Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સરકારી મહેમાન

સિનિયરોની વિદાય: 2019ના વર્ષમાં રાજ્યના 22 IAS અને નવ IPS ઓફિસરો રિટાયર્ડ થશે

ફ્લોટીંગ રેસ્ટોરન્ટ માટે ટુરિઝમની દરખાસ્ત, વાયબ્રન્ટમાં એમઓયુ સાઇન કરાશે : ગાંધીનગર ફ્લાવર સિટી તો ન થયું પણ વાયબ્રન્ટ સમયે ફુલોનો બગીચો બનશે : નાલ્કોના ઇન્કાર પછી કચ્છના એલ્યુમિના પ્રોજેક્ટ ઉપર સચિવાલયનું પૂર્ણવિરામ

ગુજરાતના સિનિયર ઓફિસરોની વધુ એક કેડર નિવૃત્તિના આરે છે. 2019માં લોકસભાની ચૂંટણી જોઇને આ અધિકારીઓની ટીમ નિવૃત્ત થશે. આ ટીમ પછી 2021માં સૌથી વધુ ઓફિસરો વય નિવૃત્ત થઇ રહ્યાં છે. રાજ્યના આઇએએસ અધિકારીઓમાં ગુજરાતના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંઘ અને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા ગિરીશચંન્દ્ર મુર્મુ નિવૃત્ત થાય છે. સિંધની સાથે એસએલ અમરાણી મે મહિનામાં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. રાજગોપાલ જાન્યુઆરીમાં, સીએસ ચૌધરી ફેબ્રુઆરીમાં, વીપી પટેલ અને જેટી અખાણી માર્ચમાં, આનંદ મોહન તિવારી, આરએમ જાદવ અને વીએ વાઘેલા જૂનમાં તેમજ આરજી ત્રિવેદી, જેકે ગઢવી અને અમૃત પટેલ જુલાઇમાં નિવૃત્ત થાય છે. એ ઉપરાંત સંજય પ્રસાદ, જીસી બ્રહ્મભટ્ટ, એસકે લાંગા અને એચજે વ્યાસ સપ્ટેમ્બરમાં, લલીત પાડલિયા અને એસબી પટેલ ઓક્ટોબરમાં, ગિરીશચંદ્ર મુર્મુ, સુજીત ગુલાટી અને પ્રેમકુમાર ગેરા નવેમ્બરમાં તેમજ આરએમ માંકડિયા ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. આઇએએસની જેમ 11 આઇપીએસ અધિકારીઓ પણ નિવૃત્ત થાય છે જે પૈકી એકે પટનાયક અને એસકે દવે ડિસેમ્બર 2018માં નિવૃત્ત થશે જ્યારે તીર્થરાજ અને જેકે ભટ્ટ જાન્યુઆરીમાં, એસએસ ત્રિવેદી અને એસએમ ખત્રી મે મહિનામાં, વીએમ પારગી અને આરજે પારગી જૂનમાં, મોહન ઝા જુલાઇમાં, સતીશ શર્મા ઓગષ્ટમાં અને આરજે સવાણી ડિસેમ્બરમાં વય નિવૃત્ત થાય છે. ડિસેમ્બર 2019ના અંતે ગુજરાત સરકારની નોકરીમાં આ બન્ને કેડરના કુલ 33 ઓફિસરો સર્વિસમાં નહીં હોય.

ઉદ્યોગની જેમ કૃષિમાં સ્ટાર્ટઅપ કેમ ન હોય...

નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગ સંચાલકો તેમજ નવા એન્ટરપ્રિનિયોર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ મિશન શરૂ કર્યું છે ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતો માટે સ્ટાર્ટઅપ કેમ નથી. સરકારે ખેડૂતો માટે પણ સ્ટાર્ટઅપની સુવિધા ઉભી કરવી જોઇએ. સરકારના એક કૃષિ તજજ્ઞ કહે છે કે ગુજરાતમાં એવા ઉદ્યમશીલ ખેડૂતો છે કે જેમણે ઇનોવેશન કરીને કૃષિ જગતમાં ક્રાન્તિ કરી છે. એવા ખેડૂતો છે કે જેઓ ભણ્યા નથી પરંતુ અનુભવે નવા સંશોધન કર્યા છે તેમના માટે સ્પેશ્યલ સ્ટાર્ટઅપ શરૂ કરવા જોઇએ. આપણે ઉદ્યોગોને બઘી સુવિધા આપીએ છીએ તો ખેડૂતો તો આપણા અન્નદાતા છે. ઇનોવેશનમાં કાર્યરત ખેડૂતોને બોલાવીને તેમને સ્ટાર્ટઅપમાં લઇ જવાની જોગવાઇ કરવાની આવશ્યકતા છે. ઉદ્યોગોને આપવામાં આવે છે તેવા સ્ટાર્ટઅપ પેકેજ ખેડૂતોને પણ આપવા જોઇએ. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 3500 જેટલા ખેડૂતો એવાં છે કે જેઓ પ્રતિદિન ખેતીવાડીમાં કોઇને કોઇ સંશોધન કરતા હોય છે. આ ખેડૂતોની યાદી બનાવીને સરકારે તેમને આમંત્રિત કરી તેમના માટેની સ્કીમો જાહેર કરવી જોઇએ. કૃષિને સ્ટાર્ટઅપનો લાભ આપવાનો ફાયદો એ છે કે ઉદ્યોગની જેમ કૃષિમાં સ્ટાર્ટઅપ ફેઇલ થશે નહીં અને ખેડૂતોને નવી દિશા મળશે. ઉદ્યોગોમાં અત્યારે 85 ટકા સ્ટાર્ટઅપ ફેઇલ થઇ જાય છે તેનું કારણ એ છે કે એન્ટરપ્રિનિયોર બજાર અને માર્કેટ સર્વે કર્યા વિના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ શરૂ કરે છે.

ગાંધીનગર ફ્લાવર સિટી તો ન થયું પણ...

ગાંધીનગરમાં વાયબ્રન્ટ ઉત્સાહ શરૂ થયો છે. શહેરને નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. માર્ગોનું રિપેરીંગ કામ થઇ રહ્યું છે. ગરીબોના ઝૂંપડાં અને લારી-પાથરણાવાળાને હટાવવામાં આવી રહ્યાં છે. મહાત્મા મંદિરમાં સફાઇ કામ શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરને ફ્લાવર સિટીમાં ફેરવવામાં આવ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નક્કી કર્યું હતું કે ગાંધીનગરને ફ્લાવર સિટી બનાવવામાં આવશે પરંતુ હાલ તો ટેમ્પરરી ફ્લાવર સિટી બની રહ્યું છે. બહેનનો ફ્લાવર સિટીનો પ્રોજેક્ટ હાલ તો પેન્ડીંગ છે કારણ કે તે દિશામાં નક્કર કામગીરી થઇ શકી નથી. ચલો, સારૂં થયું કે વાયબ્રન્ટ સમિટ આવી રહી છે તેથી ગાંધીનગર રંગબેરંગી ફુલોથી ખૂબસુરત બની રહેશે. અગાઉ જ્યારે મહાત્મા મંદિરમાં પહેલી વાયબ્રન્ટ સમિટ થઇ હતી ત્યારે એટલે કે 2011માં જે સમિટ થઇ હતી ત્યારે ગાંધીનગરના પ્રવેશદ્વાર ચ-0 સર્કલ પાસે લોટસ પોન્ડ બનાવવામાં આવ્યું હતું. આ પોન્ડમાં લોટસ ઉગાડવામાં આવ્યા હતા પરંતુ 15 દિવસ પછી આ લોટસ ક્યાં ગાયબ થઇ ગયું તે કોઇને સમજાયું ન હતું. અલગ અલગ જગ્યાએથી ભાડે લેવામાં આવેલા ફુલો પણ 15 દિવસમાં ગાંધીનગરથી ગાયબ થઇ જવાના છે.

વાયબ્રન્ટમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ માટે પ્રપોઝલ...

ગુજરાતના દરિયાકિનારે અને વહેતી નદીઓમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ માટેની દરખાસ્ત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર થઇ રહી છે. જો ગુજરાત સરકાર તેને મંજૂરી આપશે તો અમદાવાદના રિવરફ્રન્ટ, સુરતની તાપી, વડોદરાની વિશ્વામિત્રી, રાજકોટની આજીમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. રાજ્યના દરિયાકિનારે બીચ પર પણ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ માટેની દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. 2009ની વાયબ્રન્ટ સમિટ પછી ફરીવાર 2019માં અમદાવાદના ગાંધીઆશ્રમ પાસે ગાંધીયન સ્ટાઇલની રેસ્ટોરન્ટ માટે પરવાનગી આપવાનું સરકાર વિચારી રહી છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રવાસન સ્થળોએ ફ્લોટીંગ રેસ્ટોરન્ટનું પ્લાનિંગ છે. વિશ્વના પ્રવાસન નકશા ઉપર જોઇએ તો ફ્લોટીંગ રેસ્ટોરન્ટ પ્રવાસીઓને આકર્ષવાનો એક નવો કન્સેપ્ટ છે. આ પ્રોજેક્ટને ટુરિઝમ પોલિસીનો લાભ આપવાની પણ સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે. મોટા શહેરોમાં આવેલા પબ્લિક લેકમાં પણ આ કન્સેપ્ટમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંગે સ્થાનિક સંસ્થાઓને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. ટુરિઝમના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતની નદીઓ અને કેનાલોમાં વોટર ટ્રાન્સપોર્ટની સુવિધા વિકસાવવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે તેમ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ પણ કરી શકાય છે. થીમ બેઝ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ અને ડેવલપર્સને આમંત્રણ આપવામાં આવશે.

જમીન વિના ખેતી કરવી હોય તો શ્રીરામ મળો...

વિશ્વમાં બદલાતી જતી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે તો કોઇપણ વ્યક્તિ કે જેની પાસે જમીન નથી તે પણ ખેતી કરી શકે છે. આ ઇનોવેશન માટે ચેન્નાઇનો એક યુવાન એક મિસાલ છે. ચેન્નાઈમાં રહેતા શ્રીરામ ગોપાલે માટી વગર ખેતીની એક નવી પદ્ધતિ શોધી છે અને તેમાં તેને એટલી સફળતા મળી કે હવે તેણે આ ખેતીને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. ગોપાલે માટી વગર ખેતી કરવાની એક સ્ટાર્ટઅપ ફ્યૂચર ફાર્મ્સની શરૂઆત કરી છે. તેનું વાર્ષિક ટર્નઓવર ચાર કરોડની સપાટીએ પહોંચી ગયું છે. શ્રીરામના મિત્રએ તેને એક વિડીયો બતાવ્યો હતો જેમાં માટી વિના ખેતી કરવાની હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ હતી. શ્રીરામ ગોપાલે તેના પિતાની ફેક્ટરીમાં સૌ પ્રથમ આ પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો. તેણે પાંચ લાખ રૂપિયામાં બે મિત્રો સાથે મળીને ખેતી શરૂ કરી હતી. આ પદ્ધતિમાં 90 ટકા પાણીની બચત થાય છે. હાલ શ્રીરામ હાઇડ્રોપોનિક કિટ્સ વેચી રહ્યો છે. અગાસીમાં પણ ખેતી કરી શકાય છે કારણ કે તેમાં માટી આવતી નથી. શ્રીરામની કંપનીનું ટર્નઓવર માર્ચ 2016માં 38 લાખ રૂપિયા હતું તે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં બે કરોડ રૂપિયા થયું છે. ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચ પ્રમાણે ગ્લોબલ હાઈડ્રોપોનિક્સનું માર્કેટ 2025 સુધીમાં 78,500 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

કચ્છનો એલ્યુમિના પ્રોજેક્ટ ભૂતકાળ બન્યો...

કચ્છની ધરતી પર એલ્યુમિનાનો પ્રોજેક્ટ ભાજપની સરકાર માટે ભૂતકાળ બન્યો છે. સરકારે આખરે આ પ્રોજેક્ટની શક્યતા પર પાણી ફેરવી દીધું છે. ત્રણ થી ચાર વખત કંપની ખસી જતાં આ પ્રોજેક્ટ ડ્રોપ થયો છે. છેલ્લે આ પ્રોજેક્ટને નાલ્કો એ ડ્રોપ કર્યા પછી સચિવાલયમાં તેની ચર્ચા થતી નથી. નાલ્કો કંપની આ પ્રોજેક્ટમાં 15000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની હતી. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસી- 26 ટકાની જેવી પાર્ટનર હતી. જીએમડીસીના સૂત્રો કહે છે કે કંપનીએ જરૂરી 300 હેક્ટર જમીન પૈકી 100 હેક્ટર જમીન એક્વાયર કરી હતી. નાલ્કોએ એલ્યુમિના રિફાઇનરી અને સ્મેલ્ટર પ્લાન્ટ માટે 151 કરોડનું પેમેન્ટ પણ કરી દીધું હતું. 2011માં જીએમડીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એલ્યુમિના પ્રોજેક્ટ માટે નાલ્કોને પાર્ટનર બનાવ્યું હતું. એ સમયે એવો ટારગેટ હતો કે આ પ્લાન્ટમાંથી પ્રતિવર્ષ પાંચ લાખ ટન સ્મેલ્ટર અને 10 લાખ ટન રિફાઇન્ડ એલ્યુમિના ઉત્પાદિત કરાશે. 2013માં નાલ્કોએ જીએમડીસી પાસે પ્રોજેક્ટ માટે 2.2 રૂપિયે પ્રતિ યુનિટનો પાવર માગ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારે આશાપુરા માઇનકેમ કે જે બોક્સાઇટનું કામ કરે છે તેની સાથે એમઓયુ સાઇન કર્યું હતું. એલ્યુમિના રિફાઇનરી અને સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપવા માટે હિન્દાલ્કો, જેએસડબલ્યુ એલ્યુમિનિયમ અને અદાણી ઉપરાંત અમેરિકાની એલ્યુ કેમ ઇન્કોર્પોરેશન, રશિયાની યુસી રૂસાલ, દુબઇની દુબઇ એલ્યુમિનિયમ લિમિટેડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો હતો પરંતુ સરકારે નાલ્કોની પસંદગી કરી હતી. હવે સરકારે ખુદ આ પ્રોજેક્ટને ડ્રોપ કર્યો છે.

2050 સુધીમાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજો હશે...

પીડબલ્યુસીના જીડીપી અને પીપીપીના રિપોર્ટ પ્રમાણે 2050 સુધીમાં ભારત એ વિશ્વનો બીજા નંબરનો લાર્જેસ્ટ ઇકનોમિક ધરાવતો દેશ બની જશે. વિશ્વના ટોપ ટેન દેશોમાં ભારતનું સ્થાન ચીન પછી બીજાક્રમે આવશે તેવું આ રિપોર્ટનું અનુમાન છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમેરિકાને ત્રીજું, ઇન્ડોનેસિયાને ચોથું અને બ્રાઝીલને પાંચમું સ્થાન મળ્યું છે. આ રિપોર્ટમાં મેક્સિકો છઠ્ઠાક્રમે, જાપાન સાતમાક્રમે, રશિયા આઠમે, નાઇઝેરિયા નવમાસ્થાને અને જર્મની દસમા ક્રમે આવી શકે છે. અત્યારે તો ઝડપથી વિકાસ પામતી ઇકોનોમિમાં ભારતનું સ્થાન પાંચમાક્રમે આવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

 

(9:21 am IST)