Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સરકારી મહેમાન

મિશન રાજ્યસભા: કેન્દ્રના 3 મિનિસ્ટર પૈકી કોણ ગુજરાત બહાર જશે, કોનું પત્તુ કપાશે!

ગુજરાતની સડક હાઉસફુલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એકમાત્ર વિકલ્પ બચ્યો છે: મોદી સરકારે પણ વિચારવું જોઇએ કે ગુજરાતના ગોલ સિદ્ધ કેમ થતા નથી: IAS ઓફિસર ઓન ડિમાન્ડ; હિસાબ કરો- કેટલા બહાર ને કેટલા ગુજરાતમાં

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. આ બેઠકો પૈકી કોંગ્રેસ પાસે માત્ર બે સભ્યો છે જેમાં અહમદ પટેલ અને મધુસુદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે. બાકીની 9 બેઠકો ભાજપના ફાળે છે. 2018માં આવી રહેલી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બે બેઠકો મળતાં કોંગ્રેસની સભ્યસંખ્યા વધીને 4 થશે અને ભાજપની ઘટીને 7 થશે. એપ્રિલ 2018માં ગુજરાતમાંથી શંકર વેગડ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને અરૂણ જેટલી વયનિવૃત્ત થાય છે. આ ચાર સભ્યો પૈકી ત્રણ કેન્દ્રમાં મિનિસ્ટર છે તેથી એક સભ્યને ગુજરાત બહાર જવું પડશે. બીજી તરફ કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો છે. કોંગ્રેસ એક બેઠક રાષ્ટ્રીય નેતાને આપી શકે છે અને એક બેઠકમાં પાંચ થી છ દાવેદારો છે, જે પૈકી શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી મુખ્ય છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા 80 છે અને ભાજપની 99 છે. 99 પૈકી 20 મંત્રીઓને બહાર કરવામાં આવે તો ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસ કરતાં ઓછી એટલે કે 79 થાય છે. જો કે રાજ્યસભાની બે બેઠકો મેળવવા માટે કોંગ્રેસ પાસે પુરતી સભ્યસંખ્યા છે એટલે કે રાજ્યસભાની ચાર બેઠકો પૈકી બે બેઠકો મેળવવામાં કોંગ્રેસને મુશ્કેલી પડે તેમ નથી.

ગુજરાત સરકારના ગોલ સિદ્ધ કેમ થતા નથી...

ગુજરાત ઓટો હબ બનશે... ગુજરાત સોલાર હબ બનશે...ગુજરાત ઇકોનોમિક ટાઇગર બનશે તેવા વાયદા ખૂબ થયા પરંતુ હકીકત એ છે કે આ બિરૂદ દેશના અન્ય રાજ્યોના ફાળે જઇ રહ્યાં છે. જ્યાં સુધી ગુજરાતમાં સિંગલ વિન્ડો ક્લિયન્સ અને પ્રોજેક્ટ બેઝ તત્પરતા નહીં જોવા મળે ત્યાં સુધી ગુજરાતના સ્વપ્ન સાકાર થઇ શકે તેમ નથી. ગુજરાતમાં અત્યાર સુધી થયેલા એમઓયુમાં સરકારનું વહીવટી તંત્ર ઝડપથી ફોલોઅપ નહીં કરે ત્યાં સુધી સરકારના ગોલ સિદ્ધ થવાના નથી. હવે એવું કહેવામાં આવે છે કે ગુજરાત એ ઇન્ડિયાનું પહેલું ઇલેક્ટ્રોનિક વ્હિકલનું હબ બનશે. કારણ એવું આપવામાં આવે છે કે જેએસડબલ્યુ-સુઝૂકી, એમજી મોટર્સ અને ટાટા મોટર્સ તેમની ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવશે. ટાટા મોટર્સે એવો વાયદો કર્યો હતો કે નેનો કારનો પ્રોજેક્ટ વર્ષે બે લાખ વાહનો બનાવશે પરંતુ આ પ્રોજેક્ટ પડી ભાંગ્યો છે. ટાટા મોટર્સે નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉદ્યોગો પ્રત્યે સરકારની ઉદાસિનતા જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં કોઇપણ ક્ષેત્રમાં હબ બની શકવાની ક્ષમતા નહીં હોય...

