Gujarati News

Gujarati News

News of Friday, 25th August 2017

સોમવારે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિઃ રાજકોટ - ચોટીલામાં લોકડાયરો

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઇ સરવૈયા, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડયાની રમઝટઃ નવી પેઢી આપણા સાહિત્ય - સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત - પ્રેરિત થાય તે માટે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ શહેર પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેરક આયોજન

 

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ છે ત્યારે આ નિમિત્ત્।ે પોલીસ વિભાગ દ્વારા 'જન્મભૂમિ' ચોટીલા તથા 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ ખાતે 'સ્વરાંજલિ' અર્પણ થશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય' તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે.'મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)'નું ભવ્ય આયોજન જન્મજયંતીની પૂર્વ-સંધ્યા — ૨૭ ઓગસ્ટ ને રવિવાર – રાત્રે ૮.૩૦ કલાકે — રાજકોટ (પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ – સાધુ વાસવાણી રોડ કોર્નર) ખાતે તેમજ જન્મજયંતી – ૨૮ ઓગસ્ટ ને સોમવાર – રાત્રે ૯.૦૦ કલાકે — ચોટીલા (જૂના માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે નં ૮) ખાતે કરાયું છે. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ શહેર પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે.        ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.બન્ને કાર્યક્ર્મોમાં પધારવા રસિકજનોને જાહેર નિમંત્રણ છે. પ્રવેશ વિના મૂલ્યે અને 'વહેલા તે પહેલા'ને ધોરણે. નિમંત્રણ-કાર્ડ કે રજીસ્ટ્રેશન જરૂરી નથી. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), નીલેશ પંડ્યા (૯૪૨૬૪૮૧૩૮૭), મુનાફભાઈ નાગાણી (૯૫૮૬૯૭૨૯૯૯), રાજેશ ભાતેલીયા (૯૪૨૭૨૨૦૧૭૨), કિરીટસિંહ રહેવર 'મામા'(૯૯૭૮૧૭૦૯૩૪)નો સંપર્ક કરી શકાશે.    વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ બન્ને કાર્યક્રમોને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ ઉપર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani થશે. રાજકોટનાં કાર્યક્ર્મ માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત (આઈપીએસ), રાજકોટ શહેર પોલીસ તથા ચોટીલાનાં કાર્યક્ર્મ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.  

ચોટીલા સાથે સંભારણાં

પોતાને 'પહાડનું બાળક'તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે : 'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.' દશા શ્રીમાળી જૈન વણિક એવા મેઘાણી-પરિવારના વડવાઓનું મૂળ વતન અમરેલી જિલ્લામાં સાતલ્લી નદીને કાંઠે વસેલું ભાયાણીનું બગસરા.ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ભારતના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં 'સ્વર્ણિમ ગુજરાત'ની ઊજવણી દરમિયાન ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પિનાકી મેઘાણી દ્વારા અહિ, સ્વખર્ચે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું રસપ્રદ સચિત્ર પ્રદર્શન કાયમી રીતે મૂકાયું છે. જન્મસ્થળની પાસે આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ૨૦૧૫માં ગુજરાત સરકારના ઐતિહાસિક નિર્ણય અંતર્ગત 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન' તરીકે નામકરણ થયું છે. 

રાજકોટ સાથે સંસ્મરણો

ફોજદાર પિતા કાળીદાસ મેઘાણીની રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેઘાણી ૨દ્મક ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રઘુમ્નનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા. દશ માણસનું કુટુંબ પિતાના પંદર રૂપિયાના પગાર પર તે વખતે નભતું. સદરમાં આવેલ અને અત્યારે 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા' તરીકે ઓળખાતી ત્યારની તાલુકા શાળામાંથી ૧૯૦૧માં શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. તે વખતનું નોંધણી-પત્રક આજે પણ આ ઐતિહાસિક શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે.રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે  યુરોપિયન જીમખાનાના મેદાન પર યુવરાજ લાખાજીરાજની ક્રિકેટ-રમત, શહેનશાહ એડવર્ડ સાતમાની તખ્તનશીની વખતે જયુબિલી બાગમાં પ્રગટેલી ભવ્ય દીપમાળા, મુંબઈથી આવેલા ગર્વનરની ઘોડાવાળી બગીની સવારી, કોનોટ હોલમાં ભરાતો ગર્વનરનો દબદબાભર્યો રાજદરબાર. ઝવેરચંદ મેઘાણીનો નાનો ભાઈ પોલીસ-લાઈનમાં કોઈ સિપાઈને ઘેર સત્યનારાયણની કથામાં શંખ ફૂંકાતાં ચમકીને મૃત્યુ પામેલો. તેના પાટલે પડેલા મૃત-દેહ અને પાસે બળતા ઘીના દીવાનું દ્રશ્ય જીવનભર એમને તાદેશ રહેલું.ઝવેરચંદ મેઘાણીની ચાર વર્ષની બાલ્યાવસ્થાનું એક પ્રિય સ્મરણ ૅં તે વખતના નીડર, ન્યાયપ્રિય, નેકદિલ, ખુમારીવાળા અને શિસ્તના આગ્રહી એવા રાજકોટના ઉચ્ચ પોલીસ-અધિકારી શૂટર સાહેબ. ઘરની દિવાલ પર વરસો સુધી માતા ધોળીમાએ શૂટર સાહેબની તસ્વીર ટાંગી રાખી હતી. ઝવેરચંદ મેઘાણીએ પોતાની ખૂબ જાણીતી થયેલી નવલકથા 'સોરઠ, તારાં વહેતાં પાણી'માં દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખ્યું હતું તે આ શૂટર સાહેબ પરથી.૨૧-૨૨-૨૩ મે ૧૯૩૮ના રોજ રાજકોટના રજપૂતપરા વિસ્તારમાં આવેલા લોહાણા બોર્ડિંગ હાઉસ ખાતે યોજાયેલ પાંચમા અખિલ હિંદ ચારણ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણીએ દેશભરમાંથી એકત્રિત થયેલા વિદ્વાન ચારણો સમક્ષ ખડા થઈને તેમને મંત્રમુગ્ધ કરતું સુંદર વકતવ્ય આપ્યું હતું. એ પૂરું થતાં જ લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા મેઘાણીને પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યાઃ 'કળજગ નક્કી આવી પૂગ્યો છે, ભાઈઓ ! નહિતર, એક વાણિયો બોલે અને આપણે હજાર ચારણ મૂંગા મૂંગા એને સાંભળતા દોઢ-દોઢ કલાક લગી બેસી રહીએ — એવું બને ખરું ?' ત્યારે ઝવેરચંદ મેઘાણીએ વિનમ્ર ભાવે જવાબ વાળ્યો ૅં 'હું તો ટપાલી માત્ર છું.'ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૬મું અધિવેશન ૧૮-૧૯-૨૦ ઓકટોબર ૧૯૪૬ના રોજ રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે યોજાયું હતું. અધિવેશનના કર્ણધાર તરીકે કનૈયાલાલ મુનશી અને પ્રમુખ તરીકે રામનારાયણ પાઠક હતા. ચારણ ભકતકવિ દુલા ભાયા કાગ પણ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન તરીકે કોલેજના પ્રાચાર્ય ડો. રમણલાલ યાજ્ઞિક હતા. અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ઝવેરચંદ મેઘાણી વરાયા. એ સ્થાનથી આપેલા મનનીય પ્રવચનના સમાપનમાં સહુ સાહિત્યકારોને એમ કહી પ્રોત્સાહિત કર્યા કે : ÒWe are the music-makers : સમન્વય સાધનારા, સંવાદિત્વ નિપજાવનારા, માધુર્યના સર્જકો.'

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

 

(11:25 am IST)