Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સરકારી મહેમાન

ગુલાબી ઠંડી : સચિવાલયમાં કર્મચારીઓ અને પુનિત વનમાં ઓફિસરો ફીટનેસ તરફ વળ્‍યા

પરેશભાઇ તમે ફિલ્‍મનો પડદો શોભાવોラ ભાજપના નેતાઓ તેમનું ધ્‍યાન જાતે રાખશે : કોંગ્રેસનો ખેલ બગડ્‍યોラ સિનિયરો છૂટતા નથી અને યુવા નેતાઓને તક મળતી નથી : ગુજરાતમાં અશ્વની સંખ્‍યા ઘટી છે પરંતુ અશ્વપાલકોની ખુમારી એવી ને એવી તાજી છે

ગુજરાત સરકારમાં કામ કરતા અધિકારી તેમજ કર્મચારીઓએ શિયાળાની ઠંડીની સિઝનમાં ફરી એકવાર હેલ્‍થ પર ધ્‍યાન આપ્‍યું છે. સચિવાલયમાંઆવેલા ફીટનેસ સેન્‍ટરોની મુલાકાત લઇને કર્મચારીઓએ કસરત શરૂ કરી છે. કોઇ વહેલા આવે છે અને કોઇ ઓફિસ અવર્સ બાદ આ સેન્‍ટરોમાં રોકાય છે. બીજી તરફ રાજયના ઉચ્‍ચ અધિકારીઓ કે જેમાં આઇએએસનો સમાવેશ થાય છે તેઓએ સચિવાલયની પાછળ આવેલા વીવીઆપી પુનિત વનની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. જે ઓફિસરો ગાંધીનગર રહે છે તેઓ પુનિત વનમાં રોજ સવારે મોર્નિંગ વોક પર નિકળે છે. પુનિત વન એ એવો વિસ્‍તાર છે કે જે નો પોલ્‍યુટેડ ઝોનમાં આવે છે. અહીં બીલીપત્ર સહિતના આરોગ્‍યને લાભ કર્તા ફુલછોડની નિગરાનીમાં તાજી હવાનો અહેસાસ થાય છે. આ પુનિત વન નરેન્‍દ્ર મોદીએ ગાંધીનગરને આપેલી સૌથી મોટી ગિફટ છે. આ ગાર્ડનમાં ક્‍યાંય ગંદકી નથી અને તે સૌથી સારો મેન્‍ટેઇન થાય છે. કેટલાક ઓફિસરો મોર્નિંગ અને ઇવનિગ વોક માટે પુનિત વન ઉપરાંત નવસર્જીત સરીતા ઉદ્યાન અને ઇન્‍દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પણ જઇ રહ્યાં છે.

પરેશભાઇ ફીર એકબાર હેરાફેરી ફિલ્‍મ શરૂ કરો

જાણીતા ચરિત્ર્ય કલાકાર અને અમદાવાદ પૂર્વના સંસદસભ્‍ય પરેશ રાવલ સાચું બોલ્‍યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ભાજપનું સંગઠન નબળું પડ્‍યુંછે તેથી વડાપ્રધાનને વારંવાર ગુજરાત આવવું પડે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં યોજાયેલા એક મિલનમાં પરેશ રાવલે બળાપો કાઢ્‍યો હતો. તેમણે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો કે આપણે માંયકાંગલાં છીએ. આપણા અસ્‍તિત્‍વ સામે ખતરો છે. આપણે તો મોદીને કહેવું જોઇએ કે સાહેબ, તમે દેશ સાચવો, ગુજરાતની ચિંતા ન કરો, એ અમે સંભાળી લઇશું. પરેશ રાવલના શબ્‍દોમાં મોદી ભક્‍તિ છે પરંતુ તેઓ સાચું બોલી ગયા છે. તેમણે એવો ગર્ભિત ઇશારો પણ કર્યો હતો કે આપણે હિન્‍દુઓ એક થતા નથી. પરેશ રાવલના આવા શબ્‍દો સાંભળીને ગુજરાત ભાજપના નેતાઓ સમસમી ગયા છે. પલટવારમાં આ નેતાઓ સોશ્‍યલ મિડીયામાં કહી રહ્યાં છે કે અમદાવાદમાં આયાતી પરેશ રાવલને તેમના મતદારોની સેવા કરવાનો ક્‍યારેય સમય મળતો નથી. તેઓ ફોન પણ ઉપાડતા નથી. તેમની ઓફિસમાંથી ગયેલા ભલામણ પત્રો બેકાર જાય છે. ખાનપુરમાં કાર્યાલય શરૂ કર્યા પછી તેઓ આવ્‍યા નથી. મતદારોને સાચવશો તો તમને મત મળશે, અન્‍યથા ભાજપમાં બહું કલાકારો ચૂંટણી લડ્‍યા છે અને મતદારોથી મ્‍હોં ફેરવી લેતાં હાર્યાના દાખલા છે.

કોંગ્રેસમાં સિનિયર વર્સિસ જૂનિયર વચ્‍ચે ફાઇટ

રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં કોંગ્રેસે જુગાર ખેલ્‍યો છે. કોંગ્રેસની સીધી સ્‍પર્ધા ભાજપ સાથે નથી પરંતુ પાર્ટીમાં સિનિયર વર્સિસ જૂનિયરની લડાઇ છે. કોંગ્રેસના પ્રેસિડેન્‍ટ રાહુલ ગાંધીએ એક સમયે કહ્યું હતું કે રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં તમને યુવાન મુખ્‍યમંત્રી મળશે પરંતુ તેમણે રાજસ્‍થાનમાં ૪૧ વર્ષના યુવા નેતા સચિન પાયલોટની સાથે ૬૭ વર્ષના સિનિયર નેતા અશોક ગેહલોતને મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્‍થાનમાં કોંગ્રેસના બન્ને નેતાઓ ચીફ મિનિસ્‍ટરના મજબૂત દાવેદારો છે ત્‍યારે રાજસ્‍થાનમાં મતદારો અને કાર્યકરોમાં દ્વિધા ઉભી થઇ છે. એવી જ રીતે રાહુલે મધ્‍યપ્રદેશ માટે પહેલાં કહ્યું હતું કે અમારા ૪૭ વર્ષના યુવા નેતા જયોતિરાદિત્‍ય સિંધિયા ચીફ મિનિસ્‍ટરના કેન્‍ડિડેટ રહેશે પરંતુ અત્‍યારે મધ્‍યપ્રદેશમાં સિંધિયાના નામે વોટમાગવામાં આવતા નથી. મધ્‍યપ્રદેશમાં ૭૧ વર્ષના કમલનાથ પણ ચીફ મિનિસ્‍ટરના કેન્‍ડિડેટ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સંભવ છે કે ચૂંટણી જીતવાની આ એક સ્‍ટેટેજી પણ હોઇ શકે છે. ખુદ કમલનાથે કહ્યું છે કે કોંગ્રેસ જરૂર પડશે તો જ તેના ચીફ મિનિસ્‍ટરના કેન્‍ડિડેટ જાહેર કરશે.

ગુજરાત પોલીસમાં ૧૮૦૦૦ નવી ભરતી કરવી પડે

ક્રાઇમ અને પોલીસનો નાતો મહત્‍વનો છે. ગુજરાતમાં ક્રાઇમ રેટ વધવાનું મુખ્‍ય કારણ પોલીસ સ્‍ટાફની ઘટ છે. પોલીસમાં જે ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે તેનું બાળમરણ થઇ જવાનું મુખ્‍ય કારણ પોલીસ સ્‍ટાફની અછત છે. ગુજરાતના પોલીસ મહેકમને અપડેટ કરવામાં પણ ૧૦ વર્ષનો સમય વિતી ગયો છે. જૂના મહેકમની ખોટ પણ હજી પુરી કરી શકાઇ નથી. ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલની સ્‍થિતિએ મહિલા સહિત કુલ ૪૦૦ થી વધુ પોલીસ ઇન્‍સપેક્‍ટરની ઘટ છે. રાજયના પોલીસ મહેકમમાં કુલ ૧૧ કેટેગરીમાં ૧૮૦૦૦ જેટલા મોટા સ્‍ટાફની અછત છે.સરકાર દર વર્ષે પોલીસમાં જે સ્‍ટાફની ભરતી કરે છે તે માત્ર નિવૃત્તિથી ખાલી પડેલી જગ્‍યાઓ છે. મહેકમ અનુસારનો સ્‍ટાફ તો ભરવામાં આવતો નથી. હાલની સ્‍થિતિએ ગુજરાત પોલીસમાં કુલ ૮૦૦૦૦ જેટલી પોલીસની જગ્‍યાઓ ભરવામાં આવેલી છે જયારે મહેકમ પ્રમાણે એક લાખથી વધુ પોલીસ સ્‍ટાફ ગુજરાતમાં હોવો જોઇએ.

