Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2017

સરકારી મહેમાન

સચિવાલયના સિલિંગ ફેન અસુરક્ષિત છે: ટેબલ ફેન વસાવો: લાભ અનેક અને દુર્ધટનાથી બચો!

સોશ્યલ મિડીયામાં ગુજરાત કોંગ્રેસનો પ્રભાવ, ભાજપને કાઉન્ટર એટેકર્સની શોધ : ગુજરાતના યંગ ઓફિસરો તેમના વિભાગના પ્રમોશન માટે રેમ્પવોક કરી શકે છે : પેટ્રોલ ભડકો કરાવશે: ભૂખ્યાંજનો નો જઠરાગ્નિ જાગશે, તો ભસ્મકણી ન લાઘશે

ગાંધીનગરમાં સિલિંગ ફેન આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જૂના અને નવા સચિવાલયમાં છત પર લગાવેલા વર્ષો જૂના પંખાનો કોઇ ભરોસો નહીં, ક્યારે તે છતનો આસરો છોડી દે તે કહેવાય નહીં..!! એક અનુભવી મરામતકારે કહ્યું કે- ‘છતનો ચાલતો પંખો ક્યારેય વચ્ચે પડે નહીં, તે ફરતો હોય એટલે કોઇ ખૂણામાં પડે છે. એટલે પંખાની નીચે જે કર્મચારી કામ કરતો હોય તે સેઇફ હોય છે પરંતુ તેના મુલાકાતી અસલામત બને છે.’ તેનું કહેવું એવું છે કે- ‘સરકારે વર્ષે એક વખત સરકારી સિલિંગ ફેનના નટ અને બોલ્ટ બદલી નાંખવા જોઇએ કે જેથી કોઇ દુર્ધટના થતી અટકી શકે.’ બીજા એક અનુભવી ઓફિસરનું માનવું છે કેઆત્મહત્યાના બનાવો અટકાવવા હોય તો આપણે સિલિંગ ફેન કાઢીનને ટેબલ ફેન વસાવવા જોઇએ કે જેથી નિર્દોષ લોકોના જીવન બચી શકે. આત્મહત્યાના મોટાભાગના બનાવોમાં પંખે લટકીને જાન ગુમાવી એવું આપણે વાંચીએ છીએ. આવું આપણે અખબારોમાં વાંચવું પડે તે માટે સરકારથી તેની શરૂઆત થવી જોઇએ.’ કામના બોજ હેઠળ ઓફિસર દબાયેલા હોય છે પરંતુ તેમને ક્યારેય ડિપ્રેશનમાં ખરાબ વિચારો આવતા નથી છતાં મિનિસ્ટરો અને આઇએએસ ઓફિસરોની ઓફિસમાં સિલિંગ ફેન નહીં પણ એરકન્ડીશન્ડ અને ટેબલ ફેન જોવા મળે છે, પરંતુ કર્મચારીને એવા વિચારો આવતા હોય છે તેથી પાણી પહેલાં પાળ બાંઘીને કર્મયોગીની જીંદગી બચે તેવું પ્લાનિંગ કરીને સિલિંગ ફેન કાઢી નાંખવામાં આવે તો તેનું પરિવાર સરકારને દુઆ આપશે...

આચાર સંહિતાનો હાઉ, કામો ફટાફટ પતાવી દો...

ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતાનો હાઉ ઉભો થતાં મુલાકાતીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. સચિવાલયમાં એવી સૂચના આપવામાં આવેલી છે કે આચારસંહિતા પહેલાં કામો પૂર્ણ કરો અને પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ કરો. આવી સૂચના સચિવાલયના વિભાગોમાં નહીં, બોર્ડ કોર્પોરેશનની કચેરીઓમાં તેમજ જિલ્લાના વહીવટી તંત્રને પણ આપવામાં આવી છે. વિભાગોમાં ફાઇલ નિકાલની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોવાથી મુલાકાતીઓ અને અરજદારોની અવરજવર વધી ચૂકી છે. પાર્કિંગ હાઉસફુલ થઇ જતાં હવે ઇન્ટરનલ માર્ગો પર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યાં છે. સંભવ છે કે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધીમાં ચૂંટણીની આચારસંહિતા આવી શકે છે તેથી મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરીની કચેરી દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

યંગ ઓફિસરો ફેશન શોમાં રેમ્પ વોક કરી શકે...

ભારતની બ્યુરોક્રેસીમાં પહેલીવાર આઇએએસ ઓફિસરોએ હેન્ડલૂમ ડેમો શો માં હિસ્સો લઇને રેમ્પ વોક કર્યું છે. મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજીયનના ફેસબુક પેઝમાં ફેશન શો ની વિગતો મૂકવામાં આવી હતી. 2015ની બેચના આઇએએસ ઓફિસરોએ નવી દિલ્હીમાં ફેશન શો માં હિસ્સો લીધો હતો. આઇએએસ ઓફિસરોએ બ્યુરોક્રેસીના ઇતિહાસમાં પહેલીવાર રેમ્પવોક કર્યું હતું અને તે પણ હેન્ડલૂમ ડેવલપમેન્ટ માટે તેઓ તૈયાર થયા હતા. બ્યુરોક્રેસી માટે એક સારા સમાચાર છે. ભારતમાં 65 ટકાથી વધુ આઇએએસ ઓફિસરો યંગ છે. તેમના પણ અરમાન હોય છે. શોખ હોય છે. અભ્યાસ અને નોકરીની સાથે રિલેક્સ થવા માટે ઓફિસરો જાહેર ફંકશનમાં તેમનું યોગદાન આપતા હોય છે અને તેમાં ખોટું પણ નથી. સચિવાલયના એક જૂનિયર આઇએએસ ઓફિસરે કહ્યું હતું કે આપણે ત્યાં પણ જે લોકો મહત્વના હોદ્દા ધરાવે છે તેઓએ માર્કેટમાં પ્રમોશન માટે તૈયાર થવું જોઇએ. જેમ કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રમોશન માટે આઇએએસ ઓફિસરોને જાહેરમાં આવવું જોઇએ. હેન્ડલૂમ અને ગરવી ગુજરાત સાથે સંકળાયેલા ઓફિસરો ફેશન શો કરે તો તેમાં ઔચિત્યનો કોઇ ભંગ થતો નથી.

સચિવાલયમાં કોંગ્રેસના સૂત્રો ધૂમ મચાવે છે...

વિકાસ ગાંડો થયો છે... પ્રગતિબેન ખોવાયા છે... મારો હાળો છેતરી ગયો... સૂત્રો કોંગ્રેસના છે. ચૂંટણી કેમ્પેઇનમાં કોંગ્રેસને નેશનલ એવોર્ડ જીતી શકે તેવા સૂત્રો મળ્યા છે. સૂત્રો પાછળ ભેજું કોઇ રાજકીય નેતાનું નથી પરંતુ ગુજરાતના સાહિત્યજગતની ચાર થી પાંચ હસ્તીનું છે કે જેમણે કોંગ્રેસને ચૂંટણી કેમ્પેઇનના સૂત્રો અને સ્લોગનો બનાવવાનું કામ હાથ પર લીધું છે. સચિવાલયમાં કોંગ્રેસના સોશ્યલ મિડીયાના સૂત્રો અને સ્લોગનો ધૂમ મચાવે છે. વિધાનસભામાં કોંગ્રેસ આવે કે આવે, કોંગ્રેસના સૂત્રોએ મેદાન મારી લીધું છે. સચિવાલયના રોજીંદા કામમાં હવે વિકાસ અને પ્રગતિ શબ્દની જગ્યાએ તેના પર્યાયને વાપરવાની ફરજ પડી છે. ભાજપ સારા સૂત્રધારોની શોધમાં છે. કોઇને આવા સૂત્રધારો મળે તો ભાજપના કોબા ખાતેના કમલમનો સંપર્ક કરવો, એમને દોઢ થી બે મહિના સુધીની જોબ મળી શકે છે. જો તેઓ નોકરી મેળવવામાં સફળ થશે તો 2019માં પણ તેનું એડવાન્સ બુકીંગ કરાવી દેવામાં આવશે.

સ્કીપ્ટો કરન્સીનું યુવાનોને ઘેલું લાગ્યું છે...

બીટકોઇન એક એવી કરન્સી છે કે કોઇપણ દેશની કોઇપણ બેન્ક સાથે સીધો સબંધ રાખ્યા વિના વૈશ્વિક કરન્સીનું સ્થાન લઇ શકે છે. બીટકોઇનનો જન્મ જાપાનમાં 2009માં ડોલર, યુરો, યુઆન કે રૂપિયા જેવી કરન્સીના સ્થાને થયો હતો. જગતની પહેલી ડીસેન્ટ્રલાઇઝ ઇલેક્ટ્રોનિક કરન્સી છે. કરન્સીનું  નિયમન સેન્ટ્રલ બેન્ક કે સરકાર કરી શકતી નથી. ફાયનાન્સિયલ સૂત્રો કહે છે કે આવનારા બે વર્ષમાં જગતના પાંચ અબજ લોકો ક્રીપ્ટો કરન્સીનો ઉપયોગ કરતા હશે. એક એવો અંદાજ છે કે બીટકોઇન 2030માં છઠ્ઠી સૌથી મોટી રીઝર્વ કરન્સી બની જશે. આજે જ્યારે વિવિધ દેશોની સરકાર ખરીદશક્તિ પર નજર રાખી રહી છે ત્યારે બીટકોઇન કરન્સીને કોઇપણ દેશ રોકી શકે તેમ નથી. આજે અમેરિકાનો ડોલર વિશ્વના બજારમાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે ચીન કે જે બીજા નંબરની મોટી ઇકોનોમી છે તેણે બીટકોઇન અને તેના જેવી અન્ય ક્રીપ્ટો કરન્સીને પ્રોત્સાહન આપ્યું છે. ન્યૂજર્સી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ તો તેના ગ્રાફિક્સમાં બતાવ્યું છે કે બીટકોઇનના 51 ટકા વપરાશકારો અમેરિકા બહારના છે. ભારતના યુવાનોને ઘેલું લગાડનારી ક્રીપ્ટો કરન્સીની લોકપ્રિયતાને ધ્યાને લઇ મોદી સરકારલક્ષ્મી નામની ક્રીપ્ટો કરન્સી બહાર પાડવા કરન્સી એક્ટમાં સુધારો સૂચવશે તેવું લાગી રહ્યું છે.

મોદીએ વાજપેયી નથી, અમિતભાઇ ધ્યાન રાખે...

ભારતમાં ઇન્ડિયા શાઇનિંગની હવાનો પરપોટો જ્યારે ફુટ્યો ત્યારે એનડીએ સરકારે તેની સત્તા ગુમાવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારે 2004ની લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા શાઇનિંગ અને ફિલગુડ ફેક્ટરના નામે મતો માગ્યા હતા પરંતુ ભાજપનો ધબડકો થયો હતો. હવે એનડીએના બીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇન્ડિયા શાઇનિંગ સાથે ડગ માંડી રહ્યાં છે ત્યારે 2019માં ડગલા પાછા પડે તે તેમણે જોવાનું છે, કારણ કે મોદી વાજપેયી નથી. કહેવાય છે કે વાજપેયીની સરકારમાં ઇન્ડિયા શાઇનિંગનો નારો પ્રમોદ મહાજન લાવ્યા હતા અને હવે મોદી જે કરી રહ્યાં છે તેની પ્રસિદ્ધિ અમિત શાહ કરી રહ્યાં છે. અમિત શાહને ગુજરાતની રાજ્યસભાની બેઠકમાં ભારે પછડાટ મળી છે, કારણ કે તેમનો ગોલ અહમદ પટેલને હરાવવાનો હતો તેથી તેમણે શંકરસિંહ વાઘેલાને સાથે લીધા હતા પરંતુ તે બૂમરેંગ સાબિત થયું છે. કોંગ્રેસના ચાણક્ય અહમદ પટેલ ચૂંટણી જીતી ગયા છે તે સેડબેક ભાજપ સહન કરી શક્યું નથી. મોદી માટે અમિત શાહ પ્રમોદ મહાજન બને તેનું ધ્યાન ખુદ મોદીએ રાખવાનું છે.

ગુજરાત કેડરના ઓફિસર શ્રીનિવાસનો ડબલરોલ...

ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર નવી દિલ્હી ગયેલા કે. શ્રીનિવાસ ગુજરાતની નોકરીમાં પણ ચાલું છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામ કરતાં શ્રીનિવાસને અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોસ્ટીંગ આપ્યું છે. શ્રીનિવાસ પાસે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના મેમ્બર સેક્રેટરીનો પણ હવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના તેમના જન્મદિને રાષ્ટ્રને સમર્પિત કરી છે તેની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને પણ હાથ પર લીધો છે. પ્રોજેક્ટ શ્રીનિવાસના વડપણ હેઠળ પૂર્ણ થાય તેવું ઇચ્છી રહ્યાં છે તેથી તેમનો ગુજરાતનો હોદ્દો તેમને ચાલુ રાખવામાં આવી શકે છે. શ્રીનિવાસના કારણે મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્રોજેક્ટનું ભેજું ગુજરાત કેડરના સનદી અધિકારીનું છે. હવે તેઓ ડબલ રોલમાં છે. તેઓ મોદીની જેમ દિલ્હીના યજમાન અને ગુજરાતના મહેમાન છે. મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્દધાટન કરવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલ-ડિઝલનો ભડકો સરકારો ડૂબાડી શકે છે...

મોદી સરકારની તિજોરી ભરવાનું કામ કરતા નાણામંત્રી અરૂણ જેટલી ભૂલી રહ્યાં છે કે ભારતની જનતામાં હેપીનેસ નહીં હોય તો તે સરકાર માટે ખતરારૂપ બની શકે છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સરકારનો કોઇ અંકુશ નથી પરંતુ 21 ટકા સુધીની એક્સાઇઝ ડ્યુટી વધારી છે તે ઘટાડીને લોકોને સસ્તુ પેટ્રોલ આપી શકે છે. પેદાશો પર ભારેખમ વેટનું ભારણ તેઓ દૂર કરી પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી હેઠળ લાવી શકે છે. જો પેટ્રોલ જીએસટી હેઠળ આવે તો લોકોને 40 રૂપિયે એક લિટર મળી શકે તેમ છે. સરકારના દસ્તાવેજમાં લખ્યું છે કે ત્રણ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશોમાં 2.75 લાખ કરોડનો ટેક્સ લોકો પાસેથી ઉઘરાવી લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 2014માં જ્યારે કાચા તેલના દામ પ્રતિ બેરલ 112 ડોલર હતા ત્યારે ભારતમાં એવરેજ પેટ્રોલનો ભાવ લિટરે 73 થી 75 રૂપિયા હતો. આજે કાચા તેલના દામ બેરલદીઠ 53 ડોલર છે છતાં પેટ્રોલના ભાવ 80 રૂપિયા પહોંચી ગયા છે. યુપીએ સરકાર ઇન્ટરનેશનલ બજારને ધ્યાને લઇ ભાવવધારો કરતી હતી પરંતુ એનડીએ સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારીને ભાવ વધારી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 57 ટકા ટેક્સ નાંખીને વાહનચાલકો પાસેથી લૂંટ ચલાવી રહી છે છતાં મોદી ભક્તો મૌન છે.

વધુ ત્રણ આઇએએસ ડેપ્યુટેશન પર જઇ શકે છે...

ભારત સરકારે 2000ની બેચના કુલ 26 આઇએએસ ઓફિસરોને જોઇન્ટ સેક્રેટરી તરીકે પસંદ કર્યા છે. ઓફિસરોમાં ગુજરાત કેડરના ત્રણ ઓફિસરો છે કે જેમને એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. ઓફિસરોમાં- મિલિન્દ તોરવણે, એમ. થેનારસન અને અનુપમ આનંદનો સમાવેશ થાય છે. ત્રણ ઓફિસરોનું દિલ્હી ડેપ્યુટેશન પણ ઝડપથી આવે તેવી સંભાવના છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:49 am IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST