Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સરકારી મહેમાન

મિશન સ્‍ટાર્ટઅપમાં ઇનોવેશન, બિઝનેસ મોડલ અને ઇન્‍ટયુશન ના હોય તો આ માર્ગે જશો નહીં

આપણે તો જાહેરાત કરી છે પણ મહારાષ્‍ટ્ર સરકારે તો નવા વર્ષે અમલ કરી દીધોઃ પ્રગતિશીલ છબીમાં જ્‍યાં રૂકાવટ આવે છે તેને દૂર કરાશે તો સ્‍પર્ધામાં ટકી શકાશેઃ બહું થયું... ઓફિસરોની બદલીઓ કરો, જેને વિદેશ ટૂર કરવી હોય તેને કરવા દો

ભારતમાં દર વર્ષે એવરેજ ૮૦૦ સ્‍ટાર્ટઅપ કંપનીઓ સ્‍થપાઇ રહી છે પરંતુ ઇનોવેશનના અભાવે મોટાભાગના સ્‍ટાર્ટઅપ ફેઇલ થઇ જાય છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં ૧૫૦૦ થી વધુ સ્‍ટાર્ટઅપ શરૂ થઇને બંધ થઇ ગયા છે. કેન્‍દ્રની મોદી સરકારનો દાવો છે કે ૨૦૨૦ સુધીમાં ભારતમાં ૧૧૫૦૦ સ્‍ટાર્ટઅપ બિઝનેશ શરૂ થયેલા હશે અને તેમાં ૨,૫૦૦,૦૦ને નોકરી મળી હશે. હાલ તો સ્‍ટાર્ટઅપની કંપનીઓ ૫૦૦૦ સુધી પણ પહોંચી શકી નથી. નિષ્‍ણાંતો કહે છે કે ઇનોવેશન નહીં હોય તો સ્‍ટાર્ટઅપ બિઝનેશ ચાલી શકશે નહીં. મોદી સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ ગુજરાતમાં આવીને બહું સારી વાત કહી છે. તેમણે કહ્યું છે કે- ‘જો કોઈ સ્‍ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ(અવકાશ) ક્‍યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ.' તેમણે કહ્યું છે કે શરૂ થનારા દરેક સ્‍ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્‍ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. અંતઃપ્રેરણા (Intuition) એ જીવનની અત્‍યંત મહત્‍વની બાબત છે. પોતાની અંતઃકરણથી આવતા વિચારો પર વિશ્વાસ ન કરે એ વ્‍યક્‍તિ સફળ થઇ શકતો નથી. આ માટે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમણે સલાહ આપી હતી કે તમારી આંખો ખુલ્લી રાખો, બરાબર વિચારો અને બજારમાં રહેલા એ ગેપને શોધી કાઢો તથા એ ગેપને પૂરો કરવા માટે વેપાર મોડલ તૈયાર કરો.

ગુજરાતી કરતાં મરાઠી લોકો કેમ આગળ છે

ગુજરાતને પ્‍લાસ્‍ટીક ફ્રી અને ટોબેકો ફ્રી બનાવવાની જાહેરાત સરકારે રાજયના સ્‍થાપના દિન ૧લી મે ના રોજ કરી હતી પરંતુ આજદિન સુધી આ દિવસ આવ્‍યો નથી. જાહેરાત તો સારી છે પરંતુ તેનો અમલ કરવા માટે સરકાર પાસે મેનપાવર નથી. કોઇ વ્‍યક્‍તિ જાહેરમાં સિગારેટ પીવે છે તેને દંડનારની સત્તા વહેંચાયેલી નથી. પોલીસને આ કામ કરવું નથી, કારણ કે ખુદ પોલીસ આ ચૂંગાલમાં ફસાયેલી છે. પ્‍લાસ્‍ટીક ફ્રી ની આપણે વાતો કરીએ છીએ ત્‍યારે શું આપણે કાપડની થેલી લઇને શાકભાજી લેવા જઇએ છીએ. કરિયાણાની દુકાને પણ આપણે કોથળી માગીએ છીએ. ભલું થજો મહારાષ્ટ્રીય જનતાનું કે નવા વર્ષ- ગુડી પડવા ના દિવસે આખું મહારાષ્ટ્ર પ્‍લાસ્‍ટીક ફ્રી ઝોનમાં ફેરવાઇ ગયું છે. સરકારને તેનો અમલ કરતાં નાકે દમ આવી ગયો છે, કારણ કે પ્‍લાસ્‍ટીકના મેન્‍યુફેક્‍ચરર્સે આખા રાજયમાં સરકારના નિર્ણયનો વિરોધ અને પ્રદર્શનો કર્યા છે, તેમ છતાં મહારાષ્ટ્રની ભાજપ સરકાર મક્કમ છે. ગુજરાતની સરકાર મક્કમ હોવાની વાત તો દૂર રહી, સચિવાલયના પાર્કિંગ અને સેનિટેશન સિસ્‍ટમમાંથી પણ પ્‍લાસ્‍ટીક અને તમાકુનો કચરો દૂર કરાવી શકતી નથી. કહેવાની ઇચ્‍છા થાય કે- નિર્ણય લેવાની આપણામાં કેપેસિટી હોય તો, તેનો કડક અમલ કરાવવાની આપણી પાસે હિંમત હોવી જોઇએ.

એડિશનલ ચાર્જની ફેશન બંધ થવાની નથી...

ગુજરાતના મહત્‍વના વિભાગો વધારાના હવાલા સાથે કામ કરી રહ્યાં છે ત્‍યારે બે જગ્‍યાએ કામ કરતા ઓફિસરો એકપણ વિભાગને સરખો ન્‍યાય આપી શકતા નથી. હમણાં જ નાણા વિભાગના અધિક મુખ્‍ય સચિવ અનિલ મુકીમ ડેપ્‍યુટેશન પર દિલ્‍હી ગયા છે ત્‍યારે તેમની જગ્‍યાનો વધારાનો હવાલો ફોરેસ્‍ટ અને એનવાયર્નમેન્‍ટ વિભાગના અધિક મુખ્‍ય સચિવ અરવિંદ અગ્રવાલને સોંપવામાં આવ્‍યો છે. આ પહેલાં પ્રિન્‍સિપલ સેક્રેટરી એમ.કે.દાસ કે જેઓ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિભાગનો હવાલો સંભાળે છે. તેમને મુખ્‍યમંત્રીના પ્રિન્‍સિપલ સેક્રેટરી બનાવવામાં આવેલા છે. આવી સાત મોટી જગ્‍યાઓ છે કે જયાં વધારાના હવાલાથી વિભાગો ચાલે છે. વિભાગોમાં ૧૨થી વધુ ઉચ્‍ચ ઓફિસરો એવા છે કે જેમને એક જગ્‍યાએ ત્રણ કે તેથી વધુ વર્ષ થયા છે. ગુજરાતના ૨૦ આઇએએસ ઓફિસરો ડેપ્‍યુટેશન પર ગયેલા છે. આ સંજોગોમાં હવે વિધાનસભાની સત્ર સમાપ્તિ બાદ સચિવાલયમાં મોટાપાયે ફેરફારો નિશ્ચિત બન્‍યા છે.

રૂપાણી સરકારની પ્રગતિશીલતા ક્‍યારે શરૂ થશે...

સચિવાલયની સ્‍થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે રૂપાણી સરકાર ફાસ્‍ટટ્રેક મોડમાં નથી. મોદી સરકારની અધુરી યોજનાઓ હજી લંબાતી જાય છે. સરકારે બજેટમાં નવી યોજનાઓમાં મોટો કાપ મૂક્‍યો છે. વિભાગોના બજેટને કાપી નાંખવામાં આવ્‍યા છે. કેટલીક યોજનાઓના ચોક્કસ પરિણામ આવતા નથી જેમ કે મોદીના ડ્રીમ પ્રોજેક્‍ટ કલ્‍પસર યોજનામાં કોઇ ખાસ પ્રગતિ નથી. બાર શહેરોને સિસ્‍ટર સિટી બનાવવાના કન્‍સેપ્‍ટ પર હજી નક્કર કામગીરી થઇ નથી. તાલુકા સરકારમાં લોકોનો અવાજ દબાઇ ગયો છે. રાઇટ ટુ ઇન્‍ફર્મેશન અને રાઇટ ટુ એજયુકેશન માત્ર કાગળ પરના વાઘ સાબિત થયા છે. ટુરિઝમની મિલકતોના નિકાલ માટે દસ વર્ષમાં દસ પ્રયાસો થયા છે પણ તેમાં નિષ્‍ફળતા મળી છે. પોલીસ અને જનતા મિત્ર બની શક્‍યા નથી. કર્મયોગી તાલીમનો હવે અર્થ રહ્યો નથી. વિભાગોના ભ્રષ્ટાચારમાં નિયંત્રણો આવ્‍યા નથી. ગુજરાતમાં આજેપણ ભેળસેળ યુક્‍ત ખોરાક મળે છે. કિસાનોને એમએસપી મળતી નથી. યુવાનોને રોજગારી નસીબ નથી. SEZ અને SIRમાં કાર્યવાહી સ્‍થગિત છે. ગુજરાતની જનતા ૭૨ રૂપિયે લિટર પેટ્રોલ મેળવે છે. ડિજીટલ યુગ અને કેશલેસ વહીવટ ચાલતો નથી. સરકારમાં મોદીના ટેન્‍યોર સમયે બનાવવામાં આવેલી અને સતત અપડેટ રહેતી સરકારની ૧૭૫ પૈકી ૧૦૦ વેબસાઇટ ઓફલાઇન થઇ ચૂકી છે. આમ છતાં કહેવાય છે પ્રગતિશીલ ગુજરાત...

ગુજરાતની વીજળીના ખરીદારો ઓછા કેમ થયા!

ગુજરાતમાં સરપ્‍લસ વીજળીનાદાવા કરતી ગુજરાત સરકાર હવે અન્‍ય રાજયોને વધારાની વીજળી વેચી શકતી નથી. છેલ્લા બે વર્ષમાં સરકારે માત્ર બે રાજયોને વીજળી આપી છે, જે અગાઉના વર્ષોમાં ગુજરાત એકસાથે નવ રાજયોને વીજળી આપતું હતું. ગુજરાતમાં ઉત્‍પાદિત થતી વીજળી માંગ પ્રમાણે સરપ્‍લસ રહે છે તેવા દાવા છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રાઇવેટ પ્‍લેયરોએ વીજ ઉત્‍પાદન વધાર્યું છે જેનો સીધો લાભ ગુજરાત સરકારને થયો છે પરંતુ તે મોંઘાભાવની વીજળી ખરીદે છે. પ્રાઇવેટ વીજળી અને એનટીપીસીની વીજળીને બાદ કરતાં ગુજરાત સ્‍થિત પાવર પ્‍લાન્‍ટમાં ઉત્‍પાદનનો રેશિયો અત્‍યંત ધીમો રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ૨૦૧૬માં સરકારે છત્તીસગઠને ૨.૩૫ રૂપિયા યુનિટના ભાવે ૨૫.૯૬ મિલિયન યુનિટ અને ઉત્તરપ્રદેશને ૨.૬૦ રૂપિયાના ભાવે ૪.૪૪ મિલિયન યુનિટ વીજળી વેચી છે. ૨૦૧૭માં સરકારે ૬૩૫ મિલિયન યુનિટ વીજળી ૩.૦૨ રૂપિયાના ભાવે પાવર એક્‍સચેન્‍જ થકી વેચી છે. પાવર એક્‍સચેન્‍જ થકી વીજળી ખરીદનારા અનેક ગ્રાહકો હોય છે જે અન્‍ય રાજયોને આપી શકે છે.

બજેટ સત્ર પછી વિદેશ પ્રવાસની મોસમ

ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્‍યારે બદલીઓની સાથે ઓફિસરોની વિદેશ યાત્રા પર બ્રેક લાગેલી છે. આ સત્ર આ મહિનાના અંતમાં જયારે પૂર્ણ થશે ત્‍યારે સરકારના કેટલાક ઓફિસરોની પેન્‍ડિંગ ફોરેન ટુરને સૌ પ્રથમ લીલીઝંડી આપવામાં આવી શકે છે. રાજયના સામાન્‍ય વહીવટ વિભાગના આદેશ પ્રમાણે જયાં સુધી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્‍યાં સુધી ઓફિસરોના વિદેશ પ્રવાસ પર નિયંત્રણ છે. વિદેશ ટ્રીપમાં જવા માગતા ઓફિસરોમાં જીએસએફસીના મેનેજીંગ ડિરેક્‍ટર આનંદ મોહન તિવારી, મુખ્‍યમંત્રીના પ્રિન્‍સિપલ સેક્રેટરી મનોજ કુમાર દાસ, ગુજરાત મિનિરલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન- જીએમડીસીના મેનેજીંગ ડિરેક્‍ટર અરૂણ સોલંકી અને જીયોલોજી એન્‍ડ માઇન્‍સના રૂપવંતસિંહનો સમાવેશ થાય છે. હાલના શિડ્‍યુઅલ પ્રમાણે ૨૮જ્રાક માર્ચે બજેટ સત્ર પૂર્ણ થાય છે. આ સત્ર પછી બદલીઓ અને વિદેશ પ્રવાસને માન્‍યતા આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

ખેડૂતો દેવાદાર હશે તો આપણે સુખી નહીં થઇએ

ભારતમાં મહારાષ્ટ્ર રાજયના ખેડૂતોએ મહાનગર મુંબઇમાં લાલકૂચ કરીને રાજકારણીઓને નાની યાદ કરાવી દીધી છે. એક સર્વેના આંકડા પ્રમાણે આંધ્રપ્રદેશના સૌથી વધુ ૯૨.૯ ટકા ખેડૂતો દેવાદાર છે જયારે તેલંગાણાના ૮૯.૧ ટકા ખેડૂતોએ લોન લઇને દેવાં કર્યા છે. પંજાબમાં આ આંકડો ૫૩.૨ ટકા છે. સૌથી ઓછું દેવું કર્યું હોય તેવા માત્ર ૨.૪ ટકા ખેડૂતો મેઘાલયના છે. ગુજરાતના ૪૨.૬ ટકા ખેડૂતોએ બેન્‍ક લોન લઇને દેવાં કર્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી. આજે ટાંમેટાં એક રૂપિયે કિલો વેચાય છે. સ્‍વામિનાથન સમિતિની ભલામણો હોવા છતાં ખેડૂતોને સરકાર વળતર આપી શકતી નથી. દેશના અન્‍ય રાજયોમાં જોઇએ તો કેરળમાં ૭૭.૭ ટકા, કર્ણાટકમાં ૭૭.૩ ટકા, ઓડિસામાં ૫૭.૫ ટકા, રાજસ્‍થાનમાં ૬૧.૮ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૦.૮ ટકા, મધ્‍યપ્રદેશમાં ૪૩.૮ ટકા, બિહારમાં ૪૨.૫ ટકા, બંગાળમાં ૫૧.૫ ટકા, હરિયાણામાં ૪૨.૩ ટકા, છત્તીસગઢમાં ૩૭.૨ ટકા તેમજ ઝારખંડમાં ૨૮.૯ ટકા ખેડૂતો દેવાદાર છે.મણિપુર જેવા નાના રાજયમાં પણ ૨૩.૯ ટકા, ત્રિપુરામાં ૨૨.૯ ટકા, અરૂણાચલમાં ૧૯.૧ ટકા, સિક્કીમમાં ૧૪.૪ ટકા, નાગાલેન્‍ડમાં ૨.૫ ટકા અને મિઝોરમમાં ૬.૨ ટકા ખેડૂતો દેવાદાર છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:20 am IST)