Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સરકારી મહેમાન

ન્યૂ ઇન્ડિયામાં કોંગ્રેસ એક પછી એક સ્ટેટ ગુમાવે છે કારણ કે તેની પાસે મોદી નથી

ઇન્દિરા યુગને સમાપ્ત, મોદી શાસનના ચાર વર્ષમાં 21 રાજ્યો કેસરી બની ગયા : ગુજરાતનું વહીવટી તંત્ર ચાલી શકે તેટલા સિનિયર ઓફિસરો તો હવે રહેવા દો : ટામેટો, ઓનિયન, પોટેટો ફોર્મ્યુલા કર્ણાટક માટે ઠીક, ગુજરાત માટે આફતરૂપ છે

ન્યૂ ઇન્ડિયાના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. મોદીની એક ખૂબી એ છે કે તેઓ કોઇપણ ચૂંટણી આવે, દોઢ-બે વર્ષ પહેલાં જ તેની તૈયારી કરી દેતાં હોય છે તેથી તેઓ સફળ થાય છે, જ્યારે કોંગ્રેસ ચૂંટણીની તારીખ પહેલાના બે મહિના પહેલાં તૈયારી કરે છે તેથી તેને પછડાટ મળે છે. મોદીનું ચૂંટણી ગણિત કોંગ્રેસ ક્યારેય સમજી શકી નથી. ગુજરાતમાં 2002માં મોદીએ સંપૂર્ણ સત્તા મેળવી ત્યારે કોંગ્રેસને એમ હતું કે 2007માં જોઇ લઇશું પરંતુ મોદીએ 2007ની ચૂંટણી તૈયારી 2005માં કરી દીધી હતી. મોદીએ 2019ની ચૂંટણીની અડધી તૈયારી પૂર્ણ કરી છે. સવાલ એ થાય છે કે મોદીને નવા નવા રાજ્યોમાં સત્તા મળે છે પરંતુ જ્યાં સત્તા છે ત્યાં સત્તા સરકતી જાય છે. ગુજરાતમાં 150 પ્લસના મિશન સામે માત્ર 99માં ભાજપ સિમિત રહી ગઇ છે. 2018માં હવે કર્ણાટક અને મિઝોરમમાં ચૂંટણી છે, જ્યાં હાલ કોંગ્રેસની સરકાર છે. 2019માં લોકસભાની સાથે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, સિક્કીમ, અરૂણાચલ, તેલંગાણા, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી આવે છે ત્યારે ભાજપે તૈયારી શરૂ કરી છે પરંતુ કોંગ્રેસને હજી કળ વળી નથી. મોદીએ સાચુ જ કહ્યું છે કે- ભારતમાંથી કોંગ્રેસ નામશેષ થતી જાય છે અને આટલી મોટી નિષ્ફળતા કોંગ્રેસને ક્યારેય મળી નથી.

યોગી સાથે બ્યરોક્રેસી કામ કરી શકતી નથી...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જેને ફાવે તે કામ કરી શકે છે પરંતુ જેને ફાવતું નથી તેઓ સરળ માર્ગ શોધે છે. આવું જ બન્યું છે ગુજરાત કેડરના એક આઇએએસ ઓફિસર સાથે... નામ છે આલોક પાંડે. આ ઓફિસર ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર ઉત્તરપ્રદેશ ગયા હતા. તેઓ ઉત્તરપ્રદેશની સરકારમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી છે. સચિવાલયમાં એવી ચર્ચા છે કે તેમને ઉત્તરપ્રદેશમાં ફાવતું નથી. તેઓ ગુજરાત આવવા માગે છે. હજી તો તેમણે તેમના વતન રાજ્યમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે અને થાકી ગયા છે. તેઓ શા માટે ગુજરાત આવવા માગે છે તેનું રહસ્ય જાણવા મળ્યું નથી પરંતુ એક ચર્ચા એવી છે કે યોગી આદિત્યનાથ અને બ્યુરોક્રેસી વચ્ચે અવારનવાર ચકમક સર્જાતી હોય છે. ઓફિસરો માટે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં બ્યુરોક્રેસી શાંતિનો શ્વાસ લઇ શકે છે, કારણ કે ગુજરાતમાં કામ કરતા ઓફિસરોને પોલિટીકલ ડિસ્ટર્બન્સ નડતું નથી.

પોલીસની છાપ તેની ખાખી વરદીમાં છે...

નવા પોલીસ વડા આવ્યા છે. તેમનો એઇમ સાફ છે. તેઓ પોલીસતંત્રને સુધારવા માગે છે. તેમણે આદેશ કર્યો છે કે ડ્યુટી ઉપર ચાલુ હોય તેવા પોલીસ કર્મચારીઓ જો તેમના ડ્રેસકોડમાં નહીં હોય તો પગલાં લેવામાં આવશે. તેમની વાત સાચી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર હોય છે છતાં વરદી પહેરતાં નથી. પોલીસ વડાને કહેવાનું કે પોલીસની આ વરદીની છાપ બગડી ચૂકી છે તેથી પોલીસનો ડ્રેસકોડ બદલવાની આવશ્યકતા છે. ડ્રેસનો કલર બદલાશે તો પોલીસની છાપ સામાન્ય જનતામાં સુધરી શકે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં સાત વર્ષ પહેલાં પોલીસની ખાખી વરદીનો કલર બદલીને બ્રિટીશ પોલીસનો કલર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે એનઆઇડીના સ્ટુડન્ટ્સે નવી વરદી ડિઝાઇન કરી હતી પરંતુ કોણ જાણે છેલ્લી ઘડીએ ખાખીને બદલવાનું સરકારે પડતું મૂક્યું હતું. હકીકતમાં લોકોની નજરમાં પોલીસની છાપ ભ્રષ્ટાચારી છે તેથી લોકો કહે છે કે ખાખીથી ચેતતા રહેજો...

ગુજરાતના 21 ઓફિસરો દિલ્હી દરબારમાં છે...

ગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસર ખાલી થઇ રહ્યાં છે. ગુજરાતના વધુ બે ઓફિસરો નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને 1985 બેચના અધિકારી અનિલ મુકીમ અને ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર બીબી સ્વૈન ડેપ્યુટેશન પર દિલ્હી જઇ રહ્યાં છે. હવે ભારત સરકાર અને મોદીએ ખમૈયા કરવા પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં સિનિયર ઓફિસરોની તંગી સર્જાઇ છે. જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના દિલ્હી ગયેલા આઇએએસ ઓફિસરોની સંખ્યા 19 હતી જેમાં બે ઓફિસરોનો વધારો થતાં 21 થઇ છે. મુકીન માટે કહેવાય છે કે તેઓ જો ગુજરાતમાં રહ્યાં હોત તો ચીફ સેક્રેટરી બની શક્યા હોત પરંતુ તેઓ હવે નવી દિલ્હીમાં જ વયનિવૃત્ત થઇ જશે. મોદી સરકારે અનિલ મુકીમને માઇન્સ સેક્રેટરી બનાવ્યા છે જ્યારે સ્વૈનને કોમર્સ મિનિસ્ટ્રીમાં એડિશનલ સેક્રેટરી બનાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે વધુ બે વિભાગોની જવાબદારી આવી છે કે જ્યાં નવી નિયુક્તિ કરવાની થાય છે. તેઓ ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કરવાનું વિચારી રહ્યાં છે.

મોદીનું TOP ગુજરાતના ખેડૂતો માટે બેકાર છે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે આપેલું -ટોપ- એટલે કે ટોમેટો, ઓનિયન અને પોટેટો મોડલ ફ્લોપ ગયું છે. ગુજરાતમાં આ ત્રણેય શાકભાજીના ભાવ તળીયે આવી પહોંચ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો ઠીક તેમને અને વેપારીઓને વળતર મળી રહે તેટલા રૂપિયા પણ મળતા નથી. મોદીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે તેમણે બેંગલુરુમાં ભાજપની પરિવર્તન રેલીમાં રાજ્યની કોંગ્રેસ સરકારની ખામીઓ ગણાવી હતી અને એનડીએ સરકારની ટોચની પ્રાથમિકતા ટોપ(TOP) હોવાનું કહ્યું હતું. આ TOPનો અર્થ સમજાવતા તેમણે કહ્યું હતું કે ટોમેટો, ઓનિયન(ડુંગળી) અને પોટેટો(બટાકા). મોદીના આ ટોપ નો જાદુ વિધાનસભાની ચૂંટણી છે તે કર્ણાટકમાં ભલે ચાલ્યો હોય પરંતુ ગુજરાતમાં તે ફેઇલ ગયો છે. આજે છુટક બજારમાં ટામેટાં માત્ર 10 રૂપિયે કિલોગ્રામ મળે છે. હોલસેલ માર્કેટમાં તો ટામેટાના ભાવ ત્રણ રૂપિયા કરતાં પણ ઓછા છે ત્યારે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ પડે છે તેથી ટામેટાં તેઓ પશુઓને ખવડાવી દેતાં હોય છે. ટામેટાંની જેમ બટાટા અને ડુંગળીના ભાવ તળીયે આવી ચૂક્યાં છે. ખેડૂતોને જ્યાં સુધી સીધું બજાર નહીં મળે ત્યાં સુધી તેમને પોષણક્ષમ ભાવ મળવાના નથી...

ઇન્દિરા યુગમાં પણ આટલા રાજ્યો ન હતા...

શાસનના ચાર વર્ષમાં ચાર રાજ્યોમાંથી 21 રાજ્યોમાં સત્તા હાંસલ કરવાનું શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે. 2014માં મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં ભાજપની સત્તા હતી. 2018માં ભારતનો નકશો જ બદલાઇ ચૂક્યો છે. તેમનો કરિશ્મા ગુજરાતમાં હતો પરંતુ હવે આખા દેશમાં છે. ભાજપને વર્ષો સુધી જ્યાં એક પણ ઉમેદવાર મળતો ન હતો તેવા રાજ્યોમાં ભાજપે આજે પગપેસારો કર્યો છે. ભાજપને ત્રિપુરામાં સૌથી મોટી સફળતા મળી છે. આ રાજ્યની માણિક સરકારને પછાડીને ભાજપે બહુમત મેળવ્યો છે. ત્રિપુરામાં સીપીઆઇ(એમ)ના 25 વર્ષ જૂના શાસનને ધ્વંશ કરી દીધું છે. આ માત્ર મોદી કરિશ્મા છે. ભારતમાં ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે પણ દેશના આટલા રાજ્યોમાં કોંગ્રેસનું શાસન ન હતું. હાલ કોંગ્રેસની સરકાર માત્ર ત્રણ રાજ્યો મિઝોરમ, કર્ણાટકા અને પંજાબમાં છે અને મેઘાલયમાં કશ્મકશ ભરી સ્થિતિ છે. મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી તેમણે એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં તેમનો જાદુ પાથર્યો છે. નોટબંધી અને જીએસટીના કડવા ડોઝ છતાં મોદી એક પછી એક રાજ્યો સર કરતા ગયા છે. લોકસભા 2014ની ચૂંટણીમાં મોદીએ કોંગ્રેસ મુક્ત ઇન્ડિયાનો નારો આપ્યો હતો હવે તે સફળ થતો જણાય છે. મોદીની હાજરીથી ભાજપનો સિતારો બુલંદ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:19 am IST)