Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

'સિંધુડો'ના ૮૮માં પ્રાગટય દિન અને ઘોલેરા સત્યાગ્રહની ૮૮મી જયંતિ અવસરે શુક્રવારે રાણપુરમાં ગુંજશે મેઘાણી ગીતો

રાજકોટ તા. ૪ : રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે મેઘાણી-ગીતો ગુંજશે. જીવનનાં ૨૩-૨૩ વર્ષ સુધી સંનિષ્ઠ અને નીડર પત્રકાર તરીકે કાર્યરત રહેનાર ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા દરરોજ આવ-જા કરતા.  સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્ત્।ે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ 'સિંધુડો'૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ 'ધોલેરા સત્યાગ્રહ'નાં અવસરે પ્રસિદ્ઘ થયો હતો. 'સિંધુડો'નાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળદેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારે ગભરાઈને તેને ત્યારે જપ્ત કર્યો હતો. 'સિંધુડો'નો ૮૮માં પ્રાગટ્ય દિન તથા 'ધોલેરા સત્યાગ્રહ'ની ૮૮મી જયંતી અવસરે ૬ એપ્રિલ ૨૦૧૮ ને શુક્રવારે — રાત્રે ૯ કલાકે — રાણપુર (સુમનભાઈ ચૌહાણનો પ્લોટ, સ્ટેશન રોડ, વઢવાણા કોમ્પલેકસની સામે) ખાતે 'કસુંબીનો રંગ' (કસુંબલ લોકડાયરો) સ્વરાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે. 'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી તથા 'સૌરાષ્ટ્રના સિંહ' અમૃતલાલ શેઠની ૧૨૫ની જન્મજયંતી વર્ષ હાલ ચાલી રહ્યું હોવાથી આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી અગ્રગણ્ય સંસ્થાઓ : 'સૌરાષ્ટ્રના સિંહ'સ્વ. અમૃતલાલ દલપતભાઈ શેઠ પરિવાર (જતીનભાઈ એમ. શેઠ), આજીવન સમાજસેવિકા સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવાર (ડો. અમિતાબેન શાહ-અવસ્થી, ડો. અક્ષયભાઈ શાહ), સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ – રાજકોટ (દેવેન્દ્રભાઈ દેસાઈ), ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ – રાણપુર (ગોવિંદસંગભાઈ ડી. ડાભી), ટેક્ષસ્પીન બેરીંગ્સ લીમીટેડ - રાણપુર (ભુપેન્દ્રભાઈ સી. મકવાણા), સ્વ. ધરમચંદ નાગરદાસ શેઠ પરિવાર (કિશોરભાઈ ડી. શેઠ), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - રાણપુર (નરેન્દ્રભાઈ બી. દવે), રાણપુર અર્બન કેશ ક્રેડીટ સોસાયટી – રાણપુર (મનીષભાઈ વી. ખટાણા), સ્વામી વિવેકાનંદ કેશ ક્રેડીટ સોસાયટી – રાણપુર (ઘનશ્યામભાઈ વી. સાવધરીયા), રાણપુર ગૃપ સેવા સહકારી મંડળી - રાણપુર (સદરૂદ્દીનભાઈ એમ. નરસીદાણી)ના લાગણીભર્યા સહયોગથી આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું છે. બોટાદ જિલ્લા પોલીસ ઉપરાંત સિધ્ધરાજભાઈ જીવાભાઈ રબારી પરિવાર, રાણપુર ગ્રામ પંચાયત (સરપંચ અબ્બાસભાઈ ખલાણી), એલ. સી. વઢવાણા પરિવાર, સુમનભાઈ જીવાભાઈ ચૌહાણ પરિવાર, મુનીમભાઈ વડીયાનો પણ સહકાર પ્રાપ્ત થયો છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. જાણીતા લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી પણ રજૂ થશે. 'સિંધુડો'માંથી ચૂંટેલાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો આ પ્રસંગે ખાસ અંજલિરૂપે રજૂ થશે. 'મેઘાણી વંદના'કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), ગોવિંદસંગભાઈ ડાભી (૯૮૨૫૪૧૧૫૬૯), નરેન્દ્રભાઈ દવે (૯૮૨૫૨૦૬૬૫૩)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.

નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, નારી સશકિતકરણ, ગાંધી વિચાર, ખાદી પ્રસાર, ગ્રામીણ વિકાસ, વ્યસનમુકિતની પ્રેરણા આપવા માટે સાંજે ૬ વાગે પદ-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારનું 'ફૂલછાબ'કાર્યાલય (હાલની એ. ડી. શેઠ હોસ્પીટલ)થી આરંભ થઈ રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ મેઘાણી-પ્રતિમા પાસે પૂર્ણાહૂતિ થશે. પોલીસ વિભાગ દ્વારા મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. તે સમયે 'ફૂલછાબ'કાર્યાલયમાં આવેલ જે ઐતિહાસિક લીંબડા નીચે બેસીને ઝવેરચંદ મેઘાણી લખતા તેને સ્વ. અમૃતલાલ શેઠ પરિવાર દ્વારા સ્મૃતિરૂપે સાચવી રખાયો છે.  સ્વાતંત્ર્ય-સંગ્રામ અને ખાદી-રચનાત્મક પ્રવૃત્ત્િ।ઓ એકબીજાની પૂરક હતી. સત્યાગ્રહીનો પોષાક પણ ખાદીનો જ રહેતો. આજે પણ ભારતભરમાં સેંકડો પરિવાર ખાદી-રચનાત્મક પ્રવૃત્ત્િ।ઓ થકી રોજગાર મેળવે છે. આથી આ દિવસે વધુમાં વધુ ખાદીની ખરીદી કરવા દેવેન્દ્રભાઈ દેસાઈ, ગોવિંદસંગભાઈ ડાભી અને પિનાકી મેઘાણીની અપીલ છે.  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે.

'સિંધુડો'અને 'ધોલેરા સત્યાગ્રહ'નાં સંભારણાં

૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક 'દાંડી યાત્રા' શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ 'સૌરાષ્ટ્રના સિંહ'તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં. 

'ધોલેરા સત્યાગ્રહ'ના અગ્રણી સેનાનીઓ હતા : બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ 'સુશીલ', જગજીવનદાસ મહેતા, રસિકલાલ પરીખ, કકલભાઈ કોઠારી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા 'સોપાન', રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી 'દર્શક', કનુભાઈ લહેરી, મનુભાઈ જોધાણી, મનુભાઈ બક્ષી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, રતુભાઈ કોઠારી, કાંતિલાલ શાહ, વૈદ્ય બાલકૃષ્ણભાઈ દવે. બહેનોનું સુકાન સંભાળેલું : દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, ચંચળબેન દવે, સવિતાબેન ત્રિવેદી, સુમિત્રાબેન ભટ્ટે.

'ધોલેરા સત્યાગ્રહ'માં રાણપુર અતિ મહત્ત્વની છાવણી હતી. સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ સત્યાગ્રહમાં ભાગ લેવા ટ્રેન દ્વારા રાણપુર ઊમટી રહ્યાં હતાં ત્યારે ટ્રેન રાણપુર સ્ટેશને થોભે જ નહિ તેવી બ્રિટિશ સરકારે રેલ્વે વિભાગને સૂચના આપી હતી. આથી સત્યાગ્રહીઓએ આગલે સ્ટેશને ઉતરીને એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં મીઠાની થેલી રાખીને રાણપુર તરફ કૂચ કરતાં. બ્રિટિશ પોલીસના ભારે દમન વચ્ચે પણ હિમંત હાર્યા નહિ. રાણપુરનાં ગ્રામજનોને બ્રિટિશ પોલીસ રંજાડે નહિ તે આશયથી કોઈનાં ઘરને બદલે નદીનાં પટમાં અને સ્મશાનમાં સત્યાગ્રહીઓએ આશરો લીધો. રાણપુર સ્મશાનની છાપરી 'સત્યાગ્રહી છાવણી'તરીકે ઓળખાઈ. ઘર-ઘરમાંથી રોટલા ઉઘરાવીને તથા માટલામાં શાક-દાળ-ભાત ભરીને ગામની બહેનો પણ બ્રિટિશ પોલીસનો ડર રાખ્યા વગર નિર્ભયતાપૂર્વક સત્યાગ્રહીઓને ભોજન પહોંચાડતી. આ રોટીને 'આઝાદ રોટી'નું નામ અપાયું હતું.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(9:46 am IST)