Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં ગાંધી વંદના : મેઘાણી ગીતો ગુંજશે

રાજકોટ તા. ૨૬ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે મેઘાણી-ગીતો ગુંજશે. ૨ ઓકટોબર ૨૦૧૮ ને મંગળવારે — સવારે ૯.૩૦ વાગે — રાણપુર સ્થિત કાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે 'ગાંધી વંદના'– 'ખમા ખમા લખવાર'સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી મહાત્મા ગાંધીના જીવન-મૂલ્યો-વિચારોથી તથા આપણા સ્વાતંત્ર-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ આહૂતિ અને બલિદાનથી પરિચિત-પ્રેરિત થાય તેમ જ દેશભકિતની ભાવના જાગૃત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્ર્મ સવારે ૯.૩૦ કલાકે યોજાશે.

રાણપુર ખાતે યોજાઈ રહેલા 'ગાંધી વંદના'નાં આ કાર્યક્રમનું સવિશેષ મહત્વ છે. ૧૯૩૭માં ગાંધીજીના જન્મદિને ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય 'ખમા ખમા લખવાર'માં ત્રણ પંકિતના દુહા રચ્યાં હતાં. 'સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ, આતમ-ભાનની અરસી ધરી એની સનમુખ; મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો !' એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. 'સૌરાષ્ટ્ર' પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો. રાણપુર સુધરાઈએ ગાંધીજીને 'માનપત્ર'અર્પણ કરેલું. ગાંધીજીએ કહ્યું હતું : ' દુનિયા સામે ઊભા રહીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે તે જ કરવું. મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું, તેમાંની આ મહત્વની છે ...' ઝવેરચંદ મેઘાણીને આ ગુરુમંત્ર આજીવન યાદ રહ્યો. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય 'છેલ્લો કટોરો' પણ રાણપુરમાં રચ્યું અને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરુદ પામ્યા. ગાંધીજી અને ખાદી એકબીજાનાં પૂરક હતાં. દેશની આઝાદી માટેની લડતોનાં સ્વાતંત્ર્ય-સેનાનીઓનો પોષાક ખાદીનો જ રહેતો. ઝવેરચંદ મેઘાણી પણ ખાદીનાં વસ્ત્રો પહેરતા.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો રજૂ કરશે. સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,  છેલ્લો કટોરો ઝેરનો, સો સો રે સલામું, ઝંડા અજર અમર રે'જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ આ પ્રસંગે રજૂ થશે.

મહાત્મા ગાંધીની વિશાળ કદની તસ્વીરને શ્રધ્ધાસુમન અર્પણ થશે. મુનિશ્રી સંતબાલજીનાં ૨૫ વર્ષ સુધી નિકટના સાથી તથા સહકારી પ્રવૃત્ત્િ।ઓ, ગ્રામ-સંગઠન, ખેડૂત-મંડળ અને અન્ય સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ સાથે સંકળાયેલા સ્વ. ફલજીભાઈ ડાભી (ગામ જવારજ, તાલુકો  ને પણ એમની ૪૪મી પુણ્યતિથિએ ભાવાંજંલિ અર્પણ થશે.  પિનાકી મેઘાણી આલેખિત રસપ્રદ અને માહિતીસભર ગાંધી-મેઘાણી ચિત્ર પ્રદર્શનનું ખાસ આયોજન કરાયું છે. તે સમયનાં 'સૌરાષ્ટ્ર'-'ફૂલછાબ' પ્રેસ અને હાલની એ.ડી. શેઠ હોસ્પીટલ ખાતે પણ મહાત્મા ગાંધી, 'સૌરાષ્ટ્રના સિંહ' અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને પુષ્પાંજલિ અર્પણ થશે.  

કાર્યક્ર્મને માણવા સહુ ભાવિકોને જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), ગોવિંદસંગ ડી. ડાભી (મો. ૯૮૨૫૪૧૧૫૬૯)નો સંપર્ક કરી શકાશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્રમને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ ૧૫૦મી ગાંધી-જયંતીએ યુવા પેઢીને ખાદીનાં વસ્ત્રો પરિધાન કરવા તથા ખાદીની ખરીદી માટે અપીલ કરી છે. સંસ્થા દ્વારા આ દિવસે ઊની ખાદીની ખરીદી પર ૧૦% વધારાનું વિશેષ વળતર આપવામાં આવશે.  

છેલ્લા ૮ વર્ષથી ૩૦ જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિને 'સ્વરાંજલિ' - 'મૌનાંજલિ ' કાર્યક્ર્મ 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે' પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન થાય છે જે ખાસ ઉલ્લેખનીય છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(4:38 pm IST)