રાજયમાં અશ્વ પાળવાનો શોખ ઓછો થયો નથી

ગુજરાતમાં રેસકોર્સની પ્રવૃત્તિઓ ઓછી થઇ છે પરંતુ અશ્વ પાળવાનો શોખ હજી ઓછો થયો નથી. એક સમય હતો જયારે ગુજરાતમાં અશ્વ ની સંખ્‍યાબે લાખને પાર હતી ત્‍યારે જોગીદાસ ખુમાણ, માલવપતિ મુંજ, જય સોમનાથ, શેઠ ભામાશા, સદેવંત સાવળિંગા, જેસલ તોરલ જેવી ઐતિહાસિક ગુજરાતી ફિલ્‍મો ઘૂમ મચાવતી હતી. આજે અશ્વની સંખ્‍યા ઓછી થઇ છે, પરંતુ પાલકોની ખુમારી એવી ને એવી જ છે. ઘોડાની સંખ્‍યા મોટાભાગેગામડાઓમાં જોવા મળે છે. વર્ષમાં ક્‍યારેક અશ્વ સ્‍પર્ધાનું આયોજન થાય છે ત્‍યારે ઘોડાના શોખિન લોકો જાહેરમાં આવે છે. સરકારી આંકડા પ્રમાણેગુજરાતમાં ઘોડાની સંખ્‍યા ૧૯૦૦૦ જેટલી છે. ધોડાના સૌથી વધુ શોખિન લોકો કચ્‍છમાં છે. કચ્‍છમાં મૂલ્‍યવાન ૨૨૦૦ જેટલા અશ્વ પાળેલા છે. રાજયમાં૧૮૦૦ અશ્વ સુરેન્‍દ્રનગરમાં, ૧૬૦૦ ભાવનગરમાં, ૧૩૦૦ રાજકોટમાં અને ૧૩૦૦ અમરેલીમાં છે. એકલા અમદાવાદ જિલ્લામાં ઘોડાની સંખ્‍યા ૧૩૦૦ જેટલીથાય છે. મહત્‍વની બાબત એ છે કે રાજયના તમામ જિલ્લામાં અશ્વની હાજરી નેંધાયેલી છે.

ગુજરાતના બાળકોમાં ગંભીર રોગ વધતા જાય છે

ગુજરાતમાં ફરી એકવાર સ્‍કૂલ આરોગ્‍ય તપાસણી ઝૂંબેશ શરૂ થઇ રહી છે ત્‍યારે બહાર આવેલી હકીકત પ્રમાણે બાળકોમાં ગંભીર પ્રકારના રોગ જોવા મળ્‍યા છે. ગંભીર એટલે એવા રોગ છે કે જેની સમયસર સારવાર ન થાય તો સમય જતાં ઘાતક નિવડે છે. છેલ્લા બે વર્ષના આંકડા ચોંકાવનારા છે અને આ ગંભીર રોગના બાળદર્દીઓમાં વધારો થયો છે. ૨૦૧૬ના આરોગ્‍ય તપાસણી ઝૂંબેશમાં બાળકોને હ્રદયરોગ હોવાના ૬૨૭૫ કેસ, કિડની રોગના ૧૫૫૮ કેસ અને કેન્‍સરના ૧૦૫૨ કેસ સહિત કુલ ૮,૮૮૫ કેસો નોંધાયા હતા. આ કેસોની સંખ્‍યા ૨૦૧૭ના વર્ષમાં વધી છે. ૨૦૧૭ની સ્‍કૂલ આરોગ્‍ય તપાસણી ઝૂંબેશમાં હ્રદયરોગના ૮૧૭૭ કેસ, કિડની રોગના ૨૩૫૫ કેસ અને કેન્‍સરના ૧૦૧૪ કેસ સહિત કુલ ૧૧,૫૪૬ કેસો નોંધાયા હતા. એટલે કે સ્‍કૂલે જતા બાળકોમાં આ ત્રણ પ્રકારના ગંભીર રોગના દર્દીઓની સંખ્‍યા બે વર્ષમાં ૨૦,૪૩૧ થઇ છે. આ બાળ દર્દીઓને સરકારનો આરોગ્‍ય વિભાગ વિનામૂલ્‍યે સારવાર આપી રહ્યો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:42 am IST)