Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સરકારી મહેમાન

સોશ્યલ સાઇટ ટ્વિટર ઉપર 2.4 મિલિયન ફોલોઅર્સ સાથે રૂપાણી નંબરવન, કેબિનેટ મંત્રીઓ ઘણાં પાછળ

ફેરબદલની મોસમ આવે છે: ધ્વજવંદન પછી ક્યા ઓફિસર ક્યાં હશે તે શોધવું પડશે : ફરી સોનિયા આવ્યા: પાંચ રાજ્યોમાં ચૂંટણી જીતવી એ કોંગ્રેસ માટે કપરાં ચઢાણ છે : કહાં ગયે વો આંદોલનકારી યુવા નેતા ના ના કરતે પોલિટીકલ પાર્ટી સે પ્યાર કર બૈઠે

સોશ્યલ સાઇટ ટ્વિટર પર સૌથી વધુ લોકપ્રિય એટલે કે સૌથી વધુ ફોલોઅર્સ જેમના છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણીના છે. તેઓ 2.4 મિલિયન ફોલોઅર્સ સાથે પ્રથમ ક્રમે છે, જો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરતાં ઘણાં પાછળ છે. નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 49.2 મિલિયન થઇ છે જ્યારે પીએમઓ ઇન્ડિયાની સંખ્યા 19.9 મિલિયન છે. અમિત શાહ 14.7 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. રાજ્યમાં રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓ હજી સુધી મિલિયન સુધી પહોંચી શક્યા નથી. કેબિનેટ મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 3,10,200, પ્રદિપસિંહ જાડેજા, 1,48,000, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 53,100, સૌરભ પટેલ 48,700, આરસી ફળદુ 37,600 અને કુંવરજી બાવળિયા માત્ર 2321 ફોલોઅર્સ ધરાવે છે. ભાજપના પાર્ટી પ્રમુખ જીતુ વાઘાણીના 3,36,000 અને પ્રદેશ ભાજપના એક મિલિયન ફોલોઅર્સ છે. બીજી તરફ કોંગ્રેસનો કંગાળ દેખાવ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાની 31700 અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 21900 ફોલોઅર્સ ધરાવે છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 1,59,200 અને અર્જુન મોઢવાડિયા 1,92,900 ફોલોઅર્સના માલિક છે. પ્રદેશ કોંગ્રેસ પાસે 1,26,000 ફોલઅર્સ છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી હજી 10.3 મિલિયન સુધી પહોંચ્યા છે જ્યારે અહમદ પટેલ 7,49,000 ફોલોઅર્સના માલિક છે. કોંગ્રેસના નેતાઓ કેમ લોકપ્રિય નથી તે આ પેરામીટર્સ પરથી માલૂમ પડે છે.

ધ્વજવંદન કર્યા પછી વહીવટમાં ફેરબદલ...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ વિદેશના પ્રવાસે છે ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફારો હવે 15મી ઓગષ્ટ પછી થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. રૂપાણી સ્વતંત્રતા દિનની ઉજવણી કર્યા પછી ઓફિસરોમાં બદલાવ કરે તેમ મનાય છે. રાજ્યમાં હાલ 18 મહત્વની જગ્યાઓ એવી છે કે જ્યાં વધારાના ચાર્જ સાથે ઓફિસરો કામ કરે છે. રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ગૃહ વિભાગનો પણ હવાલો સંભાળે છે. મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ પાસે ઉદ્યોગ વિભાગનો ચાર્જ છે. એ ઉપરાંત મનોજ અગ્રવાલ, સંજીવકુમાર, મુકેશકુમાર, સુજીત ગુલાટી, પંકજ જોશી, સોનલ મિશ્રા, મમતા વર્મા, શાલિની અગ્રવાલ, પી ભારતી અને ધનંજય દ્વિવેદી પાસે પણ વધારાના હવાલા છે. રાજ્યમાં હાલ મહેકમ કરતાં 65 આઇએએસ અધિકારીઓની ઘટ છે જ્યારે 25 ઓફિસરો ડેપ્યુટેશન પર રાજ્ય બહાર ફરજ બજાવે છે. ઘણાં લાંબા સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરબદલ થઇ નથી તેથી આ વખતે જે લિસ્ટ બન્યું છે તે ખૂબ લાંબુ છે. તબક્કાવાર થનારી બદલીના ઓર્ડરમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટરો, સચિવાલયના વિભાગોના સિનિયર અધિકારીઓ, જિલ્લાના પોલીસ વડા અને સિનિયર આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયમાં ચર્ચા છે કે ધ્વજવંદન કર્યા પછી સરકારમાં ક્યા ઓફિસર ક્યાં હશે તે શોધવું પડશે.

પાંચ રાજ્યો સર કરવા સોનિયા માટે કઠીન...

કોંગ્રેસમાં ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે ફરીથી ગાંધી પરિવારના સોનિયા ગાંધીની વરણી થઇ છે ત્યારે તેમની કસોટી આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં થવાની છે. કોંગ્રેસનો ગાંધી પરિવાર સિવાય ઉદ્ધાર નથી, કેમ કે બળતું ઘર લેવા માટે પાર્ટીના બીજા સિનિયર નેતાઓ તૈયાર થયા નથી અથવા તો તૈયાર થાય તો એક નહીં અનેક પ્રેસિડેન્ટની લાઇનમાં જોડાઇ જાય તેમ છે. કોંગ્રેસને અસ્તાચળ ભણી બચાવવા માટે સીડબલ્યુસીની બેઠકમાં અત્યારે તો સોનિયા ગાંધી ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે, કારણ કે રાહુલ ગાંધીએ અનેક વખત પાર્ટી પ્રેસિડેન્ટ પદે રહેવાનો ઇન્કાર કર્યો છે. સોનિયા ગાંધી માટે પહેલી કસોટી હરિયાણા (90) અને મહારાષ્ટ્ર (288) વિધાનસભાની ચૂંટણીમાં થવાની છે. આ બન્ને રાજ્યોની ચૂંટણી બે મહિનામાં જ જાહેર થાય તેવી સંભાવના છે. ઝારખંડ (81) અને પોંડીચેરી (30) વિધાનસભાની મુદ્દત જાન્યુઆરી 2020માં પૂરી થવાની છે ત્યારે તેની ચૂંટણી પણ નવેમ્બર કે ડિસેમ્બર 2019માં આવી શકે છે. આ પછી દિલ્હી (70) વિધાનસભાની ચૂંટણી આવશે, કારણ કે ફેબ્રુઆરી 2020માં વિધાનસભાની મુદ્દત પૂર્ણ થાય છે. પાંચ રાજ્યો હસ્તગત કરવા એ કોંગ્રેસ માટે કપરાં ચઢાણ એટલા માટે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવાના લીધેલા પગલાંના કારણે દેશની જનતામાં ખુશાલીનો માહોલ છે.

ખેલ મહાકુંભ હવે શરૂ થાય છે ખેલે ગુજરાત...

ગુજરાતમાં ખેલ મહાકુંભની 2019ની સ્પર્ધાઓમાં 50 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે ગયા વર્ષ કરતાં આઠ લાખ વધુ હશે. રાજ્ય સરકારના રમત ગમત વિભાગે આ વર્ષે વધુ ત્રણ રમતો રોલબોલ, ઘોડેસવારી અને બ્રીજની રમતને ઉમેરી છે. મોદીએ જ્યારે 2010માં ખેલ મહાકુંભ જાહેર કર્યો હતો ત્યારે ખૂબ ઓછા રમતવીરોએ ભાગ લીધો હતો પરંતુ 2014થી ખેલાડીઓનું રજીસ્ટ્રેશન વધતું ગયું છે. 2018ના છેલ્લા મહાકુંભ વખતે 42.9 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન હતું અને 35.44 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા-મહાનગર કક્ષાએ વિવિધ રમતો રમાડવામાં આવશે અને રાજ્યકક્ષાની સ્પર્ધા ઓક્ટોબર-નવેમ્બરમાં થવાની છે. આ વખતે કુલ 36 રમતો નક્કી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના આયોજન માટે રમત દીઠ ભાઇઓ અને બહેનો માટે બે-બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રમતવીરોને માનદ વેતન, પ્રવાસ, નિવાસ અને ભોજનની ગ્રાન્ટ અગલથી ફાળવવામાં આવશે. રાજ્ય કક્ષાની સ્પર્ધાના પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને ઓનલાઇન પ્રમાણપત્ર તેમજ ટ્રેકશૂટ અને મેડલ સ્પર્ધાના સ્થળે આપવામાં આવશે.

રાજ્યમાં આંદોલનકારી ત્રિપુટી ખોવાઇ ગઇ છે...

ગુજરાતમાં એક સમયે જેમનો વટ હતો અને લોકો જેમની પાછળ ભાગતા હતા તેવા ત્રણ સમાજના યુવા નેતાઓહાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ખોવાઇ ગયા છે. વિધાનસભામાં જોર કર્યા પછી લોકસભાની ચૂંટણીમાં જોર કર્યું પણ કામ ન લાગ્યું તેવા આ ત્રણેય યુવા નેતાઓ બન્ને પાર્ટીમાં વહેંચાઇ ગયા છે. ત્રણેય નેતાઓએ કહ્યું હતું કે અમે કોઇપણ પોલિટીકલ પાર્ટી જોઇન્ટ કરવાના નથી છતાં ચૂંટણી આવતા લાલચ રોકી શક્યા નહીં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ પકડ્યો અને જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસનો ટેકો મળ્યો, જ્યારે હાર્દિક પટેલને અદાલતમાં કેસ હોવાથી ચૂંટણી લડવાની તક મળી નહીં. લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ અને ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા છે. હાર્દિક પટેલ ટકી રહે તો તેના માટે કોંગ્રેસમાં મોટા થવાનો ચાન્સ છે પરંતુ ભાજપ જો સરકારમાં સ્થાન નહીં આપે તો અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દીનો અંત આવી શકે છે. આ ત્રણેય યુવા નેતાઓ પૈકી હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના કારણે ફેમસ થયો હતો. અલ્પેશ ઠાકોર તેના ઠાકોર-ઓબીસી સેનાના કારણે લોકપ્રિય બન્યો હતો જ્યારે જીજ્ઞેશ અનુસૂચિત જાતિના વિકાસ માટે ઝઝૂમી રહ્યો છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ પર થઇ રહેલા અત્યાચારો સામે તે લડત આપી રહ્યો છે. ભાજપની સરકારે આ ત્રણેય યુવાનોના આંદોલનોને તોડી નાંખ્યા છે, જેણે આનંદીબહેન પટેલની સરકારમાં જન્મ લીધો હતો.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:46 am IST)
  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST