Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

૯૦ વર્ષીય વિશ્વ વિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કાંતિભાઇ સોનછત્રા દ્વારા મહાત્મા ગાંધીને અનોખી સ્વરાંજલિ

ગાંધી નિર્વાણ દિન અવસરે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કાંતિભાઇ સોનછત્રાનું અભિવાદન

વિશ્વવિખ્યાત સંગીતકાર- પિયાનોવાદક કાંતિભાઇ સોનછત્રા, ભાવભર્યું અભિવાદન શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારો પંડિત રવિશંકર, ઉસ્તાદ અલ્લારખાં સાથે જાણીતા ફિલ્મી સંગીતકાર નોૈશાદ, મદન મોહન, વસંત દેસાઇ, જયદેવ સાથે નજરે પડે છે.

રાજકોટ તા.૪: ૯૦ વર્ષીય વિશ્વ વિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કાંતિભાઇ સોનછત્રાએ મહાત્મા ગાંધીને અનોખી સ્વરાંજલિ અર્પણ કરી છે. ગાંધીજીને પ્રિય એવું ભકતકવિ નરસિંહ મહેતા કૃત 'વૈષ્ણવજન'ની કીબોર્ડ પર ભારતીય શાસ્ત્રીય રાગ બિલાવલ આધારિત સુમધુર સૂરાવલિ કાંતિભાઇએ બખુબી રજૂ કરીની ઇન્ટરનેટ પર મૂકી છે. ત્રણ દાયકા પૂર્વે કલાગુરૂ કાંતિભાઇ સોનછત્રા પાસેથી કીબોર્ડ, ગાયન અને ચિત્રકલાનું પ્રેરક માર્ગદર્શન પામેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઇ મેઘાણી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કાંતિભાઇ સોનછત્રાનાં વિડીયોને વિશ્વભરમાંથી લાખો સંગીત-પ્રેમીઓ ઇન્ટરનેટ પર માણે છે જે ખાસ ઉલ્લેખનીય છેઃ www.facebook.com/ShriKantibhaiSonchhatra

ગાંધી નિર્વાણ દિન અવસરે કાંતિભાઇ સોનછત્રાનું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવભર્યું અભિવાદન કરાયું હતું.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇ, ૧૯૭૧માં પ્રથમ શિષ્ય રહી ચૂકેલા જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, મેઘાણી-ગીતોના લોકગાયક અભેસિંહ રાઠોડ, લોકગાયકો માલાબેન ભટ્ટ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડયા, રાષ્ટ્રીયશાળાના જીતુભાઇ ભટ્ટ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઇ ડાભી, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઇ ભાતેલીયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.

સમસ્ત સંગીત જેમાં સમાયેલું છે તેવી ભારતીય રાગ-રાગિણીઓ કાંતિભાઇ સોનછત્રા પાસેથી પિયાનો અને કીબોર્ડ પર સાંભળવી એક લ્હાવો છે. કીબોર્ડ-પ્લેયિંગની પોતાની આગવી ટેકનિકને તેઓએ સંશોધિત-વિકસિત કરી છે. ઇન્ડિયન અને વેસ્ટર્ન કલાસિકલ મ્યૂઝિક પર એમણે ગહન સંશોધન કર્યું છે. ગુજરાતી અને બંગાળી ફિલ્મોમાં એમને સંગીત પણ આપ્યું છે.

જામનગર જિલ્લાનાં કાલાવડ પાસે આવેલ વડાળા ગામમાં, ૧૯૨૯માં,  રઘુવંશી પરિવારમાં જન્મેલા કાંતિભાઇએ માત્ર ૬ વર્ષની નાની વયે કલકત્તા ખાતે સંગીત-સાધનાનો આરંભ કર્યો હતો. મેવાતી ઘરાણાના પંડિત મણીરામજી પાસેથી રાગ-રાગિણીઓ અને ખ્યાલ અંગેની વ્યકિતગત પ્રેરણા-માર્ગદર્શન તથા પોરબંદરના વૈષ્ણવાચાર્ય ગૌ.શ્રી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી હોર્મોનિયમ-વાદનમાં ઠુમરી અંગેની નજાકત વિશે પ્રેરણા મળી હતી. ૧૨ વર્ષની વયે ચિત્રકલા (લેન્ડસ્કેપ, પોટ્રેટ) માં પણ નિપુણતા હાંસલ કરી હતી.

શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારો પંડિત મણીરામજી (ગાયન), પંડિત રવિશંકર (સિતાર), ઉસ્તાદ અલ્લારખાં (તબલા) તેમજ ફિલ્મી સંગીતકાર નોૈશાદ, મદન મોહન, વસંત દેસાઇ, જયદેવ, પંડિત શિવરામ, કલ્યાણજી શાહ એમને સાંભળવા તત્પર રહેતા. અનેક સંગીત-અભ્યાસુઓને વ્યકિતગત માર્ગદર્શન આપીને, કાંતિભાઇ સોનછત્રા તેઓની સંગીત-સાધનામાં પથદર્શક બન્યા છે. દેશ-વિદેશમાં વસતાં એમનાં અનેક શિષ્યોએ એમની પરંપરાને જાળવી છે. પંકજ ભટ્ટ, અતુલ રાણીંગા, રાજ રાણીંગા, પલ્લવ પંડયા, હસમુખ પાટડીયા, ડો. પરિન પરમાર, જયમીન સંઘવી, દેવ પરમાર, અજય શાહ, પ્રિયા શાહ, કિરણ ઠકરાર જેવાં ખ્યાતનામ સંગીતકારો એમના શિષ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પરિવાર (પુત્ર સ્વ. નાનકભાઇ મેઘાણી અને ભાણેજ સ્વ. ગુલાબભાઇ પારેખ) સાથે એમનો પારિવારિક નાતો રહ્યો છે.

અત્યંત વિનમ્ર અને મૃદુભાષી કાંતિભાઇ સોનછત્રા, ૧૯૮૮માં, ગુજરાત સરકારના 'ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત થયાં છે.

આલેખન

પિનાકી નાનકભાઇ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી

સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:54 pm IST)