Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સરકારી મહેમાન

ગુજરાત કોંગ્રેસના 10 નેતા કે જેઓ વફાદાર રહ્યાં પણ હાઇકમાન્ડની નજરમાં વસ્યા નહીં

ભાજપનો એક જ મંત્ર : દેશની બઘી પાર્ટી સાફ કરી બઘાં રાજ્યોમાં કેસરિયો લહેરાવો: પાટીલ “ભાઉ” નો પેજ પ્રમુખનો પ્રયોગ સફળ રહ્યો તો કોંગ્રેસ રાજ્યમાંથી નામશેષ થશે: કોરોનાના 10 મહિના લોકોના ખિસ્સાં ખાલી અને સરકારને 15000 કરોડની કમાણી

ગુજરાત કોંગ્રેસનો એક જમાનો હતો. રાજ્યની સ્થાપના પછી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે કાન્તિલાલ ધીયા, રતુભાઇ અદાણી, જીણાભાઇ દરજી, કુમુદબેન જોષી, માધવસિંહ સોલંકી, હિતેન્દ્ર દેસાઇ, અહમદ પટેલ, પ્રબોધ રાવળ, સીડી પટેલ, અમરસિંહ ચૌધરી, બીકે ગઢવી જેવા ધુરંધર ખેલાડીઓ નિયુક્ત થયેલા છે. આજે પ્રદેશ પ્રમુખના પદની ગરિમા જાળવી શકે તેવો મોટાગજાનો કોઇ નેતા પાર્ટી પાસે નથી. છેલ્લા 30 વર્ષમાં આવેલી ચૂંટણીમાં અનેક પછડાટ પછી પણ કોંગ્રેસને કોઇ તારણહાર મળી શક્યો નથી. અત્યાર સુધીમાં ત્રણ પ્રદેશ પ્રમુખ રાજ્યના મુખ્યમંત્રી બની ચૂકેલા છે પરંતુ આજે જે નેતાઓ ટોચક્રમે છે તેઓ ખુદ ચૂંટણી જીતી શકે તેવી સ્થિતિમાં નથી. નામશેષ થયેલી પાર્ટીમાં એક અંદાજ પ્રમાણે 115 થી વધુ પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદસભ્યો સહિતના ટોચના આગેવાનો ભાજપમાં જતા રહ્યાં હોવા છતાં જેમણે પાર્ટીને વફાદાર રહીને કામ કર્યું છે તેવા 10 એવા ચહેરા છે કે જેમને સંગઠનમાં કોઇ ઉંચો હોદ્દો હાઇકમાન્ડ આપી શક્યું નથી. નેતાઓમાં તુષાર ચૌધરી, હિમાંશુ પટેલ, મનીષ દોશી, નિશિત વ્યાસ, જગદીશ ઠાકોર, પુંજા વંશ, અનિલ જોષીયારા, અશ્વિન કોટવાલ, વિરજી ઠુમર અને શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાં સૌથી મોટી કમજોરી છે કે બહારથી આવેલા નેતાઓને જૂની કોંગ્રેસના નેતાઓએ કદી સ્વિકાર્યા નથી. અછૂત રાખ્યા છે, જેમાં જનતાદળ (ગુજરાત), ભાજપ, રાજપા અને અન્ય દળો છે, જ્યારે ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓને ભાજપે ઉમળકાભેર સ્વિકાર્યા છે અને આજે તેઓ સરકાર અને પાર્ટીમાં ટોચના સ્થાને છે. બન્ને પાર્ટીઓ વચ્ચે આ ડિફરન્સ ગેપ ખૂબ મોટો છે.

વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારોના સંકેત...

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારના વહીવટી તંત્રમાં ફેરબદલના ફરીથી સંકેત પ્રાપ્ત થયાં છે. ઘણાં લાંબા સમય સુધી રાહ જોયા પછી ઉચ્ચ સનદી અધિકારીઓને એવી આશા બંધાઇ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી બદલીની ફાઇલ પર મહોર મારશે. સચિવાલયના વિભાગો ઉપરાંત બોર્ડ-કોર્પોરેશન, જિલ્લાના વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓમાં મોટાપાયે બદલીઓ થવાની છે. ઉપરાંત જેમને વધારાના હવાલા આપવામાંઆવ્યા છે તેની જગ્યાએ કાયમી નિયુક્તિ પણ કરવામાં આવી શકે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે સચિવાલય ઉપરાંત જિલ્લાકક્ષાની મળીને કુલ 80થી વધુ સનદી અને ઉચ્ચ ઓફિસરોની બદલીઓ થવાની છે. આઇએએસ, જીએએસ ઉપરાંત આઇપીએસ કક્ષાએ પણ મોટા બદલાવ આવી રહ્યાં છે. પોલીસ ભવન ઉપરાંત જિલ્લા અને મહાનગરના પોલીસ વડા સહિતના પોલીસ ખાતાના અધિકારીઓની સામૂહિક ટ્રાન્સફરનો એલાર્મ વાગી ચૂક્યો છે. વહીવટી તંત્રમાં ફેરબદલ કરવો હોય તો સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, સીએમઓના કે કૈલાસનાથન અને જીએડીના ચીફ કમલ દાયાની મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે.

ગુજરાતથી શરૂ થઇ પણ ફેલાઇ આખા દેશમાં...

એક સમયે કોંગ્રેસ મુક્ત ગુજરાતનો નારો આપનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં શાસનના સૂત્રો સંભાળ્યા પછી તેમના સાથી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચાણક્ય ચાલથી વિપક્ષને તોડવાનું મહા અભિયાન શરૂ કર્યું છે. ભાજપનો નવો મંત્ર છે કે આખા દેશમાં કેસરિયો લહેરાવો જોઇએ. દિશામાં હવે મમતા બેનરજીનું પશ્ચિમબંગાળ પણ આવી ગયું છે. મમતા બેનરજીના શાસનને આંચકો આપવા માટે ટીએમસીને તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બેનરજીના પાર્ટીના ચૂંટણી જીતી શકે તેવા ધારાસભ્યો તેમજ દીદીના ખાસ અને નજીકના નેતાઓને ભાજપમાં પ્રવેશ આપવાનું શરૂ થઇ ચૂક્યું છે. ટીએમસી તોડવાની ઝૂંબેશ જોતાં એવું લાગી રહ્યું છે કે 2021માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે મમતા બેનરજીના 50 ટકા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાંથી ચૂંટણી લડતા હશે. છેલ્લા 18 વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે તો ગુજરાત કોંગ્રેસને ખાલી કરી નાંખી છે અને હવે કોંગ્રેસના બચેલા ધારાસભ્યો પૈકી 50 ટકા 2022ની ચૂંટણી પહેલાં ભાજપનો કેસરિયો પહેરી ચૂક્યાં હશે. ભાજપની કોંગ્રેસ તોડો રણનીતિ ગુજરાતની જેમ બીજા રાજ્યોમાં પણ મશહૂર બનતી જાય છે.

લોકો ચૂકવતાં રહ્યાં, સરકાર કમાણી કરતી રહી...

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તેમજ નાણામંત્રી નીતિન પટેલ એવો હિસાબ આપે છે કે કોરોના સંક્રમણના સમયમાં પણ ગુજરાતમાં છેલ્લા 10 મહિનામાં પેટ્રોલિયમ પેદાશોમાંથી સરકારને 14510 કરોડ રૂપિયાની આવક થઇ છે. સરકાર આંકડાને જુદી રીતે મૂલવે છે. સરકાર કહે છે કે કોરોના સંક્રમણના વિપરિત સંજોગોમાં પણ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના વપરાશમાં વધારો થયો છે અને તેના પર ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. માર્ચ 2020 થી ડિસેમ્બર 2020ના મહિનાઓમાં સરકારને પેટ્રોલ પેટે 2849 કરોડ રૂપિયા, ડીઝલ પેટે 6650 કરોડ રૂપિયા અને ગેલ પેટે 5011 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો છે. આજે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટરે 80 રૂપિયા થયાં છે ત્યારે તેમાં 50 ટકા સરકારના ટેક્સની આવક છે. એટલે કે સરકારનો ટેક્સ ના હોય તો લોકોને 40 રૂપિયે પેટ્રોલ અને ડીઝલ મળી શકે, પરંતુ સરકારને તિજોરી ભરવાની છે તેથી વિશાળકાય બર્ડન એન્ડ યુઝર્સ પર ગયું છે. સરકારને સ્થિતિની ખબર હશે કે ડીઝલના ભાવ જેટલા વધશે તેનાથી બમણી મોંઘવારી વધશે. સરકાર પેટ્રોલમાં ભલે ઉંચા ટેક્સ વસૂલ કરે પરંતુ ડીઝલને ટેક્સના તીવ્ર ભારણમાંથી રાહત આપવી જોઇએ કે જેથી લોકોનું જીવન ધોરણ સુધરી શકે અને ઘરના બજેટ છિન્ન-ભિન્ન થતાં અટકે.

પેજ પ્રમુખનું શસ્ત્ર ભાજપ માટે મતોનું ઘોડાપૂર...

ગુજરાત ભાજપના છેલ્લા ચાર પ્રદેશ પ્રમુખની સરખામણીએ સૌથી વધારે એક્ટિવ એવા સીઆર પાટીલનું પેજ પ્રમુખનું અભિયાન તેમને 2022માં સફળતા અપાવશે તેવો દાવો તેમના સમર્થકો કરી રહ્યાં છે. જો કે એક હકીકત એવી છે કે ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ અને સ્ટેટેજી બનાવવામાં ભાજપ અન્ય પાર્ટીઓ કરતાં ચઢિયાતું છે. પાર્ટી પાસે હાઇટેક મશીનરી છે જે સોશ્યલ મિડીયાનું સતત અપડેટ રાખે છે. વખતે ભાજપની ચૂંટણી રણનીતિના ખેલાડીઓ ખાસ પેજ પ્રમુખ હશે. પેજ પ્રમુખની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી અને અમિત શાહની હતી જેણે પહેલાં ગુજરાતમાં ભાજપને સફળતા અપાવી છે અને હવે સીઆર પાટીલ પણ રસ્તે જઇ રહ્યાં છે જે કોંગ્રેસ માટે અત્યંત જોખમી બની શકે તેવા સંકેત અત્યારથી મળી રહ્યાં છે, કારણ કે પ્રત્યેક ચૂંટણી સમયે કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ અત્યંત કંગાળ છે. એક વોટર લિસ્ટમાં એક પેજ પ્રમુખ હશે. એટલે કે અંદાજે 50 મતદારો વચ્ચે એક પેજ પ્રમુખ હશે. પેજ પ્રમુખ ઉપરાંત પ્રત્યેક બુથ પર સ્માર્ટફોન સાથે કાર્યકરોની યાદી બનશે. સામાન્ય રીતે ચૂંટણી ગેમપ્લાનમાં પેજ ઇન્ચાર્જની ભૂમિકા બહું મહત્વની હોય છે. ગુજરાતમાં પ્લાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તૈયાર કર્યો છે. અગાઉ ગુજરાતની ચૂંટણીમાં 60 મતદારો વચ્ચે એક પેજ પ્રમુખ હતો. પેજ પ્રમુખ હંમેશા તેના ઘરમાંથી વોટ માગવાની શરૂઆત કરતો હોય છે. પેજ પ્રમુખના વોર્ડની યાદીમાં નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, મતદારયાદી ક્રમાંક, જન્મતારીખ, લગ્ન તારીખ અને બ્લડગ્રુપ લખવામાં આવે છે.

કોરોના વેકસિન આવશે પણ માસ્ક જશે નહીં...

દેશ અને દુનિયા અત્યારે કોરોના વેક્સિન અને વેક્સિનેશન પર વધારે ભાર મૂકી રહી છે ત્યારે આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ ચોંકાવનારૂં બયાન એવું આપ્યું છે કે જ્યાં સુધી કોરોના પોઝિટીવના કેસ ઝીરો લેવલ સુધી ન આવે ત્યાં સુધી માસ્ક જશે નહીં. વેક્સિન લીધા પછી પણ માસ્ક પહેરવું અનિવાર્ય બનશે. રાજ્ય સરકાર અત્યારે બજેટની તૈયારીમાં લાગેલી છે ત્યારે કોરોના વેક્સિન અને તેને ફાળવવા માટેના બજેટની ચર્ચા ટોચક્રમે છે. નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે 2021-22ના સામાન્ય બજેટમાં વેક્સિનેશન અભિયાન માટે પ્રથમવાર આરોગ્ય વિભાગ માટે મોટી રકમની જોગવાઇ કરવામાં આવે તેવી સંભાવના છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:30 am IST)
  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST