Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સરકારી મહેમાન

ગાંધીનગરમાં 'રાહતદર' ભૂલી જાવ: સાત વર્ષથી પ્લોટ અપાયા નથી, શહેરમાં જમીનની પણ તંગી

ગાંધીનગરે 20,000 વૃક્ષો બચાવ્યા પણ 12,000 વૃક્ષો ત્રણ વર્ષમાં ગુમાવી દીધા : પાંચ વર્ષમાં 57000 કરોડ રૂપિયા--રકમ નાની નથી, વાહનચાલકોએ ગુમાવી છે : વાહનના નંબરો પાછળ ખર્ચેલા 300 કરોડમાં તો 7500 મારૂતી કાર આવી જાય

ગુજરાત સરકારે ગાંધીનગરની રચના થયા પછી 1970 થી 1995ના ગાળામાં વિવિધ સેક્ટરોમાં રાહતદરના 25 હજારથી વધુ પ્લોટ આપ્યાં છે પરંતુ હવે એવી સ્થિતિ આવીને ઉભી છે કે શહેરના સેક્ટર વિસ્તારમાં પ્લોટ માટે જમીન વધી નથી. એટલું જ નહીં સમય જતાં રાહતદરના પ્લોટ વેચીને રાજનેતાઓ અને અધિકારીઓએ નફાખોરી કરતાં સુપ્રીમ કોર્ટમાં 2012માં થયેલી પિટીશનમાં સરકારને પ્લોટ વેચવા સામે મનાઇ હુકમ આપ્યો હોવાથી છેલ્લા સાત વર્ષથી કોઇને પ્લોટ અપાયા નથી. ગાંધીનગરમાં 50 હજાર થી અઢી લાખ રૂપિયાના રાહતદરના પ્લોટ 50 લાખ થી ચાર કરોડ રૂપિયામાં વેચાયા છે. રાજનેતાઓ  અને અધિકારીઓએ પ્લોટ વેચીને ઉંચી કિંમતો વસૂલ કરી લીધી છે. છેલ્લા સાત વર્ષમાં સરકાર પાસે રાહત દરના પ્લોટ મેળવવા માટે અનેક માગણીઓ આવી છે પરંતુ સરકાર તેમને ગાંધીનગરમાં પ્લોટ આપી શકે તેમ નથી તેથી સરકાર ગુડા વિસ્તારમાં ઉંચા દરે ભવિષ્યમાં પ્લોટ આપવાની યોજના બનાવી રહી છે. આ નવા વિસ્તારમાં જંત્રીદરે જમીન સંપાદન કરવામાં આવે તો રાજનેતા, અધિકારી કે કર્મચારીને મળનારો સરકારી પ્લોટ રાહતદરનો નહીં હોય તે પણ વાસ્તવિકતા છે. જાણીને આશ્ચર્ય થશે કે ગાંધીનગર શહેર વિસ્તારની રચના 14000 એકર જમીનમાં થયેલી છે. એ સમયે સરકારે 12 ગામોના ખેડૂતોની કુલ 10554 એકર જમીન માત્ર પાંચ કરોડ રૂપિયામાં સંપાદન કરી હતી. હવે જમીન સંપાદનના દરો વધી ગયા છે. આજે શહેરના સેક્ટર-1 થી સેક્ટર-30માં સરકાર પાસે જમીન વધી નથી તેથી ગાંધીનગર પાસે ગુડામાં નવી જમીનની શોધ કરવાની થાય છે. અદાલતનો ચુકાદો સરકારની તરફેણમાં આવે તો પણ હવે ધારાસભ્યો, સંસદસભ્યો કે અધિકારીઓને જમીનના પ્લોટ માટે સરકારે ગુડા વિસ્તારમાં જમીન સંપાદન કરવી પડે તેમ છે. એટલે કે જમીન ઇચ્છુક નેતાઓ અને સરકારી અધિકારીઓએ 'રાહતદર' શબ્દ ભૂલવો પડશે.

મા અમૃતમ યોજનામાં સરકારે અમૃત વરસાવ્યું છે...

ગરીબ પરિવારોને સસ્તી આરોગ્ય સુવિધા આપવાનું કામ ગુજરાત સરકારે શરૂ કર્યું છે ત્યારે તેના પરિણામો પણ આપણી સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં મા અમૃતમ યોજના એ ગરીબ દર્દીઓ માટે સાચા અર્થમાં અમૃત બની છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે યોજનાના વર્ષમાં માત્ર 21487 દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં આ કાર્ડ બતાવીને મફતમાં સારવાર લીધી છે. આ સારવારનો ખર્ચ 43.37 કરોડ રૂપિયા થયો હતો. પાંચ વર્ષના દર્દીઓ અને ખાનગી હોસ્પિટલોમાં સરકારે કરેલા ખર્ચના આંકડા જોઇએ તો આપણને ગૌરવ થાય છે કે સરકારની આ યોજના કેટલા લોકોની લાઇફલાઇન બની છે. પાંચ વર્ષમાં 13.50 લાખ દર્દીઓએ મા અમૃતમ કાર્ડથી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી છે અને તેના દ્વારા સરકારે દર્દીના પરિવારોના 2137 કરોડ રૂપિયા બચાવ્યા છે. મા અમૃતમ યોજનાનો સૌથી વધુ લાભ 2018-19ના વર્ષમાં લેવામાં આવ્યો છે. આ વર્ષે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 6.51 લાખ હતી અને તેમનો આરોગ્ય ખર્ચ 1036 કરોડ રૂપિયા હતો જે સરકારે ભોગવ્યો છે.

ગાંધીનગરમાં વૃક્ષછેદન વિકાસની ફેશન બની છે...

પર્યાવરણના સમતુલન માટે વૃક્ષોની હાજરી અનિવાર્ય છે પરંતુ વિકાસની આડમાં સરકાર વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. રાજ્યમાં જેટલા વૃક્ષો કપાય છે તેટલા નવા વાવવામાં આવતા નથી પરિણામે પર્યાવરણ બગડે છે. ગગનચૂંબી ઇમારતો અને શોપિંગ મોલ્સ જોઇને નહીં પરંતુ ખુલ્લા હરિયાળા ખેતરને જોઇને આપણી આંખ ઠરે છે. કુદરતી ફુલોને જોઇને આપણે તેના જેવા તાજા રહેવાનું વિચારીએ છીએ. અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે લીમડાના વૃક્ષનો છાયો મળે તો આપણે એરકન્ડીશન્ડ ભૂલી જઇએ છીએ. આ કુદરત સાથે આપણે ચેડાં કરી રહ્યાં છીએ. રાજ્યમાં વૃક્ષ વાવવા માટે જેટલી ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે તેટલી તેને કપાઇ જતાં બચાવવા માટે કરવામાં આવતી નથી. જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ કરતાં ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો કપાય છે, પરિણામે તાપમાનમાં બે ઇંચનો ફરક પડ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં 6413 જેટલા વૃક્ષો કપાયા છે જેની સામે ગાંધીનગર જિલ્લામાં 11859 જેટલા વિક્રમી વૃક્ષોનું નિકંદન નિકળ્યું છે. આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા છે છતાં પર્યાવરણવિદ્દોનું ધ્યાન ખેંચાયું નથી. સૌથી વધુ વૃક્ષો માર્ગ બનાવવામાં કપાય છે. અત્યારે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનો હાઇવે પહોળો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમાં આડે આવતા વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નસમા પંચામૃત ભવનનો પ્રોજેક્ટ પર્યાવરણવિદ્દોએ અટકાવ્યો હતો, કારણ કે આ પ્રોજેક્ટની 104 એકર જમીનમાં વર્ષો જૂના લીમડા સહિત 20,000 વૃક્ષો કાપવાના થતા હતા. શહેરમાં આ એક જ એવી ઝૂંબેશ હતી કે જેમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા અટકી શક્યા છે.

ગુજરાતની જનતાના 57000 કરોડ ખાલી થયાં...

ગુજરાતની જનતા વાહનો ચલાવે છે, ઘરમાં ગેસનો ચૂલો સળગાવે છે પરંતુ કેટલા રૂપિયા ક્યાં આપે છે તેનો હિસાબ કરીએ તો સૌથી વધુ રૂપિયા સરકારને ચૂકવે છે. દેશમાં જીએસટીનો અમલ થયો છે છતાં હજી ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવી નહીં હોવાથી ગુજરાતની જનતાએ છેલ્લા પાંચ વર્ષમાં આ પેદાશોમાં 57000 કરોડ રૂપિયા સરકારને ચૂકવ્યા છે. પ્રતિવર્ષ 15000 કરોડની આવક સરકારને જે ચીજવસ્તુઓમાંથી મળે છે તેમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીનો સમાવેશ થાય છે. નાણા વિભાગના સૂત્રોએ સત્તાવાર આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકાનો વેલ્યુ એડેડ ટેક્સ છે, એટલું જ નહીં બન્ને બળતણ પર ચાર-ચાર ટકાનો સેસ વસૂલ કરવામાં આવે છે. વન ટેક્સ વન નેશન ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગનની વિપરીત દેશની જનતા આજે પણ 25થી વધુ જાતના ટેક્સ ભરી રહી છે અને મોંઘવારીમાં પિસાઇ રહી છે. કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરો પર પણ પાંચ ટકા જીએસટી લાગુ કર્યો હોવાથી ગુજરાતના ખેડૂતોએ પાંચ વર્ષમાં 336 કરોડનો વેરો ભર્યો છે. પેટ્રોલ પેટે પાંચ વર્ષમાં સરકારને 15517 કરોડની વેટ આવક પ્રાપ્ત થઇ છે. ડીઝલમાં સરકારને 34937 કરોડ રૂપિયા મળ્યા છે. સીએનજીમાં 1784 કરોડ અને પીએનજીમાં 4130 કરોડ રૂપિયા મળ્યા છે. આમ કુલ 56702 કરોડના વેરા સરકારે પાંચ વર્ષમાં ઉઘરાવી લીધા છે.

7500 નવી મારૂતી આવે એટલો ખર્ચ કર્યો...

લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી અને તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને તેની હરાજી પણ થતી હોય છે. વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા માટે પ્રતિ વર્ષ 25000 જેટલી અરજીઓ થતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં 12.36 લાખ લોકોએ પસંદગીનો નંબર લેવા માટે અરજીઓ કરી હતી જે પૈકી 11.70 લાખ લોકોને પસંદગીના નંબરો ફાળવી આપવામાં આવ્યા છે. આ નંબરો મેળવવા માટે વાહનચાલકો લાખો રૂપિયા ખર્ચી રહ્યાં છે. પાંચ વર્ષમાં પસંદગીના નંબરો મેળવવા માટે વાહનચાલકોએ 300 કરોડ ખર્ચ કર્યો છે. રાજ્યની આરટીઓ કચેરીઓને પાંચ વર્ષમાં 300,60,00,136 રૂપિયાની આવક થઇ છે. ઘણી વખત તો નંબર લેવા માટે જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેનાથી એક નવી ગાડી આવી શકે છે. એક મધ્યમ વાહનની કિંમત 4 લાખ રૂપિયા ગણીએ તો વાહનચાલકોએ પસંદગીના નંબર મેળવવા માટે જેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તેમાં 7500 જેટલી નવી ગાડીઓ આવી શકે તેમ હતી.

છેલ્લા બે વાયબ્રન્ટના 9412 પ્રોજેક્ટ ડ્રોપ થયા...

ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકી મોટાભાગના પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ આવે છે પરંતુ તેની સાથે સાથે પ્રોજેક્ટ ડ્રોપ પણ થાય છે. જો કે પ્રોજેક્ટ ડ્રોપ થવાનો રેશિયો ખૂબ ઓછો હોય છે એટલે સરકાર એવું માને છે કે વકરો એટલો નફો છે... 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં 9491 કરોડનું મૂડીરોકાણ થવાનું છે. 2015માં 5464 પ્રોજેક્ટ મૂડીરોકાણમાંથી ખસી ગયા છે. એવી જ રીતે 2017માં 24774 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર થયા હતા જે પૈકી 15425 પ્રોજેક્ટમાં 3.08 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનું કહેવામાં આવે છે. બાકીના 2662 પ્રોજેક્ટમાં 56740 કરોડનું મૂડીરોકાણ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં હોવાનો દાવો ઉદ્યોગ વિભાગે તેના એક ડોક્યુમેન્ટમાં કર્યો છે. 2017ના વર્ષના પણ 3938 જેટલા પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે. એટલે કે છેલ્લા બે વાયબ્રન્ટ વર્ષનું સરવૈયું જોતાં કુલ 46088 પૈકી 9412 પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આ બન્ને વાયબ્રન્ટ સમિટના જે પ્રોજેક્ટ કમિશન્ડ થયાં છે તેમાં રાજ્યને 5.97 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે.

રક્ષિત સ્મારકોની જાળવણી માટે સ્ટાફ નથી...

ગુજરાતમાં પુરાતન સ્થળોની રખેવાળી કરવી આવશ્યક છે છતાં સરકારની બેદરકારીના કારણે આ સ્થળોએ પૌરાણિક અવશેષોની ચોરીઓ થવાની ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં સરકાર હસ્તકના કુલ 361 પુરાતન સ્મારકો છે જેની રખેવાળી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે પરંતુ તેના માટે સરકાર પાસે સ્ટાફનો અભાવ હોવાથી આ સ્થળોની યોગ્ય પ્રમાણમાં રખેવાળી થઇ શકતી નથી. પુરાતન સ્મારકોની જાળવણી માટે સરકારે વર્ગ-1 થી વર્ગ-4 સુધીના વર્ગ માટે કુલ 115 અધિકારી તેમજ કર્મચારીનો સ્ટાફ નિયત કર્યો છે પરંતુ તેમાં 60 ટકા જગ્યાઓ ખાલી પડી છે. પુરાતન વિભાગમાં વર્ગ-1ના બે ઓફિસરોની જગ્યા મંજૂર કરવામાં આવેલી છે પરંતુ બન્ને જગ્યા છેલ્લા ઘણાં વર્ષોથી ખાલી પડી છે. મહત્વની બાબત એવી છે કે વર્ગ-2ની કુલ 13 જગ્યાઓ પૈકી માત્ર બે જગ્યાઓ ભરવામાં આવેલી છે. બાકીના સંવર્ગ મળીને માત્ર 51 જગ્યાઓ ભરવામાં આવેલી છે જ્યારે 64 જગ્યાઓ ખાલી પડી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:02 am IST)