Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

અને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગયા...!

નાગ પંચમી એટલે સાપ પ્રત્યેની માનવીએ ઉભી કરેલી દૈવી શ્રધ્ધા, ભારતની ધર્મપ્રિય પ્રજા પ્રત્યેક જીવમાં શિવ સમજીને આરાધના કરે છે.

વૃક્ષોમાં પીપળો દેવ મનાયો પક્ષીઓમાં કાક ભૂસંડી તેમજ શુક (પોપટ) ને દેવ સ્વરૂપ આપવામાં આવ્યું. પશુઓમાં ગાયને માતા દેવી સમાન મનાય છે. એવી જ રીતે જંતુમાં નાગદેવને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે.

નાગપાંચમના દિને બહેનો સામુહિક રીતે પૂજન કરે છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ સુદ પાંચમ, અને દક્ષિણ ભારતમાં શ્રાવણ વદ પાંચમની તીથી નાગપંચમી કહેવાય છે.

ગુજરાતમાં નાગપંચમીના દિને ઘેર ઘેર બહેનો પાણીયારાની દિવાલ પર નાગનું ચિત્ર દોરી તેના ઉપર રૂ નો હાર બનાવે છે. જેને 'નાગલા' કહે છે. તે હાર ચૂંદડી, અક્ષત, કંકુ અબિલ ગલાલ, અને પુષ્પથી ચિત્રનું પૂજન કરે છે. તેમજ નૈવેદ્યમાં તલવટ, કુલેર, બાજરાનો લોટ ઘી તથા ગોળ મેળવીને ઘરે છે. જે પ્રસાદ ખાવાથી મીઠો લાગે છે.

આ છે. આપણી મહિલાઓ - બહેનોની નાગપૂજાની વિધી.

પુરાણોમાં નાગ મહત્વનું સ્થાન ધરાવે છે. કહે છે કે, બાળકૃષ્ણે કાળીનાગને હરાવ્યો...!! નાથ્યો....! તે દિન શ્રાવણ વદ પાંચમનો હતો, નાગ જાતી કથા મહાભારતમાં છે. તે અનુસાર વાસુકી, તક્ષક, કાળીનાગ, શેષનાગ એવા નાગના નવ કુલ છે. તેનો નિવાસ પાતાળમાં છે. પરીક્ષીત રાજાને તક્ષક  નાગે કરડીને માર્યા હતાં. તેથી તેના પુત્ર જયે જે સાચિજ્ઞ કર્યો તે નાગયજ્ઞ કહેવાયો.

નાગયજ્ઞમાં ઋષિઓના મંત્રો દ્વારા સપેડી હોમાવા લાગ્યા, એ વખતે વાસુકી નાગના ભાણેજ જગદકારૂલ ઋષિનો પુત્ર આસ્તિક, જન્મજય રાજા પાસે યજ્ઞમાં ગયો.

બ્રહ્મતેજ વિક્રતાના પ્રભાવે ઋષિપુત્રે જન્મજય રાજા પાસે સર્પ યજ્ઞ બંધ કરાવીને નાગ જાતીને બચાવી લીધી... એવી કથા મહાભારતમાં છે.

સર્પની પૂજા ભયથી થાય છે. ઘરમાં સાપ નીકળે તો ઉંધ હરામ થઇ જાય. પણ જયાં સર્પ નિકળે ત્યાં ઘીનો દિવો કરી તેના મુળ સ્થાને જવાની મનોમન પ્રાર્થના કરવામાં આવે છે. આમ એક તરફ સર્પનો ભય આપણને સતાવે છે. તો બીજી તરફ આપણે તેને દેવસ્થાન આપીને પુજીએ છીએ આ તો છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા...!

વારાહ પુરાણમાં એક પ્રસંગનું વર્ણન છે. કપીલ અને કદ્રથી ઉત્પન્ન થયેલા. વાસુકિ, શંખ, કૃતિક પપરાજીલ, નામના સર્પો દ્વારા સર્પ સૃષ્ટિ વધતી હતી. સંસારના બીજા જીવોને ડંખ મારી મારીને સર્પો મારી નાખતા હતાં. ત્યારે બ્રહ્માજીને ભય લાગ્યો કે મેં ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો નાશ કરી રહ્યા છે. હું તેમને શ્રાપ આપીશ....!!

ત્યારે નાગ જવાબ આપે છે, પ્રભુ !! આપ સ્વયં વિધાતા છો. આપે અમને એવી જાતીમાં જન્મ આપ્યો છે કે, ઝેર ઓકવું, ડંખ દેવો, અને જે વસ્તુ દેખીએ એને નષ્ટ કરવી, આ અમારો સ્વભાવ આપે આપેલો છે. તો તેમાંથી આપ જ ઉધ્ધાર કરો.

બ્રહ્માજીએ વિચાર કરીને કહયું તમે પૃથ્વી ઉપર નહી પાતાળમાં રહો જેનો કાળ તમારા દ્વારા નિમિત થશે તેને જ ડંખથી મારજો અને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગયા...! શ્રાવણ વદ પાંચમને દિને આ પ્રસંગ બન્યો હતો તેથી નાગપાચમ તિથિ ધન્ય પ્રિય, પવિત્ર અને સંપૂર્ણ પાપનો નાશ કરનારી સિધ્ધ થઇ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:01 am IST)