Gujarati News

Gujarati News

News of Saturday, 15th April 2017


શુ ઇન્કમટેક્ષની નોટીસ આવી છે..?

વ્યકિત-HUFને અન્ય કારણો સબબ નોટીસ મળી શકે છે

ઇન્કમટેક્ષ વિભાગે વધુમાં વધુ લોકો ઇન્કમટેક્ષ રીટર્ન ભરે તેમજ વધુ ઇન્કમટેક્ષની આવક થાય તે માટે છેલ્લા કેટલાક મહિનાઓમાં હજારો વ્યકિત/એચ.યુ.એફને નોટીસ મોકલવાની શરૂઆત કરી આપેલ છે અને હજુ પણ આવી નોટીસો અનેક વ્યકિતઓને આવશે.

ઇન્કમટેક્ષ વિભાગ ન્યુ દિલ્હી પાસે અત્યંત આધુનિક સોફટવેર પ્રોગ્રામ છે. જેનાથી નામ, એડ્રેસ, જન્મ તારીખ, પાનકાર્ડ તથા આધારકાર્ડથી કોઇપણ વ્યકિતના કેટલા બેન્ક ખાતાઓ છે તે ખાતાઓમાં કેટલા મોટા વ્યવહારો થયેલ છે તેમજ કોઇપણ પાનકાર્ડ ધરાવતી વ્યકિતના કઇ-કઇ બેન્કોમાં, પોસ્ટ ઓફિસોમાં, શેર-સિકયુરીટીમાં-ડીમેટ ખાતાઓમાં, સેવીંગ ખાતાઓમાં, મ્યુચ્યુઅલ ફંડોમાં તેમજ સ્થાવર મિલ્કતોમાં કેટલુ-કેટલુ રોકાણ કરેલ છે તેની સંપુર્ણ માહિતી પલવારમાં આવી જાય છે. આવી માહિતી ઉપરથી ઇન્કમટેક્ષ કોમ્પ્યુટર નોટીસ આપોઆપ તૈયાર કરી તમામ માહિતીઓ મેળવવા પ્રયત્નશીલ છે.

કોઇપણ વ્યકિતને આવી નોટીસ કયારે આવે તેની સંક્ષિપ્તમાં વિગત નીચે મુજબ છે.

(૧) ઇન્કમટેક્ષ રીટર્નમાં ખોટો પાનકાર્ડ નંબર નાખવો.

(ર) સીટીઝન, સીનીયર સીટીઝન તથા સુપર સીનીયર સીટીઝનોની કુલ આવક અનુક્રમે રૂ.ર,પ૦,૦૦૦/રૂ.૩,૦૦,૦૦ તથા / રૂ.પ,૦૦,૦૦૦ થી વધુ હોય છતાં ઇન્કમટેક્ષ રીટર્ન અગાઉ ભરતા હોય અને હવે બંધ કરેલ હોય.

(૩) ઇન્કમટેક્ષ રીટર્નમાં ખોટો ટીડીએસ તથા એડવાન્સ ટેકસની વિગત અને રકમ લખેલ હોય

(૪) ટીડીએસ કપાયેલ હોય અને તેનુ રીફંડ લેવા રીટર્ન ન ભરેલ હોય ત્યારે પણ નોટીસ આવે છે કારણ કે ટીડીએસ ફકત ર ટકા, પ ટકા, ૧૦ ટકા આવકના કપાયેલ છે પરંતુ બાકીની આવક રીટર્નમાં કેમ દર્શાવેલ નથી તેમના તે રોકાણના સ્ત્રોત પણ દર્શાવેલ નથી.

(પ) મોડુ રીટર્ન ભરેલ હોય ત્યારે અથવા બે વર્ષના રીટર્ન ભરેલ હોય પણ આવક તથા રોકાણો માન્ય ન હોય ત્યારે.

(૬) કોઇપણ વ્યકિત-કરદાતાએ રીટર્ન ભરેલ હોય પરંતુ તેનુ રોકાણ આવકને સુસંગત ન હોય અથવા માનવાને પાત્ર ન હોય.

 (૭) સેવીંગ ખાતામાં વર્ષ દરમિયાન રૂ.૧૦ લાખ કે વધુ રોકડ જમા કરેલ અથવા રોકડ ઉપાડેલ હોય.

(૮) નિયત સમયમાં ઇન્કમટેક્ષ રીટર્ન ન ભરેલ હોય અને ટેક્ષ ભરવાને પાત્ર હોય અથવા ભરેલ હોય ત્યારે રૂ.પ૦૦૦ દંડ તથા નોટીસ આવવાને પાત્ર છે.

 (૯) કોઇપણ વ્યકિત તથા એચ.યુ.એફ.ની કુલ આવકનો સરવાળો કોઇપણ સ્ત્રોતમાંથી કરમુકિત મર્યાદાથી વધતી હોય તેમ છતાં ફોર્મ નં-૧પજી અથવા ૧પ એસ ટીડીએસ ન કપાવવાની લાલચે ભરેલ હોય તો રૂ.૧૦,૦૦૦ દંડ તથા જેલની પણ સજા છે. આથી તમામ કરદાતાઓએ ૧પ એચ તથા ૧પ જી આપતા પહેલા નીચે દર્શાવેલ વિગતો વાંચીને જ આ ફોર્મ ભરવુ. ખોટુ ડેકલેરેશન આપવુ ગુન્હાને પાત્ર છે. ટીડીએસ કપાતા હોય તે કાપવા દેવો જે રીટર્ન ભર્યા બાદ અન્ય રોકાણોને લીધે રીફંડ પણ બે માસમાં હવે આવી જાય છે.

(૧૦) ઇન્કમટેક્ષ દ્વારા મોકલેલ નોટીસનો જવાબ આપવો તે પણ ગુન્હો છે. જવાબ ન આવેલ નોટીસની યાદી ઇન્કમટેક્ષ વિભાગ પાસે રહે છે તેની ગંભીરતા તેઓ સમજી બીજી-ત્રીજી વખત પણ નોટીસ આપે છે. ત્યારબાદ ગંભીર પગલા લઇ કોઇપણ વ્યકિતના બેન્ક ખાતા, ફિકસ ડિપોઝીટ ઉપર ટાંચ મારી ટેક્ષ-પેનલ્ટી તથા વ્યાજ સાથે ઉઘરાવી શકે છે.

(૧૧) કોઇપણ વ્યકિત-એચ.યુ.એફના એકથી વધારે બેન્કોમાં સેવીંગ અથવા કરન્ટ ખાતાઓ હોય તેની સંપુર્ણ વિગત તેના સરવૈયામાં દર્શાવવી ફરજીયાત છે. જો કરદાતા આવકવેરા રીટર્નમાં પણ અધુરી માહિતી આપે તો તેની ઉપર પેનલ્ટી આવી શકે છે.

(૧ર) ઇન્કમટેક્ષ રીટર્નમાં આવકમાંથી કાયદેસર બાદને પાત્ર રોકાણો જેવા કે એલઆઇસી પ્રિમિયમ, પીપીએફમાં રોકાણ, મ્યુ.ફંડની ઇએલએસઓ રોકાણો, બાળકોની શિક્ષણ ફી તથા હાઉસીંગ લોનમાં હપ્તાની વિગત ખોટી આપે અથવા ભુલ ભરેલ હોય તો પણ તેના ઉપર પેનલ્ટી આવી શકે છે.

(૧ર) રીટર્ન ભરતા પહેલા કરદાતાનો કોઇપણ જગ્યાએથી કેટલી વ્યાજ કે અન્ય આવક થયેલ છે તેની વિગત ફોર્મ નં.ર૬એ એસમાંથી વકીલ કે સીએ પાસેથી જે તે વર્ષના રીટર્ન સાથે મેળવીને જ રીટર્ન ભરવુ જોઇએ. જો તેમાં પણ કોઇ આવક દર્શાવવાની કે ટીડીએસ રકમ ભુલ ભરેલ દર્શાવવાથી નોટીસ આવી શકે છે.

(૧૩) શેરબજારમાં વ્યવહાર કરતી વ્યકિતઓ આવા વ્યવહારોનો નેટ નફો અથવા નુકસાન દર્શાવે છે - ખરેખર શેરની ખરીદી અથવા વેચાણથી કુલ વર્ષ દરમિયાન રકમ (બેમાંથી જે કાંઇ વધારે હોય) તે રૂ.ર કરોડથી વધુ થતી હોય તો ટેક્ષ ઓડીટ કરાવવુ ફરજીયાત છે. જો ન કરાવેલ હોય તો કુલ ટર્નઓવરના ર ટકા પેનલ્ટી તથા વ્યાજને પાત્ર છે.

(૧૪) નોટબંધીના સમયમાં રૂ.પ૦૦ તથા રૂ.૧૦૦૦ની રોકડ રકમ બેન્કના એક ખાતામાં અથવા જુદા-જુદા ખાતાઓમાં એક જ વ્યકિતના રૂ.ર,૦૦,૦૦૦થી વધુ જમા કરેલ હોય તેની વિગત માટે પણ નોટીસો કાઢેલ છે.

- આમ નાના-મોટા ઉપરોકત વ્યવહારોથી નોટીસો આવી શકે છે પરંતુ નોટીસની ગંભીરતા દરેક નોટીસ મેળવનારે કરી તેનો પુરેપુરી સ્પષ્ટતા ઇન્કમટેક્ષ વિભાગને આપવી હિતકારક છે.

નીતિન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ.

 ફોન-૯૮૨૫૨-૧૭૮૪૮

(3:47 pm IST)