Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સરકારી મહેમાન

ગુજરાતના 18 IAS ઓફિસર ડેપ્યુટેશન પર છે, બીજા બે IAS દિલ્હી જવા માટે તૈયાર છે

રૂપાણી સરકારમાં કોણ હશે નવા ચહેરા, કેબિનેટ માટે સિનિયકોનો અકાળ પડ્યો છે: રાજ્ય સરકાર ખેડૂતો અને કૃષિ પર ધ્યાન નહીં આપે તો લોકસભામાં મુશ્કેલી થશે: મોદી અને અમિત શાહે સારૂં કર્યું કે રૂપાણીને ફરી ચીફ મિનિસ્ટર બનાવી દીધા છે

ગુજરાતમાં સિનિયર આઇએએસ અધિકારીઓની અછત છે ત્યારે વધુ બે ઓફિસરો દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ મુકીમ આવતા મહિને દિલ્હી ડેપ્યુટેશન પર જઇ રહ્યાં છે. તેમની જેમ ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટી પણ દિલ્હી ડેપ્યુટેશન પર જવાના છે. તેમની પણ દિલ્હીમાં સેક્રેટરી લેવલ માટે પસંદગી થઇ છે. હાલની સ્થિતિએ ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર ગયેલા છે. બીજી તરફ આ બન્ને ઓફિસરો દિલ્હી જતાં 1986 બેચના સંજય પ્રસાદ, પંકજ કુમાર, વિપુલ મિત્રા, રાજીવ ગુપ્તા અને પી.ડી.વાધેલા એડિશનલ ચીફ સેક્રેટરીના પ્રમોશન માટે વેઇટીંગમાં છે. ગુજરાતમાં છેલ્લે પી.કે.તનેજાની નિવૃત્તિ પછી એસીએસની એક પોસ્ટ ખાલી પડી હતી અને તે સંગીતા સિંઘને મળી છે. ગુજરાતમાં હાલ એસીએસ રેન્કમાં અરવિંદ અગ્રવાલ, એમ.એસ.ડાગુર, સુજીત ગુલાટી, અનિલ મુકીમ, પુનમચંદ પરમાર અને સંગીત સિંઘ છે.

ચૂંટણી પૂરી હવે બ્યુરોક્રેસીમાં મોટી ફેરબદલ થશે...

ગુજરાતના હાલના ચીફ સેક્રેટરી જગદીપ નારાયણ સિંઘ- જે.એન.સિંઘ દિલ્હી જઇ રહ્યાં છે તેવી અટકળો સચિવાલયમાં વહેતી થયેલી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સિંઘનું નામ દિલ્હી ડેપ્યુટેશન માટે ઉછળ્યું હતું પરંતુ તે વખતે તેમણે જ તેનો ઇન્કાર કરી કહ્યું હતું કે મારૂં દિલ્હી જવાનું એક અફવાથી વિશેષ કંઇ નથી. તેઓ ખુદ આ ચર્ચાને ખારીજ કરી રહ્યાં છે. આમ પણ ગુજરાતમાં હવે સિનિયર આઇએએસ ઓફિસરોનો અકાળ છે તેવામાં જો સિંઘ સાહેબ દિલ્હી જાય તો ગુજરાતના વહીવટી તંત્રને મોટી અસર થાય તેમ છે. સિંઘ સાહેબ મે 2019 સુધી ગુજરાતમાં જ સેવાઓ આપે તેમ લાગી રહ્યું છે. હા એક બાબત સ્પષ્ટ બની છે કે ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારે હવે બ્યુરોક્રેસીમાં પણ મોટા બદલાવ આવી રહ્યાં છે. સૌ પ્રથમ સરકારમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવની પોસ્ટ ભરવાની થાય છે. એ સાથે ડઝનબંધ ઓફિસરોની બદલીઓ તોળાઇ રહી છે. રાજ્યના મહેસૂલ, પંચાયત, ગૃહ, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ, ઉર્જા, પાણી પુરવઠા, કૃષિ અને ઉદ્યોગ જેવા વિભાગોમાં સિનિયર મોસ્ટ ઓફિસરોની ખાસ જરૂર છે.

મેગા શહેરોમાં લેન સિસ્ટમ ફરજીયાત બનાવો...

ગુજરાતની રૂપાણી સરકારનું પહેલું કામ શહેરોમાં અનિયંત્રિત વાહનોને નિયંત્રિત કરવા માર્ગો પર વ્હિકલ લેન સિસ્ટમ ફરજીયાત કરવું એ હોવું જોઇએ, કારણ કે આજે અમદાવાદ અને સુરત જેવા મેગાસિટીમાં સૌથી વધુ મુશ્કેલભર્યું હોય તો તે વાહન નિયમન છે. ટ્રાફિક પોલીસ હોય કે ઓટોમેટીક ટ્રાફિક સિગ્લન, પરંતુ જ્યાં સુધી વાહનોને લેનમાં ચલાવવાની ફરજ નહીં પડે ત્યાં સુધી શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની નથી. મુંબઇમાં ઓટોમેટીક લેન સિસ્ટમ ફરજીયાત છે. કોઇ વાહનચાલક તેનો ભંગ કરે તો તેનું લાયસન્સ જપ્ત થઇ જાય છે. દિલ્હીમાં પણ લેન સિસ્ટમ છે. સૌથી વધારે મજબૂત ટ્રાફિક નિયમો ચંદીગઢમાં છે. કારણ વિના વાહનની લાઇટ ફુલ કરીને કોઇ વાહન જતું હોય તો તે જપ્ત કરી લેવામાં આવે છે. ગુજરાતમાં પણ વાહનચાલકો માટે કેટલાક નિયમો ફરજીતાય બનાવવાની આવશ્યકતા છે. આજે કોઇ વ્યક્તિ લેન સિસ્ટમમાં વાહન ચલાવે છે તો લોકો તેની ઉપર હસે છે. હવે જે લોકો હસે છે તેમના રડાવવાનો સમય આવી ગયો છે...

કોણ હશે વિજય રૂપાણીની ટીમ ગુજરાતમાં ...

ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી 26મીએ શપથ લઇ રહ્યાં છે. તેમની સાથે નિતીન પટેલ પણ છે. સંભવ છે કે રૂપાણી તેમની સાથે કેબિનેટના સભ્યોના શપથ પણ લેવડાવશે. રૂપાણી કેબિનેટમાં બાબુ બોખિરીયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલ, સૌરભ પટેલ, આર.સી.ફળદુ, દિલીપ ઠાકોર, જ્યેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકી, રાજેન્દ્ર ત્રિવેદી, દુષ્યંત પટેલ, વલ્લભ કાકડીયા, મનીષા વકીલ, પૂર્ણેશ મોદી અને વિભાવરી દવેનો સમાવેશ થઇ શકે છે. રૂપાણીની છેલ્લી કેબિનેટમાં નવ કેબિનેટ મંત્રીઓ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓ હતા. આ વખતે તેઓ કેબિનેટનું કદ નાનું રાખશે, કારણ કે 2019માં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે તે પહેલાં ભાજપનું હાઇકમાન્ડ વિસ્તરણ કરવાના મૂડમાં છે. રૂપાણીની હાલની ટીમમાં સિનિયર સભ્યોનો અભાવ છે. માત્ર ચાર થી પાંચ સિનિયર સભ્યો એવાં છે કે જેઓને કેબિનેટ રેન્ક આપી શકાય તેમ છે તેથી રાજ્યકક્ષાના મંત્રીઓ રહી ચૂકેલા બે કે ત્રણ સભ્યોને પ્રમોશન આપવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.

સરકારે હવે ખેડૂતોને પણ યાદ કરવા પડશે...

ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગયા પછી સરકારનું લક્ષ્ય માત્રને માત્ર ઉદ્યોગો પર સ્થિર થયેલું છે પરિણામે કૃષિ વિભાગની ઉપેક્ષા થઇ છે. કૃષિ વિકાસના સરકારના દાવા અને વચનો પોકળ સાબિત થયા છે અને તેનું પરિણામ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સામે આવ્યું છે. રાજ્યની ગ્રામ્ય વિસ્તારની 123 પૈકી 71 બેઠકોમાં કોંગ્રેસનો વિજય થયો છે. આ વિજય બતાવે છે કે કોંગ્રેસને ગામડાં અને ખેડૂતો તરફથી ખોબલે ખોબલે મતો મળ્યા છે. ગુજરાત સરકારમાં કૃષિ વિભાગ એ અત્યંત પછાત સેક્ટર છે. ખેડૂતોને પોષણક્ષણ ભાવો સરકાર અપાવી શકી નથી. પાકવિમાના નાણાં સમયસર આપ્યા નથી. ખેડૂતોના દેવાં નાબૂદીનો સૌથી મોટો પ્રશ્ન છે. ખેડૂતોને સમયસર પાણી અને લાઇટ મળતી નથી. સરકાર સાથેના ગ્રિવન્સીસ એટલા વધી ગયા છે કે જો કિસાન સંઘની જગ્યાએ બીજું કોઇ સ્વતંત્ર સંગઠન હોત તો તેણે ગુજરાત સરકારને ફીણ લાવી દીધું હોત..!

થેક્સ ટુ મોદી અને અમિત શાહ ફોર ચીફ મિનિસ્ટર...

ગુજરાતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માને તેટલો ઓછો છે, કેમ કે ભાજપના હાઇકમાન્ડે સરકારનું નેતૃત્વ ફરીથી વિજય રૂપાણીને સોંપ્યું છે. રૂપાણી જેવા સરળ, નિખાલસ અને ફરજપરસ્ત નેતા ભાજપમાં મળવા મુશ્કેલ છે. રૂપાણીએ મોદીના વિજયરથને આગળ વધાર્યો છે. ગુજરાતમાં 7મી ઓગષ્ટ 2016માં પાર્ટીના હાઇકમાન્ડે મુખ્યમંત્રી પદ માટે વિજય રૂપાણીની પસંદગી કરીને શાસનની ધૂરા સોંપી છે. રાજ્યની 13મી વિધાનસભાના તેઓ આખરી મુખ્યમંત્રી હતી અને 14મી વિધાનસભાના પહેલા મુખ્યમંત્રી છે. 13મી વિધાનસભાએ ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપ્યા છે જેમાં પહેલા નરેન્દ્ર મોદી હતા અને તેમના પછી આનંદીબહેન પટેલ હતા. આનંદીબહેને ગુજરાતમાં 808 દિવસ સુધી શાસન કર્યું છે. ભાજપની ત્રીજી પસંદ રૂપાણી હતા અને આજે પણ એ જ પસંદ છે. રૂપાણીએ હવે બ્યુરોક્રેસી અને પોલીસ પર પક્કડ વધારે જમાવવાની જરૂરિયાત છે કારણ કે તેઓ એડમિનિસ્ટ્રેશનમાં થોડાં નબળાં પડી રહ્યાં છે અથવા તો તેમને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો નથી. હવે તેમને પાર્ટીએ ફ્રી હેન્ડ આપવો પડશે...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:49 am IST)