Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સરકારી મહેમાન

રાજ્ય વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ અધ્યક્ષ અશોક ભટ્ટનું સપનું પૂર્ણ કરી રહ્યાં છે!

ગુજરાતમાં 20 ગવર્નરો ફરજ બજાવી ચૂક્યાં છે પરંતુ કોઇ રાજ્યપાલ બીજી વખત નિયુક્ત થયા નથી: મેટ્રોરેલ પ્રોજેક્ટમાં અક્ષમ્ય વિલંબ થવાનું કારણ સિનિયર અધિકારીઓ જવાબદારીથી દૂર ભાગી રહ્યાં છે : વિજય રૂપાણી 2021ની વાયબ્રન્ટ સમિટ કરવા માગે છે પણ વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ ઓફલાઇન

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી તેમના પૂરોગામી અધ્યક્ષ અશોક ભટ્ટનું સપનું પૂર્ણ કરી રહ્યાં છે. અશોક ભટ્ટ જ્યારે વિધાનસભાના સ્પીકર હતા ત્યારે તેમણે વિધાનસભાની કાર્યવાહી ઓનલાઇન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિધાનસભાના તમામ ડોક્યુમેન્ટનું ડિઝીટલાઇઝેશન કરવાનું પણ નક્કી કર્યું હતું પરંતુ તેમનું આ સપનું અધુરૂં રહ્યું હતું જે હવે વર્તમાન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પૂર્ણ કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટને માહિતીના ભંડારમાં ફેરવી નાંખવામાં આવી છે. સત્ર શરૂ થાય તે પહેલાં વિધાનસભા સચિવાલયને કેટલા પ્રશ્નો, કેટલી નોટીસો મળી, કેટલા પેપર્સ આવ્યા છેકેટલા સરકારી બીલો મળ્યા તેનો હિસાબ વેબસાઇટ પર મોજૂદ છે. વેબસાઇટ પર દર્શાવેલી માહિતી પ્રમાણે 182 સભ્યોની વિધાનસભામાં હાલ 175 સભ્યો મોજૂદ છે. કુલ સાત બેઠકો ખાલી પડી છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. આ વેબસાઇટ અંગ્રેજી અને ગુજરાતી એમ બે માધ્યમમાં બનાવવામાં આવી છે. આ નવી વેબસાઇટના વિઝિટરની સંખ્યા 43000 ઉપર પહોંચી ચૂકી છે. જો કે હજી આ વેબસાઇટ અપડેટ થઇ રહી હોવાથી કેટલાક સેક્શન ખાલી છે. વેબસાઇટની એક ખૂબ એવી છે કે તમે બર્થડે પ્રમાણે ધારાસભ્યોને શોધી શકો છો. મહિલા ધારાસભ્યો તમને અલગ મળી શકે છે. કઇ પાર્ટીનો ધારાસભ્ય છે તે સરળતાથી મળી શકે છે. વિધાનસભામાં બિઝનેસ પણ જાણી શકાય છે. તેની લિંક https://neva.gov.in/Business/Index છે.

ગુજરાતમાં કોઇ રાજ્યપાલ રિપીટ થયા નથી...

ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનો પાંચ વર્ષનો સમય 16મી જુલાઇ 2019ના રોજ પૂર્ણ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી 20 રાજ્યપાલ નિયુક્ત થયા છે જે પૈકી કોઇપણ રાજ્યપાલ રિપીટ થયા નથી તેથી રાજ્યને નવા રાજ્યપાલ મળવાની સંભાવના વધી જાય છે. દેશમાં 12 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવાની થાય છે જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પહેલા રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા તેમણે પાંચ વર્ષનો ટેન્યોર પૂર્ણ કર્યો હતો. 1960 પછી કુલ ત્રણ એક્ટિંગ રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવેલા છે જેમાં બે વખત પીએન ભગવતીને અને એક વખત કેજી બાલાક્રિશ્નનને તક આપવામાં આવી છે, જ્યારે 2014માં કોંગ્રેસના માર્ગારેટ આલ્વાને એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપમાં 1996માં જ્યારે બળવો થયો હતો ત્યારે કોંગ્રેસે નિયુક્ત કરેલા કૃષ્ણપાલસિંહનો બે વર્ષનો સમય વિવાદોથી ભરેલો રહ્યો હતો. પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેવા રાજ્યપાલમાં મહેંદી નવાઝ જંગ, શ્રીમન નારાયણ, શારદા મુકરજી, સરૂપસિંહ, નવલ કિશોર શર્મા, કમલા બેનિવાલ અને ઓમપ્રકાશ કોહલી છે. ગુજરાતમાં જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે રાજ્યપાલ બદલાઇ ચૂક્યાં છે પરંતુ સૌથી વધુ રાજ્યપાલ કોંગ્રેસના સમયમાં આવ્યા છે. હવે ગુજરાતને 21મા રાજ્યપાલ મળશે.

બાંધકામોની વિકાસ પરવાનગી ઓનલાઇન...

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે એક નિર્ણયમાં કહ્યું છે કે રાજ્યમાં 15 મીટર સુધીના બાંધકામની વિકાસ પરવાનગી ઓનલાઇન કરી દેવામાં આવી છે. ક્રેડાઇ, આર્કિટેક્ટ, એન્જીનિયર અને ડેવલપર તેમજ સ્થાનિક સંસ્થાઓ અને સત્તામંડળના અધિકારીઓની રચાયેલી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગે 15 મીટર એટલે કે જમીનથી બાંધકામના ટોપ સુધી ફાયર માટેની વ્યાખ્યામાં આવે છે તેટલી ઉંચાઇના બાંધકામોમાં વિકાસ પરવાનગીની અરજીઓ 1લી જુલાઇથી ઓનલાઇન કરી દીધી છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને સત્તામંડળ દ્વારા અગાઉ ઓનલાઇન અરજીઓ પરના રિપોર્ટની ચકાસણી કરી નાણાં ભરાવી ઓનલાઇન વિકાસ પરવાનગી આપવાની પદ્ધતિ હતી તેમાં ફેરફાર કરીને 15 મીટર સુધીની અરજી ઓનલાઇન સ્કૂટીની થયા પછી જરૂરી નાણાં ભરાવી સીધી મંજૂરી આપવામાં આવશે. ઓનલાઇન અરજી મળ્યા પછી 30 દિવસમાં સત્તાતંત્રના અધિકારીઓ ચકાસણી કરી શકે છે અને ઓનલાઇન અરજીમાં કોઇ ક્ષતિ હોય તો વિકાસ પરવાનગી સ્થગિત અથવા રદ કરી શકે છે. જો તેમ થાય તો જે તે અરજીને ઓફલાઇન તરીકે જરૂરી કાર્યવાહી કરી નિર્ણય લઇ શકાશે.

ત્રણ સમસ્યાનું સમાધાન CMના હાથમાં છે...

ગુજરાતમાં જ્યારે કોઇ નવું બિલ્ડીગ બનતું હોય ત્યારે જે તે ડેવલપર્સ અથવા તો બિલ્ડરે સરકારની શરતોનું પાલન કરવાનું રહે છે. આ શરતોમાં સરકારે એવું નક્કી કર્યું છે કે-- નવા બાંધકામમાં બોરવેલ બનાવવામાં આવે ત્યારે તેમાં રિચાર્જીંગ સુવિધા કરવાની રહેશે. જેટલા વૃક્ષો કપાયા હોય તેની સામે બમણાં વૃક્ષો વાવીને તેને ઉછેરવા પડશે અને પાર્કિંગની સુવિધા રાખવી પડશે. જો આ ત્રણ સૂચનાનું ફરજીતાય પાલન થાય તો રાજ્યના શહેરોમાં પર્યાવરણ, ટ્રાફિક જામ અને પીવાના પાણીની કોઇ મુશ્કેલી પડે નહીં. સામાન્ય રીતે શહેરોમાં થઇ રહેલા બાંધકામોમાં જોવામાં આવ્યું છે કે બિલ્ડરો અને ડેવલપર્સ આ તમામ શરતોનું પાલન કરતા નથી. ખુલ્લી એક્વાયર કરેલી જમીનની સાથે સરકારી જમીનમાં જે વૃક્ષો હોય છે તેને કાપી નાંખવામાં આવે છે. રેસિડેન્શિયલ ઇમારતોમાં બિલ્ડરો પાર્કિંગની સુવિધા ઉભી કરે છે પરંતુ તે અપૂરતી હોય છે તેથી વસાહતીઓ રોડ પર વાહનો પાર્ક કરે છે. જે એપાર્ટમેન્ટ બનાવ્યું છે ત્યાં બોરવેલ તો બનાવે છે પરંતુ બોરના રિચાર્જીંગ માટેની સુવિધા ઉભી કરવામાં આવતી નથી જેથી વસાહતીઓને ઉંડા થઇ ચૂકેલા બોરના ખારા પાણી મળે છે. શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રી પાસે છે ત્યારે તેઓ આ ત્રણ શરતોને ફરજીયાત બનાવે તો શહેરોમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ જેવી કે પાણીની તંગી, ટ્રાફિક અને પર્યાવરણનું સમાધાન થઇ શકે છે. મુંબઇમાં એવી કેટલીય વસાહતો છે કે જ્યાં ઇમારતો કરતાં વૃક્ષોની સંખ્યા વધારે છે.

મેટ્રો રેલમાં કોઇ કામ કરવા કેમ માગતું નથી...

ગુજરાતની મેટ્રોરેલમાં કોઇ અધિકારી કામ કરવા માગતા નથી, કારણ જે હોય તે પરંતુ અધિકારીઓ દૂર ભાગે છે. સચિવાલયમાં ચર્ચાઇ રહેલા કારણમાં મેટ્રોરેલ પ્રોજેક્ટમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ નહીં કરવામાં આવતા તેનો પ્રોજેક્ટ ખર્ચ વધતો જાય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી હોદ્દાની રૂએ ગુજરાત મેટ્રો રેલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યાં છે. તેમણે આ પદમાંથી મુક્ત કરવાની સરકારને વિનંતી કરી છે. આ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ કેશવ વર્મા કે જેઓ વયનિવૃત્ત આઇએએસ અધિકારીએ છે તેમને સરકારે ગુજરાત મેટ્રોરેલ કંપનીની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમણે પણ તેમના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો હતો. હવે સરકાર નિવૃત્ત થયેલા અન્ય અધિકારીઓ પર નજર દોડાવી રહી છે કે જેઓ આ હોદ્દો સ્વિકાર કરે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટમાં શરૂઆતમાં સરકારે નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાને નિયુક્ત કર્યા હતા પરંતુ તેમણે 150 કરોડનું કૌભાંડ કરતાં સરકારે તેમને દૂર કરી દીધા હતા. એવું કહેવાય છે કે મેટ્રોરેલ માટે સરકારે 2003માં કાર્યવાહી શરૂ કરી હતી અને તેમાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોરેલ દોડાવવાની થતી હતી. આ સમયે 3500 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે માત્ર અમદાવાદના વિવિધ વિસ્તારો માટેની મેટ્રોરેલ 2019માં પણ પૂર્ણ થઇ શકી નથી, જ્યારે ગાંધીનગર માટે તો હજી કોઇ કામ શરૂ થયું નથી.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021નો ફ્લેશ કેમ નહીં...

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2011 પૂર્ણ થયા પછી બીજા દિવસે ગુજરાત સરકારની વાયબ્રન્ટ વેબસાઇટ ઉપર વાયબ્રન્ટ સમિટ 2013નો લોગો લાગી ચૂક્યો હતો પરંતુ રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ 2019 પૂર્ણ થયાને પાંચ મહિના થઇ ચૂક્યાં છે છતાં વાયબ્રન્ટ ગુજરાત 2021નો લોગો લગાવવામાં આવ્યો નથી. સરકારી આ વેબસાઇટ પર હજી પણ 2019ની વાયબ્રન્ટ સમિટના બ્રોશર અને ટ્રેડ શો માં હિસ્સો લેવા માટેના ફોર્મ જેવી જૂની વિગતો જોવા મળે છે. આ પહેલાં વેબસાઇટ પર અપકમીંગ સેમિનાર કે એક્ઝિબિશનની વિગતો મૂકવામાં આવતી હતી હવે તે સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ના સમાપન દિવસે મહાત્મા મંદિરના વિશાળ કોર્પોરેટ મંચ પરથી જાહેરાત કરી હતી કે આપણે હવે પછી 2021માં આ જગ્યાએ ફરી મળીશું...” મુખ્યમંત્રીની આ જાહેરાત પછી પણ ઉદ્યોગ વિભાગે વાયબ્રન્ટ સમિટની વેબસાઇટ સુધારવાની તસદી લીધી નથી. આ વેબસાઇટમાં 2017ના ડેટા તો ઉપલબ્ધ છે પરંતુ 2019ના ડેટા હજી સુધી મૂકવામાં આવ્યા નથી. ઉદ્યોગ વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું કે-- સરકારી તંત્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી રોડ પરના બેનરો અને કમાનો મહિનાઓ સુધી હટાવી શકતી નથી તો વેબસાઇટમાં અપડેશન કેવી રીતે આવી શકે. સરકારની 75 ટકા વેબસાઇટ્સ પર જૂના ડેટા દર્શાવાઇ રહ્યાં છે, બદલાય છે માત્ર તારીખ...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:46 am IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST