Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

સરકારી મહેમાન

ન્‍યૂ ઇન્‍ડિયાઃ PM મોદીનો ગોલ ‘સ્‍માર્ટ સિટી'ᅠ ન્‍યૂ ગુજરાત : CMનો ટારગેટ ‘સ્‍માર્ટ ગામડાં'

ન્‍યૂ ઇન્‍ડિયામાં ગુજરાતના છ શહેરો પણ, ન્‍યૂ ગુજરાતમાં અસંખ્‍ય ગામડાં છે : એક ગામ એવું છે કે જેની મુલાકાત ૬૦ દેશના ૧૪૦ ડેલિગેટ્‍સ લઇ ચૂક્‍યાં છે : માધાપરラ તો ઇતિહાસના પાને છે, આર્થિક સમૃદ્ધિમાં તો એશિયામાં ફર્સ્‍ટ છે

ન્‍યૂ ઇન્‍ડિયાની પહેચાન સ્‍માર્ટ સિટી છે જયારે ન્‍યૂ ગુજરાતનો ટારગેટ સ્‍માર્ટ વિલેજ છે. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રથમ ચરણમાં દેશના ૧૦૦ શહેરોને સ્‍માર્ટ સિટી બનાવવાના ધ્‍યેય સાથે આગળ વધી રહ્યાં છે ત્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સ્‍માર્ટ વિલેજ તરફ આકર્ષિત થયા છે. તેમણે સ્‍માર્ટ વિલેજ માટે એક નવી સ્‍કીમ શરૂ કરી છે જેના કારણે ગુજરાતના ગામડાં સમૃદ્ધિની દિશા તરફ ફંટાયા છે.

એક સર્વે પ્રમાણે ગુજરાતના કુલ ગામડાં પૈકી ૪૨૦૦ ગામોનો વિકાસ લોકોએ જ કર્યો છે જેમાં સરકારની કોઇ વધારાની સહાય મળી નથી. સરકારે ૧૧૦૦ ગામોનો આદર્શ ગામ તરીકે હકીકતમાં વિકાસ કર્યો છે જેમાં સરકારી સહાય મુખ્‍ય છે. રાજયના ૬૫૦ ગામો એનઆરઆઇ પરિવારોએ ડેવલપ કર્યા છે. રાજયના ૧૨૦૦ ગામો એવાં છે કે જે શહેરોની નજીક આવેલા હોવાથી તેનો વિકાસ આપોઆપ થયો છે. રાજયના ૨૫૦ એવાં ગામો છે કે જયાં હજી વિકાસ પહોંચી શક્‍યો નથી. આ ગામો પછાત જ રહ્યાં છે.

ભારતમાં એક લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની સંખ્‍યા ૩૦૦ને પાર છે જેમાં ગુજરાતના આઠ શહેરો આવી જાય છે. મિસન સ્‍માર્ટ સિટીમાં ગુજરાતના છ શહેરો જેવાં કે ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને દાહોદનો સમાવેશ કરવામાં આવ્‍યો છે જયારે પાડોશી રાજય મહારાષ્ટ્રના ૧૦ શહેરો સ્‍માર્ટ સિટીમાં લેવામાં આવ્‍યા છે. સૌથી વધુ તામિલનાડુના ૧૨ શહેરો છે. એટલે કહેવાય છે કે સ્‍માર્ટ સિટી નરેન્‍દ્ર મોદી બનાવી રહ્યાં છે જયારે ગામડાનો વિકાસ ગુજરાત કરી રહ્યું છે.

અર્બન ભારતમાં મુંબઇ મોખરાના સ્‍થાને છેᅠ

ભારતમાં અર્બનાઇઝેશન અત્‍યારે ૩૧.૧૬ ટકા છે એટલે કે કુલ વસતીના ૩૧.૧૬ ટકા વસતી શહેરોમાં વસે છે જે આંકડો ૨૦૩૦ સુધીમાં ૪૦.૭૬ ટકા થઇ જશે તેવુ વર્લ્‍ડ બેન્‍કનો રિપોર્ટ કહે છે. દેશમાં સૌથી વધુ શહેરીકરણ મુંબઇમાં થયું છે. મુંબઇમાં ૧.૯૦ કરોડ લોકો વસે છે. દિલ્‍હીમાં ૧.૭૦ કરોડ લોકો રહે છે. કહેવાય છે કે દિલ્‍હીમાં રૂરલ વિસ્‍તાર રહ્યો જ નથી. ૨૦૦૧નાવર્ષમાં ભારતનો શહેરી પોપ્‍યુલેશન દર ૧૧.૪ ટકા હતો પરંતુ ૧૦ વર્ષમાં આ દરમાં ત્રણ ગણો વધારો થયો છે.

ગુજરાતનું શહેરીકરણ ૪૩ ટકાને દ્વાર

બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં ૬૫ લાખ અને બીજાક્રમે ૫૦ લાખ લોકો સુરતમાં રહે છે. ભારતના સૌધી વધુ શહેરીકરણના કુલ ૨૦ શહેરોમાં ગુજરાતના આ બે શહેરોનો સમાવેશ થયો છે. ભારતના પ્રથમ પાંચ શહેરોમાં મુંબઇ, દિલ્‍હી પછી કોલકત્તા, ચેન્નાઇ અને બેંગલુરૂ આવે છે. ગુજરાતની હાલની એટલે કે ૨૦૧૭માં પ્રોજેક્‍ટેડ થયેલી વસતી ૬૭,૬૦૦,૯૯૨ માનવામાં આવે છે જે પૈકી અંદાજે ૪૩ ટકા એટલે કે ૨.૬૫ કરોડ લોકો નાના મોટા શહેરોમાં વસે છે.

ગુજરાતનું ગૌરવવંતુ ગામ પુંસરી

ગુજરાતમાં એક એવું ગામ છે કે જયાં સ્‍માર્ટ સિટીને પણ શરમાવે તેવી સુવિધાઓ છે. એક સરપંચના પ્રયાસતી આ ગામ સ્‍માર્ટ બન્‍યું છે. સાબરકાંઠાના પુંસરી ગામે ભારતના કુલ ૭ લાખ ગામડાંને ઉદારહણ પૂરૂં પાડ્‍યું છે. ૧૨ વર્ષથી કાર્યરત ગામના સરપંચ હિમાંશુ પટેલે ગામની ઓળખ જ બદલી નાંખી છે. આ ગામમાં ૨૦૦૬ની સાલમાં ૯૮ ટકા લોકો અભણ હતા. ૨૩ જ્ઞાતિઓ વચ્‍ચે ઝઘડા થતા હતા. ગામમાં ચોતરફ ગંદકી હતી. ગામના માથે ૧.૫ લાખનું દેવું હતું પરંતુ શાસનના વર્ષોમાં સરપંચે ગામની કાયાપલટ કરી નાંખી છે. આ ગામને તેમણે દુનિયા સાથે જોડી દીધું છે. હિમાંશુ પટેલની કામગીરીને ૨૦૧૧માં મોદીએ બેસ્‍ટ ગ્રામ પંચાયતનો એવોર્ડ આપ્‍યો હતો. વિશ્વના ૬૦ દેશોના ૧૪૦ પ્રતિનિધિઓએ ગયા સપ્‍ટેમ્‍બર મહિનામાં પુંસરી ગામની મુલાકાત લીધી ત્‍યારે તેઓ વાહ... એક્‍સેલન્‍ટ, ઉત્તમ, સર્વશ્રેષ્ઠ જેવા શબ્‍દો આ ગામને આપીને ગયા છે.

હિમાંશુ પટેલ દેશ માટે કામ કરી રહ્યા છે

સાબરકાંઠાના નાનકડા ગામ પુંસરીને વિશ્વના નકશામાં મૂકીને મશહૂર થયેલા ગામના સરપંચ હિમાંશુ પટેલ હવે દેશભરમાં નંદઘર બનાવવા માગે છે. પુંસરી ગામને તેમણે ૧૨ વર્ષમાં સ્‍માર્ટ વિલેજ બનાવ્‍યું છે. કુપોષણ મુક્‍ત ભારત માટે કેન્‍દ્ર સરકારે હિમાંશુ પટેલની પસંદગી સીઇઓ તરીકે કરી છે જેમાં નંદઘરનો હેતુ ૧ થી છ વર્ષના બાળકો માટે આંગણવાડી સેન્‍ટરો બનાવવાનો છે. દેશના ૧૧ રાજયો માટેનો આ પ્રોજેક્‍ટ છે. હિમાંશુએ કહ્યું હતું કેラ એક ગામનો સરપંચ જો ઇચ્‍છે તો ગામનો વિકાસ કરીને પોતાના અનુભવ અને આવડતથી દિલ્‍હી સુધી પહોંચી શકે છે. પુંસરી ગામની લોકપ્રિયતાથી પ્રેરાઇને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પ્રત્‍યેક સાંસદને સાંસદ આદર્શ ગ્રામનો એક પ્રોજેક્‍ટ આપ્‍યો છે.

સ્‍માર્ટ વિલેજમાં જીટીયુના વિદ્યાર્થીઓ સક્રિય

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી -જીટીયુ- એ પણ હવે તો સ્‍માર્ટ વિલેજની દિશા પકડી છે. આ યુનિવર્સિટી સાથે જોડાયેલી ૩૨ કોલેજો રાજયભરના ૧૩૬ ગામડાંને સ્‍માર્ટ વિલેજ બનાવશે. આ કાર્યમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, સુરેન્‍દ્રનગર, પંચમહાલ, ગોધરા, આણંદ, સુરત, બારડોલી અને વડોદરાની કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા છે. આ પ્રોજેક્‍ટમાં સિવિલ અને ઇલેક્‍ટ્રિકલ એન્‍જીિનયરીંગના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. ગુજરાત સરકારનું રૂર્બન મિશન ભલે ન ચાલ્‍યું પરંતુ તેની સ્‍માર્ટ વિલેજ સ્‍કીમમાં રાજયના પ્રત્‍યેક ગામડાંનો સહકાર છે. સ્‍પર્ધાત્‍મકતા હોવાથી ગામના સરપંચો વિકાસના કામો વધુને વધુ કરી રહ્યાં છે.

દિલ્‍હી અને મુંબઇ શહેર પણ પાણી ભરે

ગુજરાતનું એક સમૃદ્ધ ગામ છે જેની આર્થિક સમૃદ્ધિ એટલી વિશાળ છે કે જેની આગળ દિલ્‍હી અને મુંબઇની આવક પણ પાણી ભરે તેવી છે. કચ્‍છ જિલ્લાના ભૂજમાં આવેલું નાનકડું માધાપર ગામ અતિ સમૃદ્ધ છે જેનો મુખ્‍ય વ્‍યવસાય ખેતીવાડી, પશુપાલન અને ખેતમજૂરી છે. કહેવાય છે કે માધાપરની ૩૦૦ મહિલાઓએ ૧૯૭૦ના યુદ્ધ વખતે અસાધારણ સાહસ દાખવીને તૂટેલો રન-વે એરફોર્સના જવાનો માટે બહુ ઓછા સમયમાં તૈયાર કરી આપ્‍યો હતો. ઇન્‍દિરા ગાંધી પણ આ મહિલાઓથી પ્રભાવિત થયા હતા અને તેમણે માધાપની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ભારત પાસે ૩૦૦ ઝાંસીની રાણી છે. એક સર્વે પ્રમાણે આ ગામમાં ૫૦૦૦ કરોડની બેન્‍ક ડિપોઝીટ છે. આ ગામમાં ૧૮ બેન્‍કોની શાખાઓ છે. આટલી સમૃદ્ધિ હોવાનું કારણ એવું છે કે પ્રત્‍યેક પરિવારનો સભ્‍ય વિદેશમાં જઇને વસ્‍યો છે. એશિયામાં સૌથી વધુ બેન્‍ક શાળાઓ હોય તેવું આ એકમાત્ર ગામ છે. કહેવાય છે કે આ ગામમાં વ્‍યક્‍તિદીઢ ડિપોઝીટની સંખ્‍યા ૧૨.૫૦ લાખ રૂપિયા છે.

એક ગામ જયાં મહિલાઓ પશુપાલન કરે છે

સમગ્ર દેશને દૂધ ઉત્‍પાદનમાં સ્‍વનિર્ભર બનાવવા માટે ગુજરાત અગ્રેસર છે. આ રાજયમાં શ્વેતક્રાન્‍તિની શરૂઆત આણંદના અમૂલથી થઇ છે. આણંદ જિલ્લો અમૂલ બ્રાન્‍ડના કારણે વિશ્વભરમાં મશહૂર બન્‍યો છે. આણંદ જિલ્લાના શેખડી ગામની મહિલાઓએ એક વિક્રમ સજર્યો છે. આ ગામની ૭૩ ટકા મહિલાઓ પશુપાલનના વ્‍યવસાય સાથે સંકળાયેલી છે. તેઓએ પશુપાલનને મુખ્‍ય વ્‍યવસાય અને આવકનું સાધન બનાવ્‍યું છે જે આખા દેશમાં ગૌરવવંતી સફળતા છે.

એક એવું વિલેજ કે જયાં ચૂંટણી થઇ નથી

ગુજરાતમાં એક ગામ એવું છે કે જયાં પંચાયતી રાજની સ્‍થાપના કર્યા પછી આજદિન સુધી ચૂંટણી થઇ નથી. ખોડા તેમજ સાણંદથી છ કિલોમીટર આવેલું વાસણા ગામ કે જેની મિસાલ અલગ છે. સરપંચ પદ મેળવવા માટે રાજયના ૧૮ હજાર ગામોમાં ચૂંટણી થાય છે પરંતુ આ ગામ એવું છે કે જયાં ચૂંટણી થઇ નથી. સત્તામાં નહીં લોકોને વિકાસમાં રસ છે. માત્ર ૨૭૦૦ની વસતી ધરાવતા આ ગામે અનેક એવોર્ડ મેળવ્‍યા છે. મુખ્‍યમંત્રી સહિતના મહાનુભાવો આ ગામની મુલાકાત લઇ ગયા છે. કહેવાય છે કે ચૂંટણી એક બીજાના માનસ પર વેરના બીજ રોપે છે પરંતુ વાસણા ગામમાં લોકોને વ્‍યક્‍તિમાં રસ છે, પાર્ટીમાં રસ નથી. લોકો સર્વાનુમતે તેમને લિડરને નક્કી કરે છે અને ચૂંટણી કર્યા વિના પસંદ કરે છે.

એક ગામ જયાં મહિલાઓ જ સર્વોપરી છે

ગીર સોમનાથના વેરાવળથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા બાદલપરા ગામમાં વર્ષોથી સ્‍વચ્‍છતાનો ધ્‍યેય અમલમાં છે. ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામમાં સત્તા માત્ર મહિલાઓના હાથમાં છે. અહીં મહિલા રાજ ચાલે છે. ગામમાં સીસીટીવી અને વાઇફાઇની સુવિધા છે. મહિલા શક્‍તિનું અનોખું ઉદાહરણ અહીં જોવા મળે છે. આ ગામની ખાસિયત એવી છે કે ગામમાંથી પસાર થતાં વોકલાને સજાવીને તહેવારોના સમયમાં નૌકાવિહાર થાય છે. ગામના મહોલ્લામાં સાઉન્‍ડ સિસ્‍ટમ લગાડવામાં આવી છે. આ ગામ સરસ્‍વતી નદીના કિનારે વસેલું છે. સ્‍વચ્‍છતા, આધુનિકતા અને સુરક્ષાનો અહેસાસ આ ગામમાં થાય છે.

એક નહીં ગમતી વાત છતાં હકીકત છે...

દાહોદ જિલ્લાનું ખાંડણીયા ગામ પણ દેશમાં વિક્રમી ગામ છે. વિક્રમ પણ કેવો નેગેટીવ છે. આ ગામમાં કુપોષણની સૌથી મોટી સમસ્‍યા છે. પરિવારોને બે ટંક ખાવાનું પણ મળતું નથી. આ ગામની મહિલા અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ૫૨ ટકા કરતાં વધુ છે. ૧૫૩૦ લોકોની વસતી ધરાવતા આ ગામમાં ઉંમરની સરખામણીએ ૭૮ ટકા બાળકોની ઉંચાઇ ઓછી છે. ૪૪ ટકા બાળકોનું વજન ઉંચાઇ અનુસાર નથી. ૪૪.૨ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. આ ગામમાં લોકોને બે ટંક ભોજન પણ મળતું ન હોય તો પછી મહિલા અને બાળકોનું પોષણ કેવી રીતે શક્‍ય છે. ખુદ ગુજરાત સરકારે જ તેના આરોગ્‍ય રિપોર્ટમાં સ્‍વિકાર્યું છે કે રાજયમાં કુપોષિત બાળકોની સંખ્‍યા ૧.૧૧ લાખ છે જૈ પૈકી ૨૦,૦૦૦ બાળકો તો ગંભીર રીતે કુપોષણનો શિકાર થયેલા છે. કેન્‍દ્ર અને રાજયની વિવિધ યોજનાઓ છતાં સીએજીના રિપોર્ટ પ્રમાણે રાજયમાં ૩૮ ટકા બાળકો કુપોષિત છે. સરકારનો દાવો છે કે રાજયમાં ૫ ટકા બાળકો કુપોષિત છે જયારે કેન્‍દ્ર સરકાર કહે છે કે ગુજરાતમાં ૨૬.૪૦ ટકા બાળકો શક્‍તિહિન તેમજ ૩૯.૩૦ ટકા બાળકો ઓછું વજન ધરાવતા હતા. સાચો આંકડો રામ જાણે કેટલો હશે...

આમ છતાં ચીનની તોલે કોઇ ના આવે

ચીનનું એક ગામ છે જેનું નામ વાક્‍સુ છે. આ ગામડું દુનિયાનું સૌધી અમીર ગામડું છે. ચીનના જિયાગસુ પ્રાંતમાં આવેલુંઆ ગામ જયાં ભવ્‍યતા પણ ભૂલી પડે. વાક્‍સુ ગામના તમામ વ્‍યક્‍તિના બેન્‍ક ખાતામાં ૧.૫ કરોડની રોકડ રકમ છે. ગામના તમામ ઘર બહારથી હોટલની ગરજ સારે છે. આ ગામમાં ટેક્‍સી તરીકે હેલીકોપ્‍ટરનો ઉપયોગ થાય છે. ૨૧૪ એકર જમીમાં ફેલાયેલી વાક્‍સુ ગામમાં ૭૨ માળની ઇમારત બનાવેલી છે. ગામમાં હેલ્‍થકેર, એજયુકેશન, હાઉસિંગ વગેરે સુવિધાઓ મફતમાં મળે જ છે, પરંતુ અહીં ગ્રામીણ પ્રશાસન તરફથી નાગરીકોને ઘર અને કાર જેવી સુખાકારી મફતમાં અપવામાં આવે છે. સૌથી મજાની બાબત એવી છે કે અહીં સપ્તાહના સાતેય દિવસ બઘાં જ લોકો કામ કરે છે. કોઇ જુગાર રમી શકતું નથી. બિયર બાર પણ નથી. કોઇ ક્‍લબ નથી. ડ્રગ્‍સ અને વ્‍યસનને અહીં નો એન્‍ટ્રી છે.

 

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(10:50 am IST)