Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ઝવેરચંદ મેઘાણી તકતી - સાહિત્ય કોર્નરની સ્થાપના

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રાજકોટ સાથે ૧૨૦-વર્ષ પુરાણી સ્મૃતિરૂપે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે મેઘાણી-તકતી તથા મેઘાણી-સાહિત્ય કોર્નરની સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્થાપના થઈ. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેઘાણી ૨દ્મક ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. રાજકોટને પોતાની બાલ્યાવસ્થાની લીલાભૂમિ તરીકે ઝવેરચંદ મેઘાણી લાગણીભેર ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતીનું વર્ષ હાલ ચાલી રહ્યું હોવાથી આનું સવિશેષ મહત્વ છે.રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા તેમના માતા કુસુમબેન મેઘાણી, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) કરણરાજ વાઘેલા (આઈપીએસ), પી.આઈ. પી. બી. સાપરા, પી.એસ.આઈ. એમ. જે. રાઠોડ તથા પી. બી. કદાવલા, લોકગાયક નીલેશ પંડ્યા, નિવૃત્ત્। જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, આર્કિટેકટ ઈલ્યાસભાઈ પાનવાલા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, વાલજીભાઈ પિત્રોડા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં પોલીસ-પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીના રેખા-ચિત્ર અને હસ્તાક્ષરવાળી ૪*૩ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક અને મનોરમ્ય મેઘાણી-તકતીની સ્થાપના પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે થઈ છે. પોલીસ સ્ટેશનના મુખ્ય ખંડમાં સ્થપાયેલાં મેઘાણી-સાહિત્ય કોર્નરમાં કાચનાં આકર્ષક કબાટમાં ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો મૂકાયાં છે. ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં ઝવેરચંદ મેઘાણીએ ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. મહાત્મા ગાંધીએ જેમ રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનો આ પ્રયાસ છે.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું લાઈન-બોય તરીકે વિશેષ ગૌરવ અનુભવે છે તથા પોલીસ-પરિવારની દરેક વ્યકિત તેમના પ્રેરણાદાયી જીવનમાંથી પ્રેરિત થાય છે તેમ પોલીસ કમિશ્નર અનુપનસિંહ ગહલૌતે લાગણીભેર જણાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૈયે જીવંત છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે તેવી પણ ભાવાંજલિ અર્પી હતી. ઝવેરચંદ મેઘાણીના રાજકોટ સાથેનાં સંભારણાં પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા. રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં ૧૨૦-વર્ષ જૂના નાતાને પુનૅં જીવંત કરવા બદલ પિનાકીભાઈ અને કુસુમબેને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને રાજકોટ શહેર પોલીસનો હ્રદયથી આભાર માન્યો હતો. લોકગાયક નીલેશ પંડ્યાએ કસુંબીનો રંગ રજૂ કરીને ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પી હતી.  મેઘાણી તકતી અને મેઘાણી-સાહિત્ય કોર્નર માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે સુરક્ષા સેતુ સોસાયટી – ગુજરાત પોલીસનું પ્રેરણાદાયી અને વિશેષ યોગદાન રહ્યું છે. ભારતના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ જનતા અને પોલીસ વચ્ચે સેતુરૂપી સુરક્ષા સેતુ સોસાયટીની ઉમદા પ્રવૃત્ત્િ।ઓ વધુને વધુ વિસ્તરે તેવી લોકલાગણી છે. મેઘાણી-તકતીનું નિર્માણ ધર્મેન્દ્રભાઈ શર્મા - ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) તથા મેઘાણી-સાહિત્ય કોર્નરનાં કાચના કબાટનું નિર્માણ વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફનીર્ચર (રાજકોટ) દ્વારા થયું છે.ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્મૃતિસ્થળો : જન્મભૂમિ ચોટીલા (સરકારી તાલુકા પુસ્તકાલયની સામે આવેલ જન્મસ્થળ), કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (સાળંગપુર રોડ પર આવેલ પૂર્વ- નિવાસસ્થાન), શૌર્યભૂમિ ધંધુકા (રેલ્વે ફાટક પાસે આવેલ હાલનું જિલ્લા પંચાયતનું રેસ્ટ-હાઉસ, જયાં ૨૮ એપ્રિલ ૧૯૩૦માં વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોનું દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના  ગાયું ને વિશાળ માનવ મેદની અને મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી) તથા બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ (સદરમાં આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં ૮, જયાંથી ૧૯૦૧માં શાળા-શિક્ષણનો આરંભ થયો હતો) ગુજરાત સરકાર દ્વારા સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે. આ ઐતિહાસિક સ્મૃતિસ્થળો જીવંત રહે તે માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(5:04 pm IST)