Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બોટાદમાં ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિએ લોકડાયરો

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિએ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે શ્નમેઘાણી વંદનાલૃ (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું. ૧૦૦૦૦ની વિશાળ માનવી મેદનીએ મોડી રાત સુધી કાર્યક્ર્મને રસપૂર્વક માણ્યો. યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી. 

પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, બોટાદ એપીએમસી ચેરમેન ડી. એમ. પટેલ અને વાઈસ-ચેરમેન જોરૂભાઈ ધાધલ, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મનહરભાઈ માતરીયા, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, એલસીબી પીઆઈ એચ. આર. ગોસ્વામી, બોટાદ પીઆઈ જે. એમ. સોલંકી, એલઆઈબી પીઆઈ યુ. બી. ધાખડા, એસઓજી પીઆઈ (ઈન્ચાર્જ) એસ. એન. રામાણી, ગઢડા પીએસઆઈ આર. બી. કરમટીયા, ઢસા પીએસઆઈ એ. પી. સલૈયા, પીએસઆઈ સગર, ટ્રાફીક પીએસઆઈ દેસાઈ તથા પોલીસ પરિવાર, અગ્રણીઓ વિનુભાઈ સોની, રેખાબેન ડુંગરાણી, ભીખુભા વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, અશોકભાઈ લકુમ, હરેશભાઈ ધાધલ, બાપુભાઈ ધાધલ, ધર્મેન્દ્રભાઈ વડોદરિયા, કનુભાઈ ધાધલ, હુસેનભાઈ શ્યામ, કિશનભાઈ મહેતા, સામતભાઈ જેબલિયા, બાબભાઈ ખાચર (સાળંગપુર), જયેશભાઈ ખંધાર (મુંબઈ), વિનોદભાઈ મિ સ્ત્રી (ભરૂચ) સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, નગરજનો અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુકલાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર-વાર્તાકાર ગોપાલ બારોટે ઝવેરચંદ મેઘાણીના જીવન-સાહિત્ય વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહ રાઠોડે કાર્યક્ર્મનો શુભારંભ કર્યો. વિશ્વ મહિલા દિનના અવસરે અભેસિંહભાઈએ લોકપ્રિય કાવ્ય ચારણ-કન્યા રજૂ કરીને નારીશકિતની વંદના કરી. મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, દરિયો ડોલે રે માઝમ રાતનો, બાઈ એક ત્રાજવડાં ત્રોફણહારી આવી જેવાં અમર મેઘાણી-ગીતોની હ્રદયસ્પર્શી રજૂઆત કરીને અભેસિંહભાઈએ સહુને ડોલાવી દીધા. રઢિયાળી રાતમાંથી બાર બાર વરસે નવ્વાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર તથા વેરણ-ચાકરીનાં આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, આવડાં મંદિરમાં, માડી હું બાર બાર વરસે આવિયો તથા સોરઠી સંતવાણીમાંથી જેસલ-તોરલનાં ભજનોની રજૂઆત પણ કરી. દમયંતીબેન બરડાઈએ હું દરિયાની માછલી, કાળી કૂતરીને આવ્યાં ગલુડિયાં જેવાં મેઘાણી-ગીતો, લોકગીત સામે કાંઠે વેલડાં તથા ગંગાસતીનાં ભજનોની ઝમકદાર રજૂઆત કરી. રાધાબેન વ્યાસે કાન તારી મોરલી તથા નીલેશ પંડ્યાએ સવા બશેરનું મારું દાતરડું, વા વાયાને વાદળ ઊમટ્યાં જેવાં સદાબહાર લોકગીતો રજૂ કર્યાં. ભજનિક નવનીત શુકલાએ જીયો વણઝારા અને પૂરવ જનમની પ્રીત્યુ જેવી પ્રાચીન સંતવાણી રજૂ કરીને સહુને ભાવવિભોર બનાવી દીધા. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત કસુંબીનો રંગ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), ઈશાક (બેન્જો), ચંદુ પરમાર - જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો.

વિશ્વભરમાં વસતાં ૯૭૦૦૦ જેટલાં ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. eevents.tv અને ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના જોય શાહ, મયુર કળથિયા અને સાથીઓએ પ્રસારણ માટે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને ૭૧મી પુણ્યતિથિ અવસરે ભાવાંજલિ અર્પણ કરી છે તથા મેઘાણી વંદના કાર્યક્ર્મ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેઘાણીને લખ્યો છે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લખે છે : 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને એમની ચિરકાલિન કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખ છે. સ્મરણ માત્ર વંદનીય ન રહી, સમાજ અને નવી પેઢી માટે માર્ગદર્શક અને ઉપયોગી બની રહે તે દિશામાં થતાં આપના તમામ પ્રયત્નોને વધાવું છું.'

નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત આઠમા વર્ષે આ પ્રેરક આયોજન થયું હતું.  ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન બોય' તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આ કાર્યક્રમ માટે બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર તથા સમગ્ર બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (ચેરમેન ડી. એમ. પટેલ, વાઈસ-ચેરમેન જોરૂભાઈ ધાધલ), બોટાદ નગરપાલિકા (પ્રમુખ બીનાબેન મહેતા, ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકી) તથા બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. (ચેરમેન મનહરભાઈ માતરીયા)નો પણ સહકાર મળ્યો હતો. બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનો સતત લાગણીભર્યો સહયોગ રહ્યો છે. સાઉન્ડ સીસ્ટમ અશોક સાઉન્ડ તથા સ્ટેજ, બેઠક, લાઈટીંગ, વગેરેની વ્યવસ્થા મંગલમ મંડપ સર્વીસે કરી હતી. સાહિત્ય-પ્રેમી ઉદ્ઘોષક કિશનભાઈ મહેતાએ રીક્ષા દ્વારા નગરમાં કાર્યક્ર્મનો લાગણીથી પ્રચાર-પ્રસાર કર્યો હતો.

કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર ખાતે મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી. પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, લોકગાયક અભેસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, પીઆઈ એચ. આર. ગોસ્વામી, જે. એમ. સોલંકી અને એસ. એન. રામાણી, મનહરભાઈ માતરીયા, રેખાબેન ડુંગરાણી, ભીખુભા વાઘેલા, અશોકભાઈ લકુમ, હરેશભાઈ ધાધલ, કિરીટભાઈ પાટીવાળા, ધુળાભાઈ મેર, સામતભાઈ જેબલીયા સમેત મોટી સંખ્યામાં ભાવિકોએ બોટાદ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જયારે રાણપુર ખાતે પુષ્પાંજલિમાં પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, પીઆઈ એસ. એન. રામાણી, એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, ડો. ધરાબેન ત્રિવેદી, કનકબેન છાપરા, જગદીશભાઈ દલવાડી, વિરમભાઈ સીતાપરા, બાબુભાઈ મેર, બાપલભાઈ પાયક, યોગેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ રહી હતી હતી.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(1:59 pm IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST