Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સરકારી મહેમાન

વિક-એન્ડમાં ECI લોકસભાની ચૂંટણી જાહેર કરશે; રાજ્યમાં એક જ તબક્કામાં 26 બેઠકોનું મતદાન

લોકો પણ ઘાસ ખાય છે-- ગૌચરની જમીન માણસો ચરી ગયા, રાજ્યના 2754 ગામોમાં ગૌચર શૂન્ય : અહો આશ્ચર્યમ્: 8400 સ્કૂલોમાં બાળકો માટે રમતના મેદાન નથી છતાં સરકાર ખેલ મહાકુંભ યોજે છે: પરમીટનો શરાબ મોંઘો થતાં ગુજરાતને વિક્રમી આવક, 15 હજાર કરોડના શરાબનું ગેરકાયદે વેચાણ

ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચના પહેલા સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને જ્યારે દિલ્હી પાછા જશે ત્યાર પછી એક બે દિવસમાં ભારતનું ચૂંટણી પંચ તારીખો જાહેર કરશે. જે દિવસે તારીખ જાહેર થશે તે દિવસથી જ ચૂંટણીની આચાર સંહિતા લાગુ કરી દેવાશે. 2014માં ચૂંટણી પંચે 7 એપ્રિલ થી 12મી મે સુધીના અલગ અલગ તબક્કાઓમાં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું. 16 મી મે એ મતગણતરી અને પરિણામ જાહેર થયું હતું. ચૂંટણી પંચ ઇસ્ટ, સેન્ટ્રલ ઇન્ડિયા, વેસ્ટ, નોર્થ, સાઉથ, નોર્થઇસ્ટ અને યુનિયન ટેરેટરી જેવા કુલ સાત વિભાગોમાં આવેલા રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે. પંચના સૂત્રો કહે છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ચૂંટણી આવશે અને એક જ તબક્કામાં 26 બેઠકોની ચૂંટણી પૂર્ણ થશે. દેશના વેસ્ટ પાર્ટમાં ગોવા, ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન આવે છે. આ ચારેય રાજ્યોમાં 2014માં એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજવામાં આવી હતી. છેલ્લી લોકસભામાં ભાજપને 282 બેઠકો મળી હતી, જે 2009ની ચૂંટણીમાં માત્ર 116 હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી જે 2009માં 206 બેઠકો હતી. ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. પાર્ટીના સૂત્રો કહે છે કે ભાજપ આ વખતે 26 પૈકી 12 થી 15 ઉમેદવારો બદલશે, જ્યારે કોંગ્રેસના હારી ગયેલા 26 પૈકી માત્ર 10 થી 12 ઉમેદવારોને જ રિપીટ કરે તેમ લાગી રહ્યું છે.

ગાયોને ચરવાની જમીન લોકો ચરી ગયા...

ગુજરાતમાં ગાયો અને પશુઓ માટે ચરવાની જમીનમાં ગેરકાયદે બાંધકામો થઇ ગયા છે. કેટલીક જગ્યાએ લોકોએ તેમના અડ્ડા બનાવી દીધા છે. રાજ્યના 33 પૈકી 28 જિલ્લાઓમાં ગૌચરની જમીનમાં દબાણો થયાં હોવાની 2315 ફરિયાદો સરકારને મળી છે. મહેસૂલ વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ 1104 ફરિયાદો ભાવનગર જિલ્લામાં નોંધાઇ છે. બીજાક્રમે 290 ફરિયાદો સાથે ગાંધીનગર આવે છે. અમદાવાદમાં 124 અને મહેસાણામાં 217 ફરિયાદો છે. સરકારે દાવો કર્યો છે કે 972 હેક્ટર જમીનમાંથી ગેરકાયદે દબાણો મુક્ત  કરી જમીન ખુલ્લી કરી છે. ગૌચરની જમીનમાં દબાણો ન હોય તેવા જિલ્લામાં ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લો આવે છે જે મોટાભાગે આદિવાસી વસતી ધરાવે છે. બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લા એવા છે કે જ્યાં માત્ર એક જ ફરિયાદ નોંધાઇ છે. કેટલીક જગ્યાએ ખુદ સરકારે ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દીધી છે. ગાયોને ઘાસના તણખલા માટે પણ તરસવું પડે છે ગુજરાતના 2754 ગામો એવા છે કે જ્યાં એક ઈંચ જમીન પણ ગૌચર માટે બચી નથી ગાયના નામે મત માગી ગૌચર નાબૂદ કરનાર ભાજપ સરકારના માનીતા ઉદ્યોગપતિઓ અને સત્તાના દલાલો ગૌચર જમીન ચરી ગયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન પણ ગૌચર જ્યાં સાવ સાફ થઈ ગયું તેવા ગામોની સંખ્યા 194 ને છે ગૌચરની આવી જમીનો પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે આવા આવા દબાણો દૂર કરવા સરકાર પરિપત્રના નાટક કરે છે પરંતુ જમીન પાછી મેળવી શકતી નથી.

 

ગુજરાતમાંથી 12500 બાળકો ગૂમ થયાં છે...

ગુજરાતમાંથી 12500 જેટલા બાળકો છેલ્લા પાંચ વર્ષમાં ગૂમ થયાં છે. સરકારના ગૃહ વિભાગનો દાવો છે કે ગૂમ થયેલા બાળકો પૈકી 10000થી વધુ બાળકો પાછા મળી ગયા છે. પાંચ વર્ષના આંકડા આપતાં ગૃહ વિભાગે જણાવ્યું છે કે સૌથી વધુ 2600 બાળકો સુરત શહેરમાંથી ગૂમ થયાં છે. બીજાક્રમે 2400 સાથે અમદાવાદ શહેર આવે છે. ગાંધીનગરમાંથી 550 બાળકો ગૂમ થયાં છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 700 અને સુરત ગ્રામ વિસ્તારમાંથી 280 બાળકો ગૂમ થયાં છે. રાજકોટ શહેરમાંથી 500 અને વડોદરા શહેરમાંથી 90 બાળકો ગૂમ થયાં છે. આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને સરકારે ગંભીર ગણીને બાળકો પાછા મેળવવા માટે લોકોના સહકારથી એક અભિયાન ઉપાડ્યું હતું જેમાં ગૂમ થયેલા બાળકો પૈકી 85 ટકા પાછા મેળવવામાં આવ્યા છે. સરકારે ફ્રેડન્સ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ગ્રુપ બનાવ્યુ છે જેઓને બાળકો શોધવાની પોલીસ તાલીમ આપે છે. ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગૂમ થયેલા બાળકો ચાર મહિનાથી વધુ સમય સુધી ન મળી આવે તો તેની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સોંપવામાં આવતી હોય છે. સરકારે ટ્રેક ધ મિસીંગ ચિલ્ડ્રન નામની વેબસાઇટ બનાવી છે જેના પર શૂન્ય થી 18 વર્ષની વય ધરાવતા બાળકોની એન્ટ્રી કરવામાં આવે છે. આશ્ચર્યની બાબત એવી છે કે આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં બાળકો મિસીંગ થવાની ઘટનાઓ ખૂબ ઓછી બની રહી છે. ડાંગમાં પાંચ વર્ષમાં માત્ર 10 અને નર્મદામાં 15 બાળકો ગૂમ થયાની ફરિયાદ મળી છે.

 

ખેલ મહાકુંભ યોજાય છે પણ રમત ક્યાં રમવી...

ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 2010માં ખેલ મહાકુંભ યોજના દાખલ કરી હતી. સ્કૂલ અને કોલેજોના બાળકો તેમને મનગમતી રમતની સ્પર્ધામાં ભાગ લઇને પુરસ્કાર મેળવે છે. શિક્ષણ વિભાગમાં એવો કાયદો છે કે કોઇપણ સ્કૂલ હોય તેને રમતનું મેદાન હોવું જોઇએ પરંતુ રાજ્યમાં એવી સ્કૂલો છે કે જ્યાં રમતના મેદાન નથી. કેટલીક સ્કૂલો દુકાન કે ઘરમાં ચાલે છે. પ્રાઇવેટ સ્કૂલોની સરખામણીએ સરકારી સ્કૂલોમાં રમતના મેદાનનો અભાવ વર્તાય છે. શિક્ષણ વિભાગના આકંડા પ્રમાણે રાજ્યની 6700 સરકારી સ્કૂલો એવી છે કે જ્યાં બાળકો માટે રમતના મેદાન નથી. કેટલીક જગ્યાએ રમતના મેદાનની જગ્યાએ કોમર્શિયલ પ્રવૃત્તિ થાય છે. બીજી તરફ 1700 જેટલી પ્રાઇવેટ સ્કૂલોમાં રમતના મેદાન નથી.  અમદાવાદ જેવા વધુ વસતી ધરાવતા શહેરમાં 68 સરકારી અને 676 પ્રાઇવેટ સ્કૂલમાં રમતના મેદાન નથી. ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં રમતના મેદાન જોવા મળે છે પરંતુ શહેરી વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં મેદાનનો અભાવ છે. રાજ્યમાં ખેડા જિલ્લો એવો છે કે જ્યાં તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં રમતના મેદાન જોવા મળે છે. ગુજરાત ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન કરે છે પરંતુ બાળકો રમતની પ્રેક્ટિસ ક્યાં કરે તે સવાલ છે. ગુજરાતના ખેલ મહાકુંભની નકલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાં ખેલો ઇન્ડિયા મુવમેન્ટ શરૂ કરી છે. ગુજરાતમાં ગયા વર્ષે 42 લાખથી વધુ બાળકોએ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકાર આ ખેલ મહાકુંભમાં કુલ 34 ગેમ રમાડે છે.

 

રાજ્યમાં પરમીટનો દારૂ મોંઘો થતો જાય છે...

ગુજરાતમાં પરમીટનો દારૂ મોંઘો થતો જાય છે. સરકારે ડ્યુટી વધારી દેતાં છેલ્લા એક વર્ષમાં પરમીટનો દારૂ વેચવાથી સરકારને 16.45 કરોડ રૂપિયાની આવક થઇ છે. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં દારૂના વેચાણ થકી 66.45 કરોડની આવક થઇ છે. સૌથી વધુ દારૂ વેચવાની પરમીટ અમદાવાદની 13 હોટલોને આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 57 હોટલો પાસે દારૂ વેચવાની પરમીટ છે. આ હોટલોએ છેલ્લા પાંચ વર્ષમાં 8000 કિલો લીટર દારૂ અને 45900 કિલો લીટર બિયરનું વેચાણ કર્યું છે. રાજ્યના માત્ર 14 જિલ્લામાં દારૂ વેચવાની પરમીટ આપવામાં આવી છે જેમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, ભાવનગર, રાજકોટ, નડીયાદ, આણંદ, મહેસાણા, કચ્છ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. સુરતમાં પાંચ હોટલો પાસે પરમીટ છે છતાં સૌથી વધુ દારૂ સુરતમાં પીવાય છે. સરકારને સુરતમાંતી દારૂના ટેક્સની આવક અમદાવાદ કરતાં બમણી મળે છે. છેલ્લા એક વર્ષમાં જોઇએ તો અમદાવાદમાંથી સરકારને ટેક્સ પેટે 2.34 કરોડની આવક મળી છે જેની સામે સુરતમાંથી 5.50 કરોડની આવક પ્રાપ્ત થઇ છે. દારૂમાં જીએસટી ઇફેક્ટ આવી છે. લિકર શોપ પર વિદેશી દારૂના ભાવમાં 300 ટકાનો વધારો થયો છે. એટલે કે કડવા ઘૂંટ મોંઘા થયાં છે. પોલીસ સૂત્રો કહે છે કે રાજ્યમાં કાયદેસરના દારૂ કરતાં 1000 ગણો વધારે ગેરકાયદે દારૂ પ્રવેશે છે અને વેચાય છે, જેમાંથી સરકારને એક રૂપિયો પણ મળતો નથી. ગુજરાતમાં વિદેશી દારૂનો વર્ષે 15 હજાર કરોડનો ગેરકાયદે બિઝનેસ છે.

 

અમદાવાદમાં હથિયારો વેચતી 13 દુકાનો છે...

જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં પિસ્તોલ અને બંદૂક જેવા હથિયારો વેચતી 13 દુકાનો આવેલી છે. આ દુકાનો કાયદેસરની છે. રાજ્યના ગૃહ વિભાગે તેમને લાયસન્સ આપ્યાં છે. આ 13 લાયસન્સ ડિલરોએ રિવોલ્વર, પિસ્તોલ અને ગન જેવા હથિયારો રાજ્યના જિલ્લાઓમાં તો વેચ્યાં છે પરંતુ એ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મિર જેવા રાજ્યોને પણ વેચ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ દુકાનોએ 750 જેટલી રિવોલ્વર, 160 જેટલી પિસ્તોલ, 1050 જેટલી ગન અને 125 જેટલી રાયફલનું વેચાણ કર્યું છે. આમ ત્રણ વર્ષમાં કુલ 1213 હથિયારોનું વેચાણ કર્યું છે. આ હથિયારો લાયસન્સ ધારકોને આપવામાં આવ્યા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:50 am IST)