Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સરકારી મહેમાન

લોકસભા ઇલેક્શન લડવા ભાજપમાં બેઠક દીઠ સરેરાશ 7 અને કોંગ્રેસમાં 10 દાવેદાર મેદાનમાં

દિલ્હી જવું હોય તો હમણાં શાંતિ રાખો, નવી સરકાર બનવા દો પછી ડેપ્યુટેશન પર જઇ શકાશે : વ્યક્તિ વૃદ્ધ થતો નથી તેના વિચારો વૃદ્ધ થાય છે, સ્પેનમાં જુઓ 73 વર્ષે વ્યક્તિ યુવાન હોય છે : 'હમ હૈ સીધે સાદે અક્ષય': મેન ફોર મિશન જાણો દિલેર ફિલ્મ સ્ટાર અક્ષય કુમારની ઉદારતા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. બન્ને પાર્ટી-- ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. જીતી શકે તેવા ઉમેદવારો મેળવવા માટે બન્ને પાર્ટીઓએ બાયોડેટા મંગાવ્યા છે જેમાંથી પ્રદેશ કક્ષાએ કેટલાક નામો ફાઇનલ કરી રાખ્યાં છે જેના પરથી પ્રદેશની ચૂંટણી સમિતિ ત્રણ નામોની પેનલ બનાવશે અને નવી દિલ્હી સ્થિત હાઇકમાન્ડમાં મોકલી આપશે. ભાજપના અંતરંગ વર્તુળોમાંથી મળેલી માહિતી પ્રમાણે લોકસભાની 26 બેઠકો પૈકી સરેરાશ પ્રત્યેક બેઠકમાં 7 નામો સામે આવ્યા છે. એટલે કે કોઇ એક બેઠકમાં ભાજપ પાસે ત્રણ થી પાંચ ઉમેદવારો હોઇ શકે છે, તો કોઇ બેઠકમાં પાંચ થી દસ દાવેદારોએ રજૂઆત કરી હોય છે. એવું જ કોંગ્રેસની પસંદગી સમિતિમાં થયું છે. કોંગ્રેસમાં એક બેઠક માટે સરેરાશ 10 દાવેદારો ઉભા થયેલા છે. ઘણી બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ હારી શકે છે તેવી બેઠકોમાં એક કે બે નામ છે પરંતુ જ્યાં કોંગ્રેસ જીતી શકે છે તેવી બેઠક પર દાવેદારોની સંખ્યા 15 સુધી પહોંચી ચૂકી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સંખ્યા 250 જેટલી થવા જાય છે જ્યારે ભાજપમાં 180 ની આસપાસ અરજીઓ આવી છે. બન્ને પાર્ટી છેલ્લી ઘડીએ હાઇકમાન્ડમાં જે નામો મોકલવાની છે તેમાં ત્રણ નામની પેનલો જશે, એટલે કે બાકીના દાવેદારોના નામ ગુજરાતમાંથી જ કમી થઇ જશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 12 થી 15 ઉમેદવારોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ વખતે કોંગ્રેસ તેની પાર્ટનર પાર્ટી એમનસીપી માટે બે કે ત્રણ બેઠકો ખાલી કરી શકે છે, જો કે ભાજપ તમામ 26 બેઠકો એકલાહાથે લડવાનું છે.

રાજ્યના અધિકારીઓનું દિલ્હી ડેપ્યુટેશન હમણાં નહીં...

ગુજરાતના આઇએએસ અધિકારીઓના સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જવાના સપનાં હમણાં પૂરાં થાય તેમ લાગતું નથી, કેમ કે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર વધુ કોઇ ઓફિસરોને ડેપ્યુટેશન પર જવાની પરવાનગી આપી શકે તેમ નથી. બીજી તરફ કેન્દ્ર સરકારમાં પણ ડેપ્યુટેશન માટેની કોઇ ડિમાન્ડ હમણાં બોર્ડ પર હોય તેમ લાગતું નથી. રાજ્યના વેટ કમિશનર પી.ડી.વાઘેલાને ગયા વર્ષે જાન્યુઆરીમાં ગુજરાત સરકારે એડિશનલ ચીફ સેક્રેટરીનું પ્રમોશન આપ્યું છે. તેઓને ભારત સરકારે ગયા જુલાઇ મહિનામાં એમ્પેનલ્ડ પણ કર્યા છે પરંતુ હજી સુધી દિલ્હીના કોઇ મંત્રાલયમાં તેમનું પોસ્ટીંગ થયું નથી. તેઓ હાલ ગુજરાતમાં જીએસટી વિભાગનો હવાલો ધરાવે છે. આ સંજોગોમાં ગુજરાત સરકારના વધુ એક આઇએએસ ઓફિસર ડી. થારાએ ગુજરાત સરકારને લખ્યું છે કે તેમને ડેપ્યુટેશન માટે જવું છે. તેઓ હાલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ -જીઆઇડીસી-માં મેનેજીંગ ડિરેક્ટરનો હોદ્દો ધરાવે છે. રાજ્ય સરકાર બજેટ સત્ર દરમ્યાન કે ત્યારપછી જ્યારે બ્યુરોક્રેસીમાં ફેરફાર કરવા જઇ રહી છે ત્યાં સુધી તો હમણાં ડેપ્યુટેશનની કોઇ ફાઇલ ક્લિયર થાય તેમ નથી. સચિવાલયના સૂત્રો કહે છે કે આ વખતે સરકાર વિભાગોમાં મોટાપાયે ફેરફારો કરવા માગે છે જેમાં ઉદ્યોગ, મહેસૂલ, ઉર્જા, ગૃહ, પ્રવાસન, વન અને પર્યાવરણ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે.

માનવી ક્યારે વૃદ્ધ બને છે?, જાણો દેશોના અંક મીટર...

તમે જાણતા નથી કે તમને કઇ ઉંમરે સફળતા મળે છે. ફીટનેસ અને લાઇફ સ્ટાઇલ બદલીએ તો ઉંમર દેખાતી નથી. ઉંમરનો પ્રેમ પર કન્ટ્રોલ નથી હોતો, કારણ કે કોઇપણ ઉંમરે પ્રેમ થઇ શકે છે. તમે કોઇપણ ઉંમરે ડાન્સ કરી શકો છો, મ્યુઝીક સાંભળી શકો છો. કોઇપણ ઉંમરે તમે હસી શકો છો. કોઇને પણ ગમે ત્યારે મદદ કરી શકો છો. મિત્રો બનાવી શકો છો. જીવનમાં ઉત્સાહ ભરી શકો છો. કોઇ લેખકે સાચું જ કહ્યું છે કે --એજ ઇઝ એ જસ્ટ નંબર -- વ્યક્તિની ઉંમર એ માત્ર નંબર છે, એ સિવાય કંઇ નથી. શરીરમાં વિવિધ રોગ હોવા છતાં 76 વર્ષના અમિતાભ બચ્ચનની સ્ફૂર્તિ જોઇ શકાય છે. 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણી આજે પણ રાજનિતીમાં એક્ટિવ છે. માનવીને ક્યારે વૃદ્ધ કહેવામાં આવે છે તેના માટે એક રસપ્રદ સંશોધન થયું છે. વિશ્વના 30 દેશોમાં વિવિધ વયની વ્યક્તિઓની ઓલ્ડ એજ ને કન્સીડર કરવામાં આવે છે. સૌથી વધુ 74 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિને સ્પેનમાં વૃદ્ધ કહેવાય છે. ચીલી અને કમ્બોડિયામાં 71 તેમજ આર્જેન્ટીના, બેલ્જીયમ, ઇટાલી, મેક્સિકોમાં વૃદ્ધનું લેબલ 70 વર્ષે લાગે છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં 64 વર્ષની વ્યક્તિને વૃદ્ધ કહેવામાં આવે છે. 64ની યાદીમાં માત્ર ભારત જ નહીં, ચેસ રિપબ્લિક, પોલેન્ડ, હંગેરી અને તુર્કિનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં વ્યક્તિને 64 વર્ષે ઘરડો માનવામાં આવે છે. વિશ્વમાં સ્પેનનું અંક મીટર સૌથી ઊંચુ છે.

દેશમાં નેશન ફર્સ્ટની ભાવના ભડકી ઉઠી છે...

નેશન ફર્સ્ટની ભાવના કેળવાય એ દેશ અને તેની જનતા માટે સારી બાબત છે. પુલવામા ના આતંકી હુમલા પછી તમામ રાજકીય પક્ષોએ સરકારને ટેકો આપતાં દેશમાં મુશ્કેલની ઘડીમાં એકતાના દર્શન થયા છે જે જવાનોની શક્તિને સૌથી વધુ બળ આપે છે. માત્ર એક ટકા લોકો કે જેઓ સંવેદનશીલ મુદ્દાઓ ઉપર વિવાદ સર્જે છે તેને નજરઅંદાજ કરી આપણે 99 ટકા લોકો યુનાઇટેડ છીએ તે એક મોટું એટિવમેન્ટ છે. સલામ છે મુકેશ અંબાણી અને નિતા અંબાણી ને, કે જેમણે રિલાયન્સ ફાઉન્ડેશન થકી શહીદ CRPF જવાનોના પરિવારનો સમગ્ર ખર્ચ ઉઠાવવા માટે બાળકોના અભ્યાસ અને રોજગારીની વ્યવસ્થા કરવાની તત્પરતા દર્શાવી છે. ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચને પણ શહીદ જવાનોના પ્રત્યેક પરિવારજનને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરવાનું નક્કી કર્યું છે. ભારતના ઢનાઢ્ય મંદિરોએ પણ ઉદાર હાથે ફાળો આપ્યો છે. નામી અને અનામી તમામ લોકો-- કે જેઓ કોઇને કોઇ વ્યવસાયમાં સંકળાયેલા છે તેમણે જવાનોના પરિવારજનોને યથા શક્તિ ફાળો આપ્યો છે, જેમાં અમદાવાદના ચાયવાળાની પણ ભાવનાને સલામ છે, કે જેણે એક દિવસની કમાણી જવાનોના પરિવારજનોને અર્પણ કરી છે. ભારતની નવી પેઢી ગણાતા સ્કૂલોના બાળકોએ પણ યથાશક્તિ ફાળો એકત્ર કર્યો છે. આ તબક્કે ફિલ્મસ્ટાર અક્ષયકુમારનું “ભારત કે વીર” એપ લોંચ કરવાનું ધ્યેય પણ સરાહનિય પગલું છે.

પાકિસ્તાન સાથે શસ્ત્ર નહીં પાણી યુદ્ધની જરૂર છે...

પાકિસ્તાન એ આતંકવાદી પ્રવૃત્તિ માટે કુખ્યાત છે તેવું સમગ્ર વિશ્વ કહે છે, પરંતુ તેને યોગ્ય પાઠ તો હિન્દુસ્તાનની ધરતી જ ભણાવી શકે છે. 1947માં અખંડ ભારતના ભાગલા પડ્યા પછી બન્ને દેશોના ઇજનેરો વચ્ચે સિંધુ નદીના પાણી માટે કરાર થયા હતા. આ કરાર માત્ર 31 માર્ચ 1948 સુધી જ વેલિડ હતો ત્યારબાદ સિંધુના પાણી પાકિસ્ચાનમાં જતાં રોકવાના હતા. ભારતે થોડો સમય પાણીનો જથ્થો અટકાવ્યો ત્યારે પાકિસ્તાને વૈશ્વિક મદદ માંગી હતી. આખરે 1960માં જળસંધિ થઇ હતી. આજે જો આતંકી હુમલા પછી વિશ્વના 40 દેશો ભારતની પડખે હોય તો— ભારતે યુદ્ધ નહીં પણ પાકીસ્તાનમાં જતું પાણી અટકાવવું જોઇએ. 1965, 1971 અને 1999ના ભારત-પાક વચ્ચે યુદ્ધ થયું હતું તો પણ ભારતે પાણી અટકાવ્યું ન હતું પરંતુ હવે મોકો છે. ભારત સરકાર સિધુંના પાણી અટકાવી શકે છે. જો તેમ થાય તો તે પણ યુદ્ધ બરાબર છે. પાકિસ્તાનમાં પાણીની અછત થાય છે ત્યારે તેના શાસકો બેબાકળા બનીને ભારત તરફ નજર દોડાવે છે. આ એક જ ફટકો એવો બની શકે છે કે પાકિસ્તાન લાચાર બનીને આતંકવાદ સામેની લડાઇમાં વિશ્વને ટેકો આપવા તૈયાર થાય. આ નદી 3180 કિલોમીટર લાંબી છે અને તેના કાંઠે ચાર દેશોના 30 કરોડ લોકો રહે છે. ભારતમાં તેનો વિસ્તાર 39 ટકા છે. આપણે યુદ્ધ નથી જોઇતું, કેમ કે તેમાં સૌથી વધુ ખુવારી અને જનપિડા પેદા થાય છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અક્ષય તેરા જવાબ નહીં હૈ...

બોલીવુડમાં અક્ષયકુમારની તોલે કોઇ આવી ન શકે, કારણ કે તેણે રૂપિયા કમાવાની સાથે સાથે રૂપિયા સારા રસ્તે ખર્ચ પણ કર્યા છે. અક્ષયે ડાન્સ દિવાને શો માં પ્રભદીપ સિંહ કે જે બોલી કે સાંભળી શકતા નથી તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. ભારતીય જવાનોના પરિવારોને મદદ કરવા 'ભારત કે વીર' નામની મોબાઇલ એપ લોંચ કરી છે. આ એપમાં જમા થયેલા રૂપિયા શહીદ વીરોના પરિવારજનોને આપવામાં આવે છે. સલમાન ખાનની એનજીઓ બિઇંગ હ્યુમનમાં તેણે 50 લાખનું દાન કર્યું છે. ચેન્નાઇના પૂરમાં અક્ષયે એક કરોડ રૂપિયા આપ્યા છે. ખતરોં કે ખિલાડીના સ્પર્ધકના પિતાની કેન્સર સારવાર માટે 25 લાખ આપ્યા હતા. તેણે એક પંજાબી ભક્તિ સોંગ 'નિરગુન રખ લિયા...' ગાયું હતું અને તેના મ્યુઝીક વિડીયોમાંથી જે કમાણી મળી તે તેણે ટ્રેન બોમ્બ બ્લાસ્ટના માર્યા ગયેલા વ્યક્તિના પરિવારોને આપ્યા હતા. અક્ષયે મુંબઇમાં મહિલાઓ માટે વિનામૂલ્યે માર્શલ આર્ટ્સ સ્કૂલ ખોલી છે જેમાં 4000 મહિલાઓ તાલીમ લેવા આવે છે. જ્યૂસ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કર્યા પછી દુકાળને કારણે રો-મટીરિયલ ન મળતાં કંપનીના કહેવાથી અક્ષયે તેની ફી અડધી કરી નાંખી હતી. એન્ટરટેઇનમેન્ટ ફિલ્મના પ્રમોશન સમયે ડિફેન્સ ઓફ એનિમલ્સ શો માં ભાગ લઇને 3.60 લાખનું દાન કર્યું હતું. ફિલ્મના પ્રોડ્યુસર રવિ શ્રીવાસ્તવની બન્ને કિડની  ફેઇલ થતાં તેમની પાસે સારવારના રૂપિયા ન હતા. અક્ષયે તેમને 15 લાખ રૂપિયાની મદદ કરી હતી. જો કે અક્ષય તેમને મળવા જઇ શક્યો ન હતો. આવી દિલેરી અને ઉદારતા બહુ ઓછા ફિલ્મસ્ટાર્સમાં હોય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:56 am IST)