Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

સરકારી મહેમાન

182 દિવસમાં મહાત્મા મંદિર, 240 દિવસમાં હોટલ, તો 365 દિવસમાં મેટ્રો રેલ કેમ નહીં!

ન્યૂઝ પોર્ટલમાં હવે કેન્દ્રના ધોરણે માહિતી ખાતું એડ સહાયની મંજૂરી આપશે : પાર્લામેન્ટ સેક્રટેરી ભૂલી જાવ, કેબિનેટનો વિસ્તાર અને સાહસોમાં નિયુક્તિ થશે : મિડીયાની નારાજગી દૂર કરવા સરકારને વધુ એક પ્રવક્તા મંત્રીની જરૂર છે

ગુજરાત સરકારની પહેલી પ્રાયોરિટી શહેરોની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાની હોવી જોઇએ. ખાસ કરીને અમદાવાદમાં વાહનોથી ભરચક બનેલા માર્ગો પર પ્રાઇવેટ વાહનોની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની આવશ્યકતા છે. ખાનગી વાહનોમાં સફર કરતા ગાંધીનગર અને અમદાવાદના મુસાફરોને મેટ્રોરેલની ખૂબ જરૂર છે પરંતુ કોણ જાણે આ પ્રોજેક્ટ મંથર ગતિએ ચાલી રહ્યો છે. ગાંધીનગરનું મહાત્મા મંદિર 182 દિવસમાં, પાટનગરનું રેલ્વેસ્ટેશન કમ ફાઇવસ્ટાર હોટલ 240 દિવસમાં, ગિફ્ટ સિટી 200 દિવસમાં અને સ્વર્ણિમ સંકુલ જો 300થી ઓછા દિવસમાં બની શકતું હોય તો અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ કેમ 365 દિવસમાં બની ન શકે તે આશ્ચર્યની બાબત છે. સરકાર ધારે તો બઘી મશીનરી કામે લગાડીને કોઇપણ પ્રોજેક્ટ છ મહિનાની અંદર પૂર્ણ કરી શકે છે કારણ કે હવે એવી ટેકનિક આવી ચૂકી છે પરંતુ અહીં તો ઇચ્છાશક્તિનો અભાવ છે. ગુજરાત તમામ મોરચે અગ્રેસર રહ્યું છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના પ્રોજેક્ટોમાં અત્યંત વિલંબ થઇ રહ્યો છે. અમદાવાદની બીઆરટીએસ ગાંધીનગર સુધી લંબાવવા માટે નરેન્દ્ર મોદીએ 2012માં જાહેરાત કરી હતી પરંતુ આ બીઆરટીએસ છ વર્ષ પછી પણ અમદાવાદના સાબરમતી થી આગળ વધી શકી નથી.

કેજરીવાલે જે સહન કર્યું તે રૂપાણી નહીં કરે...

ગુજરાતી કહેવત છે કે- જોઇતું હતું ને વૈદ્યે કહ્યું... મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં પાર્લામેન્ટરી સેક્રેટરીની નિયુક્તિ કરવાના મૂડમાં નથી. તેઓ તેમની કેબિનેટનો વિસ્તાર કરશે, બોર્ડ-કોર્પોરેશનમાં નિમણૂકો કરશે પરંતુ પાર્લામેન્ટ સેક્રેટરી નહીં બનાવે, કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહન કરી ચૂક્યાં છે. તેમની સરકારના 20થી વધુ ધારાસભ્યો ગેરલાયક ઠર્યા છે, જો કે કોર્ટે એ ધારાસભ્યોને રાહત આપી છે. રૂપાણી આ ભૂલ કરવા માગતા નથી. તેમણે 2017 પહેલાની સરકારમાં વાસણ આહીર, રણછોડ દેસાઇ, વિભાવરી દવે, ભરતસિંહ ડાભી, શામજી ચૌહાણ, જેઠાભાઇ સોલંકી, બાબુ જમના પટેલ, જ્યંતિ રાઠવા, પૂર્ણેશ મોદી, હિરાભાઇ સોલંકી અને પુનમ મકવાણાને પાર્લામેન્ટ સેક્રેટરી બનાવ્યા હતા. આ તમામ ધારાસભ્યો હતા. 2017 પછી રૂપાણી આવું કરવા માગતા નથી. સમય આવ્યે તેઓ કેબિનેટનો વિસ્તાર કરશે. ગુજરાત સરકારમાં આ પત્તુ કટ થઇ ગયું છે.

ગુજરાત સરકારમાં મોદીનો ડર રહ્યો નથી...

ગુજરાત સરકારમાં હવે નરેન્દ્ર મોદીનો ડર રહ્યો નથી. સચિવાલયના વિભાગો હોય કે પછી જિલ્લાનું વહીવટી તંત્ર હોય, ક્યાંય પણ હાઉ નથી, કેમ કે ઓફિસરો અને કર્મચારીઓ જાણે છે કે મોદી વડાપ્રધાન છે. તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી ક્યારેય બનવાના નથી. હા, પોલીસ અને આઇએએસ લોબીમાં હજી ભાજપના પાર્ટી પ્રેસિડેન્ટ અમિત શાહની ધાક છે. તેમના નામથી બ્યુરોક્રેસી ફફડી રહી છે. સચિવાલયમાં બાબુઓ એવું માને છે કે ગુજરાતનો હવાલો કેન્દ્રમાં અમિત શાહ પાસે છે તેઓ જ ગુજરાત સરકાર ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનું કોઇપણ ઇલેક્શન હોય, અમિત શાહ તેમાં દિલચસ્પી જરૂર રાખી રહ્યાં છે. 2014માં શરૂઆતમાં બ્યુરોક્રેસી મોદીથી ડરતી હતી. આ ડર એક વર્ષ ચાલ્યો પરંતુ ત્યારપછી મોદીનો કરિશ્મા સચિવાલયમાં ઓછો થતો ગયો છે. હા- જ્યારે મોદી ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે સરકારનું સમગ્ર વહીવટી તંત્ર મોદીમય બની જાય છે, એ બાબત અલગ છે પરંતુ તેમની ગેરહાજરીમાં કોઇ મોદીનું નામ દઇને કામ કરાવી શકતું નથી. ખાસ કરીને જિલ્લાના વહીવટી તંત્રને એવો કોઇ ડર રહ્યો નથી.

પોલીસમાં પ્રમોશન છે અને ટ્રાન્સફરો પણ છે...

ગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસરોની બદલીઓની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ તંત્રમાં પણ મોટોપાયે ફેરફાર કરવા જઇ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસની પણ તેઓ બદલી કરવાના મૂડમાં છે. બીજી તરફ લાંબા સમયથી પડતર રહેલી આઇપીએસ ઓફિસરોના પ્રમોશનની ફાઇલ પણ ક્લિયલ કરવાના મૂડમાં છે. ગુજરાતના નવા ડીજીપીએ તેમનો ચાર્જ સંભાળી લીધો છે. રાજ્યમાં 1993ની બેચના આઇપીએસ ઓફિસોરનું પ્રમોશન ડ્યું છે. આઇજી થી એજીજીપી રેન્કના પ્રમોશન અપાશે તો 2000ની બેચના જીઆઇજીના પ્રમોશન પણ કરવામાં આવી શકે છે. પોલીસ વડા શિવાનંદ ઝા આ પ્રમોશન અને ટ્રાન્સફરો માટે કી-રોલમાં છે. તેમણે મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી સાથે ચર્ચા કરીને આ બન્ને બાબતોને ટોપ પ્રાયોરિટી આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. દરમ્યાન, બે ભૂતપૂર્વ ડીજીપી ગીથા જોહરી અને પ્રમોદ કુમાર તેમના અનુભવના આધારે તેઓને રાજ્યમાં પોસ્ટીંગ મળી શકે છે.

ગુજરાતમાં ડિજીટલ મિડીયા રેક્નાઇઝ્ડ થશે...

ગુજરાતમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયામાં બરાબરની સ્પર્ધા કરી રહેલું ડિઝીટલ મિડીયા એટલે કે ન્યૂઝ પોર્ટલને કાયદેસરની માન્યતા પ્રદાન કરવા ગુજરાતનું માહિતી ખાતુ કેન્દ્રના ડીએવીપીની મદદ લઇ રહ્યું છે. કેન્દ્રએ ડિઝીટલ મિડીયાને એડવર્ટાઇઝમેન્ટ આપવા માટે પોલિસી બનાવી છે તેના અનુસંધાને ગુજરાત સરકાર નવી પોલિસી તો નહીં બનાવે પરંતુ કેન્દ્રની આ પોલિસીને અનુસરશે. માહિતીના અધિકારીએ આ બાબતની પુષ્ટી આપી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે નિયમબદ્ધ થયેલા ન્યૂઝ પોર્ટલને કેન્દ્રના ધોરણે ગુજરાતનું માહિતી ખાતું એડવર્ટાઇઝમેન્ટ આપશે. જો કે તેના માટે કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે જે તે મિડીયાએ તેમના ડોક્યુમેન્ટની પૂર્તતા કરવાની રહેશે. ત્રીજી દુનિયાના ડિઝીટલ મિડીયા માટે આ એક રાહતના સમાચાર છે.

વધુ એક પ્રવક્તા મંત્રીની જરૂર છે...

ગુજરાત સરકારમાં સૌથી બિઝી હોય તો તે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છે. તેમના વિભાગોની જવાબદારી તેમજ મુલાકાતીઓથી સતત ઘેરાયેલા રહેતા આ સિનિયર મંત્રી સરકારના પ્રવક્તા પણ છે. ગઇ સરકારમાં તેમની સાથે સૌરભ પટેલને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં બીજા પ્રવક્તા મંત્રીની જરૂર હોય તેમ લાગે છે, કારણ કે એકલા નિતીન પટેલ પહોંચી શકતા નથી. નિતીન પટેલની એક ખૂબી એ છે કે તેઓ થાકતા નથી. તેઓ હંમેશા એરર્જેટીક જોવા મળે છે, હા, તેઓ થોડાં ગુસ્સાવાળા છે તેથી કેટલાક મુલાકાતીને ધમકાવી નાંખતા હોય છે. આ વખતે સૌરભ પટેલ એકલા અટૂલા પડી ગયા છે. બીજા પ્રવક્તા માટે તેઓ ફીટ છે. એ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા અથવા તો કૌશિક પટેલને પણ પ્રવક્તા બનાવી શકાય છે. કેશુભાઇની સરકારમાં પ્રવક્તા તરીકે પહેલાં હરેન પંડ્યા હતા ત્યારબાદ જયનારાયણ વ્યાસ પ્રવક્તા બન્યા હતા. સ્વર્ગસ્થ અશોક ભટ્ટ તો એવરગ્રીન પ્રવક્તાની અદામાં જોવા મળતા હતા. રૂપાણી સરકારમાં બે પ્રવક્તા હોવા જોઇએ તેવું મિડીયાનું માનવું છે.

વિસ્તરણ ન કરો, બોર્ડ-નિગમ તો છે ને...

ભાજપના ધારાસભ્યો અને પાર્ટીના સિનિયર લિડર્સ કહે છે કે રૂપાણી સરકારને ભલે મંત્રીમંડળનું વિસ્તરણ ન કરવું હોય, કેજરીવાલના એપિસોડ પછી ભલે સંસદીય સચિવોની નિયુક્તિ ન થાય પરંતુ બોર્ડ-કોર્પોરેશનમાં નિયુક્તિ તો થઇ શકે છે. ગુજરાતના મુખ્ય કહી શકાય તેવા 22 બોર્ડ-કોર્પોરેશન છે જેમાં ચેરમેન અને ડિરેક્ટરોની નિયુક્તિ થઇ શકે છે. હાલ જીઆઇડીસીમાં બલવંતસિંહ રાજપૂતને ચેરમેન બનાવવામાં આવેલા છે. એ સાથે બે કે ચાર સાહસોમાં નિયુક્તિ થયેલી છે. ગઇ સરકારમાં જે જગ્યાઓ પર ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમની અવધિ પૂર્ણ થઇ ચૂકી છે, જેમ કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં મહેન્દ્ર ત્રિવેદી ચેરમેન હતા પરંતુ અત્યારે આ સ્થાન ખાલી પડેલું છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં આ નિયુક્તિ પૂર્ણ કરી દેવી જોઇએ. જો કે સચિવાલયના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના છે પરંતુ તે અંગેનો ચોક્કસ સમય નિશ્ચિત નથી. વિસ્તરણ કરવાની ડેડલાઇન નવેમ્બર અથવા તો ડિસેમ્બર છે, કેમ કે જાન્યુઆરી થી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થવાની છે.

ફેસબુકનો ફટકો, ભાજપ-કોંગ્રેસ પરેશાન...

ડેટા લીક થયા પછી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે તેની છબી બચાવવા રાજકીય સેક્ટરમાં ભૂકંપ સર્જ્યો છે. ફેસબુકમાં હવે કોઇપણ જાહેરાત વેરીફિકેશન વિના આપી શકાશે નહીં. ઝુકરબર્ગે ખુદ કહ્યુ છે કે અમેરિક, મેક્સિકો, બ્રાઝીલ, ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ દેશોમાં સકારાત્મક માહોલ સર્જાય તેવા અમારા પ્રયાસ રહેશે. કોઇ પણ એડ કંપની રાજકીય જાહેરાત આપવા ઇચ્છે તો તેણે વેરીફેકેશન કરાવવુ પડશે અને તેના માટે કંપનીએ પોતાનુ લોકેશન અને ઓળખની ખરાઇ કરાવવી પડશે. આ સાથે રાજકીય જાહેરાતોના નાણાં આપનાર સંસ્થાનુ નામ પણ પોસ્ટ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલાં ફેસબુકની આ જાહેરાતથી ભારતની રાજકીય પાર્ટીઓને ફટકો પડ્યો છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસને વધારે નુકશાન થશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:50 am IST)