Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

બોટાદના રાણપુરમાં મહાત્મા ગાંધી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત 'ગાંધી મેળો' યોજાયો

રાજકોટ તા. ૧૩ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ૧૯માં ગાંધી મેળો યોજાયો હતો. ગાંધી-મૂલ્યો-વિચારો તથા ખાદીનાં પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી ગ્રામોદ્યોગ આયોગ તથા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની ૧૨ જેટલી રચનાત્મક-ખાદી સંસ્થાઓ દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. ગાંધીજી પ્રબોધિત ખાદી અને ગ્રામોદ્યોગ પ્રવૃત્ત્િ।ઓનું પ્રદર્શન પણ યોજાયું હતું.        

ભારત સરકારના ખાદી ગ્રામોદ્યાગ કમિશનના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિદ્યુતભાઈ જોષી, કુંડલા ગ્રામ સેવા મંડળ (ખડસલી)ના મનુભાઈ મહેતા, ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના વિકાસ અધિકારી દિપકભાઈ પટેલ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખાદી-સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નલકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રમુખ ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી અને મંત્રી ચંદ્રવદનભાઈ અંબુભાઈ શાહ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, કારોબારી સભ્યો મનુભાઈ ચાવડા, ગગુભા ગોહિલ, ભૂપતભાઈ ધાધલ, સેક્રેટરી હરદેવસિંહ રાણા, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, એ.ડી. શેઠ હોસ્પીટલના વિજયભાઈ પરીખ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા, વલ્લભભાઈ લાખાણી, દિપેશભાઈ બક્ષી અને પરાગભાઈ ત્રિવેદી, ગાંધી સ્મૃતિ (ભાવનગર)ના જવલંતભાઈ દેસાઈ અને બિપીનભાઈ જાની, કાઠિયાવાડ ખાદી મંડળ (ચલાલા)ના રવજીભાઈ સોલંકી અને પ્રાગજીભાઈ, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ – ગ્રામ ઉદ્યોગ મંદિર (ગઢડા)ના દિલીપભાઈ શુકલ અને વસંતભાઈ રાવલ, બાળ કેળવણી મંદિર (બગસરા)ના દેવચંદભાઈ સાવલિયા, સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ (શિહોર)ના તુલસીભાઈ નમસા, ગ્રામ નિર્માણ સમાજ (મહુવા)ના સંજયભાઈ ભટ્ટ, કાંતિભાઈ પરસાણા (થોરડી), ગીતાબેન દવે (અમરેલી), પિનાકીનભાઈ મકવાણા, ગોવિંદભાઈ જાદવ,  જતીનભાઈ ઘીયા, શિક્ષણ-જગતમાંથી શરદભાઈ પટેલ, ડો. ગુણવંતભાઈ વાજા અને અજિતસિંહ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને બહેનોની હાજરી રહી.             

ડો. વિદ્યુતભાઈ જોષીએ સાંપ્રત સમયમાં ગાંધી-મૂલ્યો-વિચારોની વિશિષ્ટ ભૂમિકાનું વિશ્લેષણ કર્યું હતું. નવી પેઢીને ગાંધીજીનાં ૧૧ મહાવ્રતોમાંથી એકને પણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. ગાંધીજી આપણી વચ્ચે સદેહે નથી, પણ એમના મૂલ્યો-વિચારો આજે પણ જીવંત છે તેમ દેવેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું. રવજીભાઈ સોલંકી, ધીરૂભાઈ ડાભી, ચન્દ્રવદનભાઈ શાહ અને ગોવિંદસંગભાઈ ડાભીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જીવનસ્મૃતિ-અમદાવાદના મનુભાઈ તથા ભારતીબેન પંડિતે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. નવી પેઢીને ખાદી પહેરવા તેમજ ખરીદવાની પ્રેરણા દેવેન્દ્રભાઈ દેસાઈ, મનુભાઈ મહેતા અને ગોવિંદસંગભાઈ ડાભીએ આપી હતી. મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, જૈન મુનિશ્રી સંતબાલજી, રવિશંકર મહારાજ, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, મણિભાઈ પટેલ, હરિવલ્લભભાઈ મહેતાને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. જન્મભૂમિની વિદ્યાર્થીનીઓએ ગાંધી-ગીતો રજૂ કર્યાં હતાં. આ અવસરે પિનાકી મેઘાણી દ્વારા પરિકલ્પિત અલભ્ય તસ્વીરો-ઈતિહાસને આલેખતું રસપ્રદ-માહિતીસભર સચિત્ર પ્રદર્શન 'ગાંધીદર્શન-મેઘાણીગાથા' ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં વિશાળ પ્રાર્થના ખંડમાં સ્થાપિત કરાયું હતું. અમૃતલાલ શેઠનાં નિમંત્રણને સ્વીકારીને, ૧૯૨૨માં, ઝવેરચંદ મેઘાણી રાણપુરમાંથી પ્રગટ થતાં સાપ્તાહિક 'સૌરાષ્ટ્ર'ના તંત્રી-મંડળમાં જોડાયા હતાં. એમના મુંબઈ સ્થિત પૌત્ર જતીનભાઈ મનુભાઈ શેઠએ પણ આ પ્રદર્શન નિહાળીને રાજીપો વ્યકત કર્યો હતો. ગત વર્ષે આ સંસ્થામાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ હતી.          

એપ્રિલ ૧૯૨૫જ્રાક્નત્ન મહાત્મા ગાંધી રાણપુર આવેલા. રાણપુર સુધરાઈએ ગાંધીજીને 'માનપત્ર' અર્પણ કરેલું. ગાંધીજીએ કહ્યું હતુંૅં '.. દુનિયા સામે ઊભા રહીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે તે જ કરવું. મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું, તેમાંની આ મહત્વની છે ..' 'સૌરાષ્ટ્ર'-'ફૂલછાબ' પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો ત્યારે એમની સાથે ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત થયેલી. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા ગાંધીજીની મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરતું કાવ્ય 'છેલ્લો કટોરો'ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં લખ્યું ને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરુદ મહાત્માજી પાસેથી પામ્યા. જેમણે આજીવન ખાદી પહેરી હતી તેવા ઝવેરચંદ મેઘાણીએ ખાદીનાં પ્રચાર-પ્રસાર માટે રાણપુર સ્થિત 'ફૂલછાબ'કાર્યાલયમાં ખાદી-કેન્દ્ર શરૂ કર્યું હતું. આની સ્મૃતિમાં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા 'ગાંધી ગૌરવ યાત્રા'નું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં. બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી. અઢી વર્ષની બાળકી જૈમિકા નીરવભાઈ ડાભીએ ખાસ્સુ આકર્ષણ જગાવ્યું હતું.      

બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા (આઈપીએસ)ની શુભેચ્છા મુલાકાત પિનાકી મેઘાણીએ લીધી હતી. ગોવિંદભાઈ ડાભી, મુકુન્દભાઈ વઢવાણા, જતીનભાઈ ઘીયા પણ સાથે હતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં થયો હોવાથી સમસ્ત ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે તેમ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના બોટાદ અને રાણપુર સાથેનાં લાગણીસભર સંભારણાંને પણ વાગોળ્યાં હતાં. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની પ્રેરણાથી, સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસના સહયોગથી, ૧૬ ફેબ્રુઆરી ને શનિવારે — સાંજે ૪ કલાકે — રાણપુર પોલીસ સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના થઈ રહી છે.(૨૧.૮)

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:38 am IST)