Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સરકારી મહેમાન

હું ભારતની એક ઇંચ ભૂમિ બીજાના હાથમાં જવા દેવા માગતો નથી, કાશ્મીર હમારા હૈ

નહેરૂને ખ્યાલ આવ્યો કે તેમણે ભૂલ કરી છે ત્યારે તેમણે સંસદમાં મુખરજીની માફી માગી હતી: ડો. શ્યામાપ્રસાદ કહેતા કે, રાષ્ટ્રીય એકતાની ધરતી પર દેશના ભવિષ્યની ઇંટ રાખી શકાશે: કાશ્મીર મુદ્દે તેમનો નારો હતો કે, “એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે”

“તમે જે કામ કરો તે સારી રીતે કરો. આ કામને અધુરૂં ના છોડો. શરૂ કરેલા કામને ત્યાં સુધી કરતાં રહો જ્યાં સુધી તમને સંતોષ ન મળે. તમારી અંદર અનુશાસન અને સહનશીલતા લાવો. બીજાની અંદરના દોષ કાઢવાથી એ સારૂં છે કે તમે તમારા વિરોધીઓએ કહેલી સારી બાબતોની સરાહના કરો.” ---  આ શબ્દો બીજા કોઇના નહીં પરંતુ દેશભક્ત ડો. શ્યામાપ્રસાદ મુકરજીના છે. આજે આપણે જે ભારતીય જનતા પાર્ટી જોઇએ છીએ તે હકીકતમાં તો જનસંઘના વિલયમાંથી ઉભી થયેલી પાર્ટી છે. આ જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુકરજી જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા માટે સતત લડતા રહ્યાં હતા. ડો. મુકરજી ભારત માટે શહીદ થયાં અને ભારતે એક એવો વ્યક્તિ ખોઇ દીધો કે જે રાજનીતિને નવીદિશા પ્રદાન કરી શકતો હતો. તેઓ હંમેશા કહેતા કે આપણે સાંસ્કૃતિત દ્રષ્ટીથી એક છીએ તેથી ધર્મના આધાર પર કોઇપણ પ્રકારનું વિભાજન થવું ન જોઇએ. તેમની જનસભામાં તેઓ કહેતા કે – “નહેરૂજીએ એક તૃતિયાંસ કાશ્મીર પાકિસ્તાનને પહેલેથી ભેટ આપી દીધું છે. હું એક ઇંચ ભારતની ભૂમિ કોઇ બીજાના હાથમાં જવા દેવા માગતો નથી.”

લંડનથી બેરિસ્ટર બનીને પાછા આવ્યા હતા...

6ઠ્ઠી જુલાઇ 1901માં કોલકત્તાના અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાં શ્યામાપ્રસાદનો જન્મ થયો હતો. તેમના પિતા આશુતોષ મુકરજી બહુમુખી પ્રતિભાવંત અને શિક્ષણવિદ્દ હતા. ડો. મુકરજીએ 1917માં મેટ્રીક કર્યું અને ત્યારબાદ 1921માં બીએની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. 1923માં તેમણે કાયદાની ડીગ્રી મેળવી હતી અને વિદેશ જતા રહ્યાં હતા. તેમનું ધ્યાન ગણિત તરફ વધારે હતું તેથી તેના અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા હતા જ્યાં લંડન મેથેમેટીકલ સોસાયટીએ તેમને સન્માનનિય સદસ્ય બનાવ્યા હતા. લંડનથી બેરિસ્ટર બનીને પાછા આવ્યા પછી તેમણે વકીલાત અને કોલકત્તા વિશ્વવિદ્યાલયની સેવા શરૂ કરી દીધી હતી.

33 વર્ષની વયે વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યાં...

1926માં ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બનીને તેઓ ભારતમાં પાછા આવ્યા અને તેમના પિતાનું અનુસરણ કરી તેમણે નાની ઉંમરમાં વિધ્યાલય ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી હતી. 33 વર્ષની ઉંમરમાં તેઓ કોલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બની ગયા હતા. ડો. મુકરજીએ સ્વેચ્છાએ અલખ જગાવવા ઉદ્દેશ સાથે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સાચા અર્થમાં માનવતાના ઉપાસક અને સિદ્ધાંતવાદી હતા. આ સમયે સાવરકરના રાષ્ટ્રવાદથી તેઓ પ્રભાવિત થયાં હતા અને હિન્દુ મહાસભામાં શામેલ થયા હતા. મુસ્લિમ લીગની રાજનીતિથી બંગાળનું વાતાવરણ દૂષિત થઇ રહ્યું હતું. સાંપ્રદાયિક લોકોને બ્રિટીશ સરકાર પ્રોત્સાહન આપતી હતી. આવી વિષમ પરિસ્થિતમાં તેમણે બંગાળના હિન્દુઓ માટે અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે બ્રિટીશ સરકારની ભારતના વિભાજનની યોજનાનો કોંગ્રેસના નેતાઓએ સ્વિકાર કર્યો ત્યારે ડો. શ્યામાપ્રસાદે બંગાળ અને પંજાબના વિભાજનની પણ માંગણી ઉઠાવીને પ્રસ્તાવિત પાકિસ્તાનનું વિભાજન કરાવ્યું અને અડધું બંગાળ અને અડધું પંજાબ ખંડિત ભારત માટે બચાવી લીધું હતું. તેઓ ભારતને અભિન્ન અંગ બનાવવા માગતા હતા. તેમણે સંસદમાં કહ્યું હતું કે – રાષ્ટ્રીય એકતાની ધરતી પર જ સોનેરી ભારતના ભવિષ્યની ઇંટ રાખી શકાશે.

