Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સરકારી મહેમાન

બજેટનું કદ 2.22 લાખ કરોડ હોવાની સંભાવના: કરકસરને પ્રાધાન્ય, રોજગારીની દિશા નક્કી થશે

ગુજરાતમાં 71 ટકા સ્થાનિક ટુરિસ્ટ, 26 ટકા અન્ય રાજ્યના અને માત્ર બે ટકા વિદેશી છે : મોંઘવારી મુદ્દે યુપીએ સરકારને ખૂબ ગાળો આપી છે પરંતુ હવે ગાળો આપનારા ચૂપ છે : ગુજરાતમાં કૃષિ પાકોનું ફુલગુલાબી ચિત્ર છતાં ભાવવધારાની તીવ્ર અસર જોવા મળે છે

ગુજરાત સરકારનું 2020-21ના વર્ષનું બજેટ અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી મોટું હોવાની સંભાવના છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ 24મી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. આ સત્ર 31મી માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાણામંત્રીએ ગયા વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી ફેબ્રુઆરી 2019માં ચાર મહિના માટે 64000 કરોડ રૂપિયાનું લેખાનુદાન (વોટ ઓનએકાઉન્ટ) લીધું હતું પરંતુ તેમણે જુલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું અને તેનું કદ 2.04 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું. આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાને રાખતાં 15 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનો વધારો થાય તેવી શક્યતા છે.  આ વર્ષે બજેટનું કદ 2.22 લાખ કરોડની આસપાસ હોય તેમ જણાય છે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 2020-21ના વર્ષના બજેટમાં રાજ્ય સરકાર નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને બેરોજગારીના મુદ્દે વર્તમાન ભાજપની સરકાર ઘેરાયેલી છે ત્યારે બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે. ગુજરાત સરકારની મુખ્ય આવક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે છતાં કેન્દ્ર પાસેથી વર્તમાન વર્ષમાં ગુજરાતને પાંચ થી છ કરોડ રૂપિયા ઓછા મળ્યા છે તેથી સરકારના નાણાકીય સંતુલનપર ભાર મૂકવામાં આવી શકે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત મહાનગરપાલિકાઓનીચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકાર વધારાના કોઇ વેરાઓ અંગે દરખાસ્ત કરી શકે તેમ નથી. રાજ્યમાં મહત્વની નવી યોજનાઓ માટે વિભાગો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે પરંતુ નાણામંત્રી નીતિન પટેલે કરકસરનો માર્ગ અપનાવ્યો હોવાથી વિભાગોને મર્યાદા રાખવાની સૂચના આપવામાં આવી છે.

 જ્યાં લાંચ લેવાતી હોય ત્યાં ઓચિંતુ ચેકીંગ જરૂરી...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના અમારી લડાઇ ભ્રષ્ટાચાર સામેની છે અને અમે કોઇપણ ભ્રષ્ટ અધિકારી સામે પગલાં લઇ શકીએ છીએ. રૂપાણીનો મનસૂબો ઉત્તમ છે પરંતુ સરકારમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહે છે તેવા મુખ્ય છ સ્થાન છે જ્યાં સરકારે ઓચિંતુ ચેકીંગ કરાવવું જોઇએ. ફરજ દરમ્યાન પ્રામાણિકતાની છાપ છોડી છે તેવા એક નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે- રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગમાં થાય છે. આ ત્રણેય વિભાગો એવાં છે કે જ્યાં રૂપિયા સિવાય કામ થતાં નથી. ટોપ ટુ બોટમ એટલે કે જિલ્લાકક્ષાએ થી રાજ્યકક્ષા સુધી ભ્રષ્ટાચાર થતો હોય છે. સરકારના ત્રણ જાહેર સાહસો પણ એવાં છે કે જ્યાં સૌથી વધુ ભ્રષ્ટ નીતિ-રીતિ જોવા મળતી હોય છે. આ સાહસોમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમનો સમાવેશ થાય છે. સરકારના ત્રણ વિભાગો અને ત્રણ જાહેર સાહસોમાં એવી રહસ્યમય સિસ્ટમ ગોઠવવી જોઇએ કે લાંચ માગતા અધિકારીઓ કે કર્મચારીઓને સીધા ફીટ કરી શકાય. લાંચ લેવી અને આપવી એ ગુનો છે તેવું સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ જ નહીં, લાંચ આપનારા અરજદારોને પણ તેની પ્રતિતિ થવી જોઇએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિડરતાથી 20-20 ખેલતા હોય તેમ ભ્રષ્ટાચાર નિર્મૂલનનું અભિયાન શરૂ કર્યું છે.

કૃષિમાં મબલખ ઉત્પાદન છતાં તીવ્ર ભાવવધારો...

