Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સરકારી મહેમાન

ગુજરાત સરકારનું જાહેર દેવું 2021 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર રહેશે

ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવે માર્ગો હાઉસફુલ, 230 લાખ વાહનો દોડી રહ્યાં છે : વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો ફેસલો હવે ચીફ મિનિસ્ટર ઓફિસ કરશે : ગુજરાતમાં અનાજ ઓછું પાકશે પરંતુ કપાસનો મબલખ પાક ખેડૂતોની ચિંતા વધારે છે

ગુજરાત સરકારનું જાહેર દેવું આગામી ત્રણ વર્ષના અંતે વધીને ત્રણ લાખ કરોડ થવાની સંભાવના છે. નાણા વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ 2018ના અંતે જાહેર દેવું વધીને 2.17 લાખ કરોડ થશે. જાહેર દેવું એ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. દેવાના ઘટકો બદલાતાં સરકારને હવે કેન્દ્રની લોન ઓછી મળે છે અને બજાર લોન વધારે લેવી પડે છે. ગુજરાત સરકારના બજેટ ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે માર્ચ 2017ના અંતે દેવું વધીને 1.99 લાખ કરોડ થયું છે. ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ પ્રમાણે માર્ચ 2019ના અંતે દેવું વધીને 2.38 લાખ કરોડ અને માર્ચ 2020 સુધીમાં તે 2.66 કરોડ થવાનો અંદાજ છે. એ જ પ્રમાણે માર્ચ 21માં જાહેર દેવાનો આંકડો 2.96 કરોડ સુધી પહોંચી શકે છે. ગુજરાત સરકારનું જાહેર દેવું 31મી માર્ચ 2018ના રોજ વધીને 217337 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે જે એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના 16.46 ટકા જેટલું થાય છે. સરકારના જાહેર દેવામાં બજારલોન, પાવર બોન્ડ્સ, કેન્દ્ર સરકારની લોન અને પેશગી, નાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો પાસેથી લીધેલી લોન તેમજ એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે. સરકારનું જાહેર દેવું માર્ચ 2017ના અંતે 199338 કરોડ રૂપિયા છે. નાણા વિભાગના સૂત્રો જણાવે છે કે 2009 થી 2017ના વર્ષો દરમ્યાન દેવાના ઘટકોમાં ફેરફારો થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 3.29 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફ લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 23.26 ટકા થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 68.28 ટકા થયો છે. જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે. રાજ્યના દેવા પોર્ટફોલિયો પરથી જોવા મળે છે કે 199338 કરોડ રૂપિયાના કુલ જાહેર દેવામાં બજાર લોનનો મોટો હિસ્સો છે જે કુલ જાહેર દેવાંના 68.28 ટકા છે. નાણાકીય વર્ષ 2017-18માં કુલ દેવાના સુધારેલા અંદાજો 217337 કરોડ રૂપિયા છે.

હવે નવા સીઆઇસી કોણ બનશેની ચર્ચા...

ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર જુલાઇ મહિનામાં વય નિવૃત્ત થાય છે ત્યારે સચિવાલયમાં એવી અટકળોએ જોર પકડ્યું છે કે તેમને ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર- સીઆઇસી- બનાવવામાં આવશે. જો કે આ પદ માટે ઘણાં દિગ્ગજ આઇએએસ ઓફિસરોએ પહેલેથી નામ નોંધાવી દીધું છે. જો પદ માટે ડાગુર પસંદ થાય તો વયનિવૃત્તિ પછી તેમને વધારે પાંચ વર્ષ સુધી સરકારમાં કામ કરવાનો મોકો મળશે. આ પોસ્ટ માટેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને લિડર ઓફ ઓપોઝિશન પરેશ ધાનાનીની બનેલી એક કમિટી કરશે. આ પદ માટે નિવૃત્ત આઇએએસ એચવી પટેલ, સીજે ગોઠી, એચકે દાસ, ધીરજ કાકડીયા અને અશોક માણેકના નામ ચાલી રહ્યાં છે.

હાલ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરેટમાં ત્રણ સ્ટેટ કમિશનર ફરજ બજાવે છે જેમાં એચ.વી.પટેલ, આર.આર.વરસાણી અને દિલીપ ઠાકરનો સમાવેશ થાય છે.

2.30 કરોડ વાહનોથી માર્ગો ભરચક બન્યા...

વાયબ્રન્ટ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક નિયમનની જોવા મળી રહી છે, કારણ કે હાલની સ્થિતિએ રાજ્યની સડકો પર 2.30 કરોડ વાહનો ફરી રહ્યાં છે. એનો અર્થ એ થયો કે પ્રત્યેક અઢી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે વાહન છે. રાજ્યમાં વર્ષે 15 થી 17 લાખ વાહનો વધી રહ્યાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના અભાવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બેફામપણે વાહનોની ખરીદી કરવામાં આવી રહી છે. ચાર પુખ્ત વ્યક્તિના પરિવારમાં પ્રત્યેક પાસે અલાયદું વાહન જોવા મળે છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના છેલ્લા સર્વે પ્રમાણે નવેમ્બર 2017 સુધીમાં વિવિધ આરટીઓ કચેરીમાં 228.40 લાખ વાહનો નોંધાયેલા છે. ગુજરાતમાં નોંધાયેલા વાહનોની સંખ્યા 2015-16માં 203.61 લાખ હતી તે વધીને 2016-17માં 220.37 લાખ થઇ છે. એક વર્ષના ગાળામાં દ્વિચક્રી વાહનો જેવાં કે મોપેડ, બાઇક, સ્કૂટરની સંખ્યા 149.16 લાખથી વધીને 161.44 લાખ થઇ છે. રાજ્યમાં ઓટોરીક્ષાની સંખ્યા 7.18 લાખથી વધીને 7.58 લાખ થઇ છે. જેને લકઝુરીસ માનવામાં આવે છે તે મોટરકારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એક વર્ષ પહેલાં મોટરકારની સંખ્યા 24.44 લાખ હતી તે વધીને 27.13 લાખ થઇ છે. વાહનોના તમામ પ્રકારો જોતાં કોઇપણ વાહનની સંખ્યા ઘટી નથી. તમામ વાહનો વધતા ગયા છે અને શહેરોના માર્ગો વધુ ગીચ બની રહ્યાં છે. ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઇની જેમ મેટ્રોટ્રેનની યોજના બનાવે તો પ્રાઇવેટ વાહનોની સંખ્યામાં નિયંત્રણ આવી શકે છે. જાણીને નવાઇ લાગે તેવી બાબત એ છે કે માર્ચ 1990ના અંતે ગુજરાતમાં વાહનોની કુલ સંખ્યા 18.44 લાખ હતી. માર્ચ 1999માં આ સંખ્યા વધીને 51.90 લાખ થઇ હતી. વાહનોની સંખ્યા વધવાની શરૂઆત 2010 પછી થઇ છે. આ વર્ષ આવતા સુધીમાં તો ગુજરાતના માર્ગો પર 1.18 કરોડ વાહનો ફરી રહ્યાં હતા. 2015માં આ આંકડો 1.87 કરોડને ક્રોસ કરી ગયો હતો.

વિનોદ રાવનો ફેસલો કૈલાસનાથન કરશે...

વડોદરામાં પીએમ આવાસ યોજનાના 2000 કરોડના ગોટાળામાં જેમની પર આક્ષેપ થયા છે તે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની સામે તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ સીએમઓમાં સબમીટ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે આ રિપોર્ટ સીએમઓમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન અને પ્રિન્સિપલ સેક્રેટરી એમ.કે.દાસને આપ્યો છે, આ રિપોર્ટના આધારે તથ્ય શું છે તેનો ફેસલો કૈલાસનાથન જ કરી શકશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. કૌભાંડનો રેલો રાજકીય નેતાઓની નીચે આવતા દોષનો ટોપલો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો હતો. જોકે આ કૌભાંડ અંગે રાજ્ય સરકારે સચિવ કક્ષાના અધિકારી પૂનમચંદ પરમારને તપાસ સોંપી હતી આ તપાસ માત્ર એક સપ્તાહમાં પુર્ણ કરીને તેનો રીપોર્ટ આપવાનો હતો. પરંતુ મોડો આપવામાં આવ્યો છે. હવે તે રિપોર્ટનો અભ્યાસ કરીને પગલાં લેવાના થાય છે.

ગુજરાત સરકાર માટે GSPC સફેદ હાથી...

ગુજરાત સરકારનો સફેદ હાથી ગણાતી પેટ્રોલિયમ કંપની ઓએનજીસીને પધરાવી દીધા બાદ પણ ખોટના ખાડામાંથી બહાર આવી શકતી નથી. આ કંપની કે જે ભાજપની સરકારને સૌથી વધુ બદનામ કરી રહી છે તે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન- જીએસપીસી- એ તેના છેલ્લા અહેવાલમાં કબૂલ કર્યું છે કે તેને 14923 કરોડની ખોટ ગઇ છે. વિધાનસભામાં મૂકવામાં આવેલા કંપનીના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે જીએસપીસીના કેજી બેસિન ઓપરેશનનો 90 ટકા હિસ્સો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને વેચી દીધા પછી મળેલા 8000 કરોડ રૂપિયાના ફંડનો પણ ખોટમાં સમાવેશ થાય છે. અત્યારે આ કંપનીની હાલત એવી છે કે તેણે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને 15000 કરોડની રકમ ચૂકવવાની થાય છે. આ કંપનીનું મોટું કૌભાંડ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં આવ્યું હતું. કેજી બેસિનમાં ગેસ હોવાનું કંપનીનો રિપોર્ટ કબુલ કરે છે અને કહે છે કે આ બ્લોકમાં ગેસનો સંગ્રહ છે પરંતુ હાઇપ્રેશર, ઉંચું તાપમાન અને દરિયાથી દૂર અનામત જથ્થો હોવાના કારણે સારકામ થઇ શકતું નથી. જો ઉત્પાદન મેળવવું હોય તો તેના માટે વધુ મૂડીરોકાણની આવશ્યકતા રહે છે. જીએસપીસીના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે કંપની વધારે મૂડીરોકાણ કરી શકે તેમ ન હોવાથી કેજી બેસિનની સંપત્તિ ઓએનજીસીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

અનાજ ઓછું પણ કપાસ વિક્રમી પાકશે...

ગુજરાતમાં વિવિધ કારણોસર અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યના કૃષિ વિભાગે અંદાજેલા આંકડા પ્રમાણે આઠ લાખ ટન અનાજ ઓછું ઉત્પાદિત થશે. જો કે કપાસનું વિક્રમી ઉત્પાદન થયું છે. કૃષિ વિભાગના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે 2016-17ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 74.20 લાખ ટન થયું છે જેની સરખામણીએ 2017-18ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 66.88 લાખ ટન થવાનો અંદાજ છે. એવી જ રીતે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 170 કિલોની એક એવી 50.43 લાખ ગાંસડી થયું છે જ્યારે આગામી વર્ષનો અંદાજ 127.46 લાખ ગાંસડીનો રાખવામાં આવ્યો છે જે ગયા ચાલુ વર્ષની સરખામણીએ બમણાથી વધારે છે. કૃષિ અંદાજ પ્રમાણે તેલિબીયાંનું ઉત્પાદન ચાલુ વર્ષે 45.76 લાખ ટન થયું છે જેમાં આગામી વર્ષે વધારો થઇને કુલ ઉત્પાદન 49.42 લાખ ટન થવાનો અંદાજ છે. છેલ્લા બે વર્ષના પાકોની આ સ્થિતિ જોતાં અનાજનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ કપાસનું ઉત્પાદન બમણું થયું છે જેથી કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે સરકાર સાથે લડવાનું થશે.

સરકારની મહેસૂલી આવકમાં 19.78% નો વધારો...

ગુજરાતની મહેસૂલી આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. 2005 થી 2017 સુધી મહેસૂલી આવક વાર્ષિક 15.48 ટકાના દરે વધતી રહી છે. નાણાકીય વર્ષ 2016-17માં એકંદરે મહેસૂલી આવક 109882 કરોડ છે જે ગયા વર્ષ કરતાં 12.68 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2017-18માં મહેસૂલી આવકનો સુધારેલો અંદાજ 131551 કરોડ રાખવામાં આવ્યો છે જે અગાઉના વર્ષ કરતાં 19.76 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 2017-18ના સુધારેલા અંદાજ પ્રમાણે કરની આવક 77967 કરોડ અંદાજવામાં આવી છે. બિનકરની આવક 16995 કરોડ અને કેન્દ્રીય કરની આવક 20782 કરોડ છે જ્યારે અનુદાન પેટે 15806 કરોડ મળે છે. ગુજરાતમાં એક બાબત એવી છે કે 2015 પછી કેન્દ્રીય કરની આવકમાં સતત વૃદ્ધિ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજ્યની મહેસૂલી આવકમાં તેની પોતાની મહેસૂલી આવકનો ફાળો સતત 72 ટકાથી વધારે રહ્યો છે, જેમાં સૌથી વધુ વેટ અથવા જીએસટીની આવક છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(9:23 am IST)