હિન્દુઓની હાનિ થતાં કોંગ્રેસની નીતિનો વિરોધ...

તેમણે 1939માં રાજનીતિમાં ભાગ લીધો હતો અને આજીવન તેમાં રહ્યાં હતા. હિન્દુઓને હાનિ શરૂ થતાં તેમણે કોંગ્રેસની નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે નહેરૂની તુષ્ટિકરણની નીતિનો ખોલીને વિરોધ કર્યો હતો. ઓગષ્ટ 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં તેમને બિન કોંગ્રેસી મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના સહયોગથી હૈદરાબાદ નિઝામને ભારતમાં વિલિન થવું પડ્યું હતું. 1950માં ભારતની દશા ખરાબ હતી. આ દશા જોઇને તેમને આઘાત લાગ્યો હતો. કાશ્મીરનો ભારતમાં વિલય કરવા માટે લડતા રહ્યાં. તેમણે જમ્મુની પ્રજા પરિષદ પાર્ટી સાથે મળીને આંદોલન શરૂ કર્યું હતું. 8મી મે 1953માં તેમણે જમ્મુ માટે કૂચ કરી હતી. સીમા પ્રવેશ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 40 દિવસ સુધી તેઓ જેલમાં બંધ રહ્યાં હતા અને 23મી જૂન 1953માં તેમનું રહસ્યમય મોત થયું હતું. બંગાળે અનેક ક્રાન્તિકારીઓને જન્મ આપ્યો છે જેમાં શ્યામાપ્રસાદ મુકરજી એક હતા. મુકરજીના માતા જોગમાયા દેવીએ નહેરૂને મોતની તપાસ કરવા માટે કહ્યું હતું ત્યારે નહેરૂએ કહ્યું હતું કે બિમારીના કારણે તેઓનું અવસાન થયું છે. તેમના મોત પાછળ કોઇ રહસ્ય નથી.

ધર્મના આધારે વિભાજનના કટ્ટર વિરોધી હતા...

ડો. મુકરજી માનતા હતા કે સાંસ્કૃતિક દ્રષ્ટીએ આપણે બઘાં એક છીએ તેથી તેઓ ધર્મના આધારે વિભાજન કરવાના કટ્ટર વિરોધી હતી. તેઓ માનતા હતા કે એક જ ભાષા અને એક જ સંસ્કૃતિ આપણી વિરાસત છે, જો કે તેમના વિચારોને અન્ય પાર્ટીઓએ બીજા અર્થમાં લીધા હોવા છતાં લોકોના દિલમાં તેમના માટે પ્રેમ અને સમર્થન વધતું રહ્યું હતું. ઓગષ્ટ 1946માં મુસ્લિમ લીગે જંગનો રસ્તો પકડ્યો અને કોલકત્તામાં બર્બરતા પૂર્વક અમાનવીય ઘટનાઓ બની હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના અનુરોધથી તેઓ ભારતના પહેલા મંત્રીમંડળમાં સામેલ થયા હતા. તેમણે ઉદ્યોગ વિભાગની જવાબદારી સંભાળી હતી પરંતુ તેમના રાષ્ટ્રવાદી વિચારોના કારણે અન્ય નેતાઓ સાથે મતભેદો થયાં હતા. રાષ્ટ્રીય હિતોની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપીને તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું અને એક નવી પાર્ટી બનાવી હતી. ભારતીય જનસંઘ એ નાની પાર્ટી હતી પરંતુ તેની નેતૃત્વ ક્ષમતા માટે સંસદમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક દળનું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં ગણતંત્ર પરિષદ, અકાલી દળ, હિન્દુ મહાસભા સહિતના દળો સામેલ હતા.

જમ્મુ-કાશ્મિરને ભારતનું અંગ બનાવવા લડ્યાં...

ડો. મુકરજી જમ્મુ-કાશ્મીરને ભારતનું પૂર્ણ અભિન્ન અંગ બનાવવા માગતા હતા. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં અલગ ઝંડો અને અલગ સંવિધાન હતું. ત્યાંના મુખ્યમંત્રી (વજીરે આઝમ) પ્રધાનમંત્રી કહેવાતા હતા. સંસદમાં તેમના ભાષણમાં ડો. મુકરજીએ કલમ 370ને સમાપ્ત કરવાની જોરદાર વકીલાત કરી હતી. ઓગષ્ટ 1952માં જમ્મુની વિશાળ રેલીમાં તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે— “ક્યાં તો હું આપને ભારતીય સંવિધાન પ્રાપ્ત કરાવીશ અથવા તો આ ઉદ્દેશની પૂર્તિ માટે હું મારા જીવનનું બલિદાન આપી દઇશ.” તેમણે તત્કાલિન નહેરૂ સરકારને ચેતવણી આપી હતી અને તેમના નિશ્ચય પર અટલ રહ્યાં હતા. તેમનો સંકલ્પ પૂર્ણ કરવા માટે તેઓ 1953માં પરમિશન વિના જમ્મુ-કાશ્મીરની યાત્રાએ નિકળી પડ્યાં હતા.

મંજૂરી વિના જમ્મુ ગયા અને ધરપકડ થઇ...

શ્યામાપ્રસાદ મુકરજી બંધારણની કલમ 370ના સ્પષ્ટ વિરોધી હતા. તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીર સમગ્રરીતે ભારતનો હિસ્સો બને અને અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય. તેમણે 370ની કલમ સામે અવાજ ઉઠાવ્યો હતો. કાશ્મીરના મુદ્દે તેઓ કહેતા કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે. તેમણે કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા અને અલગ ઝંડો રાખવાનો વિરોધ કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીરમાં આવવા-જવા માટે કોઇની પરવાનગી લેવાની ના હોય. 1953માં 8મી મે ના રોજ કોઇની પરવાનગી વિના તેઓ દિલ્હીથી કાશ્મીર જવા નિકળી પડ્યા હતા. બે દિવસ પછી જલંધરમાં તેમણે કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાં કોઇ પરવાનગરી વગર જઇ શકીએ છીએ, એ અમારો મૂળભૂત અધિકાર હોવો જોઇએ. 11મી મે ના રોજ શ્રીનગરમાં તેમની ધરપકડ થઇ હતી અને જેલમાં રાખવામાં આવ્યા હતા.

નહેરૂ સાથે મતભેદ થતાં મંત્રી પદેથી ત્યાગપત્ર...

તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે તેમને અનેક અનેક મતભેદો હતા. જ્યારે નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી વચ્ચે સમજૂતી થઇ ત્યારે આ મતભેદો તીવ્ર બન્યાં હતા. આ સમજૂતી પછી તેમણે 6ઠ્ઠી એપ્રિલ 1950માં મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ગુરૂ ગોલવેલકર સાથે પરામર્થ કરીને 21મી ઓક્ટોબર 1950માં રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી હતી. આ જનસંઘનો પાછળથી જનતા પાર્ટીમાં વિલય થયો અને 1980માં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ શરૂ થયું હતું, જે આજે ભાજપના ટૂંકાનામે ઓળખાય છે. 1951-52ની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય જનસંઘના ત્રણ ઉમેદવારો સંસદસભ્ય તરીકે ચૂંટાયા, જેમાં એક શ્યામાપ્રસાદ મુખરજી પણ હતા.

જવાહરલાલ નહેરૂએ તેમની માફી માગી હતી...

સામાન્ય ચૂંટણી પછી દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનસંઘ વચ્ચે ટક્કર થઇ હતી. આ માહોલ વચ્ચે સંસદમાં બોલતી વખતે મુખરજીએ કોંગ્રેસ પાર્ટી પર ચૂંટણી જીતવા વાઇન અને મનીનો ઉપયોગ થયો હોવાનો આરોપ મૂક્યો ત્યારે જવાહરલાલ નહેરૂએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. નહેરૂ એવું સમજ્યાં કે મુકરજીએ વાઇન અને વુમન કહ્યું છે તેથી તેમણે ઉભા થઇને આક્રમક વિરોધ કર્યો હતો. જો કે મુખરજીએ તેમના નિવેદનને વળગીને કહ્યું કે અધિકૃત રેકોર્ડ તપાસી જુઓ કે મેં શું કહ્યું છે... જ્યારે નહેરૂને ખ્યાલ આવ્યો કે તેમણે ભૂલ કરી છે ત્યારે તેમણે સભાગૃહમાં ઉભા થઇને મુખરજીની માફી માગી હતી. આ માફી પછી મુકરજીએ કહ્યું હતું કે માફી માગવાની કોઇ જરૂર નથી. હું બસ એટલું કહેવા માગું છું કે હું ખોટી નિવેદનબાજી નહીં કરૂં...

મોદીએ સાચા અર્થમાં તેમને અંજલિ આપી છે...

ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ઘડતરમાં શ્યામાપ્રસાદ મુખરજી મુખ્ય પ્રેરણાસ્રોત હતા. તેમણે ડો. મુખરજીના અવસાનને ખરી શહીદી ગણાવતાં કહ્યું હતું કે, સાર્વજનિક જીવનમાં શ્યામાપ્રસાદ પોતાની આંતરિક પ્રતિબદ્ધતાઓને પ્રગટ કરવામાં ક્યારેય ડરતા ન હતા. ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાનું સપનું 40 વર્ષ પછી પૂરૂં કર્યું છે. મોદીનો આ ઐતિહાસિક નિર્ણય જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

                               ------------

(8:33 am IST)