Gujarati News

Gujarati News

News of Thursday, 14th September 2017

રાજકોટમાં મંગળવારે ઝવેરચંદ મેઘાણીનાં ગીતો ગુંજશે : રઢિયાળી રાત-સ્વરાંજલી કાર્યક્રમ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. 'ધૂળધોયા'નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંઘાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાના સંગ્રહ 'રઢિયાળી રાત'માં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'નો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. 'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે.' તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં 'સ્વરાંજલિ'કાર્યક્રમ 'રઢિયાળી રાત'નું ભવ્ય આયોજન એમની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ (હેમુ ગઢવી નાટ્ય ગૃહ, ટાગોર રોડ) ખાતે ૧૯ સપ્ટેમ્બર ને મંગળવારે – બપોરે ૩ કલાકે થયું છે. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને મૂળ સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી - રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી ૧૨૧મી મેઘાણી-જયંતી વર્ષ નિમિત્ત્।ે અહિ યોજાઈ રહેલાં આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્ત્વ છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થશે. લોકલાગણીને માન આપીને કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા જેવાં લોકપ્રિય મેઘાણી-ગીતો પણ ખાસ રજૂ થશે.

આ કાર્યક્રમમાં પધારવા રસિકજનોને જાહેર નિમંત્રણ છે. પ્રવેશ વિના મૂલ્યે અને 'વહેલા તે પહેલા'ને ધોરણે. નિમંત્રણ-કાર્ડ કે રજીસ્ટ્રેશન જરૂરી નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બહેનો ઉપસ્થિત રહે તેવી પણ અપીલ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦ ૨૧૨૭૯), નીલેશ પંડ્યા (૯૪૨૬૪ ૮૧૩૮૭), મુનાફભાઈ નાગાણી (૯૫૮૬૯ ૭૨૯૯૯), રાજેશ ભાતેલીયા (૯૪૨૭૨ ૨૦૧૭૨)નો સંપર્ક કરી શકાશે.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ કાર્યક્રમને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ ઉપર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani થશે.

આ કાર્યક્રમ માટે રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌત (આઈપીએસ) અને રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. છેલ્લા આઠ વર્ષથી, સમગ્ર ગુજરાત તેમજ ગુજરાતની બહાર, 'રઢિયાળી રાત'કાર્યક્રમોનું આયોજન પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થાય છે. સામાજિક અને આર્થિક રીતે વંચિત સમાજનાં બાળકો માટે વિશેષ આયોજન થાય છે. આ વર્ષે પણ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળો ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (મેટ્રીક),  ભાવનગર તથા જૂનાગઢ (કોલેજ-શિક્ષણ), ધંધુકા (અદાલતમાં સ્વરચિત ગીત 'છેલ્લી પ્રાર્થના'ગાયું ત્યારે મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ) , બગસરા (વડવાઓનું વતન) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર-અડાલજ, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, લિંબડી, રાપર-કચ્છ ખાતે 'રઢિયાળી રાત'પર આધારિત વિશેષ કાર્યક્રમો યોજાશે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(11:31 am IST)