં કોઇ સંપ્રદાય એવો છે કે જે આ આદર્શો અપનાવે છે? દાદા મૌન: ગ્રામ્ય સમાજમાં ક્રાન્તિ લાવનારા અને સરળ ગીતા જ્ઞાન આપનારા દાદાની આજે જન્મજ્યંતિ

“માનવ શરીર અસ્વચ્છ કે રોગી હોઇ શકે છે. તે અનપઢ કે ગરીબ હોઇ શકે છે પરંતુ માનવ ક્યારેય અસ્પૃશ્ય કે અપવિત્ર હોઇ શકે નહીં, કેમ કે માનવ શરીર ઇશ્વરનું મંદિર છે.” – આ શબ્દો પાંડુરંગ આઠવલેના છે. ભારતના દાર્શનિક, આધ્યામિક ગુરૂ અને સમાજ સુધારક હતા. તેમને લોકો દાદાજીના હુલામણા નામથી બોલાવતા હતા. મરાઠીમાં તેનો અર્થ ‘બડે ભાઇ સાહબ’ થાય છે. તેમણે 1954માં સ્વાધ્યાય આંદોલન ચલાવ્યું હતું અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી હતી. દાદા ત્રણ ટી—એટલે કે ટિફીન, ટિકીટ અને ટાઇમના ચુસ્ત પાલનકર્તા હતા. ભક્તિ ફેરીમાં તેનો અમલ કરાવ્યો હતો.  તેઓ કહેતા હતા કે --- “સંપૂર્ણ સમાજમાં માતૃત્વ વધવું જોઇએ, તેમાં કેટલાક અદ્દભૂત અને લોકોત્તર ગુણો છે તે તમામ સમાજમાં ઉતરશે તો સમાજનું કલ્યાણ થશે.” જનેતા અંગે દાદાએ કહ્યું હતું કે --- “મા હંમેશા આશાવાદી હોય છે. આખા સમાજે અને પરિવારે જે છોકરા માટે હાથ ધોઇ નાંખ્યા હશે તો પણ મા ક્યારેય નિરાશ નહીં થાય. મારો દિકરો જરૂર સુધરશે એ શ્રદ્ધાથી મા તેને સુધારતી રહેશે. મા નું આવું આશાવાદીપણું આજના સમાજમાં ખૂબ આવશ્યક છે.”

19મી ઓક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન...

પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિનને મનુષ્ય ગૌરવ દિન તરીકે મનાવવામાં આવે છે. તેમણે પારંપરિક શિક્ષણ સાથે સરસ્વતી સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણ સાથે ન્યાય, વેદાંત, સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનું અદ્યયન કર્યું હતું. તેમણે રોયલ એશિયાટિક સોસાયટી મુંબઇ દ્વારા માનદ સદસ્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકાલયમાં તેમણે ઉપન્યાસ ખંડને છોડીને તમામ વિષયોના પ્રમુખ લેખકોની પ્રસિદ્ધ પુસ્તકોનું વાંચન કર્યું હતું. વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણનું પણ ચિંતન કર્યું હતું. શ્રીમદ્ ભગવદ ગીતા પાઠશાળામાં પાંડુરંગ શાસ્ત્રીએ અખંડ વૈદિક ધર્મ, જીવન જીવવાની રીત, પૂજાની રીત અને પવિત્ર મંચથી વિચારવાની રીત આપી હતી.

અબાલ-વૃદ્ધ એમ બઘાંને એકસૂત્રમાં બાંધ્યા છે...

પાંડુરંગ શાસ્ત્રી 19મી ઓક્ટોબર 1920માં મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં રોહા નામના ગામડામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા વૈજનાથ અને માતા પાર્વતીના પાંચ સંતાનો પૈકીના તેઓ એક હતા. તેમણે હિન્દુ ધર્મના મહાન ગ્રંથ ગીતાના જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પુરૂષાર્થ કર્યો હતો. શાત્રીજીની તેમની સરળ શૈલીથી બાળકો, યુવાન, વયસ્કો એમ અબાલ-વૃદ્ધ બઘાંને પરિવારમાં એકસૂત્રથી સાંકળી લીધા હતા.

વિભાજીત સમાજને જોઇને તેઓ દુખી થયાં...

પાંડુરંગ શાસ્ત્રીના સંસ્કારોનું સિંચન બચપનથી જ થયું હતું. 12 વર્ષની ઉંમરમાં તેમના પિતા વૈજનાથે પાંડુરંગ શાસ્ત્રીના અભ્યાસ માટે રોહામાં એક અલગ કોર્સ બનાવ્યો હતો જે બિલકુલ ભારતના તપોવન જેવો હતો. સરસ્વતી સંસ્કૃત પાઠશાળામાં તેઓ અભ્યાસ કરતા હતા. લોકોનું માનવું હતું કે તપોવન શિક્ષણ પદ્ધતિમાં અંગ્રેજી ભણાવવામાં આવતું નથી પરંતુ વૈજનાથ શાસ્ત્રીએ આ પરંપરાને દૂર કરી પુત્રને અંગ્રેજીનું ઉત્તમ શિક્ષણ પણ આપ્યું હતું. બાળપણથી જ પાંડુરંગે સંસ્કૃત અને બીજા હિન્દુ ગ્રંથોનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ યુવાન થયાં ત્યારે સંપ્રદાયોમાં વિભાજીત સમાજને જોઇને તેઓ દુખી થયા હતા. 22 વર્ષની ઉંમરે વિભાજીત સમાજને એક કરવાનો તેમણે યજ્ઞ શરૂ કર્યો હતો. 

પિતાનો અધુરો યજ્ઞ દાદાએ પૂરો કર્યો છે...

16 વર્ષોથી સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં જોડાયેલા વૈજનાથના ગળામાં ખરાબી થતાં સ્વાધ્યાયની સંપૂર્ણ જવાબદારી પાંડુરંગને આપી દીધી હતી. 22 વર્ષની વયે પાંડુરંગ શાસ્ત્રીએ 1942માં શ્રીમદ્ ભગવત ગીતા પાઠશાળા જે તેમના પિતાએ 1926માં બનાવી હતી તેમાં પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું. 1956માં તેમણે તત્વજ્ઞાન વિદ્યાપીઠ શરૂ કરી હતી જેમાં ભારતીયો જ નહીં વિદેશી ભાષાઓનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. તેમને સ્વાધ્યાયના કામમાં શરૂઆતમાં ખૂબ મુશ્કેલી થતી હતી, કારણ કે તેમણે ક્યારેય કોઇની પાસેથી રૂપિયા લીધા ન હતા. તેઓ હજારો ગામડાઓમાં જઇને લોકોને જાગૃત બનાવતા હતા. શરૂઆતમાં તેઓ ચાલીને જતા. ધીમે ધીમે તેમણે ભાડાની સાયકલ લીધી અને સફર કરતા હતા. 

જાપાનમાં પૂછાયેલા પ્રશ્નથી વ્યથિત બન્યાં...

1954માં જાપાનના શીમ્ત્સુમાં બીજા વિશ્વ ધર્મ સંમેલનમાં તેમણે ભાગ લીધો હતો. આ સંમેલનમાં તેમણે વૈદિક જ્ઞાન અને જીવન દર્શનના મહત્વ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. દાદાજીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે --- શું તમારા દેશમાં કોઇ સંપ્રદાય એવો છે જે આવા આદર્શો અને જીવન દર્શનને વ્યવહારમાં અપનાવતો હોય... ત્યારે આ પ્રશ્નથી દાદા વ્યથિત બન્યાં હતા. સંમેલનમાંથી તેઓ પરત તો ફર્યા પરંતુ ભારત આવીને વર્તમાન અને પ્રાસંગિક સ્થિતિ પર વિચાર કરીને તેનો અમલ કરવાનો તેમણે પ્રારંભ કર્યો હતો.

તેમણે ભારત અને પશ્ચિમી જ્ઞાનની સમજ આપી...

1956માં પાંડુરંગ શાસ્ત્રીએ એક વિદ્યાલયની સ્થાપના કરી અને તેને તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામ આપ્યું હતું. આ વિદ્યાલયમાં તેમણે ભારતના આદિકાલીન જ્ઞાન તેમજ પશ્ચિમના જ્ઞાનની સમજ સાથે બન્નેના સમન્વયનો પણ ખ્યાલ આપ્યો હતો. તેઓ સતત યાત્રા કરતા હતા અને અનેક લોકો સાથે જનસંપર્ક કરતા હતા. તેમણે તબીબો, ઇજનેરો, વકીલો અને ઉદ્યોગપતિઓ સાથે વાત કરીને તેમને સ્વાધ્યાયના માધ્યમથી આત્મ ચેતના જગાવવાનો સંદેશ આપ્યો હતો. સમાજમાં એક આદર્શ સ્થાપવાનો તેમનો આ પ્રયાસ હતો, જેમાં પોતાના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ સમય કાઢીને ઇશ્વરનું ધ્યાન કરે અને ભક્તિભાવ અપનાવે.

અનુયાયીઓએ વેરાન પ્રદેશને હરિયાળા બનાવ્યાં...

દાદાના પ્રભાવથી તેમના અનુયાયીઓની સંખ્યા વધતી ગઇ હતી. તેમણે લોકોને સમજાવ્યું કે સ્વાધ્યાય માર્ગમાં કોઇ ધર્મ, જાતિ, સ્ત્રી-પુરૂષ જેવો ભેદભાવ નથી. 1964માં પોપ પોલ ચોથા જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે અને દાદાએ જીવન દર્શન અંગેની ચર્ચા કરી હતી. સ્વાધ્યાયના પ્રભાવમાં લોકોએ દારૂ પીવાનો છોડ્યો. જુગાર રમવો બંધ કર્યો. ઘર પરિવારમાં મહિલાઓ સામેની હિંસામાં ઘટાડો થયો હતો. નાના-મોટા અપરાધ ઓછાં થયાં. લોકોમાં આત્મશુદ્ધિની લહેર વ્યાપી ગઇ હતી. અનેક માછીમારો સંસ્કૃતના શ્લોક ગાતા ગાતા દરિયો ખેડતા હતા. તેઓ જેટલી માછલી પકડતા તેમાંથી ગરીબો માટેનો ભાગ કાઢી લેતાં હતા. બહું મોટી સામાજીક ક્રાન્તિ તેમણે શરૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષારોપણ થયું હતું. દાદાએ વૃક્ષારોપણને વૃક્ષ મંદિરનું રૂપક આપ્યું હતું. દાદાના અનુયાયીઓએ અનેક વેરાન પ્રદેશને હરિયાળા બનાવ્યાં છે.

ભક્તિફેરીથી તેમણે યુવાનોમાં ચેતના જગાવી...

