Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સરકારી મહેમાન

હવાઇ મુસાફરી માટે સરકારે નિયમ બદલ્યો, ટ્રાવેલ એજન્ટે આપેલા નહીં, એરલાઇન્સના દરો મંજૂર થશે

મોદીનું મિશન ગંગા છે તેમ રૂપાણીનું મિશન સાબરમતી... નદી શુદ્ઘ હશે તો લોકોના વિચારો શુદ્ઘ બનશે. : ફરીવાર દિલ્હીમાં ગુજરાતનો દબદબો, રાજકીય સાથે બ્યુરોક્રેસીના વિસ્તારનો ગુજરાતીઓને લાભ મળશે. : ગુજરાતમાં કોંગ્રેસને કાર્યકરોની જરૂર છે, ચૂંટણી જીતવા ચાર ઝોનમાં ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ પણ જોઇશે.

સરકારી યોજનાનો લાભ લઇને હવાઇ મુસાફરી કરવી હોય તો હવે ચેતી જશો, કારણ કે સરકારે હવાઇ મુસાફરીના દરો ગ્રાહ્ય રાખવાનો નિયમ બદલ્યો છે. કોઇપણ અધિકારી કે કર્મચારી ખોટા બીલો રજૂ કરીને દાવા મંજૂર કરાવી શકશે નહીં. ગુજરાત સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ કે જેઓ રજા પ્રવાસ રાહત અને વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ લેતા હશે અને હવાઇ ઉડ્ડયન કરતા હશે તેમના ટ્રાવેલ એજન્સીઓના બીલો પ્રમાણેના દાવા મંજૂર કરવામાં આવશે નહીં, કારણ કે નાણા વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે રજૂ કરવામાં આવેલી હવાઇ મુસાફરીની ટીકીટના દર ટ્રાવેલ એજન્ટ દ્વારા અલગ આપવામાં આવે છે અને ઇ-ટીકીટમાં દર્શાવેલા દર અલગ હોય છે. આ તફાવતના કારણે સરકાર પર આર્થિક બોજ વધે છે તેથી સરકારે એરલાઇન્સના બુકીંગ કાઉન્ટર કે એરલાઇન્સની વેબસાઇટ પરથી ઇસ્યુ થતી ટીકીટના દર મુજબ ભાડું ગણતરીમાં લેવામાં આવશે. એ સાથે એરલાઇન્સની સાઇટ પર દર્શાવેલા ભાડાં ઉપરાંત પ્રત્યેક ટીકીટ દીઠ બુકીંગ ચાર્જ વધુમાં વધુ ૨૦૦ રૂપિયા અથવા ટ્રાવેલ એજન્સીનો બુકીંગ ચાર્જ એમ બે પૈકી જે ઓછું હશે તે મંજૂર કરી શકાશે. નાણા વિભાગે તેના તમામ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચેતવણી આપી છે કે હવાઇ મુસાફરીના દાવાની આકારણી બાબતે ખોટા દાવા રજૂ કરનારના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે. નાણા વિભાગને શંકા છે કે ટ્રાવેલ એજન્ટો હકીકતમાં એરલાઇન્સ કરતાં વધુ ભાડું વસૂલ કરતા હોય છે તેથી સરકાર પર વધારાનો નાણાકીય બોજ પડે છે તેથી એરલાઇન્સની બુકીંગ ટીકીટના દર માન્ય રાખવામાં આવ્યા છે.

મોદી સરકારમાં ગુજરાતનું વજન વધશે...

કેન્દ્રની મોદી સરકારમાં ગુજરાતનું વજન વધી રહ્યું છે. દિલ્હીમાં રાજકીય રીતે ગુજરાત સ્ટ્રોંગ બન્યું છે તેની સાથે સાથે બ્યુરોક્રેસીમાં પણ ગુજરાત છવાયેલું છે. મોદી કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. પરસોતમ રૂપાલાને એગ્રીકલ્ચર અને ફાર્મર વેલ્ફેર મંત્રાલય સુપરત કરવામાં આવ્યું છે જયારે મનસુખ માંડવિયાને શિપીંગ મિનિસ્ટ્રી અને કેમિકલ-ફર્ટિલાઇઝર્સ મંત્રાલયની મહત્વની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીના સૂત્રો કહે છે કે જુલાઇમાં કેન્દ્રનું સામાન્ય અંદાજપત્ર સત્ર શરૂ થવાનું છે. આ સત્ર પછી મોદી મંત્રીમંડળના વિસ્તરણની શકયતાઓ છે. આ વિસ્તરણમાં ગુજરાતના વધુ બે સાંસદોને કેબિનેટમાં સમાવવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ બ્યુરોક્રેસીમાં વધુ ગુજરાતી ઓફિસરોને ડેપ્યુટેશન પર લેવા માટે મોદી સરકાર તૈયાર છે. બહુ લાંબા સમયથી સચિવાલયમાં એવી ચર્ચા ચાલતી હતી કે લોકસભાની ચૂંટણી પછી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન મોદી ટીમમાં સામેલ થવાના છે. હવે તેનો સમય આવ્યો છે. સૂત્રો કહે છે કે કૈલાસનાથનને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અથવા દિલ્હીમાં કોઇ મહત્વના સ્થાને નિયુકત કરાશે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની બ્યુરોક્રેસીમાંથી અડધો ડઝન અધિકારીઓ ડેપ્યુટેશન પર જવા તૈયાર થયા હતા પરંતુ હજી સુધી તેમની ફાઇલ કિલયર થઇ નથી.

મિશન ગંગાની જેમ મિશન સાબરમતી...

ગુજરાતીમાં કહેવત છે કે જેવું પાણી એવું આચરણ... શુદ્ઘ પાણી પીવા મળે તો વિચારો પણ શુદ્ઘ બને છે. ઋષિમુનિઓ પવિત્ર નદીઓનું પાણી પીતા હતા તેથી તેમના આચાર-વિચારો શુદ્ઘ હતા. દૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાક ખાઇને આપણા વિચારો પણ અપવિત્ર બની ચૂકયા છે. નરેન્દ્ર મોદીએ દિલ્હી જઇને પહેલું કામ મિશન ગંગા હાથ પર લીધું હતું. મોદી સરકારે ગંગા શુદ્ઘિકરણનો યજ્ઞ શરૂ કર્યો હતો તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મિશન સાબરમતી લઇને આવ્યા છે. સાબરમતીને શુદ્ઘ કરવા માટે સરકારે વાસણા બેરેજમાં ભરાયેલા પાણીને ડાઉનસ્ટ્રીમમાં નાંખવાની કામગીરી શરૂ કરી છે. ગટરના પાણી ડાયવર્ટ કરાશે. સાબરમતીમાંથી ૨૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. જલવિહાર એસપીટી પ્લાન્ટમાંથી ૬૦ એમએલડી ટ્રીટેડ પાણી નદીમાં છોડાય છે. સરકારે ૩૫૦ કરોડના ખર્ચે છ જેટલા નવા એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરી પણ શરૂ કરી છે જેમાંથી ૩૨૫ એમએલડી ટ્રીટેડ પાણી નદીમાં છોડાશે. આ સાથે નદીના ગંદા પાણી અને કચરાના નિકાલની કાર્યવાહી ચાલી રહી છે. સાબરમતી નદીનું ઉદ્દગમ સ્થાન ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાકળ છે. નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને નદી ખંભાતના અખાતમાં પૂર્ણ થાય છે. આ નદીની કુલ લંબાઇ ૩૭૧ કિલોમીટર છે. આ નદીના પ્રવાહને ગુજરાતના નદીકાંઠાના વિસ્તારોમાં યુદ્ઘના ધોરણે શુદ્ઘ કરવામાં આવે તો પણ પાંચ વર્ષ નિકળી જાય તેમ છે, જો કે સરકારની એક સારી શરૂઆત છે. સરકારે સાબરમતી નદીના શુદ્ઘિકરણ માટે લોકોનો સહયોગ પણ માગ્યો છે.

રાજયસભાની બે બેઠકો— ભાજપની નજરમાં કોંગ્રેસ...

ગુજરાતમાં ફરી એકવાર રાજયસભાનો ચૂંઠણી જંગ આવી રહ્યો છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજયસભાની બેઠકો પરથી રાજીનામું આપી દેતાં ગુજરાતમાં એક-બે મહિનામાં રાજયસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓને અલ્પેશ ઠાકોર યાદ આવ્યા છે. આ અલ્પેશ ઠાકોરનો લોકસભામાં ભાજપે ઉપયોગ કર્યો હતો અને હવે રાજયસભામાં તેનો ઉપયોગ કરાય તેવી સંભાવના છે. અલ્પેશના સાથીદારો કે જેઓ કોંગ્રેસમાં તેમને ભાજપમાં જોડાવા માટે અલ્પેશ ઠાકોરને ટારગેટ આપવામાં આવી શકે છે. કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં બળવો કર્યો હતો. તેના બે સાથીદારો ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોરને પણ અલ્પેશે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્ત્િ। કરવા માટે પ્રેરિત કર્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં જયારે ગુજરાતમાં રાજયસભાની ત્રણ બેઠકો ખાલી પડી ત્યારે કોંગ્રેસને એકમાત્ર બેઠક મળી હતી જેમાં અહમદ પટેલની ફરીથી ઉમેદવારી કરાવવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાદ્યેલા સાથે મંત્રણા કરીને ભાજપના નેતાઓએ કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યા હતા. હવે રાજયસભાની બે બેઠકો ખાલી થઇ રહી છે ત્યારે સંખ્યાબળની દ્રષ્ટીએ કોંગ્રેસને એક બેઠક મળે છે પરંતુ ભાજપને તે મંજૂર નથી. કોંગ્રેસમાંથી જો ૨૦ ધારાસભ્યો અલગ થાય અથવા તેટલા ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તો ભાજપ તેના બીજા ઉમેદવારને જીતાડી શકે છે. લાગે છે કે હવે ગુજરાતમાં ભાજપનું ઓપરેશન-૨ શરૂ થવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં કોંગ્રેસ ચાર પ્રદેશ પ્રમુખ આપે...

ગુજરાતમાં કોંગ્રેસનો જનાધાર ઘટી રહ્યો છે ત્યારે પ્રદેશ માળખાને વધારે શકિતશાળી બનાવવા માટે કોંગ્રેસને રાજયના ચાર ઝોન પ્રમાણે ચાર પ્રદેશ પ્રમુખ આપવાની થિયરી કોંગ્રેસના એક પૂર્વ સિનિયર નેતાએ દર્શાવી છે. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાએ સૂચન કર્યું છે કે કોંગ્રેસને ગુજરાતમાં એક નહીં ચાર પ્રદેશ પ્રમુખ બનાવવા જોઇએ કે જેથી આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં જનાધાર મેળવી શકે. પ્રત્યેક ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા મને હરાવવાની પ્રવૃત્ત્િ। થતી હતી. મેં હાઇકમાન્ડનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ કોઇ પગલાં લેવામાં નહીં આવતા છેવટે મેં પાર્ટી છોડી દીધી છે. તેમણે કહ્યું હતું કે— ઉત્ત્।ર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ એમ ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ કોંગ્રેસમાં હોવા જોઇએ. ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના માળખામાં ધરમૂળથી પરિવર્તન કરવામાં નહીં આવે તો ૨૦૨૨દ્ગક વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કોંગ્રેસ માટે મહત્વના બે કામો છે જે પૈકી પહેલા કામોમાં પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ વધારીને વધુ ને વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાય તે માટેના પ્રયાસો કરવા પડશે. બીજું કામ પાર્ટીના પ્રદેશ નેતાઓએ તેમના ધારાસભ્યો અને સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને સાચવવાના છે, કેમ કે જો તેઓ ભાજપમાં જતા રહેશે તો ભાજપ મજબૂત થશે અને કોંગ્રેસ સાફ થતી જશે.

વહીવટી તંત્રમાં ફેરફારો આવી રહ્યાં છે...

ગુજરાત વિધાનસભાનું સામાન્ય બજેટ સત્ર યોજાય તે પૂર્વે રાજયના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો થાય તેવી સંભાવના છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી જિલ્લા કક્ષાના અધિકારીઓની સાથે સાથે સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ-કોર્પોરેશનમાં પરિવર્તન કરવા ઉત્સૃક છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે વિભાગોમાં સિનિયર અધિકારીઓની બદલીઓ, જિલ્લા કક્ષાએ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસમાં એસપી કક્ષાના અધિકારીઓની બદલી થઇ શકે છે. મુખ્યમંત્રીની વહીવટી તંત્રમાં ફેરફાર કરવો હોય તો જૂન મહિનામાં કરવો પડે, કેમ કે આ મહિનામાં અધિકારીઓના બાળકોના શૈક્ષણિક વર્ષની શરૂઆત થતી હોય છે. બદલીઓ પછી સરકારના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીન પટેલ સરકારનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે ચાર મહિના માટેનું લેખાનુદાન રજૂ કર્યું હતું, હવે આઠ મહિનાના ખર્ચ માટે સંપૂર્ણ બજેટ રજૂ થશે. રાજયના નાણા વિભાગે તમામ વિભાગોને બજેટની તૈયારી કરવાની સૂચના આપ્યા પછી હવે જૂન મહિનાની શરૂઆતમાં બજેટની કામગીરી પૂર્ણ કરવાની રહે છે. વહીવટી તંત્ર સાથે રાજયના મહાનગરોમાં કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને શહેર પોલીસ કમિશનરોની બદલીઓ થવાની શકયતા નકારી શકાતી નથી.(૨૨.૬)

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(3:12 pm IST)