Gujarati News

Gujarati News

News of Monday, 9th October 2017

સરકારી મહેમાન

કેન્દ્ર કે રાજ્યમાં કોઇ શાસન ઉથલાવવું હોય તો મહિલાને આગળ કરો, દેશમાં દાખલા અનેક છે!

સરકાર એવી મોબાઇલ ડિરેક્ટરી બનાવે કે ઓફિસરનું નવું પોસ્ટીંગ આવી જાય : મોદીએ સ્વર્ણિમ સંકુલ છોડ્યા પછી ગુજરાતમાં CNG વાહનો અદ્રશ્ય થઇ ગયા છે : ગુજરાત ભાજપમાં નવા CM કોણ હશે? યાર, જવા દો ને- એ દિલ્હીમાં બેઠાં હશે

આપણા ભારત દેશમાં જો કોઇનું વર્ષો જૂનું શાસન ઉથલાવવું હોય તો મહિલાને આગળ કરવી જોઇએ, કેમ કે એવા દાખલા છે કે મહિલાને આગળ કરતાં ભલભલું શાસન ઉથલી શકે છે. પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ જૂનું ડાબેરીઓનું શાસન બંગાળની વાઘણ કહેવાય છે તે મમતા બેનરજીએ ઉછલાવ્યું હતું. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહનું શાસન ભાજપની ઉમા ભારતીએ ઉથલાવ્યું હતું. રાજસ્થાનમાં વસુંધરા રાજે એ કોંગ્રેસનું શાસન ઉથલાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં માયાવતીએ શાસન બદલ્યું હતું. ગુજરાતમાં પણ 22 વર્ષ જૂની ભાજપની સરકારને બદલવી હોય તો કોંગ્રેસે મજબૂત અને શક્તિશાળી મહિલાની શોધ કરવી જોઇએ અને ચૂંટણીની તારીખ સાથે જ કોઇ મહિલાને ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે જાહેર કરવા જોઇએ. આવું જ ભારતમાં બની શકે- 2019માં એનડીએ સરકારને ઉછલાવવી હોય તો કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મેદાનમાં લાવવા જોઇએ. મહિલાની શક્તિનો અંદાજ મેળવવા માટે કોંગ્રેસે તેની વ્યૂહરચના ગુજરાતથી જ બદલવી જોઇએ.

મોદી વિરોધીઓ ગરજે છે પણ વરસી શકતા નથી...

ભારતમાં નરેન્દ્ર મોદીના વિરોધીઓ ગરજે છે પરંતુ વરસી શકતા નથી, કારણ કે તેમનામાં વરસી શકે એટલું પાણી હોતું નથી. શરૂઆતમાં મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને યશવંતસિંહાને ટીકીટ આપી ન હતી તેથી તેઓ સરકારથી નારાજ હતા. અડવાણીની મોદી વિરૂદ્ધની ટીકાઓ જોઇને એવું લાગતું હતું કે ખલાસ- અડવાણી ભાજપને રામરામ કરશે અથવા તો રાજકીય સન્યાસ લઇ લેશે. આજે નોટબંધી અને જીએસટીના નામે કોંગ્રેસમાં જેટલો વિરોધ થાય છે તેટલો જ વિરોધ ભાજપમાં છે પરંતુ આ વિરોધ કરનારા ચહેરા જોઇએ તો યશવંતસિંહા છે કે જેમને બ્રિક્સ બેન્કના ચેરમેન થવું છે. અરૂણ શૌરી કે જેમને મંત્રીપદ જોઇએ છે. શત્રુધ્નસિંહા કે જેમને બિહારના મુખ્યમંત્રી થવું છે. ભાજપના રાજકારણમાં ક્યાંય કોઇનો ઇગો ટકરાય છે. ક્યાંય નેતાગીરી સામે બંડ પોકારવામાં આવે છે. કોઇ અધુરી ઇચ્છાઓ તડપ્યા કરે છે. આવા લોકો એકલશૂરા હોય છે અને અંતે અટવાઇ જાય છે. કોઇએ ખૂબ કહ્યું છે કે રાજકારણમાં સમયસરની નિવૃત્તિનો અભાવ હોય છે એટલે 17 વર્ષે રાજકારણમાં જોડાયેલા 77 વર્ષ સુધી પોતાનો પગંત ચગે એટલા માટે ઠમકા માર્યા કરે છે. આ લોકો એમ સમજતા નથી કે તેમનો સમય પૂરો થયો છે. હવેનો સમય તેમણે જે ઇમેજ બનાવી છે તેને કમાવી લેવાની છે. આવા નેતાઓ દિલ્હીમાં જ નથી, સર્વત્ર છે. ગુજરાતમાં પણ છે. આજે ગુજરાતમાં પણ એવાં કેટલાક નેતાએ છે જેઓ 75 પૂરાં કર્યા છે છતાં સીએમના સપનાં આવે છે.

ટેલિફોન ડિરેક્ટરી ડિજીટલ હોવી જોઇએ...

સચિવાલયમાં એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે સરકાર તેનો સમગ્ર વહીવટી પેપરલેસ બનાવી રહી છે ત્યારે સચિવાલયની ટેલિફોન ડિરેક્ટરી ડિજીટલ હોવી જોઇએ, કેમ કે તાજેતરમાં જ સરકારે એક ટેલિફોન ડિરેક્ટરી બહાર પાડી છે. ફાયનાન્સ મિનિસ્ટ્રીની મંજૂરી લઇને આ ડિરેક્ટરી બનાવવા જીએડીએ ખૂબ ખર્ચો કર્યો છે પરંતુ ચૂંટણી આવ્યા પહેલાં જ મોટાભાગના ઓફિસરો બદલાઇ ચૂક્યાં છે ત્યારે આ ડિરેક્ટરીનો કોઇ અર્થ રહેતો નથી. સરકાર શા માટે ટેલિફોન ડેરેક્ટરીના ખર્ચા કરે છે તે સમજાતું નથી. સરકારે હવે ડિજીટલ ડિરેક્ટરી બનાવવી જોઇએ કે જેથી ઓફિસર બદલાય એટલે તેનું નામ અને ટેલિફોન નંબર બદલી શકાય. ડિજીટલ ગુજરાતની વાતો થાય છે પરંતુ સરકાર હજી પેપરવર્કને ભૂલી નથી. સરકારે એવી ડિજીટલ ડિરેક્ટરી બનાવવી જોઇએ કે જેમાં નામ લખીએ એટલે એ ઓફિસરની બદલાયેલી ઓફિસનું સરનામું અને ટેલિફોન નંબર આવી જાય. આ ડિરેક્ટરીની મોબાઇલ એપ્લિકેશન પણ બની શકે છે. સરકારને જેટલો પ્રિન્ટિગનો ખર્ચ થાય છે તેના કરતાં અડધા ખર્ચમાં સરકાર મોબાઇલ ડિરેક્ટરી બનાવી શકે છે.

ભાજપમાં સીએમ નહીં સુપર સીએમ આવશે...

ગુજરાતમાં ભાજપની સરકાર આવે તો મુખ્યમંત્રી કોણ બનશે? તે પ્રશ્નનો જવાબ મળી શકતો નથી, કારણ કે આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં ભાજપે મુખ્યમંત્રીના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ પહેલાં 1995માં યોજાયેલી ચૂંટણીમાં કેશુભાઇ પટેલ હિરો હતા. 1998ની ચૂંટણીમાં પાર્ટીએ કેશુભાઇના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. 2002, 2007 અને 2012માં તો સવાલ જ પેદા થતો ન હતો- મોદી મોદી અને મોદી જ હતા. ખુદ મોદીએ જ આ ચૂંટણીઓ જીતી હતી તેથી તેઓ ખુદ મુખ્યમંત્રી બન્યા હતા. હવે 2017માં સવાલ એ થાય છે કે શું પાર્ટી વિજયભાઇને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખશે કે અન્ય કોઇને પસંદ કરશે? પાર્ટી સૂત્રો કહે છે કે ભાજપમાં મુખ્યમંત્રીના દાવેદારોમાં પાંચ નામો સપાટી પર આવ્યા છે જેમાં પહેલું નામ વિજય રૂપાણીનું છે. બીજાક્રમે આનંદીબહેન પટેલ આવે છે. ત્રીજા અને ચોથા ક્રમે શંકર ચૌધરી અને જીતુ વાઘાણી આવે છે જ્યારે પાંચમાનંબરે પ્રદીપસિંહ જાડેજાનું નામ ચર્ચાઇ રહ્યું છે. સચિવાલયમાં તો એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રી કોઇપણ હોઇ શકે, ગુજરાતના સુપર ચીફ મિનિસ્ટરતો દિલ્હીમાં બિરાજમાન રહેવાના છે. બઘાં આદેશો તો ત્યાંથી જ થવાના છે....

લ્યો હવે, મોદીના જીવન પર ફિલ્મ બની રહી છે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતી ફિલ્મ બની રહી છે. આ ફિલ્મને ભારતની તમામ ભાષાઓમાં ડબ કરવાનું પણ પ્લાનિંગ છે. ફિલ્મની કથા એક ચાયવાળો છોકરો દેશનો વડાપ્રધાન બન્યો છે- તે છે. ફિલ્મનું નામ- હું નરેન્દ્ર મોદી બનવા માગું છું. પીપલી લાઇવમાં નત્થાનો જેણે રોલ કર્યો હતો કે ઓમકાર દાસ માણિકપુરી આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનિલ નરયાની છે. તેમનો વિચાર આ ફિલ્મને 17મી નવેમ્બરે રિલીઝ કરવાનો છે પરંતુ  આ ફિલ્મ ચૂંટણી પંચની આચાર સંહિતામાં ફસાઇ શકે છે, કેમ કે 2012માં પણ મોદીની તરફેણ કરતી અને તેમનો વિરોધ કરતી ફિલ્મો પ્રદર્શિત કરવાની મંજૂરી માગવામાં આવી હતી પરંતુ ચૂંટણી પંચે તેને મંજૂરી આપી ન હતી. ચરિત્ર્ય અભિનેતા પરેશ રાવલ મોદીના જીવન પર ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહ્યાં હતા ત્યારે જ મોદીએ તેમને આમંત્રણ આપીને લોકસભાની બેઠક આપી દેતાં તેઓ ફિલ્મ પૂરી કરી શક્યા ન હતા. જો પંચ વાંઘો ઉઠાવે તો- હું નરેન્દ્ર મોદી બનવા માગું છું- ફિલ્મ ચૂંટણી પછી રિલીઝ થઇ શકે છે.

સરકારમાં સીએનજી વાહનો અદ્રશ્ય થઇ ગયા છે...

શેઠની શિખામણ ઝાપાં સુધી હોય છે- એ ઉક્તિ ગુજરાત સરકારમાં લાગુ પડે છે. રાજ્યમાં સૌથી વધુ પોલ્યુશન ફેલાવતા વાહનોની જગ્યાએ સીએનજી વાહનોનો કન્સેપ્ટ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકી તમામ વાહનોને સીએનજીમાં પરાવર્તિત કરવાનો આદેશ કર્યો હતો. શરૂઆતમાં સરકારે વાહનોનું ઇંઘણ બદલ્યું પરંતુ કોણ જાણે આજે સરકારમાં 90 ટકા વાહનો ડિઝલ ઇંઘણથી ફરી રહ્યાં છે. મોદીના ગયા પછી વાહનોમાં સીએનજીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. મોદીના સમયમાં રાજ્યમાં બાયો ડિઝલ બસ શરૂ કરાવમાં આવી હતી પરંતુ સરકારે એક જ મહિનામાં તેને બંધ કરી દીધી હતી. સરકારે કારણ એવું આપ્યું કે- અમને બાયો ડિઝલનો જથ્થો મળતો નથી. આને કહેવાય- વગર વિચાર્યે કોઇ ચીજનો અમલ કરવો... તાજેતરમાં રૂપાણી સરકારે એવી જાહેરાત કરી હતી કે સરકાર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસ શરૂ કરવા જઇ રહી છે. જો આવી બસ ચલાવવી હોય તો પહેલાં તેની શરૂઆત સરકારથી જ થવી જોઇએ. મંત્રીઓએ સૌ પ્રથમ તેમના તમામ વાહનો બેટરી સંચાલિત કરી દેવા જોઇએ. પ્રદૂષણ મુક્ત ટ્રાન્સપોર્ટેશનમાં સરકારની ઇચ્છાશક્તિ ઉપરાંત અસરકારક અમલીકરણ હોવું જરૂરી છે, અન્યથા તે યોજનાનું હંમેશા બાળમરણ થાય છે.

કોંગ્રેસના બળવાખોરો- હમ તો ડૂબ ચૂકે હૈ...

કોંગ્રેસમાંથી છલાંગ મારીને ભાજપમાં કૂદકો લગાવ્યો છે તેવા 12 કે 14 ધારાસભ્યોનું ભાવિ અદ્ધરતાલ બન્યું છે, કારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે પાર્ટી તો છોડી દીધી પરંતુ ભાજપમાં તેમને આવકાર મળતો નથી. ભાજપમાં જોડાયા ત્યારે સમૂહમાં હાથ ઉંચા કરી ફોટા પડાવ્યા પરંતુ આજે જેમના હાથમાં હાથ હતા તે હાથ દૂર થઇ રહ્યાં છે. કોંગ્રેસના આ આયાતી ઉમેદવારો સામે ભાજપમાં જ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની મોટી યાદી તૈયાર થઇ છે. 2012ની ચૂંટણીમાં જેમને ગાળો દીધી હોય, તેમના માટે 2017માં પ્રચાર કરવો એ કેટલી વિચિત્ર હાલત હોઇ શકે છે તે સમજી શકાય તેવું છે. જો કે કોંગ્રેસમાં તો એવું કહેવાય છે કે અમારી સાથે જેમણે ગદ્દારી કરી છે તેમને ચૂંટણીના મેદાનમાં સબક શિખવાડવો પડશે. એટલે કે જો ભાજપ આ બળવાખોરોને ટીકીટ આપે તો તેમને તો ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને બાજુથી માર જ ખાવો પડશે...

ચાલો તૈયાર થઇ જાવ- ચૂંટણી પંચ આવ્યું છે...

ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે છે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી ગુજરાતમાં મીટીંગોનો ધમધમાટ રહેશે. અચલ કુમાર જોતિ કે જેઓ મુખ્ય ચૂંટણી કમિશનર છે તેઓ અને તેમની સાથે ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત અને સુનિલ અરોરા આવી રહ્યાં છે. ભારતના ચૂંટણી પંચના કુલ 8 અધિકારીઓ સાથે હશે. ચૂંટણી પંચના આ અધિકારીઓ રાજ્યની વિવિધ પાર્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરશે અને દિલ્હી પહોંચીને ચૂંટણીની તારીખ નક્કી કરશે. ગુજરાત માટે આ સપ્તાહ વધારે મહત્વનું છે, કેમ કે આ સપ્તાહના અંત સુધીમાં જ ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. આ સપ્તાહના અંત સુધીમાં જ ચૂંટણીની આચાર સંહિતા આવવાની છે તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ ચૂંટણી પંચની મુલાકાત પહેલાં ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચૂંટણી ડિસેમ્બરના પહેલા અથવા બીજા સપ્તાહમાં યોજાય તેવું લાગી રહ્યું છે.

દિવાળી બાદ રાહુલ ગાંધી કોંગ્રેસના હાઇકમાન્ડ...

ભારતમાં પહેલાં કેન્દ્ર ગુમાવ્યું પછી એક પછી એક પ્રદેશ ગુમાવ્યા છતાં કોંગ્રેસ હજી પણ ગાંધી પરિવારમાંથી બહાર આવી શકી નથી. ભાજપમાં જેમ મોદી તેમના સમર્થક નેતાઓના તારણહાર છે તેમ કોંગ્રેસના નેતાઓ ગાંધી પરિવારને પોતાના તારણહાર ગણે છે. આજે નહીં તો કાલે- કોંગ્રેસ સત્તામાં આવવાની છે તેવી તેમને આશા છે. ગાંધી પરિવાર એક એવો ચહેરો છે કે જે સમગ્ર દેશમાં છવાયેલો છે. રાહુલ ગાંધી દિવાળી પછી કોંગ્રેસના તારણહાર બની શકે છે. સોનિયા ગાંધી તેમનું પ્રેસિડેન્ટનું પદ છોડીને પુત્ર રાહુલને આપી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જઇને કહી આવ્યા છે કે- સર આપ આગળ વધો- અમે તમને ગુજરાતની દિવાળી ગિફ્ટ આપવાના છીએ. ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર જ્યારે ચરમ સીમાએ હશે ત્યારે દિલ્હીમાં રાહુલ ગાંધીની કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે તાજપોષી થશે તે નક્કી છે.

ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની નવી જગ્યા ઉભી થઇ છે...

કોઇપણ પાર્ટીને રાજ્યોમાં શાસન સ્થિર શાસન જોઇતું હશે તો એક મુખ્યમંત્રીની ચાલશે નહીં. એક મુખ્યમંત્રીની ફોર્મ્યુલા હવે દેશમાં કામ નહીં કરે. ગુજરાતમાં પણ 2017ના અંતે ચીફ મિનિસ્ટર સાથે બે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શપથ લેશે. આ ફોર્મ્યુલા નક્કી છે. ગુજરાત હવે ઉત્તરપ્રદેશના પંથે છે. આને કહેવાય- સૌનો સાથ સૌનો વિકાસ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:56 am IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST