Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સરકારી મહેમાન

લાંબો ઇન્તજાર કરાવ્યા પછી રૂપાણી સરકાર સપ્તાહમાં સામૂહિક ફેરબદલ કરવાના મૂડમાં

લોકોનું જે થવું હોય તે થાય, સરકાર આવક સાથે બાંધછોડ કરવા તૈયાર નથી: પ્લાનબદ્ધ સિટીની આબરૂના ઘજાગરા ઉડી રહ્યાં છે, પાર્કિંગ વ્યવસ્થા સુધારો : ‘ઇન્ડિયા ફર્સ્ટ’નો દમદાર નારો નહીં હોવાથી યુવાધન વિદેશોમાં સ્થાયી થાય છે

સચિવાલયમાં ઘણાં લાંબા સમયથી બદલીઓની રાહ જોતાં આઇએએસ અને આઇપીએસ ઓફિસરો માટે હવે એ સમય આવી ગયો છે કે તેમના નવા પોસ્ટીંગ થઇ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિનિયર ઓફિસરોની બદલીની ફાઇલ હાથ પર લીધી છે. સરકાર અને પોલીસમાં ઉચ્ચ અધિકારીઓની બદલી સંભવત એપ્રિલના છેલ્લા સપ્તાહમાં થશે. આ બદલીઓ મોટાપાયે છે. સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન તેમજ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ થવાની છે. બીજી તરફ પોલીસ ભવનના અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ વડાની ટ્રાન્સફરો પણ હાથ પર છે. મુખ્યમંત્રી પોલીસ ઓફિસરોમાં 35થી વધારે તેમજ આઇએએસમાં 30થી વધારે ઓફિસરોની બદલીઓ કરે તેવી સંભાવના છે. ઉદ્યોગ, શહેરી વિકાસ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ ગૃહ વિભાગ સહિતના સાત વિભાગો તેમજ બે કોર્પોરેશનમાં ક્યા અધિકારીને મૂકવા તેના પર ચર્ચા ચાલતી હોઇ બદલીના ઓર્ડરમાં વિલંબ થયો છે. આઠ પૈકી છ શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ તોળાઇ રહી છે.

ગવર્મેન્ટ પણ કોર્પોરેટ સ્ટાઇલથી ચાલે છે...

કહેવત છે કે વર મરો, કન્યા મરો પરંતુ ગોરનું તરભાણું ભરો...”  એ ન્યાયે કોર્પોરેટ ગવર્મેન્ટ લોકોના ખિસ્સા હળવા કરીને ટેક્સના વિષચક્રમાં લોકોને ફસાવતી જ જાય છે. કેન્દ્ર સરકારે જ્યારથી ડેઇલી બેઝ પર ઓઇલ કંપનીઓને ભાવવધારાની છૂટ આપી છે ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર સામાન્ય જનતાને રાહત આપવાના મૂડમાં નથી. પેટ્રોલિયમ પ્રધાન પિયુષ ગોયલ વારંવાર કહે છે કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં આવરી લેવામાં આવે તો લોકોને રાહત મળી શકે છે પરંતુ મોદી સરકારના નાણામંત્રી અરૂણ જેટલી તેમાં સહમત થતાં નથી. મોદી શાસનના ચાર વર્ષમં પેટ્રોલમાં 13 ટકા અને ડીઝલમાં 400 ટકાથી વધુ કુલ 11 વખત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર પણ 24 ટકા વેટ ઉઘરાવતી હોવાથી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 70 ઉપર પહોંચી ગયા છે. દેશની ઓઇલ કંપનીઓએ લોકોના ખિસ્સામાંથી વર્ષે 90,000 કરોડની લૂંટ કરી છે. ગુજરાતમાં વર્ષે 8000 કરોડ આ પેદાશોમાંથી મળે છે અને સરકાર તે આવક ગુમાવવા માગતી નથી.

ચીજવસ્તુના ભાવ સતત વધતા જ રહે છે...

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારમાં ધમાધમ ચાલી રહી છે. સરકાર લાખ કોશિષ કરે પરંતુ જ્યાં સુધી મોંઘવારી દૂર નહીં થાય ત્યાં સુધી મતદારોના મન કળવા મુશ્કેલ છે. લોકો મોદીને મત આપે છે, ભાજપને મત આપતા નથી તે ગુજરાત સરકારે સમજી જવાની જરૂર છે. ગુજરાત મિશન 26નો ગોલ સિદ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ આ વખતે ભાજપને આંખે પાણી આવી શકે છે. ગુજરાતમાં બાળકોના અભ્યાસ મોંઘા થતા જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. શાકભાજી તેમજ જીવન જરૂરીયાતની ચીજો મોંઘી થતી જાય છે. આજે લાવેલી એક ચીજ બીજા મહિને આઠ થી દસ રૂપિયા વધીને આવે છે. સરકારમાં લોકોના કામો થતાં નથી. તાલુકા સરકારનો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રષ્ટાચાર નિર્મૂલનની વાતો ફાઇલોમાં કેદ છે. સરકારમાં ક્યાંય પણ સરપ્રાઇઝ ચેકિંગ થતાં નથી. ખોરાકમાં ભેળસેળ વધી રહી છે છતાં આરોગ્ય વિભાગ એવું કહે છે કે અમારી પાસે તમામ જગ્યાએ ચેકિંગ માટે પૂરતો સ્ટાફ મોજૂદ નથી. આ સ્થિતિમાં ભાજપને તેનો 26 બેઠકોનો ગોલ પૂર્ણ કરવા લોઢાના ચણા ચાવવા જેવું છે.