દાદાના સ્વાધ્યાય વ્યવહારથી ગામોની સંસ્કૃતિ બદલવા લાગી હતી. ગામોમાં સફાઇની ચેતના આવી હતી. બાળકો ખૂશ થઇને સ્કૂલે જવા લાગ્યા હતા. ગામોમાં વ્યાપેલી અસ્પૃશ્યતાની ભાવના ખતમ થવા લાગી હતી. શાત્રીજીએ ગામેગામ ફરીને સંદેશ આપ્યો કે --- તેમની સ્વાધ્યાય પ્રવૃત્તિને રાજનીતિ સાથે કોઇ લેવાદેવા નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે સ્વાધ્યાય પ્રવૃત્તિ એ દુનિયાની મુશ્કેલી ઉકેલવાની ચાવી નથી, તે તો પ્રેમ, પરસ્પર મદદ, શાંતિ, નિસ્વાર્થ ભાવનાની સંસ્કૃતિ છે. ગીતાનું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડવાનું શ્રેય પાંડુરંગ દાદાને જાય છે. તેમણે શરૂ કરેલી ભક્તિ ફેરીની મહત્વની ભૂમિકાએ લોકોમાં ભક્તિનો સંચાર કર્યો હતો. યુવાનો શેરી નાટકો દ્વારા સમાજને ઉપયોગી સંદેશ પહોંચાડી રહ્યાં છે. દાદાએ 25મી માર્ચ 1958માં ભક્તિ ફેરીનો પ્રારંભ કર્યો હતો. તેમણે 19 યુવાનોના કપાળે તિલક કરીને આશીર્વાદ આપ્યાં હતા. પાંડુરંગના તિકાલ સંધ્યાના પ્રયોગો મશહૂર છે. સવારે, બપોરે અને રાત્રે પ્રાર્થના કરવામાં આવે છે. તેમના અન્ય પ્રયોગોમાં બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા કેન્દ્ર, યુવતી કેન્દ્ર, સ્વાધ્યાય કેન્દ્ર, વૃક્ષ મંદિર, યોગેશ્વર કૃષિ, મત્સગંધા, હિરા મંદિર, પતંજલિ ચિકિત્સાલય ઉપરાંત શ્રીદર્શનમ, અમૃતાલયમ, ગૌરસ, યંત્ર મંદિર અને સાયં પ્રાર્થનાનો સમાવેશ થાય છે. પાંડુરંગ આઠવલે એ 25મી ઓક્ટોબર 2003ના રોજ મુંબઇમાં આખરી શ્વાસ લીધા હતા. તેમના દત્તક પુત્રી જયશ્રી દીદીએ સ્વાધ્યાય પરિવારનો કાર્યભાર સંભાળ્યો હતો.

અનેક એવોર્ડથી દાદા સન્માનિત થયેલા છે...

દાદાજી સ્વાધ્યાય પરિવારમાં માત્ર પ્રવચન કરતા ન હતા. તેઓ જરૂર પડ્યે કામમાં જોડાઇ જતા હતા. એક વાર તેઓ બિમાર પડ્યા હતા અને હોસ્પિટલમાં હતા ત્યાર તેમના હાડકાંનો એક્સરે કાઢીને અમેરિકા મોકલવામાં આવ્યો ત્યારે ડોક્ટરો દંગ રહી ગયા હતા અને કહ્યું કે – રિપોર્ટ અનુસાર આ હાડકાં 300 થી 350 વર્ષ સુધી કામ કરતાં મનુષ્યના હોવા જોઇએ. કહેવાય છે કે સ્વાધ્યાય પરિવારની શરૂઆત મહારાષ્ટ્રમાંથી થઇ હતી પરંતુ આજે ભારતમાં તેના 50 હજાર કરતાં વધુ કેન્દ્રો અને 120 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ભારતમાં જ નહીં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, યૂરોપ, કેરેબિયન અને આફ્રિકા જેવા દેશોમાં પણ સ્વાધ્યાય થાય છે. સ્વાધ્યાય આંદોલન શ્રીમદ્ ભાગવત ગીતા પર આધારિત આત્મજ્ઞાનનું આંદોલન છે જે ભારતના એક લાખ જેટલા ગામડાઓમાં ફેલાયેલું છે. દાદાજી ગીતા તેમજ ઉપનિષદો પર તેમના પ્રવચન માટે પ્રસિદ્ધ હતા. દાદાને 1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર મળ્યો હતો.  તેમને 1997માં ધર્મના ક્ષેત્રમાં ઉન્નતિ માટે ટેમ્પલ્ટન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999માં તેમને સામુદાયિક નેતૃત્વ માટે મેગ્સેસે પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા હતા. આ વર્ષે જ ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. 

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:30 am IST)
  • સુરત-શારજાહની ફ્લાઈટ ઉડાવશે મહિલા પાયલટ ;સુરતની સિનિયર પાયલટ જસ્મિન ઉડાવશે એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ ;16 ફેબ્રુઆરીએ ફ્લાઈટ લઈને આવશે સુરત access_time 9:25 pm IST

  • ભાવનગર:મહુવા પંથકમાં દીપડાનો આતંક: એક જ દિવસમાં દીપડા દ્વારા બે હુમલા :માનવ પર હુમલો કર્યાના બે બનાવ :માલપરાની ઘટના બાદ લીલવણ ગામે હુમલો : ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા access_time 9:31 pm IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST