Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સરકારી મહેમાન

સચિવાલયના વિભાગોમાં ‘સેકન્ડ કેડર’ તૈયાર થતી નથી, કેમ કે સિનિયરો પાસે ટાઇમ નથી

ગુજરાત સરકાર હવે બદલાવ માગે છે, વિસ્તરણ કે નવી નિયુક્તિની શક્યતા: એજ્યુકેશન અને જોબ કેરિયરના કારણે યુવતિઓની લગ્નવય પાછી ઠેલાઇ છે: પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતી યુવતિને વર્કિંગ વુમન હોસ્ટેલ નસીબમાં નથી

સચિવાલયની કમનસીબી એ છે કે નવી ભરતી થયેલા યંગ કર્મચારીઓને સરકારી ફાઇલ સિસ્ટમની પુરતી જાણકારી નથી તેથી ફાઇલો અટવાઇ જાય છે. વળી ઘણાં કેસોમાં એવું પણ બન્યું છે કે અરજદારે મોકલેવા ડોક્યુમેન્ટ ગૂમ થઇ ગયેલા જોવા મળે છે. સરકાર જે અધિકારીને એક્સટેન્શન આપે છે તેની ફરજ બને છે કે નવા કર્મચારીને તે ટ્રેઇન કરે પરંતુ હકીકતમાં એવું થતું નથી. નિવૃત્ત અધિકારીને એક્સટેન્શન આપવાનું મુખ્ય કારણ પેન્ડીંગ કામોની પતાવટ હોય છે. સચિવાલયમાં હાલ 170થી વધુ કર્મચારીઓ એક્સટેન્શનનો લાભ લઇ રહ્યાં છે. સરકારની દલીલ છે કે અનુભવી ઓફિસરો જૂનિયરોને તૈયાર કરે છે. તેમના અનુભવનું જ્ઞાન આપે છે પરંતુ હકીકતમાં તેવું જોવામાં આવ્યું નથી. કેટલાક કિસ્સામાં અનુભવી ઓફિસર કે કર્મચારી નવા ભરતી થયેલા જૂનિયરને શિખવતો નથી પણ તેને ઇગ્નોર કરે છે. એવાં પણ કેટલાક અધિકારીઓ છે કે જેમણે સાચા અર્થમાં અનેક જૂનિયરોને સરકારી કામગીરીમાં તૈયાર કર્યા છે. આ સ્થિતિને સેકન્ડ કેડર કહેવામાં આવે છે. કોઇપણ સિસ્ટમમાં જો સેકન્ડ કેડર ન હોય તો તેની અસર વહીવટ પર અવશ્ય થતી હોય છે. કર્મયોગી તાલીમનો મુખ્ય ઉદ્દેશ આવો હતો પરંતુ હવે તો તે ભૂતકાળ બની ગયો છે.

બળવો ક્યાં નથી થયો, બિચારા ત્રણનો શું વાંક છે...

ભાજપના વડોદરાના ત્રણ નારાજ ધારાસભ્યોએ સરકાર પર ગુસ્સો ઠાલવ્યો અને પછી માની પણ ગયા... વાહ, આટલા સંસ્કારી અને પ્રામાણિકતાથી છલોછલ એવા આ ત્રણેય મહાનુભાવોને પેટમાં શું દુખે છે અને પીડા શેની સહન કરે છે તે ભાજપના પ્રદેશ મોવડીઓ જ જાણી શકે છે. રિસામણાં અને મનામણાં એ ભાજપમાં ફેશન થઇ ગઇ છે. 1995માં કેશુભાઇ પટેલની સરકારના સમયથી તે ચાલતું આવ્યું છે. સત્તાધારી પાર્ટીના ધારાસભ્યએ મુખ્યમંત્રી, સરકાર કે પાર્ટી સામે બગાવત કરી હોય તેવી ભાગ્યેજ કોઇ ટર્મ પસાર થઇ હશે. કોંગ્રેસમાં પણ આવું હતું અને ભાજપમાં પણ આવું થાય છે. રાજકારણમાં કોઇ ઘટના નવાઇ પામવા જેવી હોતી નથી. ગુજરાતમાં ભાજપના પાંચ મુખ્યમંત્રી આવી ગયા છે. બે મુખ્યમંત્રી ભાજપ છોડનારા સભ્યો બન્યા છે. કુલ સાત મુખ્યમંત્રીઓ છેલ્લા 23 વર્ષમાં ગુજરાતની જનતાએ જોયા છે. નરેન્દ્ર મોદી સામે પણ 2004 થી 2007 દરમ્યાન બળવો થયો હતો. કહેવત છે કે સરકાર સામે કે મુખ્યમંત્રી સામે લડવું હોય તો પહેલાં જાતે સુપર પાવર બનવું પડે અન્યથા રાજનીતિમાંથી ફેંકાઇ જવાય છે. ભૂતકાળમાં ઘણાં દાખલા છે. બાકી તો છેલ્લા એક-દોઢ વર્ષથી શિવસેના ભાજપ અને મોદીની વિરોધના સૂર આલાપે છે છતાં ભાજપ તેની સાથે ગઠબંધન કરવામાં ગૌરવ અનુભવે છે. શિવસેનાના ફુંફાડાનો આ તાપ છે, જેમાં ભાજપ હસતે મુખે વિરોધ સહન કરી રહ્યું છે.

ગુજરાતમાં IAS અધિકારીની સ્ટ્રેન્થ વધારો...

ગુજરાત સરકારમાં સનદી અધિકારીઓની જગ્યા વધારવા માટે ગુજરાત માગણી કરી રહ્યું છે. સરકાર એવું માને છે કે કેન્દ્રએ 10 થી 15 ટકા વધારે આઇએએસ ઓફિસરો રાજ્યને આપવા જોઇએ. સનદી અધિકારીઓ જે રીતે નિવૃત્ત થઇ રહ્યાં છે તેની સામે નવી નિયુક્તિનું પ્રમાણ ઓછું હોવાથી ઘટ વર્તાઇ રહી છે. ગુજરાતમાં આઇએએસની મંજૂર થયેલી સંખ્યા 297 છે જેમાં પાંચ વર્ષે ત્રણ થી પાંચ ટકાનો વધારો થાય છે. રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ પણ માને છે કે ગુજરાતની આઇએએસ સ્ટ્રેન્થ વધવી જોઇએ. જો માગણી પ્રમાણે આઇએએસ ઓફિસરો ગુજરાતને મળે તો આ સ્ટ્રેન્થમાં બીજા 44 ઓફિસરોનો વધારો થઇ શકે છે. ગુજરાતમાં હાલ 162 સિનિયર પોસ્ટ છે. પ્રમોશન પોસ્ટ 90 છે. સરકારની કામગીરીના પ્રમાણમાં આઇએએસ ઓફિસરોની ઘટ તો જોવા મળે છે પરંતુ સરકારે જિલ્લાકક્ષાની જગ્યાએ ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને નિયુક્ત કર્યા છે તેથી વાંઘો આવતો નથી આમ છતાં નિવૃત્તિનું પ્રમાણ વધતા વધુ ઓફિસરોની માગણી કરવામાં આવી રહી છે.

શાદી... અભી નહીં, મુજે તો જોબ કરની હૈ...

ગુજરાતમાં મહિલાઓની લગ્ન કરવાની ઉંમર વધતી જાય છે. આ ઘણી ચોંકાવનારી બાબત છે. લગ્નની વય 18 વર્ષની છે છતાં ગુજરાતમાં મહિલાઓની સરેરાશ લગ્નવય 22 થી 23 વર્ષ થઇ છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ મહિલાઓમાં વધેલી શિક્ષણની ભૂખ અને નોકરી કરવાની તમન્ના છે. મહિલાઓને પણ પુરૂષની જેમ કેરિયર બનાવવામાં રસ જાગ્યો છે. એક સર્વેક્ષણમાં જણાયું છે કે દર દસ યુવતિ પૈકી ત્રણ યુવતિ 28 થી 30 વર્ષે મેરેજ કરે છે. દર દસ યુવતિએ પાંચ યુવતિ 25 વર્ષ પછી મેરેજ કરે છે. બીજી રસપ્રદ બાબત એ સામે આવી છે કે ગ્રામ્ય વિસ્તારની યુવતિના લગ્ન આજે પણ શહેરી વિસ્તારની સરખામણીએ વહેલાં થાય છે. સેમ્પલ રજીસ્ટ્રાર સિસ્ટમના આંકડા જોઇએ તો ગ્રામ્ય વિસ્તારમાં 2009 થી 2017ના આંકડા જોઇએ તો યુવતિની સરેરાશ લગ્ન કરવાની ઉંમર 20.4 જોવા મળી છે. જો કે શહેરી વિસ્તારમાં આ જ સમયગાળામાં લગ્ન કરવાની સરેરાશ ઉંમર 22.3 દેખાઇ છે. ગુજરાતના સંયુક્ત પરિવારમાં પણ શિક્ષણ અને નોકરીની જવાબદારી હોવાથી યુવતિ 21 વર્ષ પહેલાં લગ્ન કરવા તૈયાર થતી નથી.

વર્કિંગ વુમન હોસ્ટેલનો ગુજરાતમાં અભાવ છે...

ગુજરાતના શહેરોમાં એક બાબત એવી સામે આવી છે કે જે મહિલાઓ કે યુવતિઓ પ્રાઇવેટ નોકરી કરે છે તેમને રહેવા માટેની વર્કિંગ વુમન હોસ્ટેલ ઉપલબ્ધ નથી. આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. ગુજરાતમાં જે મહિલાઓ કામ કરે તે પૈકી 42.54 ટકા તો પ્રાઇવેટ જોબ કરે છે જ્યારે જાહેર ક્ષેત્રમાં 57.47 ટકા મહિલાઓ છે. આંકડામાં જોઇએ તો રાજ્યમાં 3,00,000 મહિલાઓ જાહેર ક્ષેત્રમાં અને 2,60,000 મહિલાઓ ખાનગી કંપનીઓમાં નોકરી કરી રહી છે. મોટાભાગની મહિલાઓ શહેરી વિસ્તારમાં કામ કરે છે. આટલી મહિલાઓનું એકોમોડેશન થાય તે માટેની વર્કિંગ વુમન હોસ્ટેલનો ગુજરાતમાં અભાવ છે. થોડાં વર્ષો પહેલાં મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવાની જાહેરાત સરકારે કરી હતી પરંતુ જગ્યાના અભાવે સરકાર જરૂરિયાત પ્રમાણેની હોસ્ટેલ બનાવી શકી નથી પરિણામે યુવતિઓને પેઇંગગેસ્ટ કે ભાડાના મકાનમાં રહેવું પડે છે. ગુજરાતમાં વર્કિંગ વુમન હોસ્ટેલનો કન્સેપ્ટ અતિ આવશ્યક બન્યો છે, કારણ કે ભાડાના ઘરમાં એકલી રહેતી યુવતિ સલામત ન પણ હોઇ શકે છે.

આજેપણ ફેસબુક સૌથી વધુ લોકપ્રિય માધ્યમ...

સોશ્યલ મિડીયામાં આજેપણ સૌથી વધુ પ્રભાવ હોય તો ફેસબુકનો છે. દર મહિને નવી ટેકનિકનો ઉમેરો કરતાં ફેસબુકના સંચાલકો માને છે કે દુનિયાને જોડવાનું મહત્વનું કદમ ફેસબુકનું માધ્યમ છે. ખોવાયેલા મિત્રોને ભેગા કરવાનું આ પ્લેટફોર્મ છે. સોશ્યલ મિડીયાના આંકડા જોતાં ફેસબુકના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા સૌથી વધુ 2196 મિલિયન થવા જાય છે. ફેસબુક પછી બીજાસ્થાને વોટ્સ અપ આવે છે. આ બન્ને સાઇટ્સ જીવન સાથે વણાઇ ગયેલી છે. વોટ્સઅપના મંથલી યુઝર્સનો આંકડો 1500 મિલિયન સુધી પહોંચી ગયો છે. સોશ્યલ મિડીયામાં ઢગલાબંધ એપ્લિકેશન કે સાઇટ્સ મોજૂદ છે પરંતુ લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે તે ફેસબુક અને વોટ્સ અપ છે. ત્રીજાક્રમે 1300 મિલિયન સુઝર્સ સાથે મેસેન્જર આવે છે જે ફેસબુકનો જ એક ભાગ છે. ચોથાક્રમે 1000 મિલિયન યુઝર્સ સાથે ઇસ્ટાગ્રામ અને 336 મિલિનય સાથે ટ્વિટર આવે છે. ટ્વિટર એક પ્રભાવશાળી માધ્યમ એટલા માટે છે કે જેમાં તુરંત રિપ્લાય આવે છે. રાજકીય નેતાઓ, બિઝનેસ હાઉસ, સેલેબ્રિટીઝ, વ્યવસાયકારીઓ તેમજ હવે તો બ્યુરોક્રેસી ટ્વિટરમાં સૌથી વધુ યોગદાન આપે છે. મોદી સરકારની સિદ્ધિઓ પાર્ટીના કાર્યકરો જનજન સુધી પહોંચાડતા નથી પરંતુ સોશ્યલ માધ્યમ જ પહોંચાડે છે. હવે તો ચૂંટણીમાં પણ કાર્યકરો કરતાં આ માધ્યમો સુપરપાવર બન્યાં છે.

વિજય રૂપાણી સરકારમાં ફેરફારોના એંધાણ...

ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફારોને અવકાશ છે? એવો કોઇ પ્રશ્ન પૂછે તો જવાબ હા માં આપી શકાય, કારણ કે સરકાર અને સંગઠનમાં હજી ઘણું વધારે ખૂટે છે. સરકારના મંત્રીઓને અધિકારીઓ અને અધિકારીઓને જિલ્લા વહીવટી તંત્ર સાથ આપતું નથી. ધારાસભ્યોને સરકાર સાથ આપતી નથી. પાર્ટીનું સંગઠન સરકારને સાથ આપતું નથી. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપનું હાઇકમાન્ડ સરકાર અને સંગઠનમાં કેટલાક ફેરફારો કરે તેમ મનાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇઝરાયલની મુલાકાત બાદ સરકારમાં ફેરબદલ અંગે ચર્ચા થવા સંભવ છે, કારણ કે આજે ત્રણ ધારાસભ્યોએ બંડ પોકાર્યું છે, કાલે બીજા 13 ધારાસભ્યો મેદાનમાં આવી શકે છે. 2017માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને મોદીનો ડર નથી. રૂપાણી સરકાર તેમની કેબિનેટનો વિસ્તાર કરે તેવી શક્યતા મજબૂત થતી જાય છે. એ ઉપરાંત બોર્ડ-કોર્પોરેશનમાં નિયુક્તિ કરે તેમ પણ મનાય છે. હાલ રાજ્યના આઠ શહેરોના વિકાસ સત્તામંડળોમાં ચેરમેનના પદો ખાલી પડ્યા છે. મહત્વના બોર્ડ-કોર્પોરેશનમાં પણ પોલિટીકલ નિયુક્તિ થઇ નથી. બજેટ સત્રથી ચાલી આવતા બ્યુરોક્રેસીના ફેરફારોની નોબત હવે આવી શકે છે. બસ, હાઇકમાન્ડની લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે.

GMDC: વેચાણ અને નફો ઘટ્યો, ઉત્પાદન વધ્યું છે...

ગુજરાત સરકારના નફો કરતાં જાહેર સાહસ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસીના વધતા ઉત્પાદન સામે વેચાણ અને નફાના આંકડા ઘટ્યાં છે. માર્ચ-2017 અંતિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જીએમડીસીનું ચોખ્ખું મૂલ્ય 2012-13માં 2534 કરોડ રૂપિયા હતું તે વધીને 3975 કરોડ થયું છે જેની સામે વેચાણના આંકડા ઘટ્યા છે. 2012-13માં ચોખ્ખું મૂલ્ય ઓછું હોવા છતાં વેચાણ 1747 કરોડ થયું હતું જ્યારે અત્યારે રિપોર્ટ પ્રમાણે 1582 કરોડ થવા જાય છે. કરવેરા પછીના નફાની ગણતરી કરીએ તો પાંચ વર્ષ પહેલાંનો નફો 600 કરોડ રૂપિયા હતો અને રિપોર્ટના વર્ષમાં તે ઘટીને 324 કરોડ થઇ ગયો છે. એનો મતલબ એ થાય કે મોદીના સમયમાં જીએમડીસી ફુલબહાર હતું, આજે આ સાહસમાં અધિકારી રાજના કારણે વેચાણ અને નફાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે. જીએમડીસીના ચેરમેનની પોસ્ટ પર પહેલાં કોંગ્રેસે જયરામભાઇ પટેલ અને ત્યારપછી શંકરસિંહ વાઘેલાએ પોલિટીકલ નિયુક્તિ કરી હતી. 1997 પછી આ સાહસમાં પોલિટીકલ નિયુક્તિ થઇ નથી.

ગાંધીનગરમાં ઘૂળ ખાઇ રહેલા સરકારી આવાસ...

ગાંધીનગરમાં સરકારે બનાવેલા અલગ અલગ પ્રકારના આવાસો ધૂળ ખાઇ રહ્યાં છે જેમાં કોઇનો વસવાટ નથી. માર્ગ-મકાન વિભાગના આંકડા પ્રમાણે હાલ પાટનગરમાં 2000થી વધુ સરકારી આવાસમાં વસવાટ નથી. ખાલી આવાસના કારણે સરકારને બેવડું નુકશાન થાય છે. એક તો આવાસનો વપરાશ ન થતો હોઇ ભાડાની આવક ગુમાવવી પડે છે અને બીજું તેની મરામતનો ખર્ચ વધી જાય છે. સરકારી આવાસ માટે સરકારે પ્રાઇવેટાઇઝેશન કરી દેવું જોઇએ તેવું એક નિવૃત્ત ઇજનેરનું સૂચન છે. તેઓ કહે છે કે સરકારે આધાર પુરાવા ચેક કરીને સરકારી આવાસ ખાનગી કંપનીઓના કર્મચારીઓ અથવા તો પ્રાઇવેટ નોકરી કરતાં માન્યતા પ્રાપ્ત કર્મચારીઓને ભાડે આપી દેવા જોઇએ. સરકારને ભાડાની આવક થશે અને આવાસનું મેઇનન્ટેન્સ પણ આવશે નહીં. ગાંધીનગરમાં 17 હજાર જેટલા સરકારી આવાસો બનાવવામાં આવેલા છે જે તેના કર્મચારીઓને ફાળવવામાં આવે છે. સરકાર જો આ દિશામાં વિચારે તો 2000 આવાસો પૈકી એકનું સરેરાશ માસિક ભાડું 4000 નક્કી કરવામાં આવે તો સરકારને મહિને 80 લાખની આવક થઇ શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:57 am IST)