Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સરકારી મહેમાન

શો મસ્ટ ગો ઓન: મોદી અને રાહુલની કસોટીના એરણ પર હવે દેશના 12 રાજ્યો અને લોકસભા

કર્ણાટક જવા દો, ગુજરાતના 1995 અને 1996ના વર્ષોને પણ યાદ કરવા જેવા છે : લોકસભાની ચૂંટણીનો ભાર એકલા વિજય રૂપાણીના માથે હોય તેમ લાગી રહ્યું છે : એક અધિકારી વિભાગની કાયાપલટ કરે છે, બીજા ઓફિસરો પ્રેક્ટિકલ થતાં નથી

ભાજપને કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પછી ભાજપે બોધપાઠ લીધો નથી તેથી કર્ણાટકમાં આવેલું ગુમાવવાનો વારો આવ્યો છે. કર્ણાટકમાં ભાજપની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. એનડીએ અને ભાજપના હાથમાં 20 રાજ્યોમાં સત્તા છે પરંતુ હવે જ્યાં ચૂંટણી આવે છે તે રાજ્યો ભાજપના કબજામાં છે અને તેનું શાસન નબળું પડતું ગયેલું છે. રાજસ્થાનમાં તો દર પાંચ વર્ષે જનતા પાર્ટી જ બદલી નાંખે છે. મધ્યપ્રદેશમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપની શિવરાજસિંહની સરકાર છે પણ પેટાચૂંટણીના પરિણામોથી તેની મુશ્કેલી વધી છે. હવે મિઝોરમની 40 બેઠકો માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી આવી રહી છે, ત્યારપછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં રાજસ્થાનની 200, છત્તીસગઢની 90 અને મધ્યપ્રદેશની 230 બેઠકો માટેની ચૂંટણી થવાની છે. 2018માં આ ચાર રાજ્યોની ચૂંટણી છે જ્યારે 2019માં લોકસભાની સાથે સિક્કીમ, અરૂણાચલપ્રદેશ, તેલંગાણા, ઓડિસ્સા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડની એમ આઠ રાજ્યોની ચૂંટણી છે. ભાજપ માટે હવે પછીના દિવસો ભારેખમ છે ત્યારે વધુ પડતા આત્મવિશ્વાસ અને અભિમાન છોડીને પાર્ટીના નેતાઓએ ચૂંટણીના કામે લાગવું પડશે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને મહાગઠબંધનનો પણ સામનો કરવાનો રહે છે. PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી માટે 12 રાજ્યો અને લોકસભાની ચૂંટણી રાહ જોઇ રહી છે...

રાજનીતિ કા કાનૂન- જૈસી કરની વૈસી ભરની...

કોંગ્રેસને હાથના કર્યા હૈયા વાગી રહ્યાં છે. ભૂતકાળમાં અન્ય પાર્ટીઓની બહુમત સરકારો તોડવાનું કામ કોંગ્રેસના શાસકોએ કર્યું હતું હવે તેનો બદલો ભાજપના નેતાઓ લઇ રહ્યાં છે. 1995 અને 1996માં કોંગ્રેસે ગુજરાતમાં કેશુભાઇ પટેલ અને સુરેશ મહેતાની બહુમત સરકારોને તોડી હતી. એ સમયે પણ ગવર્નર કૃષ્ણપાલસિંહ અને વિધાનસભાના સ્પીકર ચંદુભાઇ ડાભી બદનામીનો ભોગ બન્યા હતા. કર્ણાટકમાં જે ખેલ થઇ રહ્યો છે તે કોંગ્રેસની નીતિ-રીતિનું જ પરિણામ છે. જનતાએ જ્યારે અધુરો મેન્ડેટ આપ્યો હોય ત્યારે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય તે સ્વાભાવિક છે. ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે. ખજૂરાહો કાંડ ગુજરાતની જનતા અને ભાજપના પ્રદેશ નેતાઓ ભૂલ્યાં નથી. આ સમયે સૌથી વધુ સહન કરવાનું નરેન્દ્ર મોદીને આવ્યું હતું. કાયદા અને બંધારણની બાબતો ચોપડીના પાને સારી લાગે છે. પાર્ટીઓ માટે તે બંધનકર્તા નથી. ભારતના રાજકારણનો વર્ષો જૂનો ઇતિહાસ છે. કાયદાની છટકબારીનો લાભ પ્રત્યેક રાજનેતા લઇ રહ્યો છે. તટસ્થ મૂલ્યાંકન કરવું હોય તો એક શબ્દમાં એટલું જ કહી શકાય કે—જૈસી કરની, વૈસી ભરની...કર્ણાટકમાં તો 54 કલાક પછી યેદિયુરપ્પાને રાજીનામું આપી દેવું પડ્યું છે પરંતુ પ્રોબ્લેમ હવે શરૂ થવાના છે. કોંગ્રેસ અને જેડીએસ પાંચ વર્ષ પૂરાં કરે તો દેશમાં ઇતિહાસ બની જશે...

સરકારના સારા કામમાં સો વિધ્ન આવે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખ્વાબ છે કે ગુજરાતની જનતા બુલેટટ્રેનમાં બે કલાકમાં મુંબઇની સફર કરી શકે પરંતુ આ ખ્વાબમાં અનેક અવરોધો આવી રહ્યાં છે. બુલેટ ટ્રેન માટે જોઇતી જમીન આપવાનો ખેડૂતો ઇન્કાર કરી રહ્યાં છે. આ ખેડૂતો ગુજરાતના છે અને મહારાષ્ટ્રના પણ છે. જમીન અધિગ્રહણ પેટે ખેડૂતોને મળતા વળતરથી તેઓ ખુશ નથી. આ ડ્રીમ પ્રોજેક્ટ પાછળ 1,08,000 કરોડનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટમાં જાપાન સરકારની 81 ટકા લોન છે. કહેવાય છે કે જમીન અધિગ્રહણના મામલે જાપાનના અધિકારીઓ પણ ખુશ નથી. જાપાનાના કોન્સુલ જનરલે મુંબઇ થી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન યોજના અંગે ચિંતા વ્યકત કરી છે. તેમનુ કહેવુ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવાનો છે ત્યારે હવે અમારી પાસે પાંચ વર્ષ જ છે તેથી જમીન અધિગ્રહણનો વિવાદ ઝડપથી નહીં ઉકેલાય તો પ્રોજેક્ટની ડેડલાઇન ચૂકી જવાશે. કહે છે કે સારા કામ માટે 100 વિધ્ન આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ તેમાં અપવાદ નથી...

સરકારમાં લોકસભાની તૈયારી શરૂ થઇ છે...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ‘આઉટડોર’ મુખ્યમંત્રી હોય તેમ રાજ્યના પ્રવાસે હોય છે. સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વહીવટ સંભાળે છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જિલ્લાના પ્રવાસ કરે છે. કોમનમેનની જેમ રૂપાણી જિલ્લાઓમાં લોકોને મળે છે. કામોની ચર્ચા કરે છે. લોકોની ફરિયાદોનો નિકાલ લાવે છે. ઉનાળામાં જળસંચય યોજનામાં તેઓ લગભગ તમામ જિલ્લાનો પ્રવાસ કરી ચૂક્યાં છે. ભાજપ સરકારની આ યોજનામાં લોકભાગીદારીનો મતલબ એ થયો કે ગુજરાતના સીએમ ખુદ લોકોના દ્વારે જાય છે અને લોકસભાની ચૂંટણી માટે વોટ પાકા કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયનો મોટો આધાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી પ્રેસિડેન્ટ જીતુ વાઘાણી ઉપર અવલંબે છે, કારણ કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં 45 દિવસ ગણીએ તો પણ દેશના 31 રાજ્યો નિભાવવાના હોવાથી મોદી અને અમિત શાહ ગુજરાતમાં વારંવાર આવી શકશે નહીં. આ કામ વિજય રૂપાણી અને જીતુ વાઘાણીએ કરવું પડશે.

નવમી વાયબ્રન્ટ સમિટ હવે 18મી જાન્યુઆરીએ...

ગુજરાતમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનો સમય પહેલીવાર બદલવામાં આવ્યો છે. અત્યાર સુધીના આઠ સમિટમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. એટલે કે 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન વાયબ્રન્ટ સમિટ થઇ છે પરંતુ હવે સરકારે ટાઇમ બદલીને નવમી વાયબ્રન્ટ સમિટ 18 થી 20 જાન્યુઆરી રાખી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પહેલી વાયબ્રન્ટ સમિટ 2003માં કરી હતી જે એક હોલમાં હતી. ત્યારબાદ 2005માં અમદાવાદના સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ સમિટ કરવામાં આવી હતી. દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ જ્યારથી મહાત્મા મંદિર બન્યું છે ત્યારથી ત્યાં કરવામાં આવે છે. રાજ્યની 6 વાયબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી યજમાન હતા પરંતુ તેઓ છેલ્લી બે વાયબ્રન્ટ સમિટમાં મહેમાનના રૂપમાં આવે છે. સાતમી સમિટમાં મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ હતા અને આઠમી સમિટમાં વિજય રૂપાણી હતા. હવે ફરી એકવાર નરેન્દ્ર મોદી વિજય રૂપાણીના ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટના મહેમાન બનીને આવી રહ્યાં છે. મોદી આ સમિટમાં ઉપસ્થિત રહી શકે તે માટે સરકારે વાયબ્રન્ટ સમિટની તારીખ બદલી છે. હવે ઉત્તરાયણ દરમ્યાન આ સમિટ થશે નહીં પરંતુ ઉત્તરાયણ પછી એટલે કે 18મીએ આ સમિટનું મહાત્મા મંદિરમાં જ્યારે ઉદ્દધાટન થશે ત્યારે વર્લ્ડક્લાસ રેલ્વેસ્ટેશન સાથે ફાઇવસ્ટાર હોટલ પણ ખુલ્લી મૂકાઇ હશે જેમાં દેશ-વિદેશના મહાનુભાવોને ઉતારો આપવામાં આવશે.

આદેશ- જૂની ફાઇલોનો તત્કાલ નિકાલ કરો...

સરકારમાં ફાઇલોનો ભરાવો થાય તો કોર્ટ જેવી હાલત સર્જાય છે. સરકારના કેટલાક વિભાગો છે કે જેમાં ફાઇલો મહિનાઓ સુધી પડી રહે છે. રાજ્યના શહેરી વિકાસ, ગૃહ, આરોગ્ય, પંચાયત અને મહેસૂલ વિભાગમાં વર્ષોથી ફાઇલો પેન્ડીંગ રાખવાનો રિવાજ છે પરંતુ મહેસૂલમાં હવે કોઇ ફાઇલ પેન્ડીંગ નહીં રહે, કારણ કે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા કલેક્ટરોને ટ્વિટર હેન્ડલ આપ્યા પછી તેઓ ફાઇલોના નિકાલ માટે આગ્રહી બન્યા છે. સચિવાલયમાં જેને તુમાર નિકાલ ઝૂંબેશ કહે છે તે પેન્ડીંગ ફાઇલ ક્લિયરન્સને પંકજકુમારે એક અભિયાનના સ્વરૂપમાં શરૂ કર્યું છે. તેઓ કહે છે કે વિભાગમાં – ક્લિયર ઓલ—થવું જોઇએ. સ્ટેટલેવલ કમિટીમાં આવેલી રાજ્યભરની તમામ ફાઇલોનો નિકાલ કરવાનું તેમનું અભિયાન સફળ બની રહ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટરોને પણ એવી સૂચના આપી છે કે પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડીંગ રહેલી ફાઇલોનો ઝડપથી નિકાલ કરવો અને તેનો રિપોર્ટ સીધો ગાંધીનગર કરવાનો રહેશે. રાજ્યના અન્ય વિભાગો કે જેઓ ફાઇલ પેન્ડીંગ રાખે છે તેમના માટે આ એક ઉદાહરણિય પ્રયાસ છે.

વડીલોને ઘેરબેઠાં સારવાર, પણ આ છે મુશ્કેલી...

ગાંધીનગરના સિનિયર સિટીઝન માટે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે એક હજાર રૂપિયાનું રજીસ્ટ્રેશન કરાવવાથી તેમને ઘેરબેઠાં તબીબી સુવિધા આપવામાં આવશે. સરકારની આ જાહેરાત કે નિર્ણય આવકાર્ય છે પરંતુ ગાંધીનગર સિવિલમાં એટલા તબીબો નથી કે જેઓ સિનિયર સિટીઝનની સંભાળ રાખી શકે. રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સની અછત વર્તાઇ રહી છે ત્યારે સરકારનો આ નિર્ણય કેટલો સફળ થશે તે સવાલ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હંમેશા વીવીઆઇપીની સારવારમાં ખડેપગે હોય છે. ધારાસભ્ય કે મંત્રીઓની તકેદારી રાખવો આ સ્ટાફ સિનિયર સિટિઝનની શું સેવા કરી શકશે અથવા તો શું સારવાર કરશે તે આશ્ચર્યનો વિષય છે. વડીલોને ઘેરબેઠાં તબીબી સારવાર મળે તે ઉત્તમ છે પરંતુ સરકાર પાસે એટલો એક્સેસ સ્ટાફ નથી કે તે ઘર-ઘર જઇને વડીલોની સારવાર કરી શકે. હાલ તો આ નિર્ણય બઘાંને ગમ્યો છે પરંતુ જ્યારે 1000 રૂપિયા ભર્યા પછી ડોક્ટર કે નર્સ વડીલના આરોગ્યની તપાસ માટે અને નિદાન માટે ઉપલબ્ધ નહીં હોય ત્યારે મુશ્કેલી થવાની છે. સરકારના આદેશનું પાલન સરકારી હોસ્પિટલો કરતી હોતી નથી તેવી સામાન્ય છાપ ઉભી થયેલી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(10:22 am IST)