પાટનગર ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો બન્યું છે...

સાફ સુધરા ગાંધીનગરમાં ટ્રાફિક સેન્સના અભાવે માર્ગો પર વાહનોનું અનિયંત્રિત પાર્કિંગ થયું છે. શહેરના કોમર્શિયલ સેક્ટર ગણાતા સેક્ટર-21, સેક્ટર-11, ઇન્ફોસિટી, કુડાસણ, રાયસણ, સરગાસણ અને પથિકાશ્રમ જેવા વિસ્તારોમાં પાર્કિંગની સુવિધાના અભાવે આડેધડ વાહનો પાર્ક થાય છે. સરકારે શહેરમાં ફુટપાથ બનાવ્યા છે પરંતુ તેની પર ગેરકાયદે લારી-ગલ્લાનો અડ્ડો છે. રિક્ષાચાલકો મીટરથી રિક્ષા ચલાવતા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ખાડે ગયું છે. ગાંધીનગર થી અમદાવાદ જવું હોય તો મુસાફરોને એક થી દોઢ કલાક સુધી બસની રાહ જોવી પડે છે. એસટી નિગમની હાથ ઉંચો કરો અને બસમાં બેસો.. એ યોજના ડ્રાઇવરોએ ફેઇલ બનાવી દીધી છે. પ્લાનબદ્ધ સિટીની આબરૂના ધજાગરા ઉડી રહ્યાં છે. ગાંધીનગર જેવું સિટી ચંદીગઢ છે. આ સિટીની મુલાકાત ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ લેવી જોઇએ, કારણ કે ત્યાં ટ્રાફિકના નિયમોનું સિસ્તબદ્ધ પાલન થાય છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકોને એવી સજા ફટકારવામાં આવે છે કે ફરીથી તે બીજીવાર કોઇ નિયમભંગ કરતો નથી. શહેરમાં કોમર્શિયલ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યા છે પરંતુ તે મોટેભાગે પાર્કિગલેસ છે પરિણામે રસ્તા પર પાર્કિંગની લોકોને આદત પડી ચૂકી છે. આ સમસ્યાઓનું હાલ તો કોઇ સમાધાન નથી પરંતુ સરકારે અને શાસકોએ ગંભીરતાથી વિચારવા જેવું છે.

હપ્તાબાજી બંધ થાય તો ગુજરાતમાં રામરાજ્ય...

ગુજરાતમાં ખાનગી વાહનો માસિક હપ્તેથી ચાલે છે. રિક્ષાઓમાં પોલીસના હપ્તા બાંધી દેવામાં આવ્યા છે તેથી અમદાવાદ જેવા શહેરમાં એક રિક્ષામાં આગળ ચાર અને પાછળ ચાર એમ કુલ આઠ મુસાફરો મોતની મુસાફરી કરી રહ્યાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખાનગી વાહનો મોં માગ્યા દામ વસૂલ કરી રહ્યાં છે. તમે ફુડકોર્ટ બનાવવા માગો છો તો પહેલાં ટ્રાફિક પોલીસ, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, ફુડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર, ગુમાસ્તા ધારા- તોલમાપના કર્મચારી, ફાયર સેફ્ટીના કર્મચારી, મ્યુનિસિપલ કમિશનરેટના કર્મચારી, વેટ કે જીએસટીના કર્મચારી, જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારી તેમજ સ્થાનિક સંસ્થાના માથાભારે શાસકને હપ્તા ભરી આપવા પડશે, ત્યારબાદ તમે બિઝનેસ કરી શકો છો. ભ્રષ્ટાચારથી ખદબદતી ઓફિસોમાં તમારે જામીન ઉપર છૂટ્યા હોય તેમ ફરજીયાત હાજરી આપવી પડે છે. તમારા બિઝનેસના સ્થળે જેમ જેમ વધારે ભીડ થશે તેમ તેમ તમારે છ મહિને હપ્તાની રકમમાં વધારો પણ કરવો પડે છે. અધિકારીઓને ખુશ કરવા તમારે તેમને વારંવાર મફતમાં ચા-પાણી-નાસ્તાની સુવિધા આપવાની રહે છે. આ એક કડવું સત્ય છે અને સરકાર તેને નજરઅંદાજ કરી રહી છે.

સરકાર ડીઝલને ભાવવધારામાંથી મુક્ત કરે...

સરકાર જો પેટ્રોલને લકઝરી આઇટમ ગણતું હોય તો ભલે તેના ભાવ વધે પરંતુ જીવન સાથે સંકળાયેલી ચીજ એ ડીઝલ છે. સરકારે ડીઝલના ભાવને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કરવો પડશે કારણ કે લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં તો પેટ્રોલિટમ પેદાશોના ભાવમાં એટલો મોટો ભડકો થવાનો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે, જેનાં ફળ ભાજપને 2019ની ચૂંટણીમાં ભોગવવાના રહેશે. સરકાર લોકો માટે કામ કરે છે તો ચૂંટણી સમયે જ પેટ્રોલિયમ પેદાશો પર કેમ એક્સાઇઝ ઘટાડે છે. ચૂંટણી પૂર્ણ થયા પછી ઘટાડેલી એક્સાઇઝ ફરી પાછી વધારી દે છે. લોકો વધુ સમજું થઇ ગયા છે તે શાસકોએ સમજી શકવાની જરૂર છે. સરકાર ડીઝલના ભાવમાં વધારો કરીને શું સિદ્ધ કરવા માગે છે સમજાતું નથી. એક સમય હતો ત્યારે પેટ્રોલનો ભાવ 40 રૂપિયા હતો ત્યારે ડીઝલ 25 રૂપિયે મળતું હતું. બન્ને ભાવ વચ્ચે 15 રૂપિયાનો ફરક હતો. આજે પેટ્રોલ 73 રૂપિયે છે તો ડીઝલ 70 રૂપિયે મળે છે. બે થી ત્રણ રૂપિયાનો ભાવ મધ્યમવર્ગને દઝાડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે પરિણામે સામાન્ય જનતા પરેશાન છે. બન્ને ચીજોના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ભાવફેર હોવો જોઇએ, કારણ કે ડીઝલ એ એસેન્સિયલ ચીજ છે.

ભારતનું યુવાધન વિદેશના સહારે છે...

ભારતના 5.70 લાખ સ્ટુડન્ટ્સ વિશ્વના 86 દેશોમાં અભ્યાસ કરીને ત્યાં જ નોકરી પસંદ કરી રહ્યાં છે. ભારત પ્રત્યે તેમને આદર છે પરંતુ તેઓ ભારત પાછા આવવા માગતા નથી, કારણ કે ભારતમાં તમને મળતા સેલેરીની સામે તેમને ત્યાં 10 થી 15 ગણો વધારે સેલેરી મળે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, જર્મની જેવા દેશોમાં વિદ્યાર્થીઓ જવાનું વધારે પસંદ કરે છે. એક લાખ જેટલા વિદ્યાર્થીઓ એશિયન કન્ટ્રીમાં અભ્યાસ માટે ગયેલા છે. ઓસ્ટ્રેલિયામાં 95000 સ્ટુડન્ટ્સ છે. યુરોપમાં 60000 અને નોર્થ અમેરિકામાં સૌથી વધુ 325000 સ્ટુડન્ટ્સ અભ્યાસના હેતુથી ગયેલા છે. સાઉથ અમેરિકામાં માત્ર 700 સ્ટુડન્ટ્સ છે. કેનેડા એ અમેરિકા પછીનો બીજો કન્ટ્રી છે કે જ્યાં ભારતીય સ્ટુડન્ટ્સને પસંદ છે. આ કન્ટ્રીમાં એક લાખથી વધારે સ્ટુડન્ટ્સ છે. ન્યૂઝીલેન્ડમાં 35000, બહેરીનમાં 30000, ચાઇનામાં 20000, યુકેમાં 17000, ફિલિપાઇન્સમાં 9000, યુક્રેઇનમાં 8000, નેપાલમાં 3000 અને ઓમાનમાં 3000 સ્ટુડન્ટ્સ ભણવા માટે ગયેલા છે. અમેરિકા અને કેનેડામાં ઉચ્ચ અભ્યાસ પછી જે તે વિદ્યાર્થી ત્યાં જ સેટ થઇને નોકરી મેળવી લેતા હોય છે. ભારત પરત આવવાની સંખ્યા ખૂબ ઓછી છે.

મજબૂત કારણ વિના ગાંધીનગર નહીં આવો...

ગુજરાત સરકારનો તાલુકા સરકારનો કન્સેપ્ટ ફેઇલ ગયો છે ત્યારે સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના આદેશ છે કે જિલ્લાકક્ષાના અધિકારીઓએ પરમિશન સિવાય ગાંધીનગરના સચિવાલયમાં આવવું નહીં. આ આદેશ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત અને ગ્રામીણ વિકાસને પણ લાગુ પડે છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ગાંધીનગર આવવું હોય રેવન્યુ અને પંચાયતના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા પ્રિન્સિપલ સેક્રેટરીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જો કે હવે વિડીયો કોન્ફરન્સ તેમજ વોટ્સઅપથી માહિતીની આપલે તેમજ કોમ્યુનિકેશન થતું હોઇ કારણવિના ગાંધીનગર આવવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. રાજ્યના મોટાભાગના વિભાગોમાં વોટ્સઅપ સિસ્ટમથી ફાઇલોની આપ-લે થતી હોય છે. મહિનામાં એક કે બે વાર વિડીયો કોન્ફરન્સ થાય છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોઇ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને ગાંધીનગરના ધક્કા ખાવાની જરૂર નથી તેવું વિભાગના ઉચ્ચ અધિકારીઓ માને છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:21 am IST)