દેશમાં 1500, ગુજરાતમાં 56  IAS ની ઘટ...

ભારતમાં 1500 જેટલા આઇએએસ ઓફિસરોની ઘટ છે. દેશમાં કુલ 6500 ઓફિસરો હોવા જોઇએ પરંતુ હાલની સ્થિતિએ 5004 ઓફિસરો છે. ગુજરાત રાજ્યમાં આ ઘટનો આંકડો 56 થવા જાય છે. ઓફિસરોની ઘટના કારણે બીજા ઓફિસરોને વધારાના હવાલા આપીને વહીવટ ચલાવવો પડે છે. ગુજરાતના પડોશી રાજ્યો પૈકી મધ્યપ્રદેશમાં 98, મહારાષ્ટ્રમાં 48 અને રાજસ્થાનમાં 70 આઇએએસ ઓફિસરોની ઘટ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગુજરાતમાં ટોટલ સ્ટ્રેન્થ 297 છે જેની સામે 214 આઇએએસ ઓફિસરો ફરજ બજાવે છે. ગુજરાતમાં 1લી જાન્યુઆરી 2017ની સ્થિતિએ 56 આઇએએસ ઓફિસરોની ઘટ છે. ગુજરાતમાં ઓફિસરોની સંખ્યા ઓછી હોવાથી અને દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા 18થી વધુ ઓફિસરોના કારણે એક ડઝન જેટલા ઓફિસરોને બીજા વિભાગ કે જાહેર સાહસના વધારાના હવાલા આપવા પડ્યા છે.

સ્વૈનનું સપનું પૂર્ણ થશે, ચુઆંગો પણ લાઇનમાં...

ગુજરાતના સ્ટેટ ઇલેક્ટ્રોરલ ઓફિસર- સીઇઓ- બી.બી.સ્વૈન કે જેઓએ નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર જવાની માગણી કરી હતી તેમને ભારત સરકાર અને ગુજરાત સરકાર વતી મંજૂરી આપી દેવામાં આવી છે. તેમને દિલ્હી જવાનું ક્લિયરન્સ મળી ચૂક્યું છે. તેમની નિયુક્તિ ભારતના ચૂંટણી પંચમાં થઇ શકે છે. તેમની જેમ બીજા અધિકારી મુકેશ પુરી છે. તેઓ દિલ્હી ડેપ્યુટેશન માટેના ઇન્તજારમાં છે. તેમની ડેપ્યુટેશનની ફાઇલ હજી સુધી ક્લિયર થઇ નથી. અતિ મહત્વનો બીજો ફેરફાર એવો સંભવ છે કે એલ. ચુઆંગોને હોમસ્ટેટ મિઝોરમમાં જવું છે. તેઓ હાલ જીએડીમાં પ્રિન્સિપલ સેક્રેટરી છે. તેમને ડેપ્યુટેશનમાં મિઝોરમ જવું છે. તેમને ત્યાં કિપોસ્ટ મળી શકે છે. સચિવાલયમાં એવી પણ અફવા ચાલી છે કે મિઝોરમમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. મિઝોરમમાં આ વર્ષના અંતમાં ચૂંટણી આવી રહી છે.

ઇંઘણ બદલવું છે પણ નિતી બદલવી નથી...

પેટ્રોલ અને ડિઝલના આસામાને પહોંચેલા ભાવો સામે ઇંધણ બદલવાની ક્ષમતા આપણામાં હોવી જોઇએ. સરકાર વાતો કરે છે કે આપણે 40 ટકાથી વધુ ઇલેક્ર્ટિક વાહનોને 2030 સુધીમાં બજારમાં મૂકવા સક્ષમ છીએ પરંતુ ખાટલે મોટી ખોડ છે. ભારત સરકાર એવું કહે છે કે હવે જમાનો ઇલેક્ટ્રિક વાહનોનો આવવાનો છે પરંતુ જ્યાં સુધી મોદી સરકાર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સપોર્ટેશનની સ્પષ્ટ નિતી નહીં બનાવે ત્યાં સુધી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરી શકશે નહીં. સૂત્રો જણાવે છે કે રેનો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફોર્ડ મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા, મર્સીડીઝ બેન્ઝ પ્રાઇવેટ લિમિટેડ અને ફિયાટ ક્રાઇસલર (એફસીએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) ભારતમાં ઇલેકટ્રિક વાહન લઇને આવવાનું કોઇ તાત્કાલિક આયોજન ધરાવતા નથી. રેનો ઇન્ડિયાએ તો જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે ભારતમાં શાનદાર તક છે પરંતુ સરકારે તે અંગે સ્પષ્ટ નીતિ, સમયગાળો અને અત્યંત આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવુ જોઈએ. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ચીન, યુકે, યુએસ અને જર્મની ખૂબ આગળ વધી ચૂક્યાં છે.

સડકો પર 2.30 કરોડ વાહનોની ભરમાર...

ગુજરાતમાં 2017ની આખરી ગણતરી પ્રમાણે રાજ્યની સડકો પર 2.30 કરોડ વાહનો ફરી રહ્યાં છે. રાજ્યની વસતી સવા છ કરોડ ગણીએ તો પણ આ સંખ્યા એટલી મોટી છે કે ભરચક સડકો પર પદયાત્રીકોને ચાલવાની જગ્યા પણ હવે નસીબ નથી. ગુજરાત વાહનોથી ભરપૂર બન્યું છે જેનું મુખ્ય કારણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અપૂરતી સુવિધા છે. સરકાર જો આ દિશામાં નહીં વિચારે તો એક દિવસ એવો આવશે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં ઓડ ઇવન કરવું પડશે. 2000ની સાલમાં ગુજરાતમાં 51.90 લાખ વાહનો હતા જેમાં વિક્રમગતિએ વાહનોની સંખ્યાનો વધારો થયો છે. દસ વર્ષ પછી ગુજરાતમાં વાહનોની સંખ્યા વધીને 1.18 કરોડ થઇ હતી. 2016ના અંતે ગુજરાતમાં આ આંકડો બે કરોડને ક્રોસ કરી ગયો હતો. છેલ્લી વાહન ગણતરી પ્રમાણે રાજ્યમાં 2.20 કરોડ વાહનો ગુજરાતની સડકો પર ફરી રહ્યાં હતા જેમાં વધુ 10 લાખનો વધારો થયો છે. આ વાહનોમાં સૌથી વધુ દ્વિચક્રી એટલે કે સ્કૂટર અને મોટરબાઇક જોવા મળે છે.

શહેરોના મ્યુનિસિપલ કમિશનરો બદલાઇ શકે છે...

ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર નિશ્ચિત બન્યા છે ત્યારે રાજ્યના પાંચ થી સાત શહેરોમાં ફરજ બજાવતા મ્યુનિસિપલ કમિશનરોની બદલી પણ થવાની સંભાવના વધી ગઇ છે. ખાસ કરીને વિવાદમાં ઘેરાયેલા વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. એ ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને સુરતના મ્યુનિસિપલ કમિશનરો બદલાઇ શકે છે. તાજેતરમાં રાજ્યના તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરોએ સરકાર સમક્ષ પરફોર્મન્સનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે અને હાલ શહેરોના બજેટનો સમય છે તેથી આ બદલીઓ વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન અથવા તો બજેટ સત્ર પછી થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મ્યુનિસપલ કમિશનરોની સાથે જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સરકારના મહત્વના વિભાગોમાં બદલીઓ કરે તેમ મનાઇ રહ્યું છે. સરકારે ઉદ્યોગ વિભાગની સિનિયર જગ્યાએ ફુલટાઇમ ઓફિસર નિયુક્ત કરવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ જો અનિલ મુકીમ ડેપ્યુટેશન પર દિલ્હી જાય છે તો તેમની નાણા વિભાગની અધિક મુખ્ય સચિવની ખાલી જગ્યાએ પણ સિનિયર ઓફિસરનું નામ સરકારે વિચારવાનું રહે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:23 am IST)