Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સરકારી મહેમાન

કરપ્શનના ક્રમાંક બદલાયા: મહેસૂલને પછાડી શહેરી વિકાસ નંબરવન, પંચાયત ત્રીજાસ્થાને

ગુજરાત સરકારમાં કરપ્શનની તપાસ કરતી સંસ્થાઓ વર્ષોથી સરકારના વિભાગો તેમજ જાહેર સાહસોમાં કરપ્શન કરતાં કર્મચારીઓ સામે તપાસ ચલાવે છે. ચોંકાવનારી વિગતો એવી છે કે છેલ્લા 27 વર્ષથી કરપ્શનમાં ટોચ પર રહેતા મહેસૂલ વિભાગે તેનું નંબર વનનું સ્થાન ખોયું છે. આ સ્થાન વર્ષોથી સ્પર્ધા કરી રહેલા શહેરી વિકાસ વિભાગે મેળવ્યું છે. હવે શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ફરિયાદો આવી રહી છે. રાજ્યના 25 વિભાગો અને 27 જાહેર સાહસોમાં શહેરી વિકાસ વિભાગે 1163 ફરિયાદો સાથે નંબર વનનું સ્થાન મેળવ્યું છે. એવી જ રીતે સરકારના બીજા નંબરના સ્થાને રહેલા મહેસૂલ વિભાગમાં પણ વિક્રમી 1042 ફરિયાદો નોંધાઇ છે. ગુજરાતમાં આ વિભાગો "વહીવટ" કરવા માટે હોટ ફેવરીટ છે. રાજ્યમાં ત્રીજો ક્રમ 1002 ફરિયાદો સાથે પંચાયત વિભાગે જાળવ્યો છે. તેની સીધી સ્પર્ધા ગૃહ વિભાગ સાથે થાય છે. ગૃહમાં વિઝિલન્સના અહેવાલ પ્રમાણે આ વિભાગમાં પહેલીવાર 829 ફરિયાદો નોંધાઇ છે. પાંચમાક્રમે 308 ફરિયાદો સાથે આરોગ્ય વિભાગ આવે છે. સૌથી ઓછી ફરિયાદો સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ વૈધાનિક બાબતોની છે, કારણ કે તેમાં કરપ્શન થવાના ચાન્સ ઓછા છે, રિપોર્ટ પ્રમાણે સરકારના જાહેર સાહસો પૈકી એક થી પાંચમા ક્રમે અનુક્રમે મેરીટાઇમ બોર્ડ, GIDC, પાણી પુરવઠા બોર્ડ, PGVCL અને રાજ્ય જમીન વિકાસ નિગમ આવે છે. એક વર્ષમાં કરપ્શનની 7541 ફરિયાદો નોંધાયેલી છે.

સૌરભભાઇ ન્યૂ ગાંધીનગરનું પણ ધ્યાન રાખો...

ગાંધીનગરના ગુડા વિસ્તારનો નમૂનેદાર વહીવટ રૂપાણી સરકારે આપ્યો છે. 24 કલાકની અનકરપ્ટ વીજળી આપ્યાના સરકાર વાયદા તો કરે છે પરંતુ ન્યૂ ગાંધીનગરમાં ગમે ત્યારે લાઇટો જતી રહે છે. બાળકોનો અભ્યાસ બગડે છે. ગાંધીનગરનો આ વિસ્તાર સ્માર્ટ સિટીમાં આવે છે છતાં UGVCL નિયમિત વીજળી આપી શકતી નથી. આ વિસ્તારને ડેલલપ કરવા માટે ટોરન્ટ પાવરે દરખાસ્ત કરી હતી પરંતુ ઊર્જા મંત્રી સૌરભ પટેલને કોઇ રસ નથી. તેમને લોકોની યાતનાની પડી નથી, કેમ કે આ તેમનો મતવિસ્તાર નથી. આ વિસ્તારમાં લોકોને અંધારામાં રાત વિતાવવી પડે છે. ગ્રાહકો વીજળીના બીલ નિયમિત ભરે છે, જો ના ભરે તો બીજા દિવસે કનેક્શન કાપી નાંખવામાં આવે છે, પરંતુ કંપની લાઇટ ન આપે તો ગ્રાહક લાચાર બની જાય છે. ગિફ્ટ સિટી પાસે આવેલા ન્યૂ ગાંધીનગરના નાગરિકોને ખુદ સરકાર મોટી સજા કરી રહી છે. લોકો કહે છે કે, સરકારે UGVCLના બિન કાર્યક્ષમ અધિકારીઓને દુર કરવા જોઇએ અથવા આ વિસ્તારનો વહીવટ ખાનગી કંપનીને સોંપી દેવો જોઇએ.

સચિવાલયના એ બ્રિઝ કર્મચારીઓ યાદ કરે છે...

સચિવાલયમાં જ્યારે સ્વર્ણિમ સંકુલ બન્યા ન હતા ત્યારે એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં આસાનીથી જઇ શકાતું હતું પાંચમા કે ચોથા બ્લોકમાંથી આઠમા કે 14મા બ્લોકમાં જવા માટે બન્ને સચિવાલયને જોડતાં બે બ્રિઝ બનાવવામાં આવ્યા હતા. બ્રિઝનું જોડાણ વિધાનસભાના બિલ્ડીંગ સાથે જોડાયેલું હતું. સ્વર્ણિમ સંકુલ બનાવ્યા ત્યારે સરકારે આ બન્ને બ્રિઝને તોડી નાંખ્યા હતા. આજે સ્થિતિ એવી છે કે ઓફિસરને એક ઇમારતમાંથી બીજી ઇમારતમાં જવું હોય તો ફરજીયાત ગાડી લઇને જવું પડે છે જે પહેલા આ બન્ને બ્રિઝ પરથી પસાર થતાં હતા. સચિવાલયની ખૂબસુરતી આ બ્રિઝના કારણે હતી પણ હવે બંન્ને ઇમારતોના હાથ કપાઇ ગયા હોય તેવું લાગે છે. આ બ્રિઝની મજબૂતાઇ એવી હતી કે તેને તોડતાં કામદારોને મહિનાઓ થયાં હતા. બ્રિઝના લોખંડના સળીયા જેટલો ઘેરાવો ધરાવતા હતા તેટલો ઘેરાવો કદાચ ગુજરાતના કોઇપણ ઓવરબ્રિઝ પણ ધરાવતા નથી. આ બ્રિઝની સામે સ્વર્ણિમ સંકુલની મજબૂતાઇ ઝાંખી પડે છે. 2001ના ભૂકંપ સમયે સચિવાલયની ઇમારત અડીખમ રહી હતી પરંતુ સ્વર્ણિમ સંકુલ એટલો ઝટકો ખમી શકે તેમ નથી.

હવે તો ACBના છટકાં પણ ઓછા પડે છે...

ગુજરાતના લાંચિયા કર્મચારીઓને પકડવા માટે એન્ટી કરપ્શનના છટકાં પણ ઓછા પડે છે. ભ્રષ્ટાચારના સરેરાશ રોજના બે કેસ પકડાય છે, એનો મતલબ એ થયો કે મહિને 40 જેટલા કર્મચારીઓ લાંચ લેતા પકડાય છે. આમ જોઇએ તો છીંડે ચઢ્યો તે ચોર- પકડાય એ સજાને પાત્ર બને છે પરંતુ જે છટકી જાય એ જલસા કરે છે. એક અધિકારીએ કહ્યું હતું કે નિવૃત્તિ પછી જેની નિયુક્તિ થતી હોય છે તેવા અધિકારી કે કર્મચારીમાં કરપ્શનનું પ્રમાણ વધારે જોવા મળે છે. રાજ્ય સરકારે એસીબીને સરપ્રાઇઝ ચેકીંગ કરવાની છૂટ આપીને મેનપાવર વધારવો જોઇએ, એ ઉપરાંત લાંચ લેતા પકડાયેલા કર્મચારીને કોઇપણ સરકારી લાભ આપ્યા વિના ઘરે બેસાડવો જોઇએ. કર્મચારીઓને કરપ્શનના કેસોમાં ડર પેસી જાય તેવા પગલાંની જરૂર છે, બાકી તો 10 માંથી 8 કેસ છટકી જશે. ACB જેટલું મજબૂત હશે તેટલો વહીવટ પારદર્શક બનશે અને કરપ્શન નિયંત્રણમાં રહેશે. સાતમું પગાર પંચ લઇને ન્યાલ થયેલા આપણા વહીવટદારો લાંચની રકમ પણ છોડતા નથી.

વિઝિલન્સ કમિશનમાં ફરિયાદો ઓછી થાય છે...

ગુજરાત વિઝિલન્સ કમિશન એટલે કે તકેદારી આયોગમાં અરજદારોએ ફરિયાદ કરવાનું ઓછું કરી દીધું છે. સત્તાવાર આંકડા પ્રમાણે ત્રણ વર્ષ પહેલાં આયોગમાં 8604 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ત્યારપછીના વર્ષમાં 8412 ફરિયાદો થઇ હતી પરંતુ છેલ્લા વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2017ના વર્ષમાં ફરિયાદો ઘટીને 7541 થઇ છે એટલે કે 1000 જેટલી ફરિયાદો ઓછી થઇ છે. ફરિયાદો ઓછી થવાનું કારણ રિઝલ્ટ મળતું નથી અને 25 ટકા ફરિયાદ દફતરે કરી દેવામાં આવે છે. જો કે તકેદારી આયોગ તરફથી નિકાલ કરવાનું ધોરણ ઉંચું છે. તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી હોય તેવી ફરિયાદોની સંખ્યા 65 ટકા છે, જ્યારે 5 ટકા ફરિયાદો પ્રાથમિક તપાસ માટે જાય છે અને અન્ય 5 ટકા ફરિયાદોમાં અરજદારો પાસેથી વધુ વિગતો મેળવવામાં આવે છે.

આ છે પારદર્શિતા: 14 વર્ષ છતાં તપાસ ચાલુ છે...

ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ સરકારને તપાસ કરવાના આદેશ કરે છે પરંતુ સરકારના વિભાગો ખાતાકીય તપાસમાં અક્ષમ્ય વિલંબ કરતા હોય છે. આવી સૌથી વધુ ફરિયાદો પંચાયત વિભાગની મળી છે. આ વિભાગે એક કેસમાં 14 વર્ષનો વિક્રમી સમય લીધો છે. રાજ્યના પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય સમ વિકાસ યોજના હેઠળ વાડી પ્રોજેક્ટમાં 2006ના વર્ષમાં સ્થળ ચકાસણી વિના કામ પૂર્ણ કર્યાનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. આ ક્ષતિ અંગેનો રિપોર્ટ 2009માં પંચાયતને આપી દેવામાં આવ્યો હતો અને જવાબદારીને સજા કરવાની થતી હતી. અલગ અલગ તપાસ અહેવાલો વર્ષોવર્ષ મળ્યા છતાં જવાબદારોને કોઇ સજા થઇ નથી, પરિણામે પાંચ તાલુકા વિકાસ અધિકારી વય નિવૃત્ત થઇ ગયા છે. વિભાગે એક ટીડીઓ સામેની તપાસ પડતી પણ મૂકી દીધી હોવાની ગંભીર ઘટની સામે આવી છે. પ્રગતિશીલ સરકારનો આ નમૂનેદાર વહીવટ છે.

બ્યુરોક્રેસીમાં બદલીનો નાનો રાઉન્ડ આવશે...

ગુજરાતમાં બદલીનો નાનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં આઠ થી દસ અધિકારીઓની બદલી થાય તેવી સંભાવના છે. જીએસટી કમિશનર પી.ડી.વાઘેલાના ડેપ્યુટેશન પોસ્ટીંગ પછી આ બદલીમાં જ્યંતિ રવિ, ડી.થારા, અરૂણ સોલંકી, પંકજકુમાર, હરિત શુક્લા, પી.કે.પરમાર, સંગીતા સિંઘ, મનીષ ભારદ્વાજ તેમજ અનુપમ આનંદનો સમાવેશ થઇ શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:50 am IST)