Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીને પાકિસ્તાનમાં અંજલી અર્પણ

રાજકોટ, તા.૭: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ તથા પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીને પાકિસ્તાન-કરાચીમાં વસતાં ગુજરાતીઓ દ્વારા અંજલિ અર્પણ થઈ. 

૬ નવેમ્બર – કાળી ચૌદશનાં દિવસે અવસાન પામેલાં કુસુમબેન મેઘાણીને ભાવાંજલિ આપતાં કરાચી સ્થિત ગુજરાતી સમાજના અગ્રણી, સમાજ-સેવક, લેખક, કરાચી મેટ્રોપોલીટન સીટીના કાઉન્સીલર અને નારાયણપૂરા પંચાયતના સભ્ય ચમનલાલ ખીમજી બારૈયા લાગણીભેર લખે છેઃ સમસ્ત ઉપખંડના ગૌરવ સમાન ઝવેરચંદ મેઘાણીજી પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય અને સહુથી વધુ વંચાતા ગુજરાતી સાહિત્યકાર છે. 'સૌરાષ્ટ્રની રસધાર' અહિ વસતાં ગુજરાતીઓનું પ્રિય પુસ્તક છે.  એમનાં 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો નવરાત્રી દરમિયાન પાકિસ્તાનમાં પણ ગુંજે છે અને અહિની યુવા પેઢી આ ગીતો પર દિલથી રાસ-ગરબા લે છે. ગુજરાતી રીત-રીવાજોથી થતાં અમારાં લગ્ન-પ્રસંગોમાં પણ 'ચૂંદડી'નાં લગ્ન-ગીતો બહેનો દ્વારા ગવાય છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને એમના માતૃશ્રી કુસુમબેન મેઘાણી દ્વારા આયોજિત થતાં વિવિધ મેઘાણે-સ્મૃતિ કાર્યક્ર્મોને, અમે અહિ સહુ સમૂહમાં બેસીને, ઈન્ટરનેટનાં માધ્યમથી આખી રાત જાગીને ખુશી-ખુશી જોઈએ છીએ. ગુજરાતી સાહિત્યનાં પ્રચાર-પ્રસારની ઉત્તમ સેવા કુસુમબેન અને પિનાકીભાઈએ નિઃસ્વાર્થભાવે કરી છે. પિનાકીભાઈનાં સતત પથદર્શક રહેલાં માતૃશ્રી કુસુમબેન મેઘાણીનાં અવસાનનાં દુઃખદ સમાચાર જાણીને અહિ અમને સહુને ખૂબ આઘાત લાગ્યો છે. શિક્ષણ, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય અને રમતગમત ક્ષેત્રે અનેક સિધ્ધિઓ હાંસલ કરનાર આવાં પ્રતિભાશાળી અને લાગણીશીલ માતા કુસુમબેન આપણાંથી વિખુટાં પડી ગયાં તેનું ભારે દુઃખ છે. અહિનાં ગુજરાતી સમાજનાં અમે સહુ ભાઈઓ-બહેનો માતૃશ્રી કુસુમબેન મેઘાણીને ભાવભરી અંજલિ આપીએ છીએ. વાલ્મીકિ સમાજમાંથી આવતા ચમનલાલ ખીમજી બરૈયાનાં વડવાઓનું મૂળ વતન પોરબંદર પંથક છે. પાકિસ્તાન-કરાચીથી પ્રગટ થતાં 'વતન-ગુજરાતી' વર્તમાનપત્ર (તંત્રી ઉસ્માનભાઈ સાટી)માં પણ તેઓએ કુસુમબેનને અંજલિ આપતો એક હ્રદયસ્પર્શી લેખ લખ્યો છે. ચમનલાલભાઈ અને તેમના સાહિત્ય-પ્રેમી મિત્રોને ભારત આવીને ધાર્મિક-સ્થળો તથા ઝવેરચંદ મેઘાણીનાં સ્મૃતિ-સ્થળોની મુલાકાત લેવાની ભાવના છે.

સંકલન પિનાકી નાનકભાઈ મેઘાણી   ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:43 am IST)