Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

શ્રાવણ સત્સંગ

દુઃખીઓની સેવા એ જ પરમાત્માની પૂજા

એક સંકલ્પ માત્રથી કોટી બ્રહ્માંડનું સર્જન તથા સંહાર કરનારા પરમ કૃપાળુ પરમાત્મા સર્વસમર્થ છે, શકિતશાળી છે. સર્વજ્ઞ અને સર્વવ્યાપી પણ છે.

પરોપકાર એ એક દૈવી મહાન તેમજ આધ્યાત્મિક ગુણ છે. દેવત્વની અભિવ્યકિત છે. એની સાથે કરૂણા, પ્રેમ, પવિત્રતા તથા ભાવ સંવેદનાને અભિવ્યકત કરે છે.

બીજા કોઈની પીડા કે દુઃખ જોઈને કોઈ પથ્થર દિલને ભલે કોઈ અસર થાય નહી પરંતુ કરૂણા, પ્રેમ અને સંવેદનાથી ભરેલા હૃદયમાં અવશ્ય તેમના પ્રત્યે કરૂણાનો ભાવ તથા પીડા જાગૃત થાય છે.

પરોપકાર એ પાવન હૃદયમાં પેદા થતી એક અલૌકિક વેદના તથા વ્યાકુળતા છે. ઈશ્વરની કૃપા હોય તો જ આપણા હૃદયમાં પેદા થાય.

પરસેવા તથા પરોપકાર માટે હૃદય વ્યાકુળ બની જાય તે ઈશ્વરનું દિવ્ય અનુમાન, વરદાન તેમજ અનુગ્રહ છે. પ્રભુ આપણા હાથ દ્વારા જ કોઈનું ભલુ કરાવવા ઈચ્છે છે. પરમાત્મા દરેક સેવા કાર્ય માટે આપણને માધ્યમ બનાવીને શ્રેય આપણને જ આપે છે.

જીવનની સંપૂર્ણ સુંદરતા તથા ગુણવત્તાનો આધાર એ બાબત પર રહેલો છે કે આપણે જીવનના જુદા જુદા પાસા વચ્ચે કેટલુ સંતુલન સ્થાપી શકીએ છીએ, આ જ જીવન જીવવાની કળા છે.

આપણને જ્યારે કોઈની સેવા કે મદદ કરવાની તક મળે ત્યારે તેને પ્રભુની ઈચ્છા તેમજ પ્રભુ કૃપા માનીને એ મોકો હાથથી ન જવા દેવો જોઈએ.

જો ખરેખર આપણે પરોપકાર દ્વારા પ્રભુની સેવા કરવા ઈચ્છતા હોયએ તો સૌ પ્રથમ આપણે આપણા હૃદયને સ્વચ્છ તથા પવિત્ર કરવુ જોઈએ.

સ્વાર્થમાં લેવડદેવડ તો બધા જ કરે લોકો બીજાની સેવા પણ બદલામાં કંઈક મેળવવાની ઈચ્છાથી કરે છે. વાસ્તવમાં તો પરોપકાર એ પવિત્ર ભાવના છે. એમાં મેળવવાની નહી પણ ફકત આપવાનો જ ભાવ હોવો જોઈએ. પરોપકાર તો હૃદયરૂપી પ્રેમ સાગરમાં પેદા થતી લહેરો છે. જીવમાં પોતાના આરાધ્ય ભોળાનાથ મહાદેવને જુએ છે. દુઃખીઓની સેવા જ ઈશ્વરની પૂજા છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:03 am IST)