Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સરકારી મહેમાન

ગુજરાતના એક MLA પાછળ સરકાર પાંચ વર્ષે અંદાજે 70 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે

ગુજરાતમાં કોઇ મોટી ચૂંટણી નહીં હોવા છતાં ચૂંટણી પંચ 129 કરોડનો ખર્ચ કરશે: ભાદુ અને નટરાજન પછી ડેપ્યુટેશન પર ગયેલા ઓફિસરોની સંખ્યા 23 થઇ છે : હમ દોનો દો પ્રેમી-- સચિવાલયની પાછળ લીલોતરી વચ્ચે પ્રેમના અંકુર ફુટ્યાં છે

ગુજરાતના એક ધારાસભ્યનો પગાર દર મહિને 1.14 લાખ રૂપિયા ગણવામાં આવે તો પ્રત્યેક ધારાસભ્ય પાછળ પાંચ વર્ષમાં સરકારની તિજોરીમાંથી કુલ 70 લાખનો ખર્ચ થાય છે. એટલે કે પ્રતિ વર્ષ 14 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સરકારી આંકડા પ્રમાણે પાંચ વર્ષમાં ગુજરાત સરકાર 127.40 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. રાજ્ય સરકાર તેના મંત્રીઓ, મંત્રીઓના અંગત સ્ટાફ, વિપક્ષના નેતા, મુખ્ય દંડક અને ધારાસભ્યો માટે પ્રતિવર્ષ બજેટમાં નાણાકીય વ્યવસ્થા કરતી હોય છે. ચાલુ વર્ષે સરકારે મંત્રીઓના પગાર પાછળ 4.10 કરોડ, મંત્રીઓના અંગત સ્ટાફ પાછળ 21.04 કરોડ, વિપક્ષના નેતા પાછળ 1.00 કરોડ, મુખ્ય દંડકના સ્ટાફ પાછળ 2.10 કરોડ અને ધારાસભ્યો પાછળ 25.08 કરોડનું ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતની સરખામણી અન્ય રાજ્યો સાથે કરવામાં આવે તો ધારાસભ્યોના પગારમાં ઘણું મોટું અંતર સામે આવે છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પગાર લેતા ધારાસભ્યો તેલંગાણા રાજ્યમાં છે. આ રાજ્યમાં ધારાસભ્યનો પગાર સૌથી વધુ 2.50 લાખ રૂપિયા છે જ્યારે સૌથી ઓછો 20 હજાર રૂપિયાનો સેલેરી ત્રિપુરા અને મેઘાલયના ધારાસભ્યનો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ 4.21  લાખ રૂપિયાનો પગાર લેતા મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ તેલંગાણા રાજ્યના ચીફ મિનિસ્ટર છે. ભારતના ટોપ પાંચ રાજ્યો એવાં છે કે જ્યાં ધારાસભ્યોને ગુજરાતના ધારાસભ્યો કરતાં વધારે પગાર મળે છે. તેલંગાણા પછી દિલ્હીમાં 2.10 લાખ, મધ્યપ્રદેશમાં 2.10 લાખ, બિહારમાં 1.65 લાખ અને મહારાષ્ટ્રમાં 1.60 લાખનો પગાર ધારાસભ્યોને મળે છે.

રાજનીતિમાં વિલંબ થાય તો તક ચૂકી જવાય છે...

ભારતની રાજનીતિમાં વિલંબ થાય તો કોઇપણ રાજકીય નેતા તક ચૂકી જાય છે. આ તક તેને ફરીવાર મળતી નથી અથવા તો બહુ મહેનત અને પગે પડવાથી મળે છે. ભાજપમાં ફરીથી જોડાવા માગતા કોંગ્રેસના પૂર્વ નેતા ધીરૂ ગજેરાની હાલત એવી થઇ કે— લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે તેઓ મોંઢુ ધોવા ગયા હતા. ભાજપમાં પ્રવેશની અનેક તક તેઓ ચૂકી ગયા છે. આવી જ સ્થિતિ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની થઇ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે છેવટે ભાજપમાં જોડાવા પદ છોડયું છે. અલ્પેશ અને ધવલસિંહને એમ હતું કે રૂપાણી સરકારે કોંગ્રેસના બાગી નેતાઓ કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગણતરીના કલાકોમાં કેબિનેટમાં લઇ લીધા હતા તેવી રીતે તેઓને કેબિનેટમાં સમાવી લેશે પરંતુ તેમ થયું નથી. હાલ તો અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં છે પરંતુ તેમને મંત્રીપદ મળ્યું નથી, બલ્કે બન્નેને ધારાસભ્ય પદ પરથી હાથ ધોવા પડ્યા છે. હવે ભવિષ્યમાં કેબિનેટના વિસ્તરણ કે બોર્ડ-કોર્પોરેશનમાં નિમણૂકોની કોઇ તક ઉભી થાય તો તેનો નંબર લાગી શકે છે.

પ્રેમ કરવા માટે જગ્યાની પસંદગી ઇસ્યુ નથી...

કહેવાય છે કે પ્રેમ કરવા માટે જગ્યાની પસંદગી કોઇ ઇસ્યુ નથી, જ્યાં એકાંત મળે પ્રેમીઓ પ્રેમ કરી લેતા હોય છે. ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન એવો ગાર્ડન હતો કે જ્યાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદના યુવક અને યુવતિઓ પ્રેમ કરવા માટે આવતા હતા. આ ગાર્ડનમાં બાળકો સાથે કોઇ પરિવાર જઇ શકતો ન હતો પરંતુ સરકારના ધ્યાનમાં આવતા આ ગાર્ડનનું રિનોવેશન કરી પરિવારો માટે ખુલ્લો મૂકતા પ્રેમી યુગલોએ આ મહત્વનું સ્થળ ગુમાવ્યું છે, આ ગાર્ડનનું નામ સરકારે સરિતા ઉદ્યાન રાખ્યું હતું, કારણ કે તે સાબરમતી નદી કિનારે આવેલો છે પરંતુ પ્રેમી યુગલો માટે પ્રખ્યાત થયેલા ગાર્ડનને ગાંધીનગરના નાગરિકોએ લવ ગાર્ડન નામ આપ્યું હતું, હવે લોકોએ આપેલા નામનો છેદ ઉડી ગયો છે. જો કે એકાંત શોધી લેતા યુવાન અને યુવતિઓ હવે સચિવાલય સંકુલના પાછળના ભાગે વન વિભાગની લીલોતરીની વચ્ચે પ્રેમના અંકુર રોપી રહ્યાં છે. પ્રેમી યુગલોએ આ નવી જગ્યા શોધી છે. આ જગ્યા પરથી પસાર થઇએ તો પ્રેમીઓના અડ્ડા જોવા મળે છે. શહેરના વીવીઆઇપી જ-માર્ગ પરથી સચિવાલયને જોડતા માર્ગોની બન્ને સાઇડે ફોરેસ્ટ વિભાગની લીલોતરી અને સાનુકૂળ એકાંત છે. આ માર્ગ પરથી નિકળીએ તો લીલોતરીની વચ્ચે પ્રેમ પાંગરી રહ્યાં છે. આ માર્ગો પરથી મંત્રીઓ, અધિકારીઓ અને પોલીસના રક્ષકો પસાર થાય છે પરંતુ કોઇ પ્રેમી યુવલોને ડીસ્ટર્બ કરતા નથી...

સત્ર સમાપ્તિ પછી બ્યુરોક્રેસીમાં ફેરબદલના સંકેત...

વિધાનસભાના સત્ર સમાપ્તિ પછી બ્યુરોક્રેસીમાં ફેરબદલ થવાની સંભાવના છે. ઘણાં લાંબા સમય સુધી રાહ જોયા પછી સરકારી બાબુઓ નવા પોસ્ટીંગની રાહ જોઇ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ બજેટ સત્રમાં વ્યસ્ત છે પરંતુ તેઓ આ મહિનાના અંત સુધીમાં ફ્રી થશે ત્યારે બોટમ ટુ ટોપ સુધીની બદલીઓ કરવાના મૂડમાં છે. અત્યારે સચિવાલયમાં એક ડઝન જેટલા ઓફિસરો વધારાના હવાલા ધરાવે છે. તેમને વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિજય રૂપાણી ફેરબદલ કરી શકે છે. રૂપાણીએ લોકસભાની ચૂંટણી પૂર્વે અને ત્યારપછી વહીવટી તંત્રમાં કોઇ બદલાવ કર્યો નથી તેથી જિલ્લાકક્ષાએ થી રાજ્યસ્તર સુધીની બદલીઓ થાય તેવી સંભાવના છે. ગુજરાતની બ્યુરોક્રેસીની કઠણાઇ એ છે કે રાજ્યમાં આઇએએસની મંજૂર થયેલી 313 જગ્યાઓ પૈકી 65 જગ્યાઓ ખાલી છે છતાં ગુજરાતના 21 ઓફિસરો ડેપ્યુટેશન પર ગુજરાત બહાર ફરજ બજાવે છે. હવે તેમાં અજય ભાદુ અને ટી નટરાજનનો સમાવેશ થયો છે એટલે આ સંખ્યા વધીને 23 થઇ છે. બીજી તરફ ગુજરાતના વર્ગ-1ના અધિકારીઓની 680 જેટલી જગ્યાઓ ખાલી પડી છે જે નવી ભરતીથી ભરવાની મુખ્યમંત્રીએ ખાત્રી આપી છે. અલબત્ત, સિનિયર આઇએએસના વધારાના હવાલા દૂર કરવા તેઓ મોટાપાયે ફેરબદલ કરી રહ્યાં હોવાના સંકેત મળ્યા છે.

લ્યો, હવે વજુભાઇ વાળા નિવૃત્ત થઇ રહ્યાં છે...

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના 20 જેટલા બાગી ધારાસભ્યોએ કુમારાસ્વામીની સરકાર તોડવાનું નક્કી કર્યું છે. રાજ્યમાં રાજકીય નાટક ચરમસીમાએ છે. ભાજપના પાસે બે અપક્ષો સાથે કુલ 107 ધારાસભ્યો છે. સત્તા વિહોણા ભાજપના પ્રમુખ યેદુરપ્પા જેડીએસ-કોંગ્રેસની સરકાર તોડીને ભાજપની સરકાર બનાવવા માગે છે. કર્ણાટકમાં કુમારાસ્વામી સત્તા ટકાવી રાખે છે કે યેદુરપ્પા નવા મુખ્યમંત્રી બને છે તે 22મી જુલાઇએ નક્કી થવાનું છે. આ સંજોગોમાં કર્ણાટકના રાજ્યપાલનો હોદ્દો સંભાળતા વજુભાઇ વાળા નિયમ પ્રમાણે કુમારાસ્વામીને વિશ્વાસનો મત જીતવાનું કહી રહ્યાં છે પરંતુ વર્તમાન સરકાર લધુમતિમાં હોવાથી મામલો પેચીદો બન્યો છે. કર્ણાટકમાં શાસન કરવું હોય તો કુલ 225 બેઠકો પૈકી કોઇપણ પાર્ટી પાસે 113 ધારાસભ્યો હોવા જોઇએ. જે હાલની સ્થિતિ પ્રમાણે કોઇ પાર્ટી પાસે નથી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકાર બની ત્યારથી સત્તા વિહોણા યેદુરપ્પા આ સરકારને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વખતે તેમણે ખૂબ જોર લગાવ્યું છે. હવે વજુભાઇ વાળાનો રોલ શું રહે છે તે આ સપ્તાહમાં ખબર પડી જશે. જો કે વજુભાઇ વાળાની રાજ્યપાલ તરીકે નિયુક્તિ 1લી સપ્ટેમ્બર 2014માં થઇ હતી તેથી તેઓ 1લી સપ્ટેમ્બર 2019ના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે. આ નિવૃત્તિ પહેલાં કર્ણાટકનો ફેંસલો તો આવી જશે પરંતુ વજુભાઇ વાળાની જગ્યાએ કોને નિયુક્ત કરાશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ વજુભાઇ વાળા સવા બે મહિના પછી પાછા ગુજરાત આવી રહ્યાં છે. તેમને ગુજરાતમાં કોઇ જગ્યાએ સમાવવા પડશે, કેમ કે તેઓ ગુજરાત ભાજપના સિસ્તબદ્ધ સૈનિક અને સરકાર ચલાવવાનો અનુભવ ધરાવતા સૌરાષ્ટ્રના મોટા નેતા છે

ગુજરાતમાં ચૂંટણી ખર્ચ 790 કરોડ રૂપિયા...

ચૂંટણી હોય કે ના હોય, ચૂંટણી પંચ દર વર્ષે ખર્ચ કરતું હોય છે. ચૂંટણી ન હોય ત્યારે મતદાર યાદીઓની સુધારણા અને વોટર આઇડી કાર્ડ માટે નાણાં જોઇતા હોય છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના સંચાલન માટે 307.14 કરોડનો ખર્ચ કર્યો છે જ્યારે લોકસભાની 2019ની ચૂંટણી માટે 353.47 કરોડનો ખર્ચ થયો છે. આ બન્ને ખર્ચ ગુજરાતના બજેટમાંથી મેળવવામાં આવ્યા છે. હવે 2022 પહેલાં કોઇ ચૂંટણી નહીં હોવા છતાં ચૂંટણી પંચ માટે ગુજરાત સરકાર પાસે ચૂંટણી પંચે વધારાના 129 કરોડ રૂપિયા માગ્યા છે. જો કે આ ખર્ચ પૈકી મતદાર યાદીઓ તૈયાર કરવા અને વર્ષ દરમ્યાન તેમાં સુધારા કરવા માટે 55.86 કરોડનો ખર્ચ માગવામાં આવ્યો છે. મતદાર જાગૃતિ માટે 1.65 કરોડ, ચૂંટણી સંચાલન ખર્ચ માટે 5.86 કરોડ અને ઓળખકાર્ડ આપવા 1.43 કરોડની રકમ ચૂંટણી પંચને આપવાની થાય છે. છેલ્લા બે વર્ષમાં સરકાર ચૂંટણી પંચ ને કુલ 790.90 કરોડ રૂપિયા ચૂકવશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:39 am IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST