Gujarati News

Gujarati News

News of Friday, 26th October 2018

દિલ્હીમાં ઓલ ઇન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ગુંજ્યા ઝવેરચંદ મેઘાણી સંપાદિત ગીતો

રાજકોટ તા. ૨૨ : ૧૯૫૯માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઓલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ભાવનગરની શામળદાસ કોલેજનાં ૧૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં પ્રાચીન રાસ-ગરબા રજૂ કરીને દેશની ૩૭ યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો.

 

શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતા ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતા કુસુમબેન નાનકભાઈ મેઘાણી આ વિજેતા ટીમમાં શામેલ હતા. ગુજરાત સરકારની યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓની કચેરીનાં કમિશ્નર પદે રહેલા સ્વ. જે. કે. બોરીચા, ગુજરાત રાજયની કો.ઓ. સોસાયટીના સયુકત રજીસ્ટ્રાર પદે રહેલા વિનાયકભાઈ ચૌહાણ, વાસંતીબેન શાહ (દોશી), લીલાબેન દવે, કુસુમબેન મહેતા, ઈન્દિરાબેન પટેલ, રમેશભાઈ ભાયાણી, બીજલભાઈ ગોહેલ પણ આ વિજેતા ટીમમાં હતાં. ત્યારે શામળદાસ કોલેજના આચાર્યપદે સાંડિલ્ય હતા. વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે ધીરૂભાઈ ઠાકર અને પ્રિયબાળાબેન શાહ હતા.       

દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરુએ વિજેતા ટીમનું ત્યારે સન્માન કર્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.

આ ઐતિહાસિક ઘટનાને છ દાયકા પૂર્ણ થયાં તે અવસરે વિજેતા ટીમનાં સદસ્યોનું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવભર્યું અભિવાદન કરાયું હતું. પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, વિનાયકભાઈ ચૌહાણ, વાસંતીબેન શાહ અને તેમના પતિ હર્ષદભાઈ, પુત્રી પ્રતિક્ષા (પ્રીતિ), દોહિત્રી શ્રેયા, સ્વ. જે. કે. બોરીચાના પુત્રી જયશ્રી બોરિયા-વાજા અને જમાઈ ગિરિશભાઈ આ પ્રસંગે ઉપસ્થિત હતાં. નવી પેઢી આપણા ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ આશયથી પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણીની પ્રેરણાથી, સતત નવ વર્ષથી, 'રઢિયાળી રાત'આધારિત કાર્યક્રમોનું આયોજન થાય છે.

: આલેખન :

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(12:01 pm IST)