Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સરકારી મહેમાન

ગુજરાતી ફિલ્મોની 'રોમાંચક સફર': સુવર્ણકાળ થી અસ્તાચળ: ફરી પાછો સુવર્ણ-યુગ શરૂ થયો

રાજકીય નેતા બનવું છે તો ડીગ્રીની જરૂર નથી, જો ડીગ્રી હોય તો પ્રવેશ નિશેષ: અમિતભાઇ આવે છે, જાદુઇ પોટલી લાવે છે; કાર્યકરોને ચમત્કારની અપેક્ષા છે : સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી, ડેવલપ સિટીની જેમ ટ્રાફિક સેન્સ સિટી એવોર્ડ રાખો

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ 1970 થી 1990 સુધી હતો પછી ગુજરાતી ફિલ્મો બજારમાંથી ફેંકાઇ ગઇ હતી. 1990 થી 2010 સુધીના 20 વર્ષના વિરામ પછી ફરી એકવાર ગુજરાતી ફિલ્મો છવાઇ રહી છે. આ વખતે ટિપીકલ ગુજરાતી નહીં પરંતુ બોલિવુડ અને હોલિવુડની છાપ ધરાવતી ફિલ્મો થિયેટરોમાં ધમાલ મચાવે છે. તળપદાં નામ અને નવા કલાકારો નવી સ્ટાઇલની ફિલ્મોમાં છવાઇ રહ્યાં છે. ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ 1932માં મુંબઇના થિયેટરોમાં રજૂ થઇ હતી. નરસિંહ મહેતા નામની આ ફિલ્મે ધૂમ મચાવી હતી પરંતુ 1932 થી 1946 સુધી માત્ર છ જ ગુજરાતી ફિલ્મો આપણા નિર્માતાઓ આપી શક્યા છે. આઝાદી પછી 1950 સુધીમાં 70 ગુજરાતી ફિલ્મો બની હતી પરંતુ 1970 થી 1990માં 400 ગુજરાતી ફિલ્મોએ રેકોર્ડ સર્જ્યો હતો. આ એક ચમત્કાર હતો.  ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, સ્નેહલત્તા, અરૂણા ઇરાની, ફિરોઝ ઇરાની, અરવિંદ કિરાડ જેવા સિદ્ધહસ્ત કલાકારોએ ગુજરાતી ફિલ્મોમાં પ્રાણ પૂર્યા હતા. હવે 20 વર્ષના વિરામ પછી યુવા ગુજરાતી કલાકારોએ ગુજરાતને ફરીથી ઉંચા ફલક પર મૂકી દીધું છે, આ ફિલ્મો ટ્રેડિશનલ નથી પરંતુ લોકોને ગમે તેવી આધુનિક થીમ પર આધારિત છે. ગુજરાતી નિર્માતાઓની યાદી જોતાં સર્વેક્ષણ એવું કહે છે કે મહિનામાં બે ગુજરાતી ફિલ્મો તૈયાર થાય છે. ગુજરાતી ફિલ્મોને જોનારો વર્ગ વધી રહ્યો હોવાથી આ પરિણામ આપણને મળ્યું છે તેમ છતાં મલ્ટીપ્લેક્સ ગુજરાતી ફિલ્મો માટે પ્રાઇમ ટાઇમના શો આપતા નથી તે હકીકત છે. તેમને હિન્દી ફિલ્મોની કમાણી વધારે પસંદ છે.

ટ્રાફિક સેન્સ સિટીના પણ એવોર્ડ જરૂરી...

ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા પાર્કિગ અને ટ્રાફિક સેન્સની છે. રાજ્યના શહેરો વાહનોથી એટલા બઘા ભરચક બન્યા છે કે લોકોને ચાલવાની જગ્યા પણ મળતી નથી. રાજ્યના શહેરોમાં વાહન ચલાવવાની સેન્સ કેળવાઇ નથી. જ્યાં સુધી દંડ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમન થવાનું નથી. અમદાવાદના કોઇપણ વિસ્તારમાં ગાડી પાર્ક થતી નથી. પાર્કિંગ ન હોય ત્યાં રોડ સાઇડે ગાડી પાર્ક કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં એવો નિયમ લાવવામાં આવ્યો છે કે રોડ સાઇડે પાર્કના ચાર્જ ચૂકવવા પડશે, પરંતુ તેનો કોઇ ઉકેલ નથી. મુંબઇના વાહનોની સરખામણીએ અમદાવાદમાં ઓછા વાહનો હશે તેમ છતાં મુંબઇની લેન સિસ્ટમ આજે વખણાય છે. ચંદીગઢની ટ્રાફિક વ્યવસ્થા દેશમાં નંબર વન છે. ખોટું ડીપર કરો તો પણ દંડ ભરવો પડે છે. દેશના સ્માર્ટ સિટી અને ક્લિન સિટીના એવોર્ડ આપવામાં આવે છે પરંતુ એક એવોર્ડ બેસ્ટ ટ્રાફિક સેન્સ સિટીનો પણ આપવામાં આવે તો ગુજરાત ધન્ય બની જાય.

રાજ્યના ખેડૂતોને વૈશ્વિક બજાર મળવું જોઇએ...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી તૈયારીમાં લાગી ચૂક્યાં છે. હાઇકમાન્ડના આદેશ પછી તેઓ એક પછી એક લોકભોગ્ય જાહેરાતો કરી રહ્યાં છે. રાજ્યના ખેડૂતોના હિતમાં તેમણે સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મૂકી છે. ખેડૂતોને સોલાર વીજળી પેદા કરવા માટેના ઇન્સેન્ટીવ આપ્યા છે. સારી બાબત છે. ખેડૂતો તેમની જરૂરી વીજળી વાપરી વધારાની વીજળી સરકારને વેચી શકશે પરંતુ ખેડૂતોના પાકને બજાર આપવામાં સરકારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. મિડલમેનને દૂર કરી સીધા એન્ડ યુઝર્સ સુધી ખેડૂતો પહોંચે તે ઇચ્છનિય છે. એની સાથે ખેડૂતોને વૈશ્વિક બજારનો પણ લાભ આપવો જોઇએ કે જેથી ઉદ્યમશીલ ખેડૂતો તેમની પ્રોડક્ટ્સ વિદેશના બજારમાં વેચી શકે. અત્યારે ઓનલાઇન શોપિંગનો જમાનો છે તેથી કૃષિ અધિકારીઓએ રાજ્યના ખેડૂતોને જિલ્લા અને તાલુકા લેવલે એપ્લિકેશનનું નોલેજ આપે તો ખેડૂતો મિડલમેન સિવાય તેમની પેદાશો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપની મદદથી વિશ્વના બજારમાં પહોંચાડી શકે. વધુ ઉત્પાદન ખેડૂતોને દેવાળિયા બનાવી દે છે અને ખેડૂત આપધાત કરવા પ્રેરાય છે, આ સ્થિતિ બંધ ત્યારે થશે જ્યારે ખેડૂતની બઘી ઉપજ બજારમાં વેચાઇ જાય...

અમિતભાઇ આવે છે ત્યારે ચમત્કાર થાય છે...

ગુજરાતમાં જ્યારે જ્યારે અમિત શાહ આવે છે ત્યારે ત્યારે સંગઠન કે સરકારમાં ચેન્જીસ થાય છે. આ વખતે તેઓ બે દિવસ રોકાવાના છે ત્યારે કોઇ ચમત્કાર થાય તેવી આશા કાર્યકરોમાં જોવા મળી છે. આ ચમત્કાર સંગઠનમાં ફેરફાર હોઇ શકે છે. આ ચમત્કાર રૂપાણી કેબિનેટના વિસ્તરણનો પણ હોઇ શકે છે. આ મુલાકાતનો હેતુ બોર્ડ-કોર્પોરેશનમાં રાજકીય નિમણૂકો અંગેનો પણ ગણી શકાય છે. ગુજરાતમાં 1995માં કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ પદે હતા. કેશુભાઇના શાસનમાં બોર્ડ-કોર્પોરેશનમાં રાજકીય નિયુક્તિ કરવાનું દબાણ પ્રદેશ પ્રમુખે કર્યું હતું. એક સમયે આર.સી.ફળદુએ બોર્ડ-કોર્પોરેશન માટે પાર્ટીના આગેવાનોને મૂકવાની રિકવેસ્ટ કરી હતી. આ પછી પ્રદેશ પ્રમુખે ક્યારેય સરકારમાં આવું કોઇ દબાણ કર્યું હોવાનું સાંભળવામાં આવ્યું નથી. પ્રદેશ પ્રમુખની ફરજ છે કે સરકારમાં ખાલી જગ્યાઓ પર જ્યાં રાજકીય નિયુક્તિ થતી હોય ત્યાં પાર્ટીના નેતાઓની ભલામણ કરે. આવા કોઇ ચમત્કારની પાર્ટીને આશા છે...

રાજનીતિમાં ડીગ્રી નહીં કોઠાસૂઝ જોઇએ...

કહેવાય છે કે ઓછું ભણેલા હોવ તો તમારે માટે રાજકારણના દરવાજા ખુલ્લા છે. કોઇપણ પાર્ટીમાં એક્ટિવ થઇ જાવ અને દસ વર્ષ દિલ દઇને કામ કરો, તમારો સૂર્ય મધ્યાહ્ને તપતો હશે. રાજનીતિમાં ડીગ્રીને જો મહત્વ હોત તો જયનારાયણ વ્યાસ આજે ગુજરાતના મુખ્યમંત્રી હોત અને સૌરભ પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પદ શોભાવતા હોય... કોંગ્રેસમાં પણ પી.ચિદમ્બરમ, સામ પિત્રોડા કે જયરામ રમેશ ક્યારેય વડાપ્રધાન પદના દાવેદાર ન થઇ શકે, હા કોણ થઇ શકે કે જેઓની કોઠાસૂઝ ઉત્તમ છે. ભાજપમાં પણ ઇન્ટલેક્યુઅલની મોટી ફોજ છે. આ લોકો ટોક-શો કે પેનલ ડિસ્કશનમાં કામ લાગે છે સક્રિય રાજકારણમાં તેમનું કામ નથી. હા, બુદ્ધિજીવીઓને સરકાર કે સંગઠનમાં સલાહકાર બનાવી દેવામાં આવે તો સરકાર કે પાર્ટીને ચાર ચાંદ લાગી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં હાઇકમાન્ડે યુવા નેતાઓના હાથમાં કમાન સોંપી છે, તેઓ ભણેલા છે પરંતુ કોઠાસૂઝ નથી, પરિણામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પાર્ટીએ મેળવેલું ગુમાવવું પડ્યું છે. સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ અભ્યાસુ છે તેમને દૂર કરવાની જગ્યાએ રાહુલ ગાંધીએ તેમના અનુભવ અને કોઠાસૂઝનો પાર્ટી સંગઠનમાં વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ. માધવસિંહ સોલંકી પાસેથી પણ ગાઇડન્સ મળી શકે છે...

નિતીનભાઇ પાસે કાર્યબોજ છે, સાથીદાર આપો...

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એક સપ્તાહ સુધી ચીફ મિનિસ્ટરના રોલમાં છે. આમ પણ તેઓ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી હોવાથી તેમના માથે કાર્યબોજ વધારે છે તેથી સરકારે બે પ્રવક્તા રાખવાની જરૂર છે. નરેન્દ્ર મોદી હતા ત્યારે સરકારમાં બે પ્રવક્તા હતા. સરકારના પ્રવક્તા મંત્રી તરીકે તત્કાલિન આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ અને ઉર્જામંત્રી સૌરભ પટેલ એમ બે પોસ્ટ હતી. નવી સરકારમાં રૂપાણીએ એકમાત્ર નિતીન પટેલને પ્રવક્તા બનાવ્યા છે. નિતીનભાઇ નાણા ઉપરાંત આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળે છે. તેમની ચેમ્બરમાં મુલાકાતીઓનો ધસારો જોતાં સરકારમાં બીજા પ્રવક્તા મંત્રીની આવશક્યતા ઉભી થઇ છે. રૂપાણી સરકારમાં પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પ્રવક્તાનો રોલ નિભાવી શકે છે. આ ઉપરાંત કૌશિક પટેલ મિડીયા ફ્રેન્ડલી છે. તેમને પણ પ્રવક્તા બનાવી શકાય છે. હાલ મોદી સરકારમાં ત્રણથી ચાર મંત્રીઓ પ્રવક્તાના રોલમાં આવે છે. ગુજરાત સરકાર પણ બે પ્રવક્તા તો રાખી શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:03 am IST)