Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી - બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 'મેઘાણી-તકતી'ની સ્થાપના

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર સ્થિત પોલીસ સ્ટેશન ખાતેસુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 'મેઘાણી-તકતી'ની સ્થાપના થઈ. ચોટીલાની પોલીસ-લાઈનમાં પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમના રેખા-ચિત્ર, હસ્તાક્ષર તથા સંસ્મરણોને આલેખતી ૩*૩ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક અને મનોરમ્ય 'મેઘાણી-તકતી'ની સ્થાપના પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે થઈ છે. બોટાદ-રાણપુર સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે. રાણપુર-સ્થિત સાપ્તાહિક અખબાર 'ફૂલછાબ'ના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા આવ-જા કરતા. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં. એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે સહુપ્રથમ મુલાકાત રાણપુરમાં થઈ હતી. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય 'છેલ્લો કટોરો' રચ્યું અને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરુદ પામ્યા. ઝવેરચંદ મેઘાણીનું નિધન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસ્થાને થયેલું. ૧૯૩૩માં તેમણે બંધાવેલું આ ઐતિહાસિક નિવાસસ્થાન જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.

બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી અને સંનિષ્ઠ પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, બોટાદ પાસે આવેલ સરવા ગામનાં મૂળ વતની એવા મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, બોટાદ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા અને ઉપપ્રમુખ હકાભાઈ ખાંભલીયા, નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જી.પી. ચૌહાણ, પી.આઈ. જે.એમ. સોલંકી (બોટાદ) અને એમ.એલ. ઝાલા (પાળીયાદ), પી.એસ.આઈ. એસ.એન. રામાણી (રાણપુર), વી.ડી. ધોરડા (ગઢડા), જે.આર. રાણા (ટ્રાફિક), બી.એફ. દેસાઈ (ટ્રાફિક), વી.એમ. કામળિયા (બોટાદ), એમ.જે. સાગઠીયા (બોટાદ), એમ.એમ. ઝાંબુકીયા (કયુ.આર.ટી.), એ. જી. જાડેજા (બી.ડી.ડી.એસ.), કચેરી અધિક્ષક ઝેડ.કે. વાઘેલા અને પોલીસ-પરિવાર, અગ્રણીઓ વિનુભાઈ સોની, ભીખુભા વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, અશોકભાઈ લકુમ, હરેશભાઈ ધાધલ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, ગગુભાઈ ગોહિલ અને મનુભાઈ ચાવડા, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા અને પ્રકાશભાઈ સોની, છત્રજીતભાઈ ધાધલ, પંકજભાઈ ધાધલ, ભૂપતભાઈ ધાધલ, શિક્ષણવિદ એચ.કે. દવે (સુરેન્દ્રનગર), નવલસિંહ ઝાલા (અડવાળ), બાબભાઈ ખાચર (સાળંગપુર), યુવા લોકગાયક ઋષભ આહિર (અમદાવાદ), પ્રફુલભાઈ વઢવાણા અને વિજયભાઈ પરીખ (રાણપુર), લલિતભાઈ વ્યાસ (ધંધુકા), આદિત્યસિંહ રાઠોડ અને વિનોદભાઈ મિ સ્ત્રી (ભરૂચ), વાલજીભાઈ મિ સ્ત્રી (રાજકોટ), જયેશભાઈ ખંધાર (મુંબઈ) સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.         

ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૈયે જીવંત છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી એમના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે તેવી ભાવાંજલિ પોલીસ અધિક્ષક સજનસિંહ પરમારએ અર્પી હતી. ઝવેરચંદ મેઘાણીનાં પોલીસ વિભાગ સાથેનાં સંભારણાંને વાગોળતા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમારએ આશા વ્યકત કરી હતી કે પોલીસ-પરિવારની નવી પેઢીમાંથી પણ ઝવેરચંદ મેઘાણી જેવું વિરલ વ્યકિતત્વ બહાર આવશે. પોલીસ અધિક્ષક સજનસિંહ પરમારે શાળા-જીવન દરમિયાન જ સમગ્ર મેઘાણી-સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. શૌર્ય, શીલ અને સ્વાર્પણની ગૌરવગાથાઓને આલેખતું 'સૌરાષ્ટ્રની રસધાર'એમનું પ્રિય પુસ્તક છે. ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ કાર્યક્ર્મો માટેનાં લાગણીભર્યા સહયોગ બદલ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર (આઈપીએસ) તથા સમસ્ત બોટાદ જિલ્લા પોલીસનો પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો હતો અને બોટાદ-રાણપુરની લાગણી નિહાળીને ભાવુક થઈ ગયા હતા. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે સુરક્ષા સેતુ સોસાયટી – ગુજરાત પોલીસનું પ્રેરણાદાયી અને સવિશેષ યોગદાન રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું. લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પણ કરી હતી. 'મેઘાણી-તકતી'નું નિર્માણ ધર્મેન્દ્રભાઈ શર્મા - ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) તથા ફ્રેમિંગ-ફિટીંગ વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફનીર્ચર (રાજકોટ) દ્વારા થયું હતું. 

ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં ગુજરાત પોલીસ દ્વારા જન્મભૂમિ ચોટીલા (જન્મસ્થળની બાજુમાં આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન) તથા બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ (૧૨૦ વર્ષ પૂર્વે જે પોલીસ-લાઈનમાં ઝવેરચંદ મેઘાણી રહેતા તેની જગ્યાએ નવનિર્મિત પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન) ખાતે પણ 'મેઘાણી-તકતી'ની સ્થાપના થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:06 am IST)