Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

મંગળવારે ભરૂચમાં ગાંધી નિર્વાણ - શહિદ દિન નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના ગીતો ગુંજશે

'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે' સ્વરાંજલી મૌનાંજલી કાર્યક્રમ

રાજકોટ તા. ૨૫ : ગાંધી નિર્વાણ દિન – શહીદ દિન નિમિત્ત્।ે - ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ ને મંગળવારે - સવારે ૯ વાગે - ભરૂચ સ્થિત ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ (આશ્રય સોસાયટી, નંદેલાવ રોડ, ભોલાવ) ખાતે 'સ્વરાંજલિ'તથા 'મૌનાંજલિ'ના વિશેષ ભાવાંજલિ કાર્યક્ર્મ 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે'નું આયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ધી પ્રોગ્રેસીવ એજયુકેશન સોસાયટી દ્વારા થયું છે. આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં શહીદોએ આપેલ આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તેમ જ દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય એ આશયથી સતત આઠમા વર્ષે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. ભરૂચ સાથે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી આ કાર્યક્રમનું સવિશેષ મહત્ત્વ છે.    ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો થકી શહીદોને સ્વરાંજલિ અર્પણ કરશે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,  છેલ્લો કટોરો ઝેરનો, વીરા મારા પંચ રે સિંધુને સમશાન, ઝંડા અજર અમર રે'જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર જેવી ઝવેરચંદ મેઘાણી રચિત અમર રચનાઓ આ પ્રસંગે રજૂ થશે. સવારે ૧૧ કલાકે શહીદોને સામૂહિક મૌનાંજલિ અર્પણ થશે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનોને આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), મિહિરસિંહ રાઠોડ (૯૭૨૪૩૨૩૪૭૧), ધી પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ (૦૨૬૪૨-૨૬૩૭૯૦)નો સંપર્ક કરી શકાશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ બન્ને કાર્યક્રમોને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ ઉપર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani થશે.આ અવસરે ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નરનું લોકર્પણ પણ થશે. આકર્ષક કાચનાં કબાટમાં ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો અહિ વાંચન માટે ઉપલબ્ધ રહેશે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧જ્રાક જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે ગુજરાતભરમાં અત્યાર સુધી ૨૦ જેટલાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થઈ છે. ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં.     છેલ્લા પાંચ દાયકાઓથી દેશ-વિદેશમાં વસતાં સેંકડો ગુજરાતીઓનાં હૈયે મેઘાણી-ગીતોને જીવંત રાખનાર અને ૪૦ વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકગાયક અભેસિંહ રાઠોડે તથા ધી પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ પરિવારે આ કાર્યક્ર્મ માટે લાગણીથી જહેમત ઉઠાવી રહ્યાં છે. આઝાદી પૂર્વે ૧૯૪૩માં ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ૨૦૦૦નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુનઃપ્રસ્થાપિત કરી હતી. પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધરાવતી ભરૂચની આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૪૫ જેટલી અનાથ અને નિરાશ્રિત બાળાઓ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકોને પણ અહિ લાગણીથી શિક્ષણ અપાય છે.

'શહીદોના ધગધગતા નિઃશ્વાસે  નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ'

મહાત્મા ગાંધી જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં.  ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના જગાવી હતી.  આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ  લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટીશ સરકાર પણ ચોંકી ગઈ હતી. કારાવાસની સજા પણ તેમને ફરમાવેલી. મેઘાણી-ગીતો, દાયકાઓ પછી - આજે પણ, લોકહૈયે ગુંજે છે તેનું સવિશેષ ગૌરવ છે.

દાંડી યાત્રા વખતે મહાત્મા ગાંધીના  ભરૂચ સાથેનાં સંભારણાં  

૧૯૩૦ના ઐતિહાસિક દાંડી યાત્રા વખતે ૨૬ માર્ચના રોજ દેરોલથી ગાંધીજી ભરૂચ આવેલા. કસ્તુરબા, સરોજિની નાયડુ, અબ્બાસ અલી તૈયબજી પણ હતા. ગાંધીજીનાં ભરૂચ જિલ્લાનાં પ્રવાસની વ્યવસ્થા ડો. ચંદુભાઈ દેસાઈ 'છોટે સરદાર', છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણીએ સંભાળી હતી. ડો. ચંદુભાઈ દેસાઈના સેવાશ્રમમાં ત્યારે ગાંધીજીનો ઉતારો રખાયો હતો. બપોરનાં ભોજન અને વિશ્રામ પછી સેવાશ્રમથી સભાસ્થળ બેગમવાડીના મેદાન સુધી અભૂતપૂર્વ વિશાળ સરઘસ નીકળ્યું. અબ્બાસસાહેબના પુત્રી રેહાનાબેને 'ઊઠ જાગ મુસાફિર ભોર ભયી'ભજનથી સભાનો પ્રારંભ કર્યો. સંગીતસમ્રાટ પંડિત ઓમકારનાથજીએ કાવ્ય 'ભિષ્મ-પ્રતિજ્ઞા'ગાયું : 'ગિરિ સેં ગીરાઓ, મઝધાર મેં બહાઓ; મહાસાગરમેં ડુબાઓ, કિન્તુ હાથ નહીં જોડેંગે. તીખી તેગ સે કટાઓ, તલતે તેલ મેં કઢાવો; ચાહે ખાલ ખિંચવાઓ, પર મુંહ નહીં મોડેંગે. કાલી નાગ સે ડંસાવો, ચાહે ભૂમિ મેં ગડાવો; અથવા શૂલી પેં ચઢાવો, પર પ્રાણ નહીં છોડેંગે.' હિંદુ-મુસ્લિમ એકતા પર વિશેષ ભાર મૂકતું ગાંધીજીએ પ્રેરક ભાષણ આપ્યું હતું : 'હું તો તમારા બધાના આશીર્વાદ લેવા નીકળ્યો છું અને ગામેગામથી મને જે આશીર્વાદ મળી રહ્યાં છે, દાંડી પહોંચતા પહેલાં એ આશીર્વાદનો પહાડ એટલો મોટો થઈ જાય કે ગમે તેવી રાક્ષસી સલ્તનત પણ તેને પ્રતાપે ટાઢીબોળ થઈ જાય. હું મારા એકલાના બળથી જ સ્વરાજ લઈશ એવી આશા મેં સ્વપ્નમાં કે કલ્પનામાંયે નથી રાખી. સત્યાગ્રહીને હિન્દુની જેટલી મદદ જોઈએ તેટલી જ પ્રત્યેક મુસલમાન, ખ્રિસ્તી, શીખ, પારસી, યહૂદીનાં બળની જરૂર છે. હું બે શબ્દો કહેતો આવ્યો છું: પાકીઝગી અને કુરબાની, આત્મશુધ્ધિ અને બલિદાન. એ વગર સત્યનો જય નહીં થાય.' તે વખતે એક રસપ્રદ કિસ્સો બનેલો : ડો. ચંદુભાઈ દેસાઈના દવાખાનામાં દાંડી યાત્રાનાં સ્વાતંત્ર્ય-સેનાનીઓએ પોતાનું વજન કરીને જોયું તો ઘણાખરા જુવાનોનું વજન વધ્યું હતું. પછીથી નવચોકીનાં ઓવારેથી રાષ્ટ્રધ્વજથી સુંદર શણગારેલી એક હોડીમાં બેસીને, નર્મદા પાર કરીને, ગાંધીજી અંકલેશ્વર પહોંચ્યા.

'નર્મદાને તીરે તીરે'

જાન્યુઆરી ૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણી લોકમાતા નમર્દાનાં તીરે-તીરે પરિભ્રમણ કરીને અભિભૂત થઈ ગયેલા. ભરૂચના ભરૂચા હોલમાં વિશાળ જનમેદની સમક્ષ તેમણે દેશભકિતનાં ગીતો રજૂ કર્યાં. શુકલતીર્થથી નાવમાં બેસીને કબીરવડ ગયા. નિકોરાની પણ મુલાકાત લીધી. નારેશ્વર તીર્થ અને રંગ અવધૂતજી વિશે જાણ્યું. નર્મદામાં નાવ ચલાવતા નિજામા કોમના નાવિકોની વાતોમાં તેમને રસ પડ્યો. 'નર્મદાને તીરે તીરે'નામે રસપ્રદ લેખ પણ પછીથી તેમને લખ્યો હતો. ૯ માર્ચે ૧૯૪૭નાં રોજ બોટાદ ખાતે પચાસ વર્ષની ઉંમરે તેઓએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. અને દક્ષિણ ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર સંશોધન કરવાની તેમની આરઝૂ અપૂર્ણ રહી.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:15 am IST)