ગુજરાતમાં ભારે વરસાદ, કુદરતી આફતો અને કમોસમી વરસાદ હોવા છતાં ખરીફ અને રવિ સિઝનનું કુલ ઉત્પાદન વધવાની સંભાવના છે. ફુડગ્રેઇન અને કઠોળનું ઉત્પાદન 80,71,930 મેટ્રીકટન થવાની ધારણા છે. આ વર્ષે બન્ને સિઝનમાં કુલ વાવેતર વિસ્તાર 36,39,340 હેક્ટર જોવા મળ્યો છે. રાજ્યના ખેતીવાડી વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઇ સહિતના પાકોનું ઉત્પાદન 72,08,050 થયું હોવાનો અંદાજ છે જ્યારે કઠોળ પાકોનું ઉત્પાદન 8,63,880 મેટ્રીકટન થયું છે. ઓઇલ સિડ્સના પાકોનું ઉત્પાદન 54,20,930 મેટ્રીકટન થવાની ધારણા છે જે પૈકી સૌથી વધુ મગફળીનું ઉત્પાદન 32,61,470 મેટ્રીકટન થયું છે, આમ છતાં સિંગતેલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં તેની અસર કપાસિયા સહિતના અન્ય તેલબજારમાં થઇ છે. આ વર્ષે કોટનનું ઉત્પાદન 87,08,360 ગાંસડી થયું છે જે ગયા વર્ષ કરતાં વધારે તેમજ અગાઉના વર્ષોની સરખામણીએ ઓછું જોવા મળે છે. એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કોટન ગણવામાં આવે છે. આખા દેશની જનતાને ડુંગળીએ રડાવી છે પરંતુ ગુજરાતમાં તેનું ઉત્પાદન વધ્યું છે તેમ છતાં વેપારીઓની મોનોપોલી અને સંગ્રહાખોરીને કારણે આજે પણ ડુંગળી 70 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાય છે. રાજ્યમાં ડુંગળીનું વાવેતર 39,270 હેક્ટર વિસ્તારમાં થયું હતું જેમાં ઉત્પાદન 11,23,870 મેટ્રીકટન થવાની ધારણા છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગયા વર્ષે વિવિધ અનાજ પાક તેમજ કઠોળનું ઉત્પાદન 68,02,940 મેટ્રીકટન થયું હતું જ્યારે તેલિબિયાંનું ઉત્પાદન 37,34,390 મેટ્રીકટન થયું હતું જે પૈકી મગફળનું ઉત્પાદન 22,03,380 મેટ્રીકટન હતું છતાં સિંગતેલના ભાવો કાબૂમાં રહ્યાં હતા. નોંધાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગયા વર્ષે કોટનનું ઉત્પાદન 62,79,690 ગાંસડી અને ડુંગળીનું ઉત્પાદન 7,20,500 મેટ્રીકટન થયું હતું જે આ વર્ષની સરખામણીએ ખૂબ ઓછું હોવા છતાં આ વર્ષે કૃષિના વિવિધ પાકોમાં ભાવવધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 71 ટકા સ્થાનિક ટુરિસ્ટ હોય છે...

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ સૂત્ર રાજ્યના પ્રવાસન વિભાગને અનુકૂળ આવ્યું છે. મુખ્યત્વે ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચને જ્યારે ગુજરાતમાં રોકાણ કરીને ટુરિઝમની એડ ફિલ્મો બનાવી હતી ત્યારે આ સૂત્ર દેશભરમાં પોપ્યુલર થયું હતું. આજે આ સૂત્રના આધારે રાજ્યમાં ટુરિસ્ટની વાર્ષિક સંખ્યા વધીને 5.75 કરોડ થઇ છે, જેમાં અગાઉના વર્ષ કરતાં 14 ટકાનો સીધો વધારો છે. રાજ્યમાં સાસણ ગીર, કચ્છનો રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એવાં સ્થળો છે જ્યાં સૌથી વધુ ટુરિસ્ટ આવતા થયાં છે. છેલ્લા પાંચ વર્ષના ટુરિસ્ટ રેકોર્ડ જોઇએ તો 2014-15માં રાજ્યમાં કુલ 3.26 કરોડ ટુરિસ્ટ આવ્યા હતા. 2017-18માં આ સંખ્યા 5.09 કરોડ થઇ છે જ્યારે 2018-19માં ટુરિસ્ટની સંખ્યા 5.75 કરોડ થઇ છે. આટલી મોટી સંખ્યામાં ટુરિસ્ટના આંકડાનું પૃથ્થકરણ કરતાં માલૂમ પડ્યું છે કે રાજ્યના ટુરિસ્ટની સંખ્યા 71.56 ટકા છે. અન્ય રાજ્યોમાંથી આવેલા ટુરિસ્ટ 26.30 ટકા થવા જાય છે જ્યારે એનઆરઆઇ એટલે કે અન્ય દેશોમાંથી આવેલા ટુરિસ્ટ 2.14 ટકા છે. વિદેશથી આવેલા ટુરિસ્ટની સંખ્યામાં પણ વધારો થતો જાય છે તેમ છતાં ફાઇવસ્ટાર હોટલોની અછત તેમજ રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવાથી વિદેશી ટુરિસ્ટની સંખ્યામાં જોઇએ તેવો ઉછાળો આવતો નથી. બહારના ટુરિસ્ટને ગુજરાતના પ્રવાસન વિભાગની કેટલીક મર્યાદાઓ નડે છે. રાજ્યના એક સનદી અધિકારીએ કહ્યું હતું કે દારૂબંધીમાં કેટલીક વધુ છૂટછાટ મળે તો અન્ય રાજ્યો તેમજ વિદેશી ટુરિસ્ટની સંખ્યામાં વધારો થઇ શકે તેમ છે.

મોંઘવારી સામે ભાજપના બઘાં નેતા ચૂપ છે...

ભારત અને ગુજરાતમાં મોંઘવારીના મુદ્દે કેન્દ્રની પૂર્વ યુપીએસ સરકાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સામે ભાજપના પ્રદેશ અને કેન્દ્રીય નેતાઓએ રીતસરનું જનઆંદોલન શરૂ કર્યું હતું પરંતુ આજે ભાજપની સરકારમાં તેના પ્રત્યેક નેતાઓ ચૂપ છે. મોંઘવારીના મુદ્દાને તેઓ આંતરરાષ્ટ્રીય ઇકોનોમી સાથે તોલી રહ્યાં છે. જે તે સમયે મનમોહનસિંહ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા માટે ક્રુડઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થતી વધઘટનું કારણ આપતાં હતા ત્યારે ભાજપના નેતાઓ માનવા તૈયાર ન હતા પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ 70 રૂપિયા કરતાં પણ વધી ગયા છે ત્યારે આ જ નેતાઓ આંતરરાષ્ટ્રીય બજારનું કારણ આપી રહ્યાં છે. ગુજરાતમાં સિંગતેલના ભાવમાં 25 પૈસાનો વધારો થતો હતો ત્યારે અમદાવાદમાં ભાજપના નેતાઓ પાણીમાં પૂરી બનાવતા હતા પરંતુ આજે 25 રૂપિયા એક જ દિવસમાં વધી જાય છે ત્યારે આ નેતાઓ ચૂપ છે. રાજ્યમાં મગફળીનો મબલખ પાક થયો છે છતાં તેલિયા રાજાઓની લૂંટ સામે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ ચૂપ છે. ગાંધીનગર થી અમદાવાદ જવું હોય તો 15 વર્ષ પહેલાં એસટી બસમાં બે થી ત્રણ રૂપિયાની ટિકીટ થતી હતી, આજે 30 રૂપિયા થઇ છે છતાં સરકાર ચૂપ છે. ઘરવપરાશની ચીજવસ્તુઓમાં દર મહિને ભાવમાં વધારો થાય છે છતાં સરકાર ચૂપ છે. દિલ્હીની સરકાર ગુજરાતના પ્રશ્નો ઉકેલવામાં અન્યાય કરી રહી છે તેવું કોંગ્રેસ પ્રેરિત એનડીએ સરકારમાં કહેવાતું હતું. કેન્દ્રની ગુજરાતને થપ્પડ સૂત્ર મશહૂર કરી દેવામાં આવ્યું હતું પરંતુ આજે દિલ્હીમાં ભાજપની સરકાર છે છતાં કોઇ અવાજ નથી. બઘાં અચાનક ચૂપ કેમ થઇ ગયા છે, રાજ્યની જનતાને ખબર છે...

જમીન મૂલ્યાંકનમાં બે મહત્વના સુધારા કરાયા...

ગુજરાત સરકારે જમીનના વેચાણના કિસ્સામાં ખેતી થી ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે પ્રિમિયમ વસૂલ કરવામાં આવતું હોય છે. કોઇપણ જમીનમાં પ્રિમિયમના દરો ભર્યા પછી શરતફેરની મંજૂરી આપવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે આવી મંજૂરી આપવાના કિસ્સામાં કેટલોક ફેરફાર કર્યો છે. મહેસૂલ વિભાગના આદેશ પ્રમાણે ગણોતધારા સહિતની નવી અને અવિભાજ્ય શરતની જમીનોના વેચાણના કિસ્સામાં શરતફેરની મંજૂરી આપવાનું રાજ્ય સરકાર નક્કી કરતી હતી પરંતુ હવે આવા કિસ્સાનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વિભાગે મહત્વના બે ફેરફારો કર્યા છે. પહેલા સુધારામાં જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન જંત્રી મુજબ થતાં મૂલ્યાંકન પ્રમાણે 50 લાખ રૂપિયા સુધીના મૂલ્યાંકનની સત્તા જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી છે. બીજા સુધારા પ્રમાણે પ્રવર્તમાન જંત્રી મુજબના મૂલ્યાંકન પ્રમાણે ખેતી થી ખેતીની જમીન તેમજ ખેતી થી બિનખેતીની જંત્રી અગલ અલગ ગણવાની રહેશે. આ પ્રમાણે બન્નેમાંથી એકની જંત્રી 50 લાખ રૂપિયાથી વધારે થતી હોય તો તેવા કિસ્સા સરકારની પૂર્વ મંજૂરી માટે મોકલવા પડશે. એટલે કે 50 લાખ રૂપિયા સુધીના મૂલ્યાંકની સત્તાઓ હવે જિલ્લાકક્ષાએ કલેક્ટરોને આપવામાં આવી છે. આવા પ્રકરણ ગાંધીનગર સુધી આવશે નહીં.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

(8:45 am IST)