Gujarati News

Gujarati News

News of Friday, 6th October 2017

દક્ષિણ ગુજરાતના ચીખલીમાં ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં લોકગીતો-રાસ-ગરબાની રમઝટ

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો–રાસ–ગરબા દક્ષિણ ગુજરાતમાં ગુંજયાં. નવસારી જિલ્લાનાં ચીખલીમાં એપીએમસી ખાતે 'શ્રી કમલમ ગરબા'માં 'રઢિયાળી રાત'કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું.

ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામનાં મૂળ વતની અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને દક્ષાબેન સોનીએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત સહુને ડોલાવી દીધા. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, આવી રૂડી અંજવાળી રાત જેવાં સદાબહાર ગીતો રજૂ થયાં. લોકલાગણીને માન આપીને ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, આષાઢી સાંજ પણ રજૂ થયા.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, પૂર્વ-મંત્રી કાનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મગનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ, પરિમલભાઈ અને ચેતનાબેન દેસાઈ, જયંતીભાઈ પરમાર, આનંદભાઈ પટેલ, ઉદ્યોગપતિ ભરતભાઈ કારાણી (દુબઈ), મનસુખભાઈ ઈટાલિયા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ભાવીકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આપણી સંસ્કૃતિ અને સાહિત્યની મૂલ્યવાન વિરાસતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તથા નવરાત્રીનાં અસલ સાત્વિક સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી, સતત આઠમા વર્ષે, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા 'રઢિયાળી રાત'નાં પ્રેરક આયોજન થઈ રહ્યાં છે જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(9:34